CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 3 of 48 - CIA Live

September 30, 2024
one-nation.png
1min166

સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના અમલ માટે કેન્દ્ર સરકાર ત્રણ બિલ લાવશે, જેમાંથી બે બિલ બંધારણમાં સુધારા માટેના હશે. બંધારણમાં સુધારાના બે સૂચિત બિલોમાંથી એક માટે કેન્દ્ર સરકારને ૫૦ ટકા રાજ્યોની મંજૂરીની જરૂર પડશે. આ બિલ લોકસભા અને વિધાનસભા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના સંદર્ભનું છે.

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ યોજનામાં આગળ વધતા કેન્દ્ર સરકારે આ મહિનાની શરૂઆતમાં લોકસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે બનાવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોનો અહેવાલ સ્વીકારી લીધો હતો. સમગ્ર દેશમાં વસતી ગણતરીની કાર્યવાહી પૂરી થયા પછી સરકાર તેની યોજનામાં આગળ વધશે.

સૂચિત પહેલા બંધારણીય સુધારા બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે જોગવાઈઓ કરવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને ટાંકીને સૂત્રોએ જણાવ્યું હતું કે, સૂચિત બિલમાં ‘નિશ્ચિત તારીખ’ સંબંધિત પેટા કલમ (૧)ના ઉમેરા મારફત આર્ટિકલ ૮૨-એમાં સુધારો કરાશે. સરકાર લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે આર્ટિકલ ૮૨-એમાં પેટા-નિયમ (૨) ઉમેરવાનો પણ પ્રયાસ કરશે.

આ સાથે કેન્દ્ર સરકાર આર્ટિકલ ૮૩(૨)માં સુધારાની દરખાસ્ત કરશે અને તેમાં પેટા કલમ (૩) અને (૪) સંબંધિત કલમનો ઉમેરો કરાવશે, જે લોકસભાના સમયગાળા અને વિસર્જન સંબંધિત છે. તેમાં વિધાનસભાઓના વિસર્જન અંગે પણ જોગવાઈ છે અને આર્ટિકલ ૩૨૭માં સુધારો કરીને ‘એકસાથે ચૂંટણી’ ટર્મ ઉમેરવામાં આવશે. આ બિલમાં સુધારાને ૫૦ ટકા રાજ્યોની મંજૂરીની જરૂર પડતી નથી તેમ ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોમાં જણાવાયું છે.

બંધારણીય સુધારાના બીજા સુચિત બિલને ૫૦ ટકા રાજ્ય વિધાનસભાની મંજૂરીની જરૂર પડશે, કારણ કે તે રાજ્ય સંબંધિત મામલાનો ઉકેલ લાવશે. તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચની ભલામણથી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી તૈયાર કરવા સંબંધિત બંધારણીય જોગવાઈઓમાં સુધારો કરવાનો પ્રસ્તાવ રાખશે.

September 19, 2024
one-nation.png
1min178

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં એક દેશ એક ચૂંટણી (One Nation-One Election)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મોદીના નેતૃત્વ હેઠળની બેઠકમાં આજે એકસાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ અગાઉ કેન્દ્ર સરકારને વન નેશન-વન ઈલેક્શનની સંભાવના અંગે માર્ચ મહિનામાં રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં જે કોઈ મંતવ્યો આપ્યા હતા, તેમાં ખાસ કરીને લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની ભલામણ કરવામાં આવી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિની ભલામણનું સમર્થન આપ્યું સરકારે

આ બંનેની ચૂંટણી યોજ્યાના 100 દિવસમાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી યોજવાની પણ ભલામણ કરી હતી. હાલના તબક્કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ યોજવામાં આવે છે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વન નેશન-વન ઈલેક્શનની પણ ભલામણને સમર્થન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓને વન નેશન વન ઈલેક્શન યોજવા માટે અનુરોધ કરું છું, જે અત્યારના સમયની જરુરિયાત છે.

