CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 9 of 138 - CIA Live

November 20, 2024
ar-saira.png
1min209

ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરા બાનુથી અલગ થવા જઈ રહ્યા છે. રહેમાન અને સાયરાના વકીલે સાર્વજનિક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, દંપતીએ તલાક લેવાનો નિર્ણય લીધો છે. પત્નીના કહેવા પ્રમાણે, તે આ સંબંધમાં ઘણી પીડામાંથી પસાર થઈ રહી હતી, જેને સંભાળવી તેના માટે ખૂબ મુશ્કેલ બની ગઈ છે. તેથી તેણે સંબંધ તોડવાનું નક્કી કર્યું છે.

એઆર રહેમાનના ચાહકો માટે આ આંચકાજનક સમાચાર છે. જાહેર નોંધ મુજબ, દંપતીનો અલગ થવાનો નિર્ણય અચાનક લેવાયેલો નિર્ણય નથી. સાયરા લાંબા સમયના વિચાર અને સમજણ બાદ આ નિષ્કર્ષ પર પહોંચી છે. તેણીએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે તે હવે સંબંધોને બચાવી શકશે નહીં.

અખબારી યાદીમાં લખ્યું હતું – લગ્નના ઘણા વર્ષો પછી શ્રીમતી સાયરાએ તેમના પતિ શ્રી એ.આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. આ નિર્ણય તેમના સંબંધોમાં નોંધપાત્ર ભાવનાત્મક તણાવ પછી લેવાયો છે. એકબીજા પ્રત્યેના ઊંડો પ્રેમ હોવા છતાં, તણાવ અને મુશ્કેલીઓએ તેમની વચ્ચે દરાર પાડી દીધી છે જેને કોઈ પણ પક્ષ હાલના સમયે ઓછી કરી શકવામાં સક્ષમ નથી.

શ્રીમતી સાયરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે પીડા અને વેદનાને કારણે આ નિર્ણય લીધો છે. સાયરા આ પડકારજનક સમયમાં લોકો પાસેથી ગોપનીયતા અને સમજણની વિનંતી કરે છે, કારણ કે તે તેના જીવનના આ મુશ્કેલ પ્રકરણમાંથી પસાર થઈ રહી છે.

દંપતીને ત્રણ બાળકો છે

એઆર રહેમાન અને સાયરાના લગ્ન 1995માં થયા હતા. દંપતીને ત્રણ બાળકો છે – ખતિજા, રહીમા, આમીન. સંગીતકારે કહ્યું હતું કે આ સંબંધ તેની માતાએ નક્કી કર્યો હતો. બંને વચ્ચે ઘણા બધા સાંસ્કૃતિક તફાવત હતા પરંતુ તેમ છતાં તેઓ પોતાના સંબંધોને સારી રીતે જાળવી રહ્યા હતા. સિમી ગ્રેવાલને આપેલા ઈન્ટરવ્યુમાં રહેમાને કહ્યું હતું કે- સાચું કહું તો મારી પાસે દુલ્હન શોધવાનો સમય નહોતો. પરંતુ, મને ખબર હતી કે મારા માટે લગ્ન કરવાનો આ યોગ્ય સમય છે. હું 29 વર્ષનો હતો અને મેં મારી માતાને કહ્યું, ‘મારા માટે કન્યા શોધો.’

November 11, 2024
vistara-air-india.png
1min220

ભારતમાં પ્રીમિયમ બ્રાન્ડની પ્રાઇવેટ એરલાઇન્સ તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલી વિસ્તારા એરલાઇન્સ આજે તા.11મી નવેમ્બરને સોમવારે પોતાના વિમાનોની અંતિમ ઉડાનો ભરી રહી છે. આવતીકાલ તા.12મી નવેમ્બરથી વિસ્તારા એરલાઇન્સનું નામોનિશાન મટી જશે અને તેની બધી ઉડાનો એર ઇન્ડિયામાં મર્જ થઇ જશે.

