CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - CIA Live

December 5, 2025
image-3.png
1min16

ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો રશિયન ઈંધણ અમેરિકા ખરીદી શકે, તો ભારત કેમ નહીં? તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ માટે સતત પ્રહાર કરી રહ્યું છે. જેના કારણે ભારત પર ભારે ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે.

એક ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે, ‘અમેરિકા પોતાના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે હંમેશાથી ન્યૂક્લિયર ફ્લૂલ ખરીદવાનું શરૂ રાખે છે. એ પણ તો ઇંધણ જ છે. એનર્જી છે. આ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે યૂરેનિયમ છે, જે અમેરિકામાં કામ કરે છે. જો અમેરિકા પાસે ફ્યુલ ખરીદવાનો અધિકાર છે, તો ભારતને આ અધિકારથી વંચિત કેમ રાખવામાં આવે? આ ખૂબ જ ઝીણવટથી અધ્યયન કરવા જેવો મુદ્દો છે. અમે પ્રમુખ ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ.’

રશિયાના પ્રમુખે રશિયા પર પશ્ચિમી પ્રતિબંધોને ધ્યાને રાખીને ભારત દ્વારા ક્રૂડ ઓઇલની ખરીદી ઓછી કરવા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ‘આ વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન કુલ વેપાર ટર્નઓવરમાં થોડો ઘટાડો થયો છે. આ એક નાનો ફેરફાર છે. એકંદરે, અમારું વેપાર ટર્નઓવર લગભગ તેના પાછલા સ્તરે જ જળવાયેલું છે..

પુતિને આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, કેટલીક વૈશ્વિક શક્તિઓ વૈશ્વિક બજારોમાં ભારતની વધતી શક્તિથી ચિંતિત છે. રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા અંગે પશ્ચિમની ચિંતાઓ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણય ભારતના વધતા આર્થિક પ્રભાવ અંગેની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. બંને દેશો વચ્ચેની ઊર્જા ભાગીદારીનો પાયો લાંબો છે. ભારત સાથેના અમારા ઊર્જા સહયોગ પર વર્તમાન પરિસ્થિતિ, રાજકારણ અથવા યુક્રેનની ઘટનાઓનો કોઈ પ્રભાવ પડ્યો નથી.

અમેરિકાના આક્રમક વલણ વિશેના પ્રશ્નના જવાબમાં, રશિયન પ્રમુખે કહ્યું કે, “કેટલાક બાહ્ય દબાણ છતાં, મેં કે વડાપ્રધાન મોદીએ ક્યારેય અમારી ભાગીદારીનો ઉપયોગ કોઈની વિરુદ્ધ કામ કરવા માટે કર્યો નથી.”

ડોનાલ્ડ ટ્રમ્પ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પોતાનો એજન્ડા છે, પોતાના લક્ષ્ય છે. જોકે, અમારૂ ધ્યાન અમારા પર છે. કોઈની વિરૂદ્ધમાં નહીં. અમારૂ લક્ષ્ય પોતપોતાના હિત, ભારત રશિયાના હિતનું રક્ષણ કરવું છે.’

નોંધનીય છે કે, રશિયાના પ્રમુખ પુતિનની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે. જ્યારે ભારત-અમેરિકાના સંબંધ છેલ્લા બે દાયકામાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને અમેરિકાએ ભારતીય સામાન પર ભારે 50 ટકા ટેરિફ પણ લાદી દીધો છે. જેમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકા ટેરિફ પણ સામેલ છે.

November 29, 2025
image-27.png
1min24

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી ૪થી અને ૫મી ડિસેમ્બરે બે દિવસ માટે ભારતના પ્રવાસે આવશે. રશિયા-ભારત વચ્ચે વાર્ષિક સમિટ યોજાવાની છે તેમાં પુતિન ભાગ લેશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, ડિફેન્સ, ઉર્જા સહિતના ક્ષેત્રોના કરારો થાય તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે લોકલ કરન્સીમાં આદાન-પ્રદાન અંગે પણ ચર્ચા થશે. પુતિન સમક્ષ ભારત વધુ એક વખત યુક્રેન-રશિયા યુદ્ધમાં શાંતિ સ્થપાય તે માટે રજૂઆત કરશે.