32 રાજકીય પક્ષોનું મળ્યું સમર્થન

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે 62 પક્ષનો સંપર્ક કર્યો હતો, જ્યારે તેના જવાબ આપનારા 47 પક્ષમાંથી 32 પાર્ટીએ સમર્થન આપ્યું હતું, જ્યારે પંદર પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. રિપોર્ટના અનુસાર પંદર પક્ષે કોઈ જવાબ આપ્યો નહોતો.

ચૂંટણી પરના ખર્ચમાં બચત થઈ શકે

કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી યોજવાને કારણે અનેક રીતે ફાયદો થશે. ચૂંટણી પર થનારા ખર્ચમાં બચત થશે, જ્યારે વારંવાર ચૂંટણી યોજવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. વિકાસલક્ષી વિવિધ કામકાજ પર ફોક્સ કરી શકાશે, જ્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા પર પણ અસર પડી શકે છે.

September 18, 2024
Atishi-Marlena.jpeg
1min210

દિલ્હીના આગામી મુખ્ય પ્રધાન આતિશી( Atishi Marlena) બનશે. અરવિંદ કેજરીવાલે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.
જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ, કેજરીવાલે રવિવારે પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતા જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસમાં રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. AAP ના વિધાનસભ્યોએ મુખ્ય પ્રધાન પદના સંભવિત ઉમેદવારોની ચર્ચા કરવા માટે બેઠકો યોજી હતી.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મંગળવારે સાંજે 4:30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને તેમનું રાજીનામું સોંપે તેવી શક્યતા છે.

અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્ય દળની બેઠકમાં અતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિધાનસભ્યો સંમત થયા હતા.

અગાઉ, આમ આદમી પાર્ટી (AAP)ની પોલીટીકલ અફેર્સ કમિટી (PAC)ના નેતાઓએ દિલ્હીના આગામી મુખ્ય પ્રધાન તરીકે આતિશીનું નામ સૂચવ્યું હતું. ગઈકાલે સોમવારે PACની બેઠક યોજાઈ હતી.

August 27, 2024
rajyasabha.jpg
2min156

રાજ્યસભાની પેટાચૂંટણીમાં ભાજપના નવ સભ્યો અને સાથી પક્ષોના બે સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતાં સત્તારૂઢ એનડીએ ગૃહમાં બહુમતીના આંકડા સુધી પહોંચી ગયું હતું. નવ સભ્યોના ઉમેરા સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 96 પર પહોંચી ગયું છે જ્યારે એનડીએનું સંખ્યાબળ 112 પર પહોંચી ગયું છે. અન્ય બિનહરીફ ચૂંટાયેલા સભ્યોમાં એનડીએના ઘટકપક્ષો એનસીપી (અજિત પવાર જૂથ)ના નીતિન પાટીલ અને રાષ્ટ્રીય લોક મંચના ઉપેન્દ્ર કુશવાહાનો સમાવેશ થાય છે. શાસક ગઠબંધનને છ નોમિનેટેડ સભ્યો અને એક અપક્ષ સભ્યનું સમર્થન પણ છે.

આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના એક સભ્ય પણ બિનવિરોધ ચૂંટાયા છે, જેના કારણે રાજ્યસભામાં વિપક્ષની સંખ્યા વધીને 85 થઈ ગઈ છે.

રાજ્યસભામાં 245 બેઠકો છે, જોકે હાલમાં આઠ બેઠકો જમ્મુ-કાશ્મીરમાંથી ચાર અને ચાર નોમિનેટેડ બેઠક ખાલી છે. ગૃહની વર્તમાન સભ્ય સંખ્યા 237 છે, બહુમતીનો આંકડો 119 છે.

બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોમાં

  • આસામના મિશન રંજન દાસ અને
  • રામેશ્વર તેલી,
  • બિહારથી મનન કુમાર મિશ્રા,
  • હરિયાણાથી કિરણ ચૌધરી,
  • મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન,
  • મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ,
  • ઓડિશાના મમતા મોહંતા,
  • ત્રિપુરાના રાજીવ ભટ્ટાચારજી અને
  • રાજસ્થાનના રવનીત સિંહ બિટ્ટુનો સમાવેશ થાય છે.

