CIA ALERT

વાયરલ Archives - Page 11 of 80 - CIA Live

October 10, 2024
ratan-tata.png
1min288

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ.

મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

રતન ટાટાને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. મુંબઈમાં 10 વાગ્યાથી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.

મુંબઈ પોલીસના દક્ષિણ ઝોનના એડિશનલ કમિશનર અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે તેમના પાર્થિવ દેહને સવારે 10 થી બપોરે 3:30 વાગ્યા સુધી દર્શન માટે NCPA ખાતે રાખવામાં આવશે. દર્શન માટે આવનાર તમામ લોકોને અપીલ છે કે ત્યાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તેઓએ પોલીસની સૂચનાનું પાલન કરવું પડશે અને આવતા પહેલા તેમની પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. પોલીસનો સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું, “રતન ટાટાનું નિધન એક યુગનો અંત છે. તેઓ ભારતીય ઉદ્યોગના આધુનિકીકરણ અને તેનાથી પણ વધુ તેના વૈશ્વિકીકરણ સાથે ઊંડે સુધી સંકળાયેલા હતા. હું તેમને મળ્યો છું. ઘણા પ્રસંગોએ તેમની સાથે વાર્તાલાપ કરવાનો આનંદ મળ્યો અને તેમની દૂરંદેશી અને સૂઝબુઝનો લાભ મળ્યો. ઓમ શાંતિ! તેમના નિધનના શોકમાં સમગ્ર રાષ્ટ્ર સાથે જોડાઈએ.

October 6, 2024
ICC_Womens_T20_World_Cup.jpg
1min223

મહિલા વર્લ્ડ કપમાં ભારત માટે રવિવારે દુબઈમાં પાકિસ્તાન સામે ‘કરો યા મરો’

હેડ-ટુ-હેડ મુકાબલામાં ભારત 12-3થી આગળ, બન્ને ટીમમાં કોણ-કોણ છે?

મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજય થયો એ સાથે સેમિ ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમ માટે અત્યારથી મુશ્કેલ તો થઈ જ ગયું, ન્યૂ ઝીલૅન્ડને લાગલગાટ 10 ટી-20માં પરાજય જોયા બાદ 11મી મૅચમાં વિજય માણવા મળી ગયો. હવે રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે (બપોરે 3.30 વાગ્યાથી) ભારતનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મુકાબલો છે. આ મૅચ ભારતે જીતવી જ પડશે અને ત્યાર બાદ 9મી ઑક્ટોબરે એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને પણ હરાવવું પડશે, કારણકે ત્યાર બાદ 13મી ઑક્ટોબરે ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે લોઢાના ચણા ચાવવાના છે એટલે એમાં વિજયની સંભાવના નહીંવત કહેવાય.

પાકિસ્તાન સામેનો રવિવારનો મુકાબલો જીતવો અત્યંત જરૂરી એ માટે છે કે કિવી ટીમ સામેની 58 રનના માર્જિનથી થયેલી હાર બાદ હવે વિમેન ઇન બ્લ્યૂને એક પરાજય પણ પરવડશે નહીં. ભારતનો રન રેટ -2.99 છે એટલે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા મોટા માર્જિનથી પાકિસ્તાન, શ્રીલંકા તથા ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવવો પડશે.

ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં નબળી પુરવાર થઈ હતી. બીજી બાજુ, ફાતિમા સનાના સુકાનમાં પાકિસ્તાનની ટીમે શ્રીલંકા સામે ગુરુવારે વિજય મેળવ્યો હતો. પાકિસ્તાનની ટીમ બે-અઢી દિવસના આરામ બાદ ભારત સામે રમવા આવી રહી છે, જ્યારે ભારતીય ટીમને શુક્રવારના પરાજય બાદ એક જ દિવસનો આરામ મળ્યો છે.

જોકે પાકિસ્તાન સામેની ટી-20માં ઇતિહાસ ભારતની તરફેણમાં છે એટલે હરમનપ્રીતની ટીમ જીતીને ફરી ટૂર્નામેન્ટના મુખ્ય પ્રવાહમાં આવી શકશે. ભારતે પાકિસ્તાનને 15માંથી 12 ટી-20માં હરાવ્યું છે અને ફક્ત ત્રણમાં જ પરાજય જોયો છે.

