Tarif War: અમેરિકાના 104% સાથે ચીનના 84%

- અમેરિકાની આર્થિક દાદાગીરી અને બ્લેક મેઇલિંગને વશ નહીં થઈએ, છેક સુધી લડી લઈશુંઃ ચીન
- ચીને અમેરિકાની 18 કંપનીઓને એક્સ્પોર્ટ કંટ્રોલ લિસ્ટમાં મૂકી અને તેમાની છને અવિશ્વસનીય સંસ્થાઓની યાદીમાં સામેલ કરી
- ચીને સાત દુર્લભ ધાતુઓની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો હવે અમેરિકા સહિત કોઈપણ દેશમાં નિકાસ નહીં થાય
થોડા સમય પહેલા આવેલી ફિલ્મ પુષ્પા ધ ફાયરના હીરો અલ્લુ અર્જુનનો ડાયલોગ હતો ઝુકેગા નહી સાલા… આ ડાયલોગ ફક્ત ફિલ્મ જ નહીં ભારતીય રાજકીય વર્તુળોમાં પણ લોકપ્રિય થઈ ગયો હતો. હવે આ સંવાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. ટ્રમ્પની ૧૦૪ ટકાની ટેરિફની દાદાગીરી સામે ચીને આ જ ઝુકેગા નહીં સાલા અભિગમ અપનાવતા અમેરિકન પ્રોડક્ટ્સ પર ૮૪ ટકા ટેરિફ ઝીંકી દીધો છે. એટલેથી પણ ન અટકતા ચીને અમેરિકાની ૧૮ કંપનીઓ સામે આકરી કાર્યવાહી કરતાં તેને એક્સપોર્ટ કંટ્રોલ લિસ્ટમાં નાખી છે અને તેમાની છ કંપનીઓને અવિશ્વસનીય સંસ્થાઓની યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.
ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા મુજબ આ કંપનીઓ પર તાઇવાનને શસ્ત્રો વેચવાનો અને તેની સાથે ટેકનિકલ સહયોગ કરવાનો આરોપ છે. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીનના વિરોધ છતાં આ કંપનીઓ તાઇવાનને શસ્ત્ર વેચી રહી છે, જેથી ચીનના સાર્વભૌમત્વને ખતરો પહોંચી રહ્યો છે. ચીન આ કંપનીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરશે. ચીને ઉમેર્યુ હતું કે જે વિદેશી કંપનીઓ કાયદાનું પાલન કરે છે તેમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ છ કંપનીઓ શીલ્ડ એઆઈ, સિયેરા નેવાડા કોર્પોરેશન, સાઇબરલક્સ કોર્પોરેશન, એજ ઓટોનોમી ઓપરેશન્સ, ગુ્રપ ડબલ્યું, હડસન ટેકનોલોજીસ છે.
તેની સાથે ચીને ડંકાની ચોટ પર એલાન કરી દીધું છે કે અમેરિકાની દાદાગીરીને અને તેની સંરક્ષણવાદની નીતિને તે વશ નહીં થાય. તેની આર્થિક દાદાગીરીને અમે પહોંચી વળવા તૈયાર છીએ. પાછું ચીનના આ વલણને યુરોપીયન યુનિયનનું મૂક સમર્થન પણ મળ્યું છે, જેના પર ટ્રમ્પે ૨૦ ટકા ટેરિફ નાખ્યો છે. આમ હાલમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અને રશિયા-યુક્રેન બાજુએ રહી ગયું છે અને આખા વિશ્વની નજર અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વોર પર મંડાઈ છે.
ચીને કુલ ૧૦૪ ટકા ટેરિફ લાદવાના અમેરિકાના પગલાને બ્લેકમેઇલિંગ ગણાવી તેની આકરી ટીકા કરી હતી. બૈજિંગે જણાવ્યું હતું કે ટ્રમ્પ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ટ્રેડ વોરમાં ચીન છેક સુધી લડશે. યુરોપીયન કમિશનના વડા ઉર્સુલા સાથેની મુલાકાતમાં ચીનના પીએમ લી કિયાંગે જણાવ્યું હતું કે ચીન અમેરિકાએ લાદેલા ટેરિફને પહોંચી વળવા સંપૂર્ણપણે તૈયાર છે. આ ટેરિફ છતાં ચીનનો આર્થિક વિકાસ જારી રહેશે.