તેલંગણામાંથી કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે એનસીપીના અજિત પવાર જૂથના નીતિન પાટીલ મહારાષ્ટ્રમાંથી ચૂંટાયા છે અને આરએલએમના ઉપેન્દ્ર કુશવાહા બિહારથી ઉપલા ગૃહમાં પહોંચ્યા છે.

રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન પહેલાં જ ભાજપનું ખાતું ખૂલ્યું, રવનીત સિંહ બિટ્ટુ, ઉપેન્દ્ર કુશવાહા અને મનન મિશ્રા બિનહરીફ ચૂંટાયા

એનડીએ છેલ્લા એક દાયકાથી રાજ્યસભામાં બહુમતનો આંકડો હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનાથી તેના માટે બિલ પાસ કરાવવામાં સરળતા રહેશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વિપક્ષે વારંવાર સરકારી બિલોને ઉપલા ગૃહમાં રોકી પાડ્યા હતા.
બહુમતીના આંકને સ્પર્શ્યા પછી ભાજપે મહત્વના બિલો પસાર કરવા માટે હવે બીજેડી, વાયએસઆર, બીઆરએસ, એઆઈએડીએમકે જેવા પક્ષો પર આધાર રાખવો પડશે નહીં.

બીજી તરફ કોંગ્રેસની રાજ્યસભામાં વિપક્ષના નેતાની ખુરશી પણ સુરક્ષિત રહેશે. રાજ્યસભામાં કોંગ્રેસના સંખ્યાબળમાં એકનો વધારો થતાં આ સંખ્યા બળ હવે 27 થયું છે, જે વિપક્ષના નેતા પદ માટે જરૂરી 25 બેઠકો કરતાં બે વધુ છે.

August 27, 2024
kangana.png
1min132

ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતના ખેડૂતોને લગતા વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. કંગનાના નિવેદન પર યુનાઇટેડ કિસાન મોરચા ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓ ભાજપ પર આકરા પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પણ કંગનાનું નામ લીધા વિના તેની ટીકા કરી છે.

રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરી

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘આ શરમજનક ખેડૂત વિરોધી શબ્દો પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિત સમગ્ર દેશના ખેડૂતોનું અપમાન છે, જે કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. ખેડૂતોનું આંદોલન પાછું ખેંચતી વખતે રચાયેલી સરકારી સમિતિ હજુ પણ કોલ્ડ સ્ટોરેજમાં છે, સરકાર એમએસપી પર આજ સુધી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકી નથી, શહીદોના પરિવારોને કોઈ રાહત આપવામાં આવી નથી. અન્નદાતાઓનો અનાદર કરીને અને તેમની ગરિમા પર પ્રહાર કરીને મોદી સરકાર દ્વારા ખેડૂતો સાથે કરાયેલો વિશ્વાસઘાત છુપાવી શકાય તેમ નથી. નરેન્દ્ર મોદી અને ભાજપ ગમે તેટલું કાવતરા કરે, પરંતુ ઇન્ડિ ગઠબંધન ખેડૂતોને એમએસપીની કાયદેસર ગેરંટી આપવાનું ચાલુ રાખશે.’

મલ્લિકાર્જુન ખડગેનો પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કંગનાના નિવેદનને લઈને ભાજપ અને પીએમ મોદીને ઘેર્યા છે. ટ્વિટર પર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ પોતે સંસદમાં ખેડૂતોને “આંદોલનકારી” અને “પરજીવી” ગણાવ્યા હતા. સંસદમાં શહીદ ખેડૂતો માટે બે મિનિટનું મૌન પાળવાનો પણ ઇનકાર કર્યો હતો. મોદીજીએ એમએસપી પર કમિટી બનાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાનું ખોટું વચન પણ આપ્યું હતું. જ્યારે મોદીજી પોતે આ બધું કરી શકે છે, તો પછી દેશ તેમના સમર્થકો પાસેથી શહીદ ખેડૂતોના અપમાન સિવાય બીજી શું અપેક્ષા રાખી શકે? આ શરમજનક અને અત્યંત નિંદનીય ખેડૂત વિરોધી વિચારધારા મોદી સરકારનો ડીએનએ છે.’

