
- ‘RailOne’ એપથી જનરલ ટિકિટ બુક કરાવવામાં મળશે ડિસ્કાઉન્ટ
- ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે દ્વારા 14 જાન્યુઆરી 2026થી નવી ઓફર લાગુ કરાશે.
નવી દિલ્હીઃ ભારતીય રેલવે મંત્રાલય 14, જાન્યુઆરીથી 14 જુલાઈ 2026 સુધીમાં ‘રેલવન’ એપ મારફતે જનરલ ટિકિટ (અનરિઝર્વ્ડ ટિકિટ) ખરીદવા અને કોઈપણ ડિજિટલ માધ્યમથી ચુકવણી કરવા પર 3 ટકા છૂટ આપશે. હાલમાં તે ‘રેલવન’ એપ પર આર-વોલેટ પેમેન્ટ મારફતે જનરલ ટિકિટ બુક કરવા પર ૩ ટકા કેશબેક આપે છે.
‘ડિજિટલ બુકિંગને પ્રોત્સાહન આપવા માટે ‘રેલવન’ એપ પર તમામ ડિજિટલ પેમેન્ટના માધ્યમથી જનરલ ટિકિટ બુક કરતી વખતે 3 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, 30 ડિસેમ્બર, 2025ના મંત્રાલય તરફથી સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ (સીઆરઆઈએસ) ને લખવામાં આવેલા એક પત્રમાં આ વાત કહેવામાં આવી છે, જેમાં સોફ્ટવેર સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
3 ટકા ડિસ્કાઉન્ટનો પ્રસ્તાવ ૧૪ જાન્યુઆરી, 2026થી 14 જૂલાઈ 2026ના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે. સીઆરઆઈએસ મે મહિનામાં આ દરખાસ્ત પર વધુ તપાસ માટે ફિડબેક આપશે. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રેલવન એપ પર આર-વોલેટ મારફતે બુકિંગ માટે હાલનો 3 ટકા કેશબેક ચાલુ રહેશે.
એક અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હાલની સિસ્ટમમાં રેલવન એપ પર જનરલ ટિકિટ ખરીદનારા અને આર-વોલેટ મારફતે ચુકવણી કરનારા સંભવિત મુસાફરોને 3 ટકા કેશબેક આપવામાં આવે છે. જોકે, નવી ઓફરમાં રેલવન પર બધા ડિજિટલ પેમેન્ટ મોડ મારફતે જનરલ ટિકિટ ખરીદનારાઓને 3 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર અન્ય કોઈ પણ ઓનલાઈન જનરલ ટિકિટ ખરીદી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી.