પાકિસ્તાનની બોલિંગ લાઇન-અપ મજબૂત છે. એમાં નિદા દર, ફાતિમા સના અને સાદિયા ઇકબાલનો સમાવેશ છે. તેમની સામે શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત, રિચા ઘોષ, જેમાઇમા રૉડ્રિગ્સ વગેરે બૅટર્સે સારું પર્ફોર્મ કરવું જ પડશે.

બન્ને દેશની ટીમ

ભારત:
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને સજીવન સજના.

પાકિસ્તાન:
ફાતિમા સના (કૅપ્ટન), ગુલ ફિરોઝા (વિકેટકીપર), આલિયા રિયાઝ, ડાયના બેગ, ઇરમ જાવેદ, મુનીબા અલી, નશરા સંધુ, નિદા દર, ઓમઇમા સોહેલ, સદફ શમાસ, સાદિયા ઇકબાલ, સિદરા અમીન, સઇદા શાહ, તસ્મિઆ રુબાબ, તુબા હસન.

September 23, 2024
rhea-singha.png
1min411

Dated 23/09/24 રવિવારે રાજસ્થાનના જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. આ ઇવેન્ટમાં ગુજરાતની 19 વર્ષની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નું ટાઇટલ જીત્યું હતું.

અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલાએ તેને ‘તાજ મહેલ’ ક્રાઉન પહેરાવ્યો હતો. આ જીત બાદ હવે રિયા લેવલ પર મિસ યુનિવર્સનો ખિતાબ જીતે તેવી બધાને અપેક્ષા છે.

રિયા અમદાવાદની છે અને તેણે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણી શાળાના દિવસોથી જ મોડેલિંગ અને પેજન્ટ કોમ્પિટિશનમાં ભાગ લે છે. હવે તે અમદાવાદની યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. આ પહેલા રિયાએ મિસ ટીન અર્થ 2023નો ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે મિસ ટીન યુનિવર્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

રિયાની મોટી જીત પછી તેણે કહ્યું કે, ‘આજે મેં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. મારી જાતને આ તાજ માટે લાયક માની શકું તે સ્થાને પહોંચવા માટે મેં સખત મહેનત કરી છે. હું અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છું.’

અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલા આ ઇવેન્ટની જજ હતી. તેમજ ઉર્વશીએ રિયાની જીત પર આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ જીતશે.’

September 23, 2024
supreme.jpg
1min296

સુપ્રીમ કોર્ટે તેના એક ઐતિહાસિક ચુકાદામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા કે જોવાને POCSO હેઠળ અપરાધ જાહેર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત ચુકાદાને ફગાવી દીધો હતો, જેમાં જણાવ્યું હતું કે, ચાઈલ્ડ પોર્ન વીડિયો ડાઉનલોડ કરવો અને જોવો એ ગુનો નથી.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દ ન વાપરવા નિર્દેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા વીડિયોને POCSO એક્ટની કલમ 15(3) હેઠળ ગુનો સાબિત કરવા માટે એ સાબિત કરવું પડશે કે આ વીડિયો કોઈ લાભ માટે સ્ટોર કરવામાં આવ્યો હતો. કોર્ટે સંસદને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દને ‘બાળકોનું જાતીય શોષણ-અપમાનજનક સામગ્રી’ સાથે બદલવાનું સૂચન કર્યું છે. આ સુધારા માટે વટહુકમ લાવવા સરકારને અપીલ કરવામાં આવી છે. તદુપરાંત સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યો છે.