ખેડુત નેતા ટિકૈતે નિવેદન આપ્યું

કંગનાના નિવેદનની ટીકા કરતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું, ’13 મહિનાના ખેડૂતોના આંદોલનમાં 400 ખેડૂત સંગઠનો અને લાખો ખેડૂતોની હાજરી હોવા છતાં હિંસા નથી થઇ, 700થી વધુ ખેડૂતો શહીદ થયા, પરંતુ ખેડૂતોએ પોતાનો સંયમ નથી ગુમાવ્યો. તે અંગે બીજેપી સાંસદ કંગના રણૌતનું નિવેદન શહીદ ખેડૂતો અને દેશના કરોડો ખેડૂતોનું અપમાન છે.’

ભાજપે કંગના રણૌતના નિવેદનથી અસંમતિ વ્યક્ત કરીને પોતાને દૂર કરી છે, ભાજપના સેન્ટ્રલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, પાર્ટીએ મંડીના સાંસદને ભવિષ્યમાં આવું કોઈ નિવેદન ન આપવા માટે પણ સૂચના આપી હતી.

શું હતું કંગનાનું નિવેદન?

મીડિયા એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું હતું કે, ‘પંજાબમાં ખેડૂતોના આંદોલનના નામે બદમાશો હિંસા ફેલાવી રહ્યા છે અને ત્યાં બળાત્કાર અને હત્યાઓ થઈ રહી છે. જો ભાજપનું ટોચનું નેતૃત્વ મજબૂત ન રહ્યું હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઇ હોત. ત્રણ કૃષિ બિલો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, નહીં તો આ બદમાશોની ખૂબ લાંબી યોજના હતી અને તેઓ દેશમાં કંઈપણ કરી શક્યા હોત.’

August 26, 2024
jharkhand.png
1min239

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યનાં રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે. રાંચીમાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ની રેલી દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે મારમારીની કથિત ઘટનામાં સામેલ ઓળખી કઢાયેલી 51 લોકો સહિત 12000 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક નેતા સામે FIR

ઝારખંડ ભાજપના અધ્યક્ષ બાબુલાલ મરાંડી (Babulal Marandi), વિધાનસભામાં વિપક્ષના નેતા અમર કુમાર બાઉરી (Amar Kumar Bauri), કેન્દ્રીય મંત્રી સંજય સેઠ (Sanjay Seth) અને પૂર્વ કેન્દ્ર મંત્રી અર્જુન મુંડા (Arjun Munda) સહિત ભાજપ (BJP)ના ઘણા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કાર્યવાહી બાદ ભાજપના નેતાઓ ભડક્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren) સામે ગંભીર આક્ષેપ કર્યો છે.

વિનાશ કારે વિપરીત બુદ્ધિ : બાબુલાલ મરાંડી

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ‘વિનાશ કારે વિપરીત બુદ્ધિ ! અમને માહિતી મળી છે કે, મોરાબાદી મેદાનમાં યુવા આક્રોશ રેલી યોજાઈ હતી, જેની સફળતા જોઈ મુખ્યમંત્રી હેમંત સોરેન ગભરાઈ ગયા છે અને મારા તેમજ ઝારખંડ ભાજપના નેતાઓ-કાર્યકર્તાઓ સહિત હજારો યુવા સાથીઓ પર કેસ નોંધાવ્યો છે.’

ઘટના અંગે રાંચી પોલીસે શું કહ્યું?

રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કુમાર સિંહે મીડિયાને કહ્યું કે, ‘મેજિસ્ટ્રેટ નિવેદન બાદ રાંચીના લાલપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ લોકો વિરુદ્ધ ટુંક સમયમાં કાર્યવાહી કરાશે.’ આ રેલી હેમંત સોરેન સરકારે કરેલા અન્યાય અને ચૂંટણી વચનો પૂરા કરવામાં નિષ્ફળતા વિરુદ્ધ યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ભાજપ યુવા વિંગના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને બેરિકેડ્સ પણ તોડવામાં આવ્યા હતા.

