CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 28 of 41 - CIA Live

May 15, 2019
online-pharmacy.jpg
1min8150

ભારતમાં ઓનલાઇન ફાર્મસીનું ચલણ વધી રહ્યું છે પરંતુ તે લોકોના આરોગ્ય માટે જોખમી છે કારણ કે શિડ્યૂલ્ડ ડ્રગ્સ કે નાર્કોટિક્સ ડ્રગ્સનો દૂરુપયોગ થવાની પૂરી શક્યતાઓ છે. કાયદા મુજબ રિટેલ સ્ટોરમાંથી રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાનું વેચાણ કરી શકાય છે અને તેમાં પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય હોય છે અને ડોક્ટરે લખેલી બ્રાન્ડ પણ બદલી શકાતી નથી જ્યારે ઓનલાઇન ફાર્મસીમાં કોઇ ચોક્સાઇ વગર દવાઓનું વેચાણ થાય છે.

ડ્રગ્સ ડિલિવરીમાં તમામ તબક્કે માર્જિન ફિક્સ છે ત્યારે ઓનલાઇન ફાર્મસી મોટા ડિસ્કાઉન્ટ આપીને રિટેલ કેમિસ્ટ્સના અસ્તિત્વ સામે ખતરો બની રહી છે.

પ્રિસ્ક્રિપ્શન અપલોડ કરવાનું હોય છે પરંતુ તેની વિશ્વસનિયતા હોતી નથી. વિકસિત દેશોમાં પણ ઓનલાઇન ફાર્મસીને માત્ર ઓટીસી પ્રોડક્ટ્સનું વેચાણ કરવાની મંજૂરી છે અને તેઓ અન્ય ડ્રગ્સનું વેચાણ કરી શકતા નથી. જોકે, એસોસિયેશનના હોદ્દેદારો જ ઓનલાઇન ફાર્મસીને દવાઓનું વેચાણ કરતા હોવાના મુદ્દે સભ્યોમાં રોષ છે.

સમગ્ર દેશમાં ઓનલાઇન ફાર્મસી બિઝનેસ સામે રિટેલ કેમિસ્ટ્સ વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમને જે હોલસેલરો દવાની સપ્લાય કરે છે તેમની સામે વિરોધ કરી રહ્યા છે

ડ્રગ રુલ્સ પ્રમાણે કોઇપણ વ્યક્તિને સપ્લાયનો ઇનકાર કરવો શક્ય નથી.

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન્સના હરેશ શાહે આ અંગે જણાવ્યું હતું કે, “મેં અંગત કારણોસર એસોસિયેશનના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ઓનલાઇન ફાર્મસીને સપ્લાયનો વિરોધ કરવામાં આવે છે પરંતુ ડ્રગ રૂલ્સ પ્રમાણે અમે કોઇને સપ્લાય કરવાનો ઇનકાર કરી શકીએ નહીં અને કોઇ પણ માલ માંગે તો સપ્લાય કરવી જરૂરી બને છે.”

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન્સના સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ કેમિસ્ટ્સ એસોસિયેશન દ્વારા ઓનલાઇન ફાર્મસી સામે આંદોલન ચલાવવામાં આવે છે પરંતુ તેના જ કેટલાક હોદ્દેદારો ઓનલાઇન ફાર્મસી કંપનીઓને માલ સપ્લાય કરતા હોવાના પૂરાવા વોટ્સએપ પર ફરતા થયા હતા અને તેના પગલે એસોસિયેશને પાંચ હોલસેલર અને ડિસ્ટ્રીબ્યુટરને પ્રત્યેકને ₹10,000નો દંડ કર્યો હતો.

May 15, 2019
studentoftheyear.jpg
1min8770

કરણ જોહરના સ્ટુડન્ટ બોક્સ ઓફિસ પર પાસ થયા નથી. કરણ જોહરના પ્રોડક્શન હાઉસની અને પૂનિત મલ્હોત્રાના ડાયરેક્શનમાં બનેલી બિગ બજેટની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2એ બોક્સ ઓફિસ પર નબળો દેખાવ કર્યો છે. સોમવારે આ ફિલ્મના કલેક્શનમાં પપ ટકાનો ઘટાડો આવ્યો હતો.
સોમવારે સ્ટુડન્ટના બીજા ભાગે માત્ર પ.2પ કરોડનો જ વકરો કર્યો હતો. આથી કરણ જોહરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ સાબિત થઈ છે. 100 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા નથી. વધીને 60-70 કરોડ આસપાસ પહોંચી શકે તેમ છે. તેની કુલ કમાણી 43 કરોડ થઈ છે. કરણ જોહરના પ્રોડક્શન હાઉસની આ પહેલા રીલિઝ થયેલી મોટા બજેટની ફિલ્મ કલંક સુપર ફલોપ રહી હતી.
May 14, 2019
birthday-bumps-images-8.jpg
1min7230