મદ્રાસ કોર્ટના ચુકાદાને પડકાર્યો

ઉલ્લેખનીય છે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે કેરળ હાઈકોર્ટે 13 સપ્ટેમ્બર, 2023માં ચુકાદો આપ્યો હતો કે, જો કોઈ વ્યક્તિ અંગત સ્વરૂપે અશ્લીલ ફોટો કે વીડિયો જોઈ રહ્યો છે તો તે ગુનો નથી, પરંતુ તે બીજાને તે વીડિયો બતાવી રહ્યો છે, તો તે અપરાધ છે. આ નિવેદન આપતાં મદ્રાસ હાઈકોર્ટે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતે. જેના પગલે આ ચુકાદાને પડકારતા એક એનજીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

September 23, 2024
chess-olympiad.png
1min285

ભારતે 23/09/24 ઈતિહાસ રચ્યો હતો. ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ 45મા ચેસ ઓલિમ્પિયાડના અંતિમ રાઉન્ડમાં પોતપોતાના હરીફોને હરાવીને સ્પર્ધામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ, અર્જુન એરિગેસી અને આર પ્રજ્ઞાનાનંદાએ સ્લોવેનિયા સામે 11મા રાઉન્ડમાં પોતપોતાની મેચ જીતી હતી.

ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં 97 વર્ષમાં પહેલીવાર ભારતે પુરુષ અને મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડી ગુકેશ અને અર્જુન એરિગેસીના દમ પર ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઓપન વિભાગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત મહિલા વિભાગમાં પણ ભારતે ગોલ્ડ કબજે કર્યો છે.

ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે આ બંને વિભાગમાં ગોલ્ડ જીત્યો હોય તેવું પણ પ્રથમ વખત બન્યું છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગુકેશે વ્લાદિમીર ફેડોસીવને હરાવ્યો, જ્યારે એરિગેસીએ જાન સુબેલને હરાવ્યો હતો.

ભારતીય પુરુષ ટીમમાં ડી ગુકેશ, અર્જુન એલિગસી, વિદિત ગુજરાતી, પેન્ટલા હરિકૃષ્ણા, આર પ્રજ્ઞાનાનંદ અને શ્રીનાથ નારાયણન સામેલ હતા. જ્યારે મહિલા ટીમે છેલ્લી મેચમાં અઝરબૈજાનને 3.5-0.5થી હરાવ્યું હતું. મહિલા ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજીત કુંતેનો સમાવેશ થાય છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપના ચેલેન્જર્સ ગુકેશ અને અર્જુન એરિગેસીએ ફરી એકવાર મુખ્ય મેચોમાં સારું પ્રદર્શન કરીને ભારતને ઓપન કેટેગરીમાં તેનું પ્રથમ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. સ્લોવેનિયા સામેની મેચમાં ગુકેશે બ્લેક પીસ સાથે વ્લાદિમીર ફેડોસીવ સામે ટેક્નિકલ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જો કે તેણે સખત લડત આપી હતી, પરંતુ 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે શાનદાર વ્યૂહરચના અપનાવી હતી.

September 18, 2024
harmanpreet-singh-act-win-600-1726599585.jpg
1min277

કેપ્ટન હરમનપ્રીતે મદદ કરતા જુગરાજે ગોલ કરીને ઈતિહાસ રચાવ્યો

એશિયન ચેમ્પિયન ટ્રોફી 2024ની ફાઈનલમાં ભારતીય હોકી ટીમે ચીનને 1-0થી હરાવ્યું. મેચની શરુઆતમાં બંને ટીમ તરફથી કોઈ ગોલ કરવામાં આવ્યો નહોતો, ત્યાર બાદ અંતિમ પડાવમાં જુગરાજ સિંહે છેલ્લી મિનિટમાં ગોલ કરીને ભારતીય ટીમને પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું ગૌરવ અપાવ્યું છે.

સતત પાંચમી વખત ભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ચીને પહેલી વખત ફાઈનલ સુધી પહોંચ્યું હતું, પરંતુ પહેલી વખત ડ્રેગન ઘરભેગું થયું હતું. પહેલા ક્વાર્ટરમાં બંને ટીમ તરફથી એક પણ ટીમ એક પણ ગોલ કરી શકી નહોતી. ભારતીય ટીમે ગોલ કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી નોહતી. ભારતીય ટીમને એક તબક્કે બે પેનલ્ટી કોર્નર પણ મળ્યા હતાં. બીજા ક્વાર્ટરમાં બંને ટીમ તરફથી કોઈ ગોલ કરી શકી નહોતી. ચીનનું ડિફેન્સ મજબૂત રહ્યું હતું, જ્યારે ભારતીય ટીમનું આક્રમક પ્રદર્શન પણ કાબીલે દાદ આપનારું રહ્યું હતું.