ભારત રશિયા પાસેથી એસ-૩૦૦ રશિયન મિસાઈલ્સ ખરીદવાનું છે : તેમજ જૂની થઈ ગયેલી એસ-૪૦૦ એર ડીફેન્સ સિસ્ટમના સ્થાને નવી એસ-૪૦૦ ડીફેન્સ સિસ્ટમ ખરીદશે. તે ઉપરાંત બીજી પાંચ એસ-૪૦૦ સ્કવોડ્રન્સ પણ ખરીદવાનું છે. આ પ્રકારના કરારો થાય તેવી પ્રબળ શક્યતા છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારત રશિયાને રીકવેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) મોકલવાનું છે. આ એસ-૪૦૦ વિમાનોની ૩ સ્કવોડ્રન્સ તો ભારત પાસે છે જ, જે ઓપરેશન સિન્દૂર સમયે કાર્યરત હતી. તે ઉપરાંત બીજી પાંચ સ્કવોડ્રન્સ માટે રશિયાના પ્રમુખ પુતિનભારત આવે ત્યારે સોદો પાકો કરવામાં આવશે. આ ફીફથ જનરેશન ફાયટર્સ વાસ્તવમાં ભારત પોતાના જ એએમસીએ (એડવાન્સ્ડ મીડીયમ કોમ્બેટ એરક્રાફટસ ૨૦૩૫ માં કાર્યરત થાય તે પહેલાની વચગાળાની વ્યવસ્થા સમાન છે. બીજી તરફ સુખોઈ-૫૭, કે એફ-૩૫ બેમાંથી એક અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.રશિયન પાનસ્ટર મિસાઈલ્સ સશસ્ત્ર તેવા કામીકાઝે ડ્રોન્સનો સામનો કરવા માટે છે.એસ-૪૦૦ ને ભારતમાં સુદર્શન ચક્ર કહેવાય છે. કારણ કે રશિયન બનાવટના આ એસ-૪૦૦ ટ્રાયમ્ફ એર ડીફેન્સ મિસાઈલ, દુનિયાની કોઈપણ એર ડીફેન્સ સિસ્ટીમની બરાબર કરી શકે તેમ છે. તે નામ ભગવાન વિષ્ણુનાં સુદર્શન ચક્ર ઉપરથી અપાયું છે. રશિયાની અલ્માઝ- એન્તે (સરકારી) કંપની દ્વારા બનાવવામાં આવેલા એસ-૪૦૦ મિસાઈલ્સ વિમાનો ડ્રોન તેમજ મિસાઈલ્સને ૬૦૦ કિ.મી. દૂરથી પકડી પાડે છે અને ૪૦૦ કિલોમીટરે તેને તોડી પાડી શકે છે. ટૂંકમાં ભારત કોઈ મહાયુદ્ધ આવી પડેતો તે સામે સજ્જ બની રહ્યું છે.

November 29, 2025
image-26.png
1min28

વિશ્વના સૌથી વધુ વેચાતા વિમાન, એરબસ A320 ફેમિલીના હજારો વિમાનોને આ સપ્તાહના અંતે મોટા પાયે ગ્રાઉન્ડેડ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર પડવાની છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા તકનીકી જોખમને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના નિવારણ માટે વ્યાપક સોફ્ટવેર અને કેટલાક જૂના વિમાનોમાં હાર્ડવેર અપગ્રેડ ફરજિયાત કરવામાં આવ્યું છે.

ભારતમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રુપના 350થી વધુ A320 ફેમિલી વિમાનો આ પ્રક્રિયાનો ભાગ બનશે. ઈન્ડિગોના કાફલામાં 350થી વધુ A320 વિમાનો છે, જેમાંથી લગભગ 250ને અપગ્રેડની જરૂર છે. તેવી જ રીતે, એર ઈન્ડિયાના 120-125 A320 વિમાનોમાંથી 100થી વધુ વિમાનો પ્રભાવિત થશે. આ અપગ્રેડમાં 2-3 દિવસનો સમય લાગવાની ધારણા છે, અને વિમાનો સોમવાર કે મંગળવારથી ફરી ઉડાન ભરી શકે છે. આને કારણે સપ્તાહના અંતે અને સોમવાર સુધી ઘણી ફ્લાઇટ્સ મોડી પડવાની કે રદ થવાની પ્રબળ આશંકા છે.

એર ઈન્ડિયાએ ‘X’ પર જણાવ્યું, “અમે એરબસ દ્વારા જારી કરાયેલા નિર્દેશથી વાકેફ છીએ. આના કારણે અમારા કાફલાના એક ભાગમાં સોફ્ટવેર/હાર્ડવેર રિકેલિબ્રેશનની જરૂર પડશે, જેનાથી ફ્લાઇટ્સમાં વિલંબ થવાની સંભાવના છે. અસુવિધા માટે ખેદ છે.”

જેટબ્લુની ઘટના બની કારણ

આ મોટા નિર્ણય પાછળ 30 ઓક્ટોબર, 2025ના રોજ અમેરિકન એરલાઇન જેટબ્લુની A320 ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટના જવાબદાર છે. કેનકુનથી નેવાર્ક જતી ફ્લાઇટ દરમિયાન, પાઇલટના ઇનપુટ વિના જ વિમાન અચાનક નીચેની તરફ નમી ગયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના ELAC (એલિવેટર એલેરોન કમ્પ્યુટર)માં ખામીને કારણે બની હતી. વિમાનને તાત્કાલિક તાંપામાં ઉતારવામાં આવ્યું હતું, જ્યાં કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

આ ઘટના બાદ, યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) એ ‘ઇમરજન્સી એરવર્ધીનેસ ડાયરેક્ટિવ’ જારી કર્યો. ત્યારબાદ એરબસે જણાવ્યું કે તકનીકી તપાસમાં જાણવા મળ્યું છે કે તીવ્ર સૌર વિકિરણ (Solar Radiation) ફ્લાઇટ કંટ્રોલ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ડેટાને કરપ્ટ કરી શકે છે. આ જ કારણોસર, વિમાનોમાં સોફ્ટવેર અને હાર્ડવેર પ્રોટેક્શન ફરજિયાત કરવામાં આવ્યું છે. એરબસે આનાથી થનારી અસુવિધા બદલ મુસાફરો અને ગ્રાહકોની માફી માંગી છે અને કહ્યું છે કે “સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

November 27, 2025
image-23.png
1min27

હોંગકોંગના તાઈ પો (Tai Po) જિલ્લામાં આવેલા વાંગ ફૂક કોર્ટ’ (Wang Fuk Court) નામના વિશાળ રહેણાંક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 44 લોકોનાં મોત થયા છે, જ્યારે 279 લોકો હજુ પણ લાપતા છે. 