આમા યુરોપીયન યુનિયનના બંને હાથમાં લાડવા છે. જો આ ટ્રેડ વોરમાં અમેરિકન તંત્રની ખો નીકળે તો તેને ચીનમાંથી સસ્તો કાચો માલ મળશે. જો ચીનની ખો નીકળશે તો અમેરિકા સાથે તેના કારોબારમાં સીધો વધારો થશે. ટ્રમ્પે લગાવેલા ટેક્સ બુધવારથી અમલી બન્યા છે. તેમા ચીનની વસ્તુઓ પર લગાવવામાં આવેલો ભારે વેરો પણ સામેલ છે. તેના લીધે ગ્લોબલ ટ્રેડ વોરની સંભાવના વધી છે. બુધવારે ચીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને જણાવ્યું હતું કે સ્થિતિ વધારે વણસી ગઈ છે. તેણે ચેતવણી આપી હતી કે ચીન પર અમેરિકાના ટેરિફ વૈશ્વિક કારોબારમાં અસ્થિરતા સર્જી શકે છે. ચીને જણાવ્યું હતું કે રેસિપ્રોકલ ટેરિફ વ્યાપાર સંતુલન કરવાનું સમાધાન નથી, તેનાથી વિપરીત પરિણામ આવશે.
અમેરિકાએ ચીન પર કાર્યવાહી કરતાં ત્રીજો ટેરિફ બોમ્બ ફોડયો હતો. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે અમેરિકા ચીન પર કુલ ૧૦૪ ટકા ટેરિફ લગાવી રહ્યુ છે જે ૯મી એપ્રિલથી અમલી બનશે. ચીને અમેરિકાની આયાત પર ૩૪ ટકા વેરો લગાવ્યા બાદ અમેરિકાએ આ પગલું લીધું હતું.
તેમણે ચીને નાખેલા વેરાને એક ભૂલ ગણાવી હતી. તેમનું કહેવું હતું કે ટેરિફના લીધે તેમને હવે રોજના બે અબજ ડોલરથી પણ વધુ રકમ મળી રહી છે. હવે ચીને આ ૧૦૪ ટકા ટેરિફના જવાબમાં કુલ ૮૪ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.
અમેરિકા સાથે વધતા વ્યાપારિક તનાવ વચ્ચે ચીને એક ખાસ પગલું લેદા દુર્લભ ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ બધી ધાતુઓ આજના વિશ્વમાં આવશ્યક છે. તેનો ઉપયોગ નવી ટેકનોલોજી, દવાઓ, શસ્ત્રો અને ઉર્જા બનાવવા થાય છે. ચીનનો આ પ્રતિબંધ ફક્ત અમેરિકા પૂરતો જ મર્યાદિત નથી, બધા દેશો પર લાગુ થશે. ચીને જે સાત ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તે સૈમેરિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોસિયમ, લ્યુટેશિયમ, સ્કેન્ડિયમ અને યેટ્રિયમ સામેલ છે. આ ધાતુઓના નામ ભલે અલગ લાગે, પરંતુ તે આપણા જીવનનો હિસ્સો છે. તેના વગર કેટલાય મોટા ઉદ્યોગ ઠપ થઈ શકે છે.