ત્રીજા ક્વાર્ટરમાં ચીન તરફથી અનેક વખત આક્રમણ થયું હતું, પરંતુ ભારતીય ગોલકીપર કૃષ્ણા પાઠક આગળ કંઈ કરી શક્યા નહોતા. જોકે, આજની મેચમાં છેલ્લે છેલ્લે ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે મદદ કરતા છેલ્લી ઘડીએ જુગરાજ ગોલ કરવામાં સફળ રહ્યો હતો. જુગરાજે 51મી મિનિટમાં ગોલ દાગીને ચીનને પરાસ્ત કરવામાં સિંહફાળો આપ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમને ગોલ્ડ મળ્યો છે, જ્યારે ચીનને સિલ્વર મેડર જીત્યો છે. બીજી બાજુ પાકિસ્તાન ત્રીજા ક્રમે રહ્યું છે. પાકિસ્તાને દક્ષિણ કોરિયાને 5-2થી હરાવ્યું છે.

અહીં એ જણાવવાનું કે ભારતીય હોકી ટીમનું એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. લાગલગાટ તબક્કાવાર ધુરંધર ટીમોને હરાવી હતી. છેલ્લે સેમી ફાઈનલમાં ભારતીય ટીમે દક્ષિણ કોરિયાની ટીમને આક્રમક રીતે હરાવ્યું હતું. સેમી ફાઈનલની મેચમાં કોરિયાઈ ટીમ સામે હરમનપ્રીત સિંહ, ઉત્તમ સિંહ અને જરમનપ્રીત સિંહે ગોલ કર્યો હતો. કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યાં હતા.

August 27, 2024
jay-shah.png
1min217

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના ચૅરમૅનપદે ત્રીજા ભારતીય: દાલમિયા અને પવાર પ્રમુખપદે હતા

બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ આગામી પહેલી ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા ચૅરમૅન તરીકેનો હોદ્દો સંભાળશે. તેઓ મંગળવારે આ સર્વોચ્ચ પદ પર બિનહરીફ ચૂંટાયા હતા.

જય શાહ 35 વર્ષના છે અને આઇસીસીના સૌથી યુવાન અધ્યક્ષ બન્યા છે. તેઓ ચૅરમૅનપદ મેળવનાર એન. શ્રીનિવાસન (2014-’15) અને શશાંક મનોહર (2015-2020) પછીના ત્રીજા ભારતીય છે. ન્યૂ ઝીલૅન્ડના 62 વર્ષીય ગ્રેગ બાર્કલે પોણાચાર વર્ષ આ હોદ્દા પર રહ્યા હતા. તેઓ બે વર્ષની મુદતની ત્રીજી મુદત માટે તૈયાર ન હોવાથી ચૂંટણી થઈ હતી જેમાં જય શાહ એકેય પ્રતિસ્પર્ધી ન હોવાને કારણે સરળતાથી ચૂંટાયા હતા.

ખરેખર તો અગાઉ આઇસીસીના પ્રમુખ આ ક્રિકેટ સંસ્થાના સર્વોચ્ચ શાસક ગણાતા હતા, પરંતુ 2016માં પ્રમુખપદની પ્રથા બંધ કરવામાં આવી હતી અને ત્યારથી ચૅરમૅનનો માનદ હોદ્દો સર્વોચ્ચ ગણાય છે.

ભારતના જગમોહન દાલમિયા (1997-2000) અને શરદ પવાર (2010-2012) આઇસીસીના પ્રમુખપદે હતા.

જય શાહ ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર છે. જય શાહ 2019ની સાલથી ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી છે. તેઓ આઇસીસીના વહીવટમાં મોખરાનું (હાઈ-પ્રોફાઇલ) સ્થાન મેળવનાર (શ્રીનિવાસન, મનોહર, દાલમિયા અને પવાર પછીના) પાંચમા ભારતીય છે.