  • સ્થળ: હોંગકોંગના તાઈ પો જિલ્લામાં આવેલ વાંગ ફૂક કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સ.
  • સમય: આગ બુધવારે 28/11/25 બપોરે લાગી હતી.
  • અસર: આગ ઝડપથી 35 માળની 7 થી 8 ઇમારતોમાં ફેલાઈ ગઈ.
  • મૃત્યુઆંક: સત્તાવાર રીતે 44 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
  • લાપતા: લગભગ 279 લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાયું છે.
  • ઈજાગ્રસ્ત: આશરે 15 થી 45 લોકો ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં દાખલ છે.
November 27, 2025
image-22.png
1min22

દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં રહે છે, તેનાથી ફક્ત થોડા અંતર પર જ ગોળીબારની ઘટના સામે આવી છે. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી થોડા જ દૂર ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે નેશનલ ગાર્ડ સભ્ય પણ સામેલ છે. આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે 2:30 વાગ્યે થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા નેશનલ ગાર્ડના બે સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

વેસ્ટ વર્જીનિયાના ગવર્નર પૈટ્રિક મૉરિસી પહેલાં એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, બે નેશનલ ગાર્ડના સભ્યોના મોત થઈ ચુક્યા છે. જોકે, તેમણે પોતાની પોસ્ટ બાદમાં ડિલિટ કરી દીધી.

મેટ્રોપૉલિટન પોલીસ વિભાગે જણાવ્યું કે, ગોળીબાર વ્હાઇટ હાઉસની પાસે થયો છે. ઘટનાની તુરંત બાદ વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. અસૉલ્ટ રાઇફલથી સજ્જ અધિકારી અનેક બ્લૉક્સમાં ફેલાઇ ગયા અને આખો વિસ્તાર સીલબંધ કરી દેવામાં આવ્યો. રસ્તા બંધ કરી દેવાયા, અનેક પોલીસ ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ ટીમ સક્રિય થઈ ગઈ. ત્યાં હાજર લોકોના જણાવ્યાનુસાર, અમુક જ મિનિટોમાં સુરક્ષાનો એક મોટો ઘેરો બનાવી દેવાયો અને કોઈને પણ પાસે જવાની મંજૂરી નહતી.

FBIની વોશિંગ્ટન ફીલ્ડ ઓફિસે કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં બે નેશનલ ગાર્ડ સભ્યો પર થયેલી ફાયરિંગની તપાસ માટે સ્થાનિક કાયદાનું અમલ કરાવતી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. તપાસ શરૂ હોવાના કારણે હાલ કોઈ વધુ માહિતી શેર કરી શકાશે નહીં.

જોકે, અધિકારીઓએ હજું સુધી એ નથી જણાવ્યું કે, ફાયરિંગ કેમ થઈ? આટલા મહત્ત્વપૂર્ણ સ્થળે ગોળીબાર થવો એક ગંભીર બાબત છે. તેથી, તપાસ એજન્સી કોઈપણ જાણકારીને ઉતાવળમાં જાહેર નથી કરી રહી.

જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી અફઘાનિસ્તાનનો નાગરિક છે. શંકાસ્પદનું નામ રહેમાનુલ્લાહ લાકનવાલ જણાવવામાં આવી રહ્યું છે. શરૂઆતી તપાસમાં સામે આવી રહ્યું છે, 2021માં USCIS (યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ)એ અફઘાન નાગરિકો માટે ‘ઓપરેશન અલાઇઝ વેલકમ’ હેછળ અસાઇલમ (શરણ) અરજી પ્રક્રિયા તેજ કરવામાં આવી હતી અને લાકનવાલે પણ આ પ્રોગ્રામનો ઉપયોગ કરીને અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. વળી, આ મામલે FBI આતંકી હુમલાની તપાસ કરશે.

નેશનલ ગાર્ડના બે જવાનો પર ગોળીબાર કરનારની ઓળખ કરી લેવાઈ છે. એજન્સી અનુસાર, હુમલો કરનારા વોશિંગ્ટન વિસ્તારના નિવાસી નથી. હાલ, હુમલાખોરોની ધરપકડ કરી દેવાઈ છે અને તેમની પૂછપરછ શરૂ છે. અધિકારી ઘટનાનો હેતુ તપાસી રહ્યા છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લિવિટે જણાવ્યું કે, ‘પ્રમુખને આ વિશે જાણકારી આપવામાં આવી છે.’ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ થેંક્સગિવિંગ રજાના પહેલાં પામ બીચ સ્થિત પોતાના રિઝોર્ટમાં છે. વળી, અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી વેન્સે આ સમયે કેંટકીમાં હાજર છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, જે વ્યક્તિએ બે નેશનલ ગાર્ડ જવાનો પર ગોળી ચલાવી, તેનાથી બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ છે. તે ખુદ પણ ઈજાગ્રસ્ત છે. પરંતુ, જેણે પણ આ હરકત કરી છે તેને આની ભારે કિંમત ચૂકવવી પડશે. આપણા મહાન નેશનલ ગાર્ડ, સેના અને તમામ કાયદો લાગુ કરાવનારી એજન્સીઓને મારી સલામ. આ ખરેખર અદ્ભૂત લોકો છે. હું અમેરિકકાનો પ્રમુખ તરીકે અને પ્રમુખ કાર્યાલય સાથે જોડાયેલા તમામ લોકો તમારી સાથે ઊભા છે.’