(Symbolic Pic)

સુરતમાં ખાસ કરીને લોઅર મિડલ ક્લાસના યંગસ્ટર્સ પોતાના મિત્રની બર્થ ડે ઉજવણીના બહાને જાહેર માર્ગ પર વગર પીધે છાકટા થઇને જંગલીયત પર ઉતરી આવતા હતા. પોતાના મિત્રની સાથે ટપોરીઓને પણ શરમાવે એ રીતે મારઝૂડ અને જુલ્મો આચરતા સુરતી યંગસ્ટર્સની આખરે શાન ઠેકાણે લાવવા માટે પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર બર્થડે બમ્પસના સેલિબ્રેશન પર પ્રતિબંધ લાદવો પડ્યો હતો. બર્થ ડે પર ઘાતકી રીતે મારઝૂડ કરવાનો ટ્રેન્ડ મિડલ અને લોઅર મિડલ ક્લાસ પરિવારના યંગસ્ટર્સમાં જ જોવા મળતો હતો. જ્યારે બર્થ ડે ની જાહેર માર્ગ પર ઉજવણી કરતા ત્યારે આ સુરતી યંગસ્ટર્સ એટલી જંગલિયત પર ઉતરી આવતા હતા કે મારઝૂડની સાથે ગાળાગાળી કરીને આખા વિસ્તારમાં અશાંતિ મચાવી મૂકતા હતા.

(Symbolic Pic)

પણ હવે સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ જંગલીયતભર્યા બર્થ ડે સેલિબ્રેશન સામે નિષેધાત્મક આદેશ જાહેર કર્યો છે.

પોલીસ કમિશનરના આદેશો બાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, સ્પેશિયલ બ્રાન્ચ, પી.એલ. ચૌધરીએ આઈપીસી 188 અંતર્ગત આદેશોની અવગણના ન થાય તે માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત પોલીસ આ જાહેરનામાનો ભંગ કરતી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકશે.

સુરતના અડાજણ, ઉમરા, ડુમસ વગેરે વિસ્તારમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે જાહેર જગ્યાઓ પર ખાસ કરીને મુખ્ય માર્ગો પર થતી જન્મદિવસની ઉજવણી હિંસાત્મક અને જાહેર જીવનમાં ખલેલ પહોંચાડનારી બનતી હતી. એક યુવકનો બર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો હતો તે સમયે તેને પહેલા બાંધી દીધો હતો અને બાદમાં તેના પર ઈંડા ફેંકવામાં આવ્યા. પાડોશીનું ધ્યાન જતાં તેણે યુવકને છોડાવતા તે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો.

બર્થ ડે બમ્પસ સામે પ્રતિબંધ મૂકવાની આખા દેશમાં પહેલ કરનારા પોલીસ કમિશનર શ્રી શર્માએ કહ્યું હતું કે, ‘આ જાહેરનામું લોકોમાં સાવચેત કરવા માટે બહાર પાડવામાં આવ્યું છે કે, કેટલાક પ્રકારની ઉજવણી જીવન માટે ખતરારૂપ હોય છે અને તેનાથી બચીને રહેવું જોઈએ. પોલીસ માત્ર જાહેર માર્ગ પર કેક લગાવનારને નહીં, પરંતુ પીટાઈ કરનારને તેમજ અન્ય સંબંધિત ગુનાઓમાં પણ કેસ દાખલ કરશે.

હિંસક રીતે જન્મદિવસની ઉજવણીની બાબતમાં પોલીસ રસ્તા તેમજ અન્ય જાહેર સ્થળો પર પેટ્રોલિંગ કરશે. પોલીસ પેટ્રોલિંગ ટીમ આવી રીતે થતી ઉજવણીઓ પર પણ નજર રાખશે તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું. ડુમસ રોડ પર જન્મદિવસની ઉજવણી નિયમિત રીતે થાય છે, જેના કારણે મુસાફરો, ફુટપાથ પર બેસતા તેમજ પરિવાર અને મિત્રો સાથે ફરવા આવતા લોકોને ખલેલ પહોંચે છે.