વિસ્તારા સોમવાર, નવેમ્બર 11 ના રોજ તેની પોતાની બ્રાન્ડ હેઠળ તેની અંતિમ ફ્લાઇટનું સંચાલન કરશે, કારણ કે તે એર ઇન્ડિયા સાથે સંપૂર્ણ રીતે એકીકૃત થવાની તૈયારી કરે છે. 12 નવેમ્બરથી, વિસ્તારાની કામગીરી એર ઈન્ડિયા સાથે એકીકૃત થઈ જશે, જે એર ઈન્ડિયા બેનર હેઠળ સિંગલ, કોન્સોલિડેટેડ સેવામાં સંક્રમણને ચિહ્નિત કરશે.

સરકારે એર ઈન્ડિયા-વિસ્તારા મર્જરમાં સિંગાપોર એરલાઈન્સ દ્વારા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપી છે, જે એર ઈન્ડિયા બ્રાન્ડ હેઠળ એક સંપૂર્ણ-સેવા કેરિયરમાં તેમના એકીકરણને સુવ્યવસ્થિત કરે છે.

વિસ્તારા, ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ એર ઈન્ડિયા સાથે સંપૂર્ણ રીતે સંકલિત થઈ ગયું છે, જેની માલિકી પણ ટાટા ગ્રૂપની છે. આ મર્જર બે વાહકોને એક છત્ર હેઠળ એકીકૃત કરે છે.

એરલાઇન્સે જાહેરાત કરી હતી કે 3 સપ્ટેમ્બર 2024થી ગ્રાહકો ધીમે ધીમે 12 નવેમ્બર 2024ના રોજ અથવા તે પછીની મુસાફરીની તારીખો માટે વિસ્તારા સાથે બુકિંગ કરવાની ક્ષમતા ગુમાવશે.

નવેમ્બર 2022 માં જાહેરાત કરાયેલ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના વિલીનીકરણના પરિણામે, સોદો પૂર્ણ થયા પછી સિંગાપોર એરલાઈન્સ યુનિફાઈડ એરલાઈનમાં 25.1 ટકા હિસ્સો ધરાવે છે.

વિસ્તારાના સીઈઓ વિનોદ કન્નને જણાવ્યું હતું કે એર ઈન્ડિયા સાથે મર્જરનો ઉદ્દેશ્ય પ્રવાસીઓના સમગ્ર અનુભવને વધારીને ફ્લીટ અને નેટવર્કને વિસ્તૃત કરીને મુસાફરોને વધુ વિકલ્પો પ્રદાન કરવાનો છે.

“એર ઈન્ડિયા અને વિસ્તારાની ક્રોસ-ફંક્શનલ ટીમો ઘણા મહિનાઓથી એરક્રાફ્ટ, ફ્લાઈંગ ક્રૂ, ગ્રાઉન્ડ-બેઝ્ડ સહકર્મીઓ અને સૌથી અગત્યનું, અમારા મૂલ્યવાન ગ્રાહકોને નવી એર ઈન્ડિયામાં શક્ય તેટલી સીમલેસ બનાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને અગાઉ કહ્યું હતું.

જેમ જેમ વિસ્તારા આજે એર ઈન્ડિયા સાથે મર્જ થાય છે તેમ, ભારતમાં ફુલ-સર્વિસ કેરિયર્સની સંખ્યા છેલ્લા 17 વર્ષમાં પાંચથી ઘટીને એક થઈ ગઈ છે. આ શિફ્ટ 2012 માં વિદેશી સીધા રોકાણના ધોરણોના ઉદારીકરણને અનુસરે છે, જેના કારણે વિસ્તારા અને અન્ય વિદેશી રોકાણવાળી એરલાઇન્સની સ્થાપના થઈ.

વિસ્તારાનું વિલીનીકરણ ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં વિદેશી કેરિયર્સ સાથેના સંયુક્ત સાહસોના લાંબા યુગના અંતનો સંકેત આપે છે.

2012 માં, યુપીએ સરકારે વિદેશી એરલાઇન્સને 49 ટકા સુધી સ્થાનિક કેરિયર્સની માલિકીની મંજૂરી આપી, જેના કારણે એતિહાદ સાથે જેટ એરવેઝ અને વિસ્તારા અને એરએશિયા ઇન્ડિયાની રચના જેવી ભાગીદારી થઈ.