જય શાહ ક્રિકેટનો વિશ્ર્વભરમાં ફેલાવો કરવા માટે મક્કમ છે અને એ માટે તેઓ આઇસીસીની ટીમ તથા મેમ્બર-રાષ્ટ્રો સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. તેમણે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ‘મને આઇસીસીનું ચૅરમૅનપદ મળ્યું એ બદલ ખુશી અને ગૌરવ અનુભવું છું. ક્રિકેટના તમામ ફૉર્મેટ વિશે સંતુલન જાળવવા, અદ્યતન ટેક્નોલૉજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમ જ મોટી ક્રિકેટ-ઇવેન્ટ્સને વૈશ્ર્વિક સ્તરે લઈ જવા માગું છું.’

આઇસીસીની 75 ટકાથી વધુ કમાણી ક્રિકેટજગતની સૌથી શ્રીમંત બીસીસીઆઇ દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે. એવું મનાય છે કે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડમાંથી કોઈ એક દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા ચૅરમૅનપદ માટે જય શાહનું નામ સૂચવવામાં આવ્યું હતું અને બીજા એક દેશના બોર્ડ દ્વારા તેમને સપોર્ટ કરવામાં આવ્યા હતા.

આઇસીસીના બંધારણ મુજબ કુલ 17 વોટ ધ્યાનમાં લેવાતા હોય છે. એમાં 12 ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્ર, ચૅરમૅન, ડેપ્યૂટી ચૅરમૅન, બે અસોસિયેટ મેમ્બર-રાષ્ટ્ર અને એક અપક્ષ મહિલા ડિરેકટરનો સમાવેશ હતો.

આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને એ બાબતમાં મહત્ત્વના નિર્ણયો લેવાનું સૌથી પહેલું કામ જય શાહે પાર પાડવું પડશે.

August 27, 2024
gujarat-map-raining.png
4min332

ગુજરાતમાં ચાર દિવસથી વરસતા મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. રેલવે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સહિતના જાહેર પરિવહનને પણ ભારે અસર પહોંચી છે. રાજ્યમાં એસટી બસના 64 રૂટ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 583 ટ્રિપ રદ કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ ,ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રિપ અને રૂટ રદ થયા છે. વરસાદના પગલે આજે સ્કુલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટ એસટી ડિવિઝન હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરિયાળ ગામડાઓમાં જતી એસટી બસ કેન્સલ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને હલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યમાં કેટલા હાઈવે-રસ્તા બંધ

ગુજરાતમાં ચાર દિવસથી સતત ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ 636 જેટલા હાઈવે-રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતમાં એક નેશનલ હાઈવે, 34 સ્ટેટ હાઈવે, 44 અન્ય, 557 પંચાયત સહિત કુલ 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આણંદ ખંભાતમાં મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણ લોકોનાં મોત થયા છે. ખડોધી ગામે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં માતા-પિતા તેમજ બાળકનો સમાવેશ થાય છે.

રાજ્યમાં એસટી બસ સેવાને પર અસર

રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે ઠેર ઠેર પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા છે. જેની એસટી બસ સેવાને પર અસર પહોચી છે. રાજ્યના સ્ટેટ હાઇવે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે 14512 રૂટ પૈકી 64 રૂટ તેમજ 40515 ટ્રિપ પૈકી 583 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં

  • દાહોદના 15 રૂટ અને 242 ટ્રિપ રદ્દ,
  • મહીસાગરમા બસના 10 રૂટ અને 112 ટ્રિપ રદ્દ,
  • પંચમહાલમાં બસના 5 રૂટ, 63 ટ્રિપ રદ્દ,
  • આણંદમા બસના 6 રૂટ, 12 ટ્રિપ રદ્દ,
  • ખેડામા બસના 7 રૂટ, 18 ટ્રિપ રદ્દ,
  • સુરતમા બસના 5 રૂટ, 14 ટ્રિપ રદ્દ,
  • નવસારીમા બસના 3 રૂટ, 43 ટ્રિપ રદ્દ,
  • વલસાડમાં બસના 8 રૂટ, 27 ટ્રિપ રદ્દ કરવામાં આવી છે.
  • વરસાદના પાણી ઓસરતા તેમજ માર્ગ વાહન વ્યવહારને લાયક થતા ત્યાર બાદ બંધ રૂટ, ટ્રિપ પૂર્વવત્ કરવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટએ એડવાઈઝરી જાહેર કરી