November 25, 2025
image-18.png
1min45

ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટવાની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. તેની રાખ આકાશમાં ઊંચે સુધી ફેલાઇ ગઈ છે, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો હતો. અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે જેથી વિમાન રાખના વાદળોથી દૂર રહે.

ઇથિયોપિયાના જ્વાળામુખીની રાખના કારણે સોમવારે અનેક એરલાઇન્સે પોતાની ફ્લાઇટ રદ કરી દીધી હતી. જેમાં અકાસા એર, ઇન્ડિગો અને KLM જેવી કંપનીનો સમાવેશ થાય છે.

ઇથિયોપિયાના હાયલી દુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો તા.24મી નવેમ્બરને સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી ગયો. હવામાનના જાણકારો છેલ્લાં એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા. આ રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું. સૌથી પહેલાં આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું. બાદમાં ધીમે-ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઇ ગયું.

નિષ્ણાતોએ જણાવ્યું કે, આ રાખનું વાદળ જમીનથી 25,000થી 45,000 ફૂટ ઊંચાઈ પર છે. તેથી, હાલ લોકોના સ્વાસ્થ્યને જોખમ નથી. પરંતુ, એવું બની શકે કે, અનેક જગ્યાએ થોડી-થોડી રાખની પરત નીચે પડે.

હવામાન વિભાગનું માનવું છે કે, મંગળવારે (25 નવેમ્બર) સવારનો સૂરજ અલગ અને ચમકીલા રંગમાં જોવા મળ્યો. રાખના કારણે પ્રકાશ પર આવી અસર પડી હતી.

CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના જણાવ્યા અનુસાર, અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સિવિયર એટલે ગંભીર શ્રેણીમાં રેકોર્ડ થયો છે. આ સ્તરે હવા ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે અને શ્વાસ લેવામાં સ્વાસ્થ્ય પર તેની તુરંત અસર જોવા મળી શકે છે.

આ સિવાય દિલ્હીની એમ્સ અને સફદરજંગ હોસ્પિટલ પાસે પણ ઝેરી ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આખા વિસ્તારમાં ઝેરી ધુમ્મસના કારણે હવામાં બળતરા અનુભવાઇ રહી છે. CPCB અનુસાર, અહીં AQI 323 નોંધાયો છે. જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. આવા સ્તરમાં હવા શ્વાસ લેવા લાક નથી હોતી અને ખાસ કરીને વડીલ, બાળકો તેમજ અસ્થમાના દર્દીને વધુ જોખમ હોય છે.

અમેરિકાની હવમાનાની આગાહી વિશે જાણકારી આપનારી વેબસાઇટ એક્યૂવેધર અનુસાર, દિલ્હી અને તેની આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં સવારે 6 વાગ્યે AQI 300ની આસપાસ રહ્યો.

CPCB અનુસાર, રાત્રે બે વાગ્યે દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારમાં AQI 350 પાર રહ્યો છે.

મળતી માહિતી મુજબ. ઇથિયોપિયાના જ્વાળામુખીથી નીકળેલું રાખનું વાધળ મોટાભાગે સલ્ફર ડાયોક્સાઇડથી બનેલું છે. આ વાદળમાં જ્વાળામુખીની રાખની માત્રા ઓછાથી મધ્યમ છે. આ રાખનું વાદળ હવે ઓમાન-અરબ સસાગરના રસ્તેથી મધ્ય ગુજરાતના મેદાની વિસ્તારો સુધી ફેલાઇ ગયું છે.

નોંધનીય છે કે, આ વાદળની AQI પર કોઈ અસર થશે નહીં. જોકે, નેપાળ, હિમાલયના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના તરાઈ પ્રદેશમાં સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર થોડું વધી શકે છે, કારણ કે રાખના કેટલાક વાદળ પર્વતો સાથે અથડાઈને ચીન તરફ આગળ વધશે. મેદાનોમાં રાખ પડવાની શક્યતા ખૂબ ઓછી છે, જોકે કેટલાક વિસ્તારોમાં થોડી અસર થઈ શકે છે. આ આખું રાખનું વાદળ વાતાવરણના મધ્ય-સ્તરમાં છે, તેથી જમીન પર હવાની ગુણવત્તા પર કોઈ અસર થશે નહીં. રાખનું વાદળ ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન તરફ પણ જશે, પરંતુ સપાટી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય. ફક્ત ફ્લાઇટ રિરુટિંગ અથવા વિલંબ થવાની સંભાવના છે, કારણ કે આ વાદળ વિમાનની સલામતીને અસર કરી શકે છે. સપાટી પર કણો પડવાની શક્યતા ખૂબ ઓછી છે.

DGCAની એડવાઇઝરી

રવિવારે ઇથોપિયાના હેઇલ ગબ્બિન જ્વાળામુખીના વિસ્ફોટ બાદ, ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ બધી એરલાઇન્સને એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં તેમને ઊંચાઈ પર અને જ્વાળામુખીની રાખ ફેલાતી હોય તેવા વિસ્તારો પર ઉડાન ટાળવાની સલાહ આપવામાં આવી હતી. રાખના વાદળ વિમાનના એન્જિન અને ફ્લાઇટ સલામતી માટે જોખમ ઊભો કરી શકે છે, તેથી એરલાઇન્સને તેમના રૂટ અને ઊંચાઈ બદલવાની સલાહ આપવામાં આવી છે. આ પરિસ્થિતિ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, રાખના સૂક્ષ્મ કણો વિમાનના એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તમામ ભારતીય એરલાઇન્સને તાત્કાલિક ચેતવણી જારી કરી છે.