May 12, 2019
CEMENT.jpg
1min8880
  • રૂ.260નો ભાવ એક માસમાં વધી 365-370 થઇ ગયો
  • એક જ મહિનામાં સિમેન્ટના ભાવ 30થી 35 ટકા વધી ગયા
  • સમગ્ર ભારતમાં સૌથી વધુ સિમેન્ટ વપરાશ કરતા સુરત અને દક્ષિણ ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડે તેવી સ્થિતિ, હજુ પણ ભાવ વધવાની શક્યતા
વિકાસનું માપદંડ ગણાતી સિમેન્ટના ભાવ આ વખતે છેલ્લા બે દાયકાની હાઇએસ્ટ સપાટીએ પહોંચી ચૂક્યા છે. હજુ એપ્રિલમાં રૂ.260 પ્રતિ ગુણે મળતી સિમેન્ટના ભાવ વિતેલા સપ્તાહે રૂ.360થી રૂ.370 સુધી પહોંચી ચૂક્યા હતા અને હજુ કહેવાય છે કે ચાલુ માસાંત સુધીમાં હજુ 10 ટકા જેટલો જંગી વધારો સિમેન્ટના ભાવમાં થાય છે. સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાત ઝોન એવો છે જ્યાં હાલ સિમેન્ટનો સૌથી વધુ વપરાશ થઇ રહ્યો છે ત્યારે સિમેન્ટના ભાવમાં આવેલા આ તોતિંગ વધારાને કારણે બાંધકામ ઉદ્યોગને માઠી અસર પહોંચે તેમ છે. જે બિલ્ડરોએ બુકિંગ  કરી દીધા છે તેઓ કફોડી સ્થિતિમાં મૂકાય ગયા છે ક્યાં તો માર્જિન ઓછું થશે અગર તો તેમણે બાંધકામ થોડા સમય બંધ કરી દેવાની નોબત આવીને ઉભી છે.
બિલ્ડરો ક્યાં તો બુકિંગ ધારકો પાસે સિમેન્ટ ભાવ વધારો માંગશે ક્યાં તો બુકિંગ રદ કરી દેશે, બુકિંગ ધારકો પાસે પણ લડવા સિવાય કોઇ વિકલ્પ નહીં રહે, સિમેન્ટ ભાવ નજીકના ભવિષ્યમાં કાબૂમાં આવે તેવી પણ કોઇ સ્થિતિ દેખાતી નથી
ચૂંટણી પૂરી થયા પછી ગુજરાતમાં અચાનક લોકસમસ્યાઓ સપાટી પર આવી જવા પામી છે. પાણીની તંગીની તીવ્ર પરિસ્થિતિ એકાએક ચૂંટણી પછી ડોકાય અને હવે સિમેન્ટ કંપનીઓએ અભૂતપૂર્વ ભાવ વધારો ઝીકી દીધો છે. બિલ્ડર અગ્રણીઓનું કહેવું છે કે મોટા ભાગે હવે બિલ્ડરો થોડો સમય માટે બાંધકામ બંધ કરી દે તો નવાઇ નહીં કેમકે આમેય ઓછા માર્જિનથી બુકિંગ કર્યું હોય અને એમાં પણ સિમેન્ટના ભાવ એક જ મહિનામાં ત્રીસ-પાંત્રીસ ટકા જેટલા વધી જતાં બિલ્ડરો, બાંધકામ કરનારાઓની સ્થિતિ કફોડી થવા પામી છે.
સિમેન્ટના ભાવ વધારાને કારણે બિલ્ડરો અને બુકિંગ ધારકો વચ્ચે આગામી દિવસોમાં મોટી તકરાર જોવા મળે તેમ છે. મોટા ભાગની બાંધકામ સાઇટ્સ પર બિલ્ડરોએ બુકિંગ ધારકોને તેડાવવાનું શરૂ કરીને તેમને સિમેન્ટના ભાવથી વાકેફ કર્યા છે અને હવે બિલ્ડરો સિમેન્ટના ભાવ વધારો આપવા માટે બુકિંગ ધારકોને જણાવી રહ્યા છે. બીજી તરફ, બુકિંગ ધારકો એક પણ રૂપિયાનો વધારો આપવા સંમત નથી આવી સ્થિતિમાં ઘર્ષણ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. ક્યાં તો બિલ્ડર્સ સોદો ફોક કરી દેશે ક્યાં તો ગ્રાહકો તેની સામે કોર્ટમાં જાય તો નવાઇ નહીં.
રાજકોટ બિલ્ડર એસોસીએશન સિમેન્ટ કંપનીઓ સામે લડશે
સિમેન્ટ કંપનીઓ દ્વારા કરાયેલા આ ધરખમ ભાવ વધારા અંગે રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરાએ મિડીયાકર્મીઓને કહ્યું હતું કે, ગુજરાત કક્ષાએ બિલ્ડર એસોસિએશન દ્વારા ગેરવ્યાજબી ભાવવધારા મુદ્દે મેઈલ મારફત જાણ કરવામાં આવી રહી છે. સિમેન્ટ કંપનીઓ દ્વારા મે મહિનાના અંત સુધીમાં ભાવ ઘટાડવામાં નહી આવે તો બિલ્ડર એસોસિએશન સિમેન્ટ કંપનીઓ સામે લડશે.
May 10, 2019
surat_loksabha.png
1min7400

