મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં અનરાધર વરસાદ, અનેક વિસ્તારોમાં જલભરાવ

મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મુંબઈ, ઠાણે અને કોંકણ ક્ષેત્રમાં મેઘકૃપા યથાવત્ રહી છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં રવિવારે સવારથી મેઘો મંડાતા શહેરજનો ખુશખુશાલ થઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી શહેર તેમજ પરાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. રાજ્યોના છૂટાછવાયા ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ભારે વરસાદને પગલે મધ્ય મુંબઈના હિન્દમાતા વિસ્તાર તેમજ પૂર્વનો પરા વિસ્તાર ચેમ્બુર પાણીમાં ગરક થઈ ગયો છે. દક્ષિણ મુંબઈના કાબામાં રવિવાર સવાર સુધીમાં 129.5 એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે સાંતાક્રુઝમાં પણ 200.8 એમએમ વરસાદ નોંધાયો હતો.
મુંબઈ નજીક આવેલા ઠાણે અને સિંધુદુર્ગ સહિત આસપાસના કોંકણ વિસ્તારમાં ભાર વિરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વિદર્ભમાં પણ મેઘ મહેર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શનિવારે મુંબઈ શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે પવનને પગલે 19 જેટલા સ્થળે ઝાડ પડવાના બનાવ બન્યા હોવાનું બૃહમુંબઈ મ્યુનિ. કોર્પોરેશને જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદ: ગીર સોમનાથ અને અમરેલીમાં પૂરબહાર
ગુજરાતમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી જારી રહી હતી તેમજ કોડીનારમાં આજે સવાર પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોર સુધીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલી અને દ્વારકામાં પણ જોરદાર ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.
રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં અમુક જ વિસ્તારોમાં વરસાદ થયો હતો. ગત ૨૩મી જૂન સુધી રાજ્યમાં સરેરાશ ૧૭ ટકા જેટલો વરસાદ પડી ગયો હતો. ૪થી જુલાઇ સુધી સરેરાશ વરસાદની ટકાવારી ૧૬.૮૭ ટકા છે. શુક્રવારે કોડીનારમાં ૬ ઇંચ, અમરેલીના જાફરાબાદમાં ૩.૫ ઇંચ, વાડીયામાં ૨.૫ ઇંચ, બાબરામાં બે ઇંચ, નર્મદાના ડેડીયાપાડામાં બે ઇંચ વરસાદ થયો હતો. છેલ્લા ૧૦ દિવસમાં માત્ર ૨ ટકા સરેરાશ વરસાદ જ થયો છે. અત્યાર સુધી ૧૦૧ તાલુકાઓમાં બેથી ૫ ઈંચ સુધી, ૧૦૩ તાલુકાઓમાં ૫થી ૧૦ ઈંચ સુધી, ૧૮ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધારે જ્યારે ૨૯ તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ્છે. છેલ્લા ૫ વર્ષમાં આ જૂન ૨૩ તારીખ સુધીનો આ સૌથી વધુ વરસાદ હતો. ગત વર્ષે પણ આ સમય સુધી ૧૬ ટકા જેટલો વરસાદ જ થયો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