અમદાવાદ શહેરના વાતાવરણની આગાહીને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમદાવાદ શહેરની વરસાદની આગાહીને પગલે ફ્લાઇટનું શિડ્યુલ ખોરવાઈ શકે છે. આથી ફ્લાઇટનો સમય એક વખત એરલાઇન્સ સાથે નક્કી કરીને જ એરપોર્ટ માટે નીકળવું અને જો ફ્લાઇટ સમયસર હોય તો થોડા સમય પહેલાં જ એરપોર્ટ આવી જવું. જેથી સરળતાથી ચેકિંગ થઈ શકે તેમ જણાવવામાં આવ્યું છે. શહેરમાં ગઈકાલે વહેલી સવારથી જ સાંજ સુધી અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો, તેને કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઘટી ગઈ હતી. જેની સૌથી વધુ અસર અમદાવાદ એરપોર્ટ ઉપર આવતી ફ્લાઇટ અને એરપોર્ટ સાથે ફ્લાઈટને અસર થઈ હતી. અમદાવાદથી ટેકઓફ થતી કુલ 71 ફ્લાઈટ મોડી પડી હતી. જ્યારે અન્ય સેક્ટરમાંથી અમદાવાદ આવતી 42 જેટલી ફ્લાઈટ મોડી પડી હતી.

ભારે વરસાદથી રેલવેને અસર

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર પહોચી છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી છે. જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી રહી છે. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા અનેક ટ્રેનો મોડી પણ ચાલી રહી છે.

ટ્રેનો સંપૂર્ણપણે રદ

  • 27મી ઓગસ્ટની ટ્રેન નંબર 12971 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
  • 27મી ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22927 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ

શૉર્ટ ટર્મિનેટેડ ટ્રેનો

26 ઓગસ્ટ 2024 ના રોજ, ભાવનગરથી ચાલતી ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન વલસાડ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
26 ઓગસ્ટ 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસને રાજકોટ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024 ના રોજ, બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન અમદાવાદ-ભુજ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

શૉર્ટ ઓરિજિનેટેડ ટ્રેન

27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસ વલસાડ સ્ટેશનથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રાજકોટથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન ભાવનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ અમદાવાદથી ટૂંકી ઉપડશે. બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વચ્ચે આંશિક કેન્સલેશન રહેશે.

ટ્રેનો ડાયવર્ટ કરી

  • ૧. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ ગોધરા-ડાકોર-આણંદ-અમદાવાદ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  • ૨. 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-રતલામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે.
  • ૩. 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-રતલામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે.
  • ૪. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12215 દિલ્હી સરાય રોહિલા-બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  • ૫. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  • ૬. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
August 27, 2024
monsoon.png
1min217

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં જ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે ગત વર્ષે એટલે કે 27 ઓગસ્ટ, 2023ની સ્થિતિ જોવામાં આવે તો રાજ્યમાં 81.80 ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર તેમ જ દક્ષિણ ગુજરાત સર્વત્ર મેઘમહેર થઈ છે. બીજી તરફ રાજ્યમાં હાલ 96 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 19 ડેમ એલર્ટ પર છે.

કચ્છમાં સિઝનમાં સીઝનનો સૌથી વધુ વરસાદ

ગુજરાતમાં 27મી ઓગસ્ટ 2024ના સવારે 11 વાગ્યાની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં સરેરાશ 101.58 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સિઝનનો કુલ 116.79 ટકા વરસાદ પડી ચુક્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો કુલ 79.99 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાત સિઝનમાં સરેરાશ 98.74 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિઝનનો 101.52 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 108.20 ટકા વરસાદ વરસી ચુક્યો છે.આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સૌથી વધુ 170 ટકા વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં સિઝનનો 136 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં જળાશયો છલકાયા