દાયકા પહેલાં આવેલી મંદીમાં ડેવલપરોએ 40 ટકા સુધી ઘટાડો કર્યો હતો : રેરા-જીએસટી અને ઊંચા પ્રીમિયમને કારણે માર્જિન ઘટી ગયું હોવાથી બિલ્ડરો પણ લાચાર

સુરત શહેર, અર્બન એરીયા તેમજ તેને અડીને આવેલા વિસ્તારોમાં હાલમાં બે લાખ જેટલી નવી મિલક્તો જેમાં સૌથી વધુ ફ્લેટ્સ છે, દુકાનો, ઓફિસ, રો હાઉસ, ગાળા ટાઇપ મકાનો વગેરે ખાલી પડ્યા હોવા છતાં તેના ભાવો ઘટતાં નથી. શહેરીજનોને પણ નવાઇ લાગી રહી છે કે પડ્યા પડ્યા મિલક્તો ખરાબ થઇ રહી છે, બાંધકામો સડી રહ્યા છે આમ છતાં બિલ્ડરો, ઓર્ગેનાઇઝરો મિલક્તોના ભાવ ઓછા કરીને વેચવા કેમ કાઢતા નથી. હાલ આ મુદ્દો લગભગ દરેક ધંધાદારી લોકોના સર્કલથી લઇને ફ્રેન્ડસ ગ્રુપોમાં ચર્ચાય રહ્યો છે.

દાયકા સવા દાયકા પહેલાં પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જબરદસ્ત મંદી આવી હતી. એ વખતે જે રીતે નવી ખાલી મિલક્તોા ભાવમાં 40 ટકા જેવો જંગી ઘટાડો થયો હતો એવો આ વખતે થયો નથી. ફ્લેટના વેચાણમાં અત્યંત મંદી હોવા છતાં બિલ્ડરો ભાવમાં ઘટાડો કરવાને બદલે ફ્લેટો જાળવી રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે નાણાં લઇને બેઠેલા ઇન્વેસ્ટર્સ માથું ખંજવાળી રહ્યા છે કે તેમની પાસે સસ્તા ભાવે રોકાણની તક આવતી નથી. આવી સ્થિતિ છેલ્લા દોઢેક વર્ષથી સર્જાયેલી જોવા મળી રહી છે.

બિલ્ડરો અને ડેવલપર્સનું માર્જિન ઘટી રહ્યું છે

એક જાણીતી સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે રિયલ એસ્ટેટ માર્કેટ પર લગાવવામાં આવેલા ભારે વેરા અને પ્રીમિયમની ઊંચી રકમને કારણે ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. આ બધાની વચ્ચે રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે સ્પર્ધા આવી ગઈ છે, ત્યારે ફક્ત આઠ ટકા જેવા નજીવા માર્જિનમાં ડેવલપરો ફ્લેટ વેચી રહ્યા છે અને તેથી જ ભાવમાં વધુ ઘટાડો કરવા તેઓ તૈયાર નથી.

