ઓક્સફોર્ડની કોવિશિલ્ડ વેક્સીનના ઈમર્જન્સી ઉપયોગ માટે મળી મંજૂરી
2021 કેલેન્ડર વર્ષના પહેલા જ ભારત સરકારે ભારતીય લોકોને મોટી રાહતના સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસ માટે ભારતમાં ઉપયોગમાં લેવા માટેની પ્રથમ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર રચિત એક્સપર્ટ પેનલે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશિલ્ડ વેક્સીનને આજરોજ તા.1લી જાન્યુઆરીને શુક્રવારે ઈમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ ભારત યુકે અને આર્જેન્ટિના બાદ ઓક્સફોર્ડની વેક્સીનને મંજૂરી આપનારો ત્રીજો દેશ બની ગયો છે.

ઓક્સફોર્ડની કોરોના વેક્સીન ભારતની કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટે 50 મિલિયન ડોઝ તૈયાર રાખ્યા છે અને તેમાના મોટા ભાગના ડોઝ ભારતમાં જ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું છે કે કોરોનાની વેક્સીન શનિવારે કોલ્ડ સ્ટોરેજમાંથી ભારના અન્ય રાજ્યોમાં ઝડપથી પહોંચાડવામાં આવશે.
ભારત જેવા દેશ માટે ઓક્સફોર્ડની કોવિશિલ્ડ વેક્સીન એકદમ યોગ્ય છે કેમ કે ફાઈઝર અને મોડર્નાની કોવિડ-19 વેક્સીનની જેમ ઓક્સફોર્ડની વેક્સીનને સ્ટોરેજ માટે અત્યંત નીચા તાપમાનની જરૂર નથી અને તે ઘરમાં વપરાતા ફ્રીઝ ટેમ્પરેચર (2થી 8 ડિગ્રી સેલ્સિયસ)માં પણ સ્ટોર કરી શકાય છે. તેથી શરૂઆતથી જ ઓક્સફોર્ડની વેક્સીન પર ભારતની નજર હતી. આ ઉપરાંત ઓક્સફોર્ડની વેક્સીનની કિંમત પણ અન્ય વેક્સીનની તુલનામાં સસ્તી છે. આ વેક્સીનના બે ડોઝ 1,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. ઓક્સફોર્ડની વેક્સીનની અસરકારકતા 95 ટકા છે.