27મી ઓગસ્ટ, 2024ની સવારે આઠ વાગ્યાની સ્થિતિ પ્રમાણે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 86.97 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 ડેમમાં પાણીનો 72.76 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં હાલ 76 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. જ્યારે 46 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 50થી 70 ટકા ભરાયેલા હોય તેવા ડેમોની સંખ્યા 23 છે. જ્યારે 30 ડેમ 25થી 50 ટકા ભરાયેલા છે. રાજ્યના 31 ડેમ એવા છે જેમાં 25 ટકાથી ઓછો પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં હાલ 96 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 19 ડેમ એલર્ટ પર છે. સાત ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી ખાલી એવો રાજકોટનો આજી ડેમ પણ ઑવરફ્લો થયો છે. અગાઉ પડેલા વરસાદમાં પણ સૌરાષ્ટ્રના ડેમમાં સારી એવી પાણીની આવક થઈ હતી.

August 27, 2024
rain3.jpg
3min197

રવિવાર 25/08/24 સાંજથી ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો હતો, જે સોમવારે પણ ચાલુ રહેવા પામ્યો હતો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાં પામ્યાં હતાં, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. જેના કારણે શહેરની ઉપર ફરી એક વખત પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.

સુરત અને નવસારીમાં પણ અતિભારે વરસાદના અહેવાલ છે.

રાજકોટમાં ભારે વરસાદને કારણે જિલ્લા તંત્ર દ્વારા ‘ધરોહર લોકમેળા’માં ભરાઈ ગયેલા પાણીને દૂર કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તેની ઉપર પાણી ફરી વળ્યું હતું.

જામનગરમાં વરસાદના તાજેતરના રાઉન્ડથી શહેરને પીવાનું પાણી પૂરું પાડતા રણજીતસાગર સહિત 15 ડૅમ ઑવરફ્લૉ થયા છે.

ભાવનગરના જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાએ નાગરિકોને કૉઝ-વે તથા પાણીનું ઑવરટૉપિંગ થતું હોય તેવા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરી છે. જિલ્લા તંત્ર દ્વારા વરસાદને પગલે ઍલર્ટ આપવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગરના મૂળી તથા ચોટિલા તાલુકામાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટુકડી સુરેન્દ્રનગર પહોંચી છે. જેને સ્ટૅન્ડ-બાયનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાયલા તથા આસપાસના વિસ્તારોને પાણી પૂરું પાડતો થોરિયાળી ડૅમ ભરાવાની અણિ પર છે. વઢવાણને પાણી પૂરું પાડતો ધોળીધજા ડૅમ પણ છલકાવવા પર છે.

મહીસાગર જિલ્લામાં કડાણા ડૅમ છલકાયો છે, જેના કારણે ડૅમના દરવાજા ખોલવાની જરૂર હોય, નીચાણવાળા 40 ગામોને સાવચેતી રાખવા તાકિદ કરવામાં આવી છે.

અમરેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને સાવચેતી જાળવવા અપીલ કરી છે. આ સિવાય એનડીઆરએફની એક ટીમ અહીં પહોંચી છે. જાફરાબાદ, શિયાળ બેટ, ધારાબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, તથા ભારે પવનની સંભાવનાને જોતાં દરિયામાં ગયેલા માછીમારોને પણ પરત ફરવા માટે તાકિદ કરવામાં આવી છે.

બોટાદમાં ભારે વરસાદની આગાહીને પગલે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય અરવલ્લીમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.

ગુજરાતમાં અત્યારસુધીમાં 1,653 લોકોનું રૅસ્ક્યૂ

ગુજરાતમાં અત્યારસુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1,653 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 22 ટીમ કાર્યરત્ છે.

સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 157 મિલી એટલે કે છ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

રાજ્યના માહિતીખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સિઝનનો સરેરાશ 91.88 ટકા વરસાદ પડી ગયો છે. રાજ્યનાં 206 જળાશયોમાંથી 59 જળાશયો ભરાઈ ગયાં છે. 72 જળાશયો હાઇ ઍલર્ટ પર અને 22 જળાશયો ઍલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

સમગ્ર રાજ્યમાં 7,009 ગામોનો વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો તે પૈકી 6,977 ગામોમાં વીજપૂરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

તો કેટલાક વિસ્તારોમાં અલગઅલગ જગ્યાએ છુટોછવાયો વરસાદ પણ વરસી રહ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા તો કેટલાંક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં.