ટ્રમ્પના ટેરિફની અસર હજી સુધી જાણી શકાઈ નથીઃ જયશંકર
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની અસરને હજી સુધી જાણી શકાઈ નથી અને ભારત આ સ્થિતિનો સામનો અમેરિકા સાથે આ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર કરીને કરવા માંગે છે એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું. અમેરિકન ટેરિફ પોલિસી અંગેના પ્રથમ જવાબમાં જયશંકરે જણાવ્યું હતુ કે ભારત કદાચ એકમાત્ર એવો દેશ છે જેણે વોશિંગ્ટનમાં ટ્રમ્પ ફરીથી સત્તા પર આવ્યા તેનો અંદાજ મૂકીને ટ્રેડ ડીલની તૈયારી આરંભી દીધી હતી. ટ્રમ્પે નાખેલા ટેરિફની સામે ભારતે ભારે દબાણ છતાં વળતો પ્રહાર કરવાનું ટાળ્યું છે. તેના બદલે ભારતે બાઇલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ (બીટીએ) કરવા પર વધુને વધુ ભાર મૂકી રહ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પના ટેરિફના પગલાંની અસરની તો હાલમાં ખબર ન પડે, પરંતુ અમારી લાંબા ગાળાની વ્યૂહરચના સ્પષ્ટ છે. અમે ટ્રમ્પ તંત્ર સાથે વહેલામાં વહેલી તકે જોડાઈને વિવાદાસ્પદ વેપારી મુદ્દાઓ ઉકેલવા તત્પર છીએ અને અમે આ વર્ષના વસં સુધીમાં દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટ કરવા તૈયાર થયા છીએ. પીએમ મોદી અને ટ્રમ્પે ફેબુ્રઆરીમાં કરેલી મંત્રણાના પગલે બંનેએ ૨૦૨૫માં બીટીએના પ્રથમ તબક્કાની વાટાઘાટની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે દરેક દેશ અમેરિકા સાથે વાટાઘાટ કરવા તેની પોતાની આગવી વ્યૂહરચના અપનાવી રહ્યુ છે અને ભારતે ટ્રમ્પ તંત્ર સાથે વેપાર કરાર કરવાના ધ્યેય પર ભાર મૂક્યો છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે લાદેલા રેસિપ્રોકલ ટેરિફના પગલે હચમચી ગયેલા વિશ્વના નેતાઓ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા લાઇન લગાવી રહ્યા છે. તેઓ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા આતુર છે. ટ્રમ્પે નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીના ડિનરમાં જણાવ્યું હતું કે ચાતક પક્ષી પાણી માટે તરસે તે રીતે વિશ્વના નેતાઓ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા તલસી રહ્યા છે. ટ્રમ્પે લગભગ ૧૮૦ દેશો પર લાદેલા ટેરિફના લીધે વિશ્વ સ્તરે ટ્રેડ વોરના મંડાણ થયા છે.
ટ્રમ્પનું કહેવું છે કે વિશ્વના નેતાઓ તેમને કહી રહ્યા છે કે સર પ્લીઝ ડીલ કરો, સર પ્લીઝ ડીલ કરો. તમે ડીલ કરો તે માટે અમે બધું કરી છૂટીશું. ટ્રમ્પે બીજી એપ્રિલના રોજ નવા ટેરિફની જાહેરાત કરી હતી. તેનો બુધવાર સવારથી અમલ થયો હતો.
ટ્રમ્પના ટેરિફના ચીનની માલસામગ્રી પર ૧૦૪ ટકા ટેરિફ, જ્યારે યુરોપીયન યુનિયન પર ૧૧થી લઈને ૫૦ ટકા ટેરિફનો સમાવેશ થાય છે. ટ્રમ્પ આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ્સની આયાત પર વધારાનો ટેરિફ લગાવવાનું આયોજન કરી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે હવે આગામી સમયમાં ફાર્માસ્યુટિકલ્સ પર મોટાપાયા પર ટેરિફ લગાવવાનું આયોજન કરી રહ્યા છીએ. તેઓ જ્યારે સાંભળશે ત્યારે તેઓ ચીન છોડી દેશે. તેઓ બીજા દેશો પણ છોડી દેશે. તેમની મોટાભાગની પ્રોડક્ટ અહીં વેચાય છે અને તેઓ બધા અહીં પ્લાન્ટ ખોલશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