November 22, 2025
image-14.png
1min18
  • માર્ચ 2024 પછી ફાઈટર જેટ તેજસનો બીજો અકસ્માત
  • એર શોના અંતિમ દિવસે હવાઈ કરતબ કરતાં અચાનક ફાઈટર જેટમાંથી ધૂમાડો નીકળતા બંધ થયા પછી અકસ્માત સર્જાયો
  • તેજસના અકસ્માતનું કારણ જાણવા એરફોર્સે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો

દુબઈ : દુનિયાના સૌથી મોટા એર શોમાંના એક દુબઈ એર શોમાં શુક્રવારે ભારતનું સ્વદેશી મલ્ટી-રોલ લાઈટ કોમ્બેટ ફાઈટર જેટ તેજસ હવામાં કરતબ બતાવતા અચાનક તૂટી પડયું હતું. આ વિમાન અકસ્માતમાં ભારતીય એરફોર્સના પાઈલટ નયન સ્યાલનું પણ મોત નીપજ્યું હતું. ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સના ફાઈટર વિમાનના અકસ્માત અંગે ભારતીય એરફોર્સેે તપાસનો આદેશ આપી દીધો છે. આ પહેલાં માર્ચ ૨૦૨૪માં જેસલમેરમાં તેજસ ફાઈટર જેટનો પહેલો અકસ્માત થયો હતો.

દુબઈમાં પાંચ દિવસના એર શોનો શુક્રવારે અંતિમ દિવસ હતો. દુનિયાના ૨૦૦ જેટલા ફાઈટર જેટ અહીં આવ્યા હતા. અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતનું સ્વદેશી તેજસ ફાઈટર જેટ હવાઈ કરતબ કરતું હતું ત્યારે અચાનક જ બપોરે ૨.૧૦ કલાકે વિમાન તૂટી પડયું હતું. આ દુર્ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેજસ વિમાન ઉપર જાય છે અને હવામાં કરતબ કરતું નીચે આવે છે. પછી ફરીથી ઉડ્ડયન કરતા ઉપર જાય છે. ત્યાં સુધી તેજસ જેટમાંથી ધૂમાડો નીકળતો રહે છે. પછી અચાનક તેમાંથી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય છે. ત્યાર પછી અચાનક ફાઈટર જેટ નીચે પડવા લાગે છે અને થોડીક જ સેકન્ડમાં તૂટી પડે છે. આ સમયમાં પાયલટને બહાર નીકળવાનો પણ સમય મળતો નથી. જમીન પર પડતાં જ તેજસ આગના ગોળામાં ફેરવાઈ ગયું અને થોડીક જ વારમાં ત્યાં માત્ર રાખનો ઢગલો બચ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ તેજસના અકસ્માતના લગભગ દોઢ કલાક પછી એર શો માં રશિયન નાઈટ ફ્લાઈગ સાથે ફ્લાઈટ ડેમોસ્ટ્રેશન્સ ફરી શરૂ થયું હતું. આ વિમાન અકસ્માતમાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાયલટ નયન સ્યાલનું મોત નીપજ્યું હતું તેમ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે પાયલટના નિધન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. ભારતીય એરફોર્સના પ્રવક્તાએ કહ્યંર કે, દુબઈ એર શોમાં એરફોર્સનું એક તેજસ ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. એરફોર્સ પાયલટના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરે છે અને આ દુ:ખના સમયમાં સંપૂર્ણ રીતે પાયલટના શોકગ્રસ્ત પરિવારની સાથે છે. દુર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે. અકસ્માતનું કારણ વ્યાપક તપાસ પછી સામે આવશે.

પાયલટ એર શો જોવા આવેલા લોકો માટે ડેમોસ્ટ્રેશન ફ્લાઈટ ઉડાવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વિમાન અકસ્માતની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જન. અનિલ ચૌહાણ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાયલટના મોત અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને પાયલટના પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ આ મુશ્કેલ સમયમાં સમગ્ર રાષ્ટ્ર તેમની સાથે છે તેમ કહ્યું હતું.

વર્ષ ૨૦૦૧માં પહેલી ટેસ્ટ ફ્લાઈટથી લઈને ૨૪ વર્ષના ઈતિહાસમાં સિંગલ સીટર ફાઈટર જેટ તેજસના માત્ર બે જ અકસ્માત થયા છે, જેમાં પહેલો અકસ્માત ગયા વર્ષે માર્ચમાં રાજસ્થાનના જેસલમેરમાં થયો હતો. તે સમયે પોખરણના રણમાં ત્રણેય સૈન્યના સૈન્ય અભ્યાસ ‘ભારત શક્તિ’માં ભાગ લઈને તેજસ પાછં ફરતું હતું ત્યારે અકસ્માત થયો હતો. તેજસનો બીજો અકસ્માત શુક્રવારે દુબઈમાં થયો હતો. જોકે, કોઈ આંતરરાષ્ટ્રી એર શોમાં તેજસનો આ પહેલો અકસ્માત હતો. તેજસ ફાઈટર જેટે ૨૦૦૧માં પહેલું ઉડ્ડયન કર્યા પછી ૨૩ વર્ષ સુધી તેના અકસ્માતનો એક પણ કેસ નોંધાયો નહોતો.

