
કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની કથિત હત્યા બાદ કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Canadian PM Justin Trudeau) વારંવાર ભારત વિરુદ્ધ અવાર-નવાર ઝેર ઓકતા રહે છે. ટ્રુડો સરકારે નિજ્જર કેસમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ ‘વ્યક્તિગત હિત’નો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યા બાદ ભારતે કેનેડામાંથી ભારતીય રાજદૂતને પરત બોલાવી લીધા બાદ વધુ એક મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે કેનેડાના હાઈકમિશનર સહિત છ રાજદ્વારીની હકાલપટ્ટી કરી છે. ભારતે તેમને 19 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે સંજય કુમાર વર્માને તાત્કાલિક ત્યાંથી ભારત પરત બોલાવી દીધા છે. ભારત સરકારે કેનેડામાંથી હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.
ભારતે કેનેડાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને તેમને શનિવાર 19 ઓક્ટોબરની મધ્યરાત્રિ 12 પહેલા ભારત છોડવા આદેશ આપ્યો છે. આ રાજદ્વારીઓમાં કાર્યવાહક હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલર, ડેપ્યુટી હાઈ કમિશનર પેટ્રિક હેબર્ટ, ફર્સ્ટ સેક્રેટરી મેરી કેથરીન જોલી, ફર્સ્ટ સેક્રેટરી લેન રોસ ડેવિડ ટ્રાઈટ્સ, ફર્સ્ટ સેક્રેટરી એડમ જેમ્સ, ફર્સ્ટ સેક્રેટરી પૌલ ઓર્જુએલાના નામ સામેલ છે.
આ મામલાને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે સાંજે કેનેડાના કાર્યકારી રાજદ્વારીને બોલાવ્યા હતા અને તેમને જણાવ્યું છે કે, કોઈપણ પુરાવા વિના ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ પર આરોપ લગાવવા અસ્વીકાર્ય છે. ભારત સરકારે સ્પષ્ટતા કરી હતી કે આવા આરોપોથી ઉગ્રવાદ અને હિંસાનું વાતાવરણ ઊભું થયું છે, જેના કારણે અમારા રાજદ્વારીઓની સુરક્ષા જોખમમાં છે. અમને અમારા રાજદ્વારીઓની સુરક્ષા માટે વર્તમાન કેનેડાની સરકારની પ્રતિબદ્ધતા પર કોઈ વિશ્વાસ નથી. તેથી ભારત સરકારે હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રુડો ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકતા રહે છે. અગાઉ તેમણે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે તેમની સરકારે ભારતના રાજદ્વારીઓને મુશ્કેલીમાં નાખવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. કેનેડિયન સરકારે ભારતીય હાઈ કમિશનર વિરુદ્ધ કથિત કાર્યવાહી કરવાની તૈયારી કરતા ભારતે પોતાના રાજદ્વારીઓને ત્યાંથી પરત બોલાવી અને ભારતમાંથી કેનેડાના રાજદ્વારીઓને હાંકી કાઢી ટ્રુડો સરકારને જડબાતોડ જવાબ આપ્યો છે.
વાસ્તવમાં કેનેડિયન સરકારે ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ નિજ્જરની હત્યાની તપાસમાં ‘વ્યક્તિગત હિત’ રાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જેનો ભારતે જડબાતોડ જવાબ આપી ભારતીય હાઈ કમિશનર પર આરોપ લગાવવાના કેનેડાના પ્રયાસોના જવાબમાં કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. હવે ભારતે આકરો નિર્ણય લઈ ભારતીય હાઈકમિશનરને તાત્કાલિક ભારત બોલાવી દીધા છે.
કેનેડાના પાયાવિહોણા આક્ષેપોને રદિયો આપતા ભારતે કહ્યું હતું કે, અમે કેનેડાના કોઈપણ આક્ષેપોને સાંભળવાના નથી. આ પહેલા વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય હાઈકમિશનર હત્યાની તપાસમાં રસ રાખનાર વ્યક્તિ હોવાના આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે. ભારતે વળતો જવાબ આપી કહ્યું હતું કે, કેનેડાની સરકાર પુરાવા વગર અમારા અધિકારીઓને બદનામ કરી રહી છે. તેમની સરકાર પોતાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદીઓને અટકાવવામાં નિષ્ફળ ગઈ છે, તેથી તેઓ પાયાવિહોણા દાવાઓ કરી રહી છે.













