કેરળના કોઝીકોડ જિલ્લામાં રહસ્યમય અને જીવલેણ નિપાહ વાઇરસને કારણે અત્યાર સુધી ૧૦ લોકોનાં મૃત્યુ થયાં છે અને અન્ય છ પેશન્ટની હાલત એકદમ ગંભીર હોવાનું કહેવાય છે. અન્ય ૨૫ પેશન્ટોને ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિનો ક્યાસ કાઢવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક હાઈ લેવલ ટીમને કોઝીકોડ મોકલી છે. છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં અને ત્રણે એેક જ પરિવારના હતા. અમુક પેશન્ટોની સારવાર કરનાર એક નર્સ પણ મૃત્યુ પામી છે અને તેને પણ નિપાહ વાઇરસ લાગુ પડી ગયો હતો કે કેમ એની તપાસ ચાલુ છે. પરિસ્થિતિની ગંભીરતા જોતાં રાજ્ય સરકારે કોઝીકોડમાં કન્ટ્રોલ રૂમ પણ ઊભો કર્યો છે. આ રોગ જેને થયો હોય તેના સંપર્કમાં આવવાથી જ એ લાગુ પડી શકે છે. આને લીધે રાજ્ય સરકારે જે લોકોને આ રોગ થયો છે તેમની યાદી જાહેર કરી છે અને એ પેશન્ટોને અલગ રાખવામાં આવ્યા છે. હૉસ્પિટલોને આઇસોલેશન વૉર્ડ ઊભા કરવાની પણ સૂચના આપવામાં આાવી છે.
આ રોગના પેશન્ટને ૪૮ કલાકની અંદર સારવાર ન મળે તો એ કદાચ કોમામાં સરી પડી શકે છે. આ વાઇરસ સામે હજી સુધી કોઈ રસી પણ વિકસિત થઈ નથી.
નિપાહ વાઇરસને NiV ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. એનાં લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ, ભારે તાવ, માથાનો દુખાવો, શરીરમાં બળતરા, ચક્કર આવવાં અને બેહોશીનો સમાવેશ છે.
આ બીમારી માટે ફ્રૂટ બૅટ એટલે કે ચામાચિડિયા જવાબદાર હોવાનું કહેવાય છે. માત્ર ફળ કે ફળના રસનું સેવન કરતા આ ચામાચિડિયા આ રોગના મુખ્ય વાહક છે. આવાં ફળ કે અન્ય ખાદ્ય પદાર્થના સંપર્કમાં આવનારને આ રોગ થઈ શકે છે. ડુક્કર મારફત પણ એ ફેલાય છે.
ભારતમાં ૨૦૦૧ અને ૨૦૦૭માં પશ્ચિમ બંગાળમાં આ રોગ જોવા મળેલો અને ત્યાં કુલ ૭૧ કેસ સામે આવેલા અને એમાંથી ૫૦ પેશન્ટ મૃત્યુ પામ્યા હતા. બંગલા દેશની સીમા નજીકના વિસ્તારમાં બન્ïને વખત આ રોગ ફેલાયેલો
આ રોગ સૌપ્રથમ ૧૯૯૮માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યાં નિપાહ નામના ગામમાં આ રોગ ફેલાયેલો અને એ ગામના નામ પરથી રોગને નિપાહ નામ મળ્યું છે. ત્યાં ડુક્કરોને કારણે મનુષ્યોમાં આ રોગ ફેલાયેલો