November 18, 2025
image-13.png
1min15

બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યૂનલ (આઇસીટી)એ સોમવારે ફાંસીની સજા ફટકારી છે. જેને પગલે બળવા બાદ ભારત આવેલા શેખ હસીનાની મુશ્કેલી વધી શકે છે. આ ઉપરાંત તેના પ્રત્યાર્પણ માટે ભારત પર બાંગ્લાદેશ દ્વારા દબાણ કરવામાં આવી શકે છે. શેખ હસીના ઉપરાંત તેમના ખાસ ગણાતા પૂર્વ પોલીસ અધિકારી આઇજીપી ચૌધરી અબ્દુલ્લાહ અલ-મામુનને પાંચ વર્ષની સજા આપવામાં આવી છે. જુલાઇ મહિનામાં જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર સામે બળવો થયો ત્યારે માનવતા વિરુદ્ધ ગુના બદલ આ સજા આપવામાં આવી હતી.

બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ બળવા બાદ દેશ છોડીને ભારતમાં શરણ લીધી ત્યારથી તેઓ અહીંયા જ છે. તેમની ગેરહાજરીમાં જ બાંગ્લાદેશની કોર્ટે તેમની સામે ટ્રાયલ શરૂ કરી દીધી અને સીધી ફાંસીની સજા ફટકારી દીધી. આ પહેલા કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યા હતા. આ ઉપરાંત બાંગ્લાદેશની કોર્ટે માનવતા વિરુદ્ધ અપરાધ માટે પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલને ફાંસીની સજા ફટકારી હતી. સજાની સુનાવણી દરમિયાન બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં હિંસા ફાટી નીકળી છે. જેને પગલે ફરી બાંગ્લાદેશ ભડકે બળે તેવી ભીતિ છે. ઠેરઠેર સુરક્ષાદળો અને હસીનાના સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેને પગલે મોહમ્મદ યુનુસ સરકાર એલર્ટ કરી દેવામાં આવી છે.

શેખ હસીનાને સજા સંભળાવતી વખતે જજ ગુલામ મુર્તઝા મઝૂમદારે કહ્યું હતું કે શેખ હસીનાએ માનવતા વિરુદ્ધ ગુનો કર્યો છે તેથી તેને આ સજા આપવામાં આવે છે. નોંધનીય છે કે શેખ હસીના સામે જુલાઇ ૨૦૨૪માં સમગ્ર બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી જેની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. હિંસાખોરોએ શેખ હસીનાના ઘરને આગ લગાવી દીધી હતી, જ્યારે પ્રદર્શનકારીઓને રોકવા માટે શેખ હસીનાના નેતૃત્વમાં સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો હતો, આ સમગ્ર હિંસામાં ૧૪૦૦ લોકો માર્યા ગયા હતા. શેખ હસીનાએ માનવતા વિરુદ્ધ આ ગુનો કર્યો હોવાનું માનીને બાંગ્લાદેશની ક્રિમિનલ કોર્ટે તેમને ફાંસીની સજા આપી હતી. ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ બાંગ્લાદેશમાં નવી સરકાર માટે ચૂંટણી યોજાઇ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર તપાસકર્તાઓએ કહ્યું હતું કે હસીના અને તેમની સરકારે સત્તા જાળવી રાખવા માટે પ્રદર્શનકારીઓ પર કથીત રીતે ઘાતક બળપ્રયોગ કર્યો હતો. જેમાં બહુ જ મોટી જાનહાની થઇ હતી.

બાંગ્લાદેશના મીડિયાએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશની કોર્ટે જે ચુકાદો આપ્યો તેમાં એવો ઉલ્લેખ કરાયો છે કે શેખ હસીનાએ ઢાકાના મેયર શેખ નઝલ નૂરને તે સમયે પ્રદર્શનકારીઓને જ્યાં દેખો ત્યાં ઠાર મારોના આદેશ આપ્યા હતા. કોર્ટે શેખ હસીના અને મેયર વચ્ચે ફોન પર આ મુદ્દે થયેલી વાતચીતને પુરાવા તરીકે સ્વીકારી હતી. ફાંસીની સજા ઉપરાંત શેખ હસીનાની સંપત્તિને જપ્ત કરવાનો પણ આદેશ અપાયો છે. હવે શેખ હસીનાની સામે ઇન્ટરપોલ નોટિસ જારી કરવામાં આવી શકે છે અને નિયમ મુજબ ભારતે તેનો જવાબ આપવો પડશે. શેખ હસીનાને પ્રત્યાર્પણ દ્વારા બાંગ્લાદેશ મોકલવા માટે પણ દબાણ થઇ શકે છે.

બાંગ્લાદેશમાં મળેલી ફાંસીની સજા પર શેખ હસીનાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે અદાલતના નિર્ણયની નિંદા કરવા સાથે તેના પર સવાલ ઉઠાવ્યાં છે, સાથે તેમણે યુનુસ સરકારને પણ ઘેરી છે.હસીનાએ કહ્યું કે તેમને પોતાની વાત રજૂ કરવાની યોગ્ય તક આપવામાં આવી નથી.

ઢાકાની એક અદાલત દ્વારા સંભળાવવામાં આવેલા ચુકાદાની નિંદા કરતા તેને છેતરપિંડી ગણાવી છે.સાથે આ ચુકાદાને હસીનાએ પૂર્વ નિર્ધારીત ચુકાદા સાથે બિન ચૂંટાયેલી સરકારનું અલોકતાંત્રિક પરિણામ ગણાવ્યું છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ફોજદારી પંચ (આઇસીટી-બીડી) એ પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને મોતની સજા સંભળાવી છે.