શનિવારે ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઘાટલોડિયા અને નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

દક્ષિણ ગુજરાતનાં વલસાડ, સુરત અને નવસારીમાં રવિવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો.

બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટમાં વરસાદે જનમાષ્ટમીના મેળાની મજા બગાડી હતી.

રાજ્યમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને જોતાં ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જીલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટે પ્રબંધન અંગે સૂચના આપી હતી.

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી. અમિત શાહે મુખ્ય મંત્રીને રાજ્યને મદદ બાબતે આશ્વાસન આપ્યું હતું.

અહેવાલ પ્રમાણે, શાહે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વાતચીત દરમિયાન રાજ્યને તમામ મદદ આપવાનો વાયદો પણ કર્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કોઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો વરસાદ પણ થઈ શકે છે.

સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં આવેલા ઘવાણા ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં અને એક ટ્રેકટરની ટ્રૉલી પલટી જતાં 17 લોકો ફસાયા હતા.

મોરબીના ઘવાણા ગામ નજીક એક ટ્રેક્ટરની ટ્રૉલી પલટી જતાં 17 લોકો ફસાયા છે અને તેમને બચાવવા માટે સર્ચ અને રૅસક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે.”

આ વિશે મીડિયા સાથેની વાતચીતમાં મોરબીના કલેકટર કેબી ઝવેરીએ માહિતી આપતા કહ્યું, “અતિભારે વરસાદને કારણે કૉઝવે પરથી ભારે પ્રમાણામાં પાણી વહી રહ્યું હતું. આ સમયે ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું અને પાણીના ભારે વહેણને કારણે ટ્રેક્ટરની ટ્રૉલી પલટી હતી. આ ટ્રૉલીમાં લગભગ 17 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અમે સ્ટેટ ડિઝાસ્ટર રીલિફ ફોર્સને મદદ માટે બોલાવી છે. અમે અત્યાર સુધી 10 લોકોનો જીવ બચાવ્યો છે. અમે બાકીના લોકોને પણ બચાવવા માટે બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ.”

કેટલાક જિલ્લામાં અતિભારે તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાત વેધરની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, રાજ્યના લગભગ 140 તાલુકામાં રવિવારે એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા વાપી તાલુકામાં રવિવારે સૌથી વધારે લગભગ 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડ જિલ્લાના જ કપરડા અને પારડી તાલુકામાં 12-12 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ઉકાઇ ડેમનાં ઉપરવાસમાં સતત પાણીની આવકને કારણે ડેમના 15 દરવાજાને લગભગ 10 ફૂટ ખોલવામાં આવ્યાં છે.

સુરતના ઉમરપાડા તાલુકામાં પણ લગભગ 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં લગભગ 11 ઇંચ, વલસાડના ધરમપુર તાલુકામાં નવ ઇંચ અને મહેસાણાના વિજાપુર તાલુકામાં આઠ ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત ગીર-સોમનાથ, જૂનાગઢ, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, રાજકોટ, દાહોદ, મહેસાણા, નર્મદા, પોરબંદર અને પંચમહાલ જીલ્લાનાં કેટલાક તાલુકાઓમાં બેથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે સિસ્ટમ અરબી સમુદ્રમાં દૂર ના જતી રહે ત્યાં સુધી વરસાદ પડવાની સંભાવના છે.

હાલ પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદ પડી રહ્યો છે, જે સિસ્ટમ આગળ વધતાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર તેનું જોર વધશે અને ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલની સ્થિતિ પ્રમાણે ચાર દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.

ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં પણ આજથી વરસાદનું પ્રમાણ વધશે.

27થી 29 ઑગસ્ટ સુધી સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને કોઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો વરસાદ પણ થઈ શકે છે.