ફાઇનાન્સ અને ઇન્ટરેસ્ટ કોસ્ટમાં વધારો, બિલ્ડરો લાઇન છોડીને અન્ય વેપારમાં નજર દોડાવી રહ્યા છે

2005થી ફાઈનાન્સ અને ઈન્ટરેસ્ટની કોસ્ટમાં અંદાજે આઠ ગણો વધારો થઈ ગયો છે,કેમ કે બિલ્ડરોને ધીમી ગતિએ થતા વેચાણને લઈને લાંબા ગાળાની લોન લેવી પડે છે. આ ઉપરાંત જમીનની કિંમતમાં નવ ગણો, મંજૂરીઓ પાછળ થતા ખર્ચમાં સાત ગણો અને ક્ધસ્ટ્રક્શન કોસ્ટમાં બમણો વધારો થતાં ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. 2005માં એક પ્રોજેક્ટને પૂરો થતાં સરેરાશ ત્રણ વર્ષ લાગતા હતા, તેને સ્થાને હવે 6 વર્ષ લાગે છે. આ બધું મળીને પ્રોજેક્ટની 35 ટકા કિંમત થઈ જાય છે અને સૌથી મોટો ખર્ચ આ જ છે.

શહેરના મોટા ભાગના રિયલ એસ્ટેટના માંધાતાઓએ હવે બિલ્ડીંગ લાઇન પરચૂરણ લઇન થઇ ગયાનું માનીને પોતાની મૂડી મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં નાંખવાના આયોજન કર્યા હોવાનું જણાય આવે છે. બિલ્ડિંગ કન્સ્ટ્રકશનમાં કોસ્ટ વધી, મળતર ઘટ્યું અને નાના પ્લેયર્સ પણ આવી રહ્યા હોઇ હવે મોટા માંથા રિયલ એસ્ટેટમાંથી ખસી રહ્યા છે.

મિલક્તો પોતાની કિંમતે વેચવા માટે અનેક સ્કીમો બિલ્ડરોએ આપવી પડી રહી છે

આ બધા ઉપરાંત ડેવલપરો પ્રોપર્ટીની કિંમતની ચુકવણીમાં હપ્તા પાડીને આપે, ફ્લોર રાઈઝના હિસાબે વધારાની કિંમત ન વસૂલે, જીએસટી અને રજિસ્ટ્રેશન ફી ચુકવી આપે આ બધાને કારણે તેમના પર વધારાના 10-20 ટકા જેટલો બોજો પડી રહ્યો છે. અનેક ડેવલપરોએ તો તૈયાર પડેલા પોતાના ફ્લેટો વેચવા માટે 10-15 વર્ષના હપ્તાની સ્કીમ બનાવી આપી છે, જેથી તેમનું રોલિંગ અટકી ન પડે. આને કારણે પણ નફામાં કાપ મુકાઈ રહ્યો છે.

2005માં કોઈ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનારી વ્યક્તિ અને આજે એ જ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારી વ્યક્તિ લગભગ સમાન કિંમત ચુકવી રહી છે તેના પરથી રિયલ એસ્ટેટ માર્કેટની હાલતનો અંદાજ આવે છે. જીએસટી અને સ્ટેમ્પ ડ્યૂટી ઉપરાંત રેરાએ પણ પ્રોપર્ટી માર્કેટ પર ગંભીર અસર કરી છે.

May 7, 2019
urinal.jpg
1min6430

ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં હવે મનપાએ તંત્રએ ક્લિન સિટીની ઝુંબેશ શરૂ કરી છે. જાહેર રસ્તા પર થૂંકનારા અને લઘુશંકા કરનારાઓને નોટિસો ફટકારીને તેમની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. મનપાએ છેલ્લા એક સપ્તાહમાં 48 વોર્ડમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ જાહેરમાં પેશાબ કરતા 105 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે, તેમની પાસેથી તંત્રએ રૂપિયા 10,600ની વસૂલાત કરી છે. આ ઉપરાંત જાહેરમાં થૂંકવા અંગે 330 લોકોને નોટિસ મોકલવામાં આવી છે અને તેમની પાસેથી રૂપિયા 34,900ની વસૂલાત કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ રૂલ્સ ભંગ બદલ તમામ કેસોમાં કુલ 1013 લોકોને નોટિસ મોકલવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા શહેરના જાહેર માર્ગ ઉપર થૂંકતા નાગરિકોને દંડવા માટે ઇ-મેમોની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યૂનિસિપલના વિભાગે અત્યાર સુધી રૂપિયા 7.08 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. જ્યારે 260 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેસ્ટ જપ્ત કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક અંગે 2475ને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસેથી રૂપિયા 14.59 લાખનો દંડ વસૂલ કરાયો છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 26324 નોટિસો આપવામાં આવી છે.