તેમને આ સજા ગતવર્ષે સરકાર વિરોધમાં થયેલા પ્રદર્શનો દરમિયાન કડક કાર્યવાહી માટે સંભળાવવામાં આવી છે.ટ્રિબ્યુનલે તેઓ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી અસદોજ્જમા ખાન કમાલને પણ મોતની સજા સંભળાવી છે.આ બન્નેને માનવતા વિરુધ્ધ વિવિધ અપરાધો માટે દોષી ઠેરવાયા છે.શેખ હસીના આ સમયમા ભારતમા છે અને તેમની ગેરહાજરીમા તેમની વિરુધ્ધ કેસ ચલાવવામાં આવ્યો છે.

જણાવીએ કે બાંગ્લાદેશમાં પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીના વિરુધ્ધ માનવતા સામે કથિત અપરાધ ના એક કેસમાં ખાસ ટ્રિબ્યુનલના નિર્ણય પહેલા સુરક્ષાદળોનો ભારે બંદોબસ્ત વચ્ચે સોમવારે હિંસાની નાની મોટી ધટનાઓ સામે આવી છે.સામાન્ય દિવસોમા ટ્રાફિકની ભીડ વાળા રોડ પર સોમવારે સન્નાટો જોવા મળ્યો હતો.કેટલીક કાર અને રીક્ષાઓ કડક બંદોબસ્ત વાળા ચાર રસ્તાઓ પરથી પસાર થતી જોવા મળી હતી.દિવસ પસાર થતાની સાથે શહેરમા હિંસાની છૂટપુટ ઘટનાઓ સામે આવી હતી.

ચૂકાદા પહેલા શેખ હસીનાએ કહ્યું હતું, ‘ગમે તે ચુકાદો આવે મને તેની પરવાહ નથી અલ્લાહ મારી સાથે છે.’ આ ઉપરાંત તેઓએ યુનુસ સરકાર ઉપર દેશમાં અરાજકતા અને અંધાધૂંધી ફેલાવવાનો આક્ષેપ મુકતાં કહ્યું હતું કે, તે દેશમાં અંધાધૂંધી અને અરાજકતા ફેલાવે છે. આવામી લીગના બે-ગુનાહ કાર્યકરોની ધરપકડ કરાઈ રહી છે. તેમના વકીલોને પણ ત્રાસ આપવામાં આવે છે, પત્રકારોને પણ ત્રાસ આપવામાં આવે છે. તેઓએ વધુમાં વધુ કહ્યું હતું કે તેમની સરકારે તો ૧૦ લાખથી વધુ રોહીંગ્યાઓને આશ્રય આપ્યો હતો. આ સાથે તેઓએ યુનુસ સરકાર ઉપર છળ-કપટ કરવાના, બનાવટ કરવાના અને માનવ-અધિકાર-ભંગના આક્ષેપો મુક્યા હતા. તેઓએ તેમના પિતાશ્રીએ સ્થાપેલા પક્ષ આવામી લીગના કાર્યકરોને પોતાના વિષે ગમે તે ચુકાદો આવે તો પણ શાંત રહેવા અનુરોધ કર્યો હતો.

November 11, 2025
image-8.png
1min41

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધોમાં નરમાઈના સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે અમેરિકા અને ભારત એક “વ્યાપક અને ન્યાયસંગત” વેપાર કરારની અત્યંત નજીક છે અને ટૂંક સમયમાં ભારતીય વસ્તુઓ પર લગાવવામાં આવેલી ઊંચી ટેરિફ દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા વેપારી તણાવમાં ઘટાડો થવાની આશા જાગી છે.

ટ્રમ્પે કહ્યું, “અત્યારે તેઓ (ભારત) મારાથી બહુ ખુશ નથી, પરંતુ તેઓ ફરીથી અમને પસંદ કરશે. અમે એક નિષ્પક્ષ વેપાર કરારની ખૂબ નજીક છીએ, જે બંને દેશો માટે ફાયદાકારક રહેશે.”

છેલ્લા કેટલાક મહિનાઓમાં, ખાસ કરીને ટેરિફ અને રશિયાથી ઉર્જા આયાતને લઈને બંને દેશો વચ્ચે મતભેદો ઉભા થયા હતા. આ વર્ષની શરૂઆતમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર રશિયાથી તેલની આયાત ઘટાડવા માટે દબાણ બનાવવાના હેતુથી ભારતીય નિકાસ પર વધારાની ડ્યુટી લગાવી હતી અને ઘણી વસ્તુઓ પર ટેરિફ દર 50 ટકા સુધી વધારી દીધા હતા, જેના કારણે વેપાર વાટાઘાટોમાં તણાવ વધ્યો હતો.

સોમવારે 10 નવેમ્બરે ટ્રમ્પે દાવો કર્યો કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. તેમણે કહ્યું, “તેમણે (ભારતે) રશિયન તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે. તે ખૂબ ઘટી ગયું છે. હા, અમે પણ ભારતીય સામાન પર ટેરિફ ઘટાડવા જઈ રહ્યા છીએ, અને તે ગમે ત્યારે થઈ શકે છે.” જોકે, ભારતે ટ્રમ્પના આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. થોડા દિવસો પહેલા ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે નવી દિલ્હી કોઈના દબાણમાં નહીં, પરંતુ પોતાના નાગરિકોની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ક્રૂડ ઓઇલની આયાત અંગે નિર્ણય લે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન વોશિંગ્ટનમાં ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુક્ત થયેલા તેમના નજીકના સહયોગી સર્જિયો ગોરના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન આપ્યું હતું. તેમણે ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે ભારત વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંથી એક, વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના શાનદાર સંબંધો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજદૂત તરીકે સર્જિયો ગોર બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

October 12, 2025
image-9.png
1min150

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવાર Dt 10/12/2025 ચીન પર વધારાના ૧૦૦ ટકા ટેરિફની ધમકી આપી છે, જેને પગલે યુએસ-ચીન વચ્ચે ફરી ટ્રેડ વોરની આશંકાથી અમેરિકન સ્ટોક માર્કેટમાં મોટો કડાકો બોલાયો હતો. 