August 16, 2024
election_voting.jpg
1min169

ભારતના ચૂંટણી પંચે 10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીર રાજ્યની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવવા માંડ્યો છે. ECIએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં 2014 પછી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. બંધારણની કલમ 370 નાબૂદ કર્યા પછી અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત કર્યા પછી અહીં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. પરિણામ 4 ઓક્ટોબરે આવશે. જમ્મુ-કાશ્મીરમાં 90 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાશે

હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે, જેમાં જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 સીટો છે. PoK માટે માત્ર 24 સીટો આરક્ષિત છે. અહીં ચૂંટણી થઈ શકે તેમ નહીં. જ્યારે લદ્દાખ અલગ જ કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાં વિધાનસભા નથી. આ રીતે જમ્મુ-કાશ્મીરમાં કુલ 114 બેઠકો છે જેમાંથી 90 બેઠકો પર ચૂંટણી યોજાશે. જમ્મુ ક્ષેત્રમાં, સાંબા, કઠુઆ, રાજૌરી, કિશ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં એક-એક સીટ વધારવામાં આવી છે. તે જ સમયે, કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે જ હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. હરિયાણામાં એક તબક્કામાં પહેલી ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે અને 4 ઑક્ટોબરે પરિણામો જાહેર કરવામાં આવશે .

July 22, 2024
bihar.png
1min148

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે. લોકસભામાં જેડીયું સાંસદ રામપ્રિત મંડલ દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્ન જવાબમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ આ વાતનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે બિહાર નિર્ધારિત નિયમોનું પાલન કરતું નથી, તેથી તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં.

જનતા દળ યુનાઈટેડ (JDU)ના નેતા દ્વારા છેલ્લા ઘણા સમયથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત કરી રહ્યા હતા. જો કે કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે નીતિશ કુમારની પાર્ટીને સ્પષ્ટ જવાબ મળી ચૂક્યો છે. આ બાબતે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં બિહારને વિશેષ રાજ્યના દરજ્જા પર હાલ પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે. લોકસભામાં જેડીયું સાંસદ રામપ્રિત મંડલ દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્ન જવાબમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ આ વાતનો જવાબ આપતા ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં.

જેડીયું સાંસદ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપતા કહ્યું હતું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી. વિશેષ રાજ્યના દરજ્જા માટે અમુક ચોક્કસ નિયમોનું પાલન કરવું પડે છે. બિહાર નિર્ધારિત નિયમોનું પાલન કરતું નથી, તેથી તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉઠી ચૂકી છે, જો કે બિહારમાં આ માંગ ફરી એકવાર ઉઠી છે.

રવિવારે Dt.21/7/24 દિલ્હીમાં મળેલી સર્વપક્ષીય દળની બેઠકમાં પણ આ મુદો ઉઠ્યો હતો. જેમાં જેડીયુંનાં સાંસદ સંજય ઝાએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપીને વિશેષ પેકેજ આપવાની માંગ કરી હતી. બિહારના વિશેષ રાજ્યના દરજ્જાની માંગ નીતિશ કુમાર પણ કરતાં આવ્યા છે, જો કે આ બાબતે આરજેડી વડા લાલુપ્રસાદ યાદવે મુખ્ય પ્રધાન પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નીતિશ કુમારે રાજીનામું આપી દેવું જોઈએ, અમે બિહાર માટે વિશેષ રાજ્યનો દરજ્જો લઈને રહીશું.

July 12, 2024
immergency.png
1min180

કેન્દ્ર સરકારે 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમાં કેન્દ્રએ કહ્યું છે કે દેશમાં 25 જૂન 1975ના રોજ ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી, તેથી હવે ભારત સરકારે દર વર્ષે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનને યાદ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વીટ કર્યું છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે પોસ્ટ કર્યું હતું કે, “25 જૂન, 1975ના રોજ, તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશ પર ઈમરજન્સી લાદીને, એક સરમુખત્યારશાહી માનસિકતા દર્શાવીને આપણી લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું.

