
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના સભ્યોએ ગુરુવારે દેશ-વિદેશના નેતાઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મળીને અંદાજે 8,000 મહેમાનની હાજરીમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.
રાષ્ટ્રપતિભવનના ફોર કૉર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 68 વર્ષીય મોદી અને પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મોદીએ બીજી વખત આ સ્થળે શપથ લીધા હતા.
અહીં યોજાયેલા ભવ્ય સમારંભમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, અનેક રાજ્યના મુખ્ય પ્રધાન, વિદેશી મહાનુભાવો, ફિલ્મ અને રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો મહેમાન તરીકે હાજર રહ્યા હતા. શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરીસેના અને ભુતાનના વડા પ્રધાન લોટય ત્શેરિંગ આ કાર્યક્રમમાં હાજર રહેવા ગુરુવારે આવ્યા હતા, જ્યારે બંગલાદેશના પ્રમુખ અબ્દુલ હમીદ બુધવારની રાતે જ આવી ગયા હતા.
મોરિશસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ ગુરુવારે સવારે ભારતની રાજધાનીમાં આવ્યા હતા. ભુતાનના વડા પ્રધાન લોટય ત્શેરિંગ દિલ્હી આવ્યા ત્યારે વિદેશ સચિવ વિજય ગોખલેએ તેમનું સ્વાગત કર્યું હતું.
થાઇલેન્ડના ખાસ દૂત તરીકે ત્યાંના પ્રધાન ગ્રીસદા બૂનરાચનું ગુરુવારે સવારે રાજધાનીમાં આગમન થયું હતું.
સ્પૉટર્સ ક્ષેત્રના રાહુલ દ્રવિડ, સાઇના નેહવાલ, પી. ટી. ઉષા, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, પુલેલ્લા ગોપીચંદ, દીપા કરમાકર, ફિલ્મ ક્ષેત્રના બોની કપૂર, સુશાંતસિંહ રાજપૂત, રાજકુમાર હીરાની, રજનીકાંત, શાહરુખ ખાન, કંગના રનોટ, સંજય ભણસાલી, કરણ જોહર, ઉદ્યોગપતિઓમાં રતન તાતા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અજય પિરામલ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અધ્યક્ષ ક્રિશ્ર્ચિયન લેગાર્ડ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ગેટ્સને આ સમારંભમાં આમંત્રણ અપાયું હતું.
રાષ્ટ્રપતિભવનના પ્રવક્તા અશોક મલિકે જણાવ્યું હતું કે ગુરુવારે રાતે 7 થી 8.30 વાગ્યા સુધી યોજાયેલા શપથવિધિ સમારંભમાં આટલી મોટી સંખ્યામાં કદાચ સૌપ્રથમ વખત મહેમાનો હાજર રહ્યા હતા. ભોજન સમારંભ રાતે 9 વાગ્યે શરૂ કરાયો હતો અને તેની પહેલાં નાસ્તો પણ અપાયો હતો.
કિર્ગીઝસ્તાનના પ્રમુખ સૂરોનબય જીનબેકોવ, નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી અને મ્યાનમારના પ્રમુખ યુ. વિન મિન્ટ પણ હાજર રહ્યા હતા.
શપથવિધિ સમારંભ આશરે 90 મિનિટ ચાલ્યો હતો અને તે પછી મહેમાનોને રાત્રિભોજન પીરસાયું હતું.
રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા યોજાયેલા ભોજન સમારંભમાં ‘દાળ રાયસીના’, પનીર ટીક્કા, રાજભોગ, લેમન ટાર્ટ સહિત અનેક વાનગીઓ હતી. ભોજનની પહેલાં નાસ્તો પણ અપાયો હતો. દાળ રાયસીનાની મુખ્ય સામગ્રી લખનઊથી લવાઇ હતી.
અગાઉ, ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મોદીના શપથવિધિ સમારંભમાં ગેરહાજર રહેવાની જાહેરાત કરી હતી.
નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદની 30મી મેએ યોજાયેલી શપથવિધિમાં બંગલાદેશ, ભુતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડનો સમાવેશ કરતા સંગઠન – બૅ ઑફ બંગાળ ઇનિશિયેટિવ ફૉર મલ્ટિ-સૅક્ટરલ ટૅક્નિકલ એન્ડ ઇકૉનૉમિક કૉઑપરેશન (બીઆઇએમએસટીઇસી)ના સભ્ય દેશના વડાઓ, શાંઘાઇ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશનના હાલના વડા કિર્ગીસ્તાનના પ્રમુખ અને મોરિશસના વડા પ્રધાન સહિત વિદેશના અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું હતું, પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ નહોતું અપાયું.
બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના આ સમય દરમિયાન અન્ય ત્રણ વિદેશની યાત્રાએ ગયા હોવાથી તેઓ મોદીના શપથવિધિ સમારંભમાં હાજર રહી નહોતા શક્યા.
બંગલાદેશના મુક્તિસંગ્રામને લગતી બાબતોના પ્રધાન એ. કે. એમ. મોઝામ્મેલ હક મોદીના શપથવિધિ સમારંભમાં બંગલાદેશ સરકારના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા.