અમેરિકન શૅરબજાર એસએન્ડપી ૫૦૦માં ૨.૭૧ ટકા તૂટકા રોકાણકારોએ એક જ દિવસમાં ૧.૫૬ લાખ કરોડ ડોલર ગુમાવ્યા હતા. બીજીબાજુ જોખમી એસેટસ તરીકે ઓળખાતા મુખ્ય ક્રિપ્ટોના ભાવમાં એક જ દિવસમાં ૧૪,૦૦૦ ડોલરથી વધુનો કડાકો બોલાઈ ગયો હતો. બિટકોઈનના ભાવ ૧.૨૨ લાખથી ગગડીને ૧.૦૮ લાખની અંદર આવી ગયા હતા. શનિવારે મોડી સાંજે બિટકોઈનનો ભાવ વધીને ૧.૧૨ લાખ ડોલર થયો હતો.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચીન પર હાલમાં લાગુ ૩૦ ટકા ટેરિફ ઉપરાંત ૧૦૦ ટકા ટેરિફ લગાવવા અને સોફ્ટવેરની ચીનમાં નિકાસ પર પ્રતિબંધની ધમકી આપતા અમેરિકાના સ્ટોક માર્કેટમાં ભૂકંપ આવ્યો હતો. ડાઉજોન્સ ૮૭૮ પોઈન્ટ એટલે કે ૧.૯ ટકા ગગડીને ૪૫,૪૭૯.૬૦, એસએન્ડપી ૫૦૦ ૨.૭૧ ટકા તૂટીને ૬,૫૫૨.૫૧ અને નાસ્ડેક ૩.૫૬ ટકા ગગડીને ૨૨,૨૦૪.૩૨ના સ્તરે પહોંચી ગયા હતા. અમેરિકન શૅરબજારમાં એપ્રિલ પછી એક જ દિવસમાં આ સૌથી મોટો કડાકો હતો. 

ફેક્ટસેટના આંકડા મુજબ  અમેરિકન બજારો તૂટતાં એકજ દિવસમાં ૧.૫૬ લાખ કરોડ ડોલરની વેલ્યુનું ધોવાણ થઈ ગયું હતું. ટ્રમ્પની જાહેરાતથી રોકાણકારોમાં અમેરિકા અને ચીન વચ્ચે ફરી એક વખત ટ્રેડ વોર શરૂ થવાનો ગભરાટ ફેલાયો છે. બંને દેશોની ટ્રેડ વોરથી અગાઉ પણ વૈશ્વિક અર્થતંત્ર હચમચી ઉઠયું છે.

ટ્રમ્પના ટેરિફની ધમકીથી ક્રિપ્ટો બજાર પણ તૂટયું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનના ભાવ ૧,૨૨,૦૦૦  ડોલરની સપાટીએથી ગબડી ૧,૦૮,૨૦૦ ડોલરની અંદર આવી ગયો હતો. જોકે, શનિવારે મોડી સાંજે બિટકોઈનનો ભાવ ૧,૧૨,૦૦૦ ડોલર આસપાસ બોલાતો હતો. બિટકોઈનની પાછળ છેલ્લા ચોવીસ કલાકમાં અન્ય મોટી એથરમ પણ ૧૫ ટકાથી વધુ તૂટી ૩૮૦૦ ડોલરની નીચે જતો રહ્યો હતો.

જોકે, સમાપ્ત થયેલા સપ્તાહમાં બન્ને ક્રિપ્ટોએ તેમની ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી.  બિટકોઈને ૧,૨૬,૦૦૦ ડોલરથી વધુની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી જ્યારે એથરમ ૪૫૦૦ ડોલરથી ઉપર જોવા મળ્યો હતો. બિટકોઈનના આ કડાકાને લઈને ૧૬ લાખ જેટલા ટ્રેડરોએ એક જ દિવસમાં એકંદરે ૧૯ અબજ ડોલરનું નુકસાન કર્યું છે.  ક્રિપ્ટોના ઈતિહાસમાં એક જ દિવસમાં આટલું જંગી ધોવાણ પહેલી જ વખત જોવા મળ્યું છે. 

બજારમાં ભારે વેચવાલી આવશે તેવી ચિંતાએ આશરે ૩૦ અબજ ડોલરનું લેણ લિક્વિડેટ કરાયું હોવાની ધારણાં છે. કડાકાને પગલે ક્રિપ્ટોકરન્સીઝની માર્કેટ કેપ ૪.૩૦ ટ્રિલિયન ડોલરની રેકોર્ડ સપાટીએથી ગબડી ૩.૭૪ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. ટ્રમ્પની ટીપ્પણીથી ક્રૂડ બજાર પણ હચમચી ઉઠયું હતું. અમેરિકન ક્રૂડ ઓઈલનો ભાવ ૪.૨ ટકા અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ૩.૮ ટકા સુધી ઘટી ગયો હતો, જે મે મહિના પછી સૌથી નીચા સ્તરે છે.