May 7, 2019
talala_kesar.jpg
1min7080

ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વિશ્ર્વ વિખ્યાત ગીરની કેસર કેરીનો 6 May પ્રારંભ થયો હતો. આ અંગે યાર્ડના ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું હતું કે, હરાજીમાં સૌ પ્રથમ બોક્સ રૂ.11,000માં વેચાયું હતું. આ રકમ ગાયોના ફાળા માટે વપરાશે. અંદાજિત 13000 બોક્સની હરાજી થઈ હતી. 10 કિલોના 1 બોક્સના ભાવ રૂ.400 થી રૂ.1,000 રહ્યા હતા. ગત વર્ષે સિઝન દરમ્યાન કુલ 10 લાખ જેટલા બોક્સની હરાજી થઈ હતી. બાગાયતકારોના જણાવવા અનુસાર, આ વર્ષે પાક ઓછો હોવાથી કદાચ ઓછા બોક્સની હરાજી થશે તેમ મનાય છે.

May 5, 2019
water_cut.jpg
1min4820

સૌરાષ્ટ્રમાં હવે ઉનાળામાં પીવાના પાણીની કોઇ સમસ્યા જ નહીં રહે એવા સરકારના વારંવારના દાવાઓ વચ્ચે પણ અત્યારે મોટાભાગના નગરોમાં લોકો પાણી કાપ સહન કરી રહ્યાં છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં અનેક ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ગામ રાજકોટમાં પણ પાણીકાપથી લોકો પરેશાન છે ત્યારે શહેરના ચાર વોર્ડમાં આજે પાણી કાપ ઝીંકી દેવામાં આવતા મહિલાઓ બેડાં લઇને પીવાનું પાણી ભરવા નીકળી હતી.

ચોમાસા સુધી પાણીની કોઈ તકલીફ નહીં રહે. રાજકોટવાસીઓ ચિંતા કરશો નહીં, રોજ ર0 મિનિટ પાણી આપીશું આવી મહાપાલિકાના ભાજપી શાસકોએ જાહેરાત કર્યા બાદ જાણે માઠી દશા બેઠી હોય તેમ પાંચ વોર્ડમાં પાણીના ધાંધિયા સર્જાયા બાદ હવે ચાર વોર્ડના બે લાખ જેટલા લોકો પર ઓચિંતો પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે. શુક્રવાર રાત્રે મોડેથી વોટર વર્કસ શાખાએ જાહેર કર્યું કે વેસ્ટ ઝોન અંતર્ગત ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નર્મદાનું પાણી પૂરું પાડતી જીડબલ્યુઆઈએલની મુખ્ય પાઈપલાઈન એનસી 34 પર શટડાઉન હોવાથી રૈયાધાર હેડ વર્કસ હેઠળ આવતા ગાંધીગ્રામ અને 1પ0 ફૂટ રીંગ રોડ હેઠળ આવતાં વિસ્તારો (વોર્ડ નં.1, ર પાર્ટ, 9 પાર્ટ અને 10 પાર્ટ) માં શનિવારે પાણી વિતરણ બંધ રહેશે. ચાર વોર્ડમાં પાણીકાપથી આશરે બે લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. પાણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા કે વહેલા-મોડું પાણી વિતરણ કરવાને બદલે સીધો કાપ ઝીંકી દેવામાં આવે છે.

May 3, 2019
water.png
1min6370

ગુજરાત સરકારે પાણીની હાલમાં ઉદભવી રહેલી વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા અંતરીયાળ ગામડાઓના વિસ્તારના લોકો માટે ખાસ ટેલિફોનિક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. પાણીને લગતી સમસ્યાઓ માટે ગુજરાત સરકારના હેલ્પલાઈન નંબર 1916 પર સંપર્ક કરીને કોઇપણ પ્રકારની સમસ્યા અથવા ફરીયાદ રજિસ્ટર્ડ કરાવી શકાશે.

ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતમાં આ વખતનો ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. ગુજરાતને આકરો પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના છેવાડાના ગામો અને શહેરો પાણીની તંગીથી પરેશાન છે. અધિકારીઓના પ્રમાણે માર્ચ-એપ્રિલમાં સરકારમાં થતી ફરિયાદોમાં પાણીને લગતી ફરિયાદોના પ્રમાણમાં વધારો થયો છે. સરકાર પાણીને લગતી સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઈન 1916 જાહેર કરી છે. જેમાં એપ્રિલમાં 860 ફરિયાદો મળી છે.

મે મહિનાના પહેલા જ દિવસે ફરિયાદોનો આંકડો આશ્ચર્યજનક રીતે વધીને 257 પર પહોંચી ગયો છે. બીજી મેના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં પણ 159 ફરિયાદો આવી હતી.

May 2, 2019
gst.jpg
1min4810

ગત એપ્રિલ મહિનામાં ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની વસૂલી માર્ચ મહિનાના રૂ. 1.06 લાખ કરોડ સામે વધીને રૂ. 1.13 લાખ કરોડની વિક્રમ સપાટીએ રહી હોવાનું નાણાં મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે.

મંત્રાલયના જણાવ્યાનુસાર ગત એપ્રિલ મહિનામાં જીએસટી પેટેની કુલ વસૂલી રૂ. 1,13,865 કરોડની સપાટીએ રહી હતી. જેમાં સેન્ટ્રલ જીએસટી પેટે રૂ. 21,163 કરોડની, સ્ટેટ જીએસટી પેટેની રૂ. 28,801 કરોડ, ઈન્ટિગ્રેટેડ જીએસટી પેટે રૂ. 54,733 કરોડ અને રૂ. 9168 કરોડ સેસનો સમાવેશ થતો હતો. ગત 30 એપ્રિલ સુધીમાં વેચાણનાં રિટર્ન જીએસટીઆર3બી ફાઈલ કરનારની સંખ્યા 72.13 લાખની રહી હતી. વર્તમાન નાણાકીય વર્ષ 2019-20ના પહેલા અથવા તો એપ્રિલ મહિનામાં થયેલી જીએસટીની વસૂલી અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ રહી હતી. તેમ જ એપ્રિલ 2018ની સરખામણીમાં થયેલી રૂ. 1,03,459 કરોડની વસૂલી સામે 10.05 ટકાની આકર્ષક વૃદ્ધિ થઈ હોવાનું યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે સરકારે આઈજીએસટીનાં રેગ્યુલર સેટલમેન્ટમાંથી રૂ. 20,370 કરોડ સીજીએસટી પેટે અને રૂ. 15,975 કરોડ એસજીએસટી પેટે સેટલ કર્યા છે. આ ઉપરાંત કેન્દ્ર પાસે રહેલા બેલેન્સમાંથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની 50:50ની સરાસરીની જોગવાઈ અનુસાર સરકારે રૂ. 12,000 કરોડ પણ સેટલ કર્યા હતા.

એકંદરે એપ્રિલ મહિનામાં રેગ્યુલર અને પ્રોવિઝનલ સેટલમેન્ટ કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની મહેસૂલી આવક સીજીએસટીની રૂ. 47,533 કરોડની અને એસજીએસટીની રૂ. 50,776 કરોડની રહી હતી. નાણાકીય વર્ષ 2019-20 માટે સરકાર સીજીએસટી પેટે રૂ. 6.10 લાખ કરોડ, 1.01 લાખ કરોડ કોમ્પેન્શેસન સેસ અને આઈજીએસટી પેટે રૂ. 50,000 કરોડની વસૂલીની ધારણા મૂકી છે. નોંધનીય બાબત એ છે કે વર્ષ 2018-19માં સીજીએસટી વસૂલી રૂ. 4.25 લાખ કરોડ રહી હતી, જ્યારે કોમ્પેન્સેસન સેસની વસૂલી રૂ. 97,000 કરોડ કરતાં વધુ રહી હતી. વધુમાં ગત મહિનાની જીએસટીની મહેસૂલી આવક વર્ષ 2018-19ની સરેરાશ માસિક રૂ. 98,114 કરોડની સરખામણીમાં 16.05 ટકાની સપાટીએ રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.