લાખો લોકોને કોઈપણ ભૂલ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. 1975ની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના મહાન યોગદાનને યાદ કરવા માટે ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનો છે, જેઓ સરમુખત્યારશાહી સરકારના અસંખ્ય ત્રાસ અને જુલમનો સામનો કરવા છતાં લોકશાહીને જીવિત રાખવા માટે પ્રયત્નશીલ રહ્યા અને તેને બચાવવાનો સંઘર્ષ કર્યો ‘સંવિધાન હત્યા દિવસ’ દરેક ભારતીયમાં વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતનું રક્ષણ કરવાનું કામ કરશે, જેથી ભવિષ્યમાં કોંગ્રેસ જેવી કોઈ સરમુખત્યારશાહી માનસિકતાનું પુનરાવર્તન ન કરી શકે.

July 7, 2024
mahuva-moitra.jpeg
1min207

મહિલા આયોગ (NCW)નાં અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને

તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી TMCનાં સાંસદ મહુઆ મોઇત્રા ફરી એક વાર મોટા વિવાદમાં સપટાઈ શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નાં અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને મોટો વિવાદ થયો છે. હવે રેખા શર્માની ફરિયાદ પર મહુઆ મોઇત્રાની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. સ્પેશિયલ સેલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 79 હેઠળ કેસ નોંધ્યો છે.

અલબત્ત, આ કલમ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 79 (મહિલાઓની ગરિમાનું અપમાન કરવાના હેતુથી શબ્દ, હાવભાવ અથવા અન્ય કોઈ કૃત્ય) લગાવવામાં આવી છે. દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પરથી ટ્વિટ સંબંધિત માહિતી પણ માંગી રહી છે.

દેશમાં પહેલી જુલાઈથી નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. હવે આઈપીસીનું સ્થાન ભારતીય ન્યાયિક સંહિતાએ લીધું છે. મહુઆ મોઇત્રા વિરુદ્ધ નવા કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે મામલો. તો વિગતે જાણીએ કે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા હાથરસ નાસભાગના સ્થળે પહોંચ્યા હતા અને તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ રેખા શર્માની પાછળ ચાલતા હાથમાં છત્રી પકડેલી હોય છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારે એક યુઝરે કમેન્ટ કરીને પૂછ્યું કે શું રેખા શર્મા પોતાની છત્રી ઉપાડી શકતા નથી? તે જ યુઝરની કમેન્ટના જવાબમાં મહુઆ મોઇત્રાએ અભદ્ર ટિપ્પણી કરી હતી. એના સંબંધમાં રાષ્ટ્રીય મહિલા પંચે મહુઆ મોઇત્રાની આ ટિપ્પણી પર કાર્યવાહીની માંગ કરી છે. પંચની આ માંગને પગલે મહુઆ મોઇત્રા સામે કેસ નોંધવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય મહિલા આયોગને જવાબ આપતા મહુઆ મોઇત્રાએ ટ્વિટર પર લખ્યું હતું કે દિલ્હી પોલીસે આ આદેશો પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. જો તમને આગામી 3 દિવસમાં ધરપકડ માટે મારી જરૂર પડી તો હું પશ્ચિમ બંગાળના નદિયા વિસ્તારમાં હોઈશ. આ સાથે તેમણે કહ્યું હતું કે હા, હું મારી પોતાની છત્રી પોતે પકડી શકું છું. જોકે, મહિલા પંચે મહુઆ મોઈત્રા પહેલી ટિપ્પણીને અભદ્ર અને અપમાનજનક ગણાવી છે તેમ જ તેની સાથે કહ્યું હતું કે આ મહિલાના સન્માનના અધિકારનું ઉલ્લંઘન છે. મોઇત્રાની ટિપ્પણીની સખત નિંદા કરવામાં આવી છે. મોઇત્રા સામે એફઆઈઆરની માંગણી કરતા તેમણે કહ્યું કે પંચને 3 દિવસમાં વિગતવાર એક્શન રિપોર્ટ આપવામાં આવે.