વિસ્તારા, છેલ્લા દાયકામાં એકમાત્ર નવી સંપૂર્ણ-સેવા કેરિયર, 2015 માં શરૂ થઈ. સમય જતાં, કિંગફિશર અને એર સહારા જેવી એરલાઇન્સ ઝાંખી પડી, જ્યારે જેટ એરવેઝ 2019 માં પડી ભાંગી.

November 6, 2024
2000.jpg
1min219

દેશમાં રૂ. 2000ની ગુલાબી નોટો પર પ્રતિબંધ મૂકાયો તેને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ હજારો કરોડ રૂપિયાની ગુલાબી નોટો લોકો પાસે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર મહિનામાં આ અંગેનું નવીનતમ અપડેટ બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચલણમાંથી કાઢી લેવામાં આવ્યા બાદ 2000 રૂપિયાની કુલ નોટોમાંથી હજુ પણ લોકો પાસે 6,970 કરોડ રૂપિયાની નોટો છે. આ આંકડો 31 ઓક્ટોબર 2024 સુધીનો છે. RBIના લેટેસ્ટ અપડેટમાં જણાવાયું છે કે 2000 રૂપિયાની 98.04 ટકા નોટ પરત આવી ગઇ છે.

ગયા વર્ષે મે મહિનામાં RBIએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. તે સમયે 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાં હતી. હવે સમસ્યા એ છે કે કેન્દ્રીય બેંકને નોટ પરત કરવાની ગતિ એકદમ ધીમી થઈ ગઈ છે. આનો અર્થ એવો પણ થાય છે કે જેની પાસે આ નોટો છે તેઓ તેને પરત કરવા માંગતા નથી. બહુ ઓછા લોકો હવે આ નોટો પરત કરવા આવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં માત્ર 147 કરોડ રૂપિયાની ગુલાબી નોટો પરત આવી છે.

આરબીઆઇએ તેમનો ડેટા પણ શેર કર્યો છે જે અનુસાર 1 જુલાઈ, 2024ના રોજ બજારમાં 7581 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો બચી ગઈ હતી. 1 ઓક્ટોબરે તે રૂ. 7,117 કરોડ હતો અને હવે 31 ઓક્ટોબરે રૂ. 6,970 કરોડ છે. મતલબ કે જુલાઈથી અત્યાર સુધીમાં માત્ર 611 કરોડ રૂપિયાની નોટ જ પરત આવી છે.

આરબીઆઇએ 9 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઇએ અગાઉ 2000 રૂપિયાની નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જોકે, સમયાંતરે આ સમયમર્યાદા લંબાવવામાં પણ આવી હતી. રૂપિયા 2000ની નોટ નવેમ્બર 2016માં ચલણમાં લાવવામાં આવી હતી. તે સમયે સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાં બંધ કરી દીધી હતી. આ પછી, પર્યાપ્ત માત્રામાં અન્ય મૂલ્યોની બેંક નોટો ઉપલબ્ધ થયા પછી, 2,000 રૂપિયાની બેંક નોટો રજૂ કરવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો હતો, તેથી 2018-19માં રૂ. 2,000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું, એમ રિઝર્વ બેંકે જણાવ્યું હતું.

October 28, 2024
ayushaman.jpg
1min307

આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય)  હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે વડાપ્રધાન મોદી દ્વારા  આરોગ્ય વીમાની શરૂઆત 29 ઓક્ટોબરે થવાની સંભાવના છે તેમ સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.નિયમિત ટીકાકરણનું ઇલેકટ્રોનિક રજિસ્ટર બનાવી રાખવા માટે વિકસિત યુ-વિન પોેર્ટલને પણ તે જ દિવસે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બે ઉપરાંત મંગળવારે કેટલાક અન્ય પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવશે.

70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને તેમની આવક ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સરકારના આ નિર્ણયથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે. આ સ્કીમ હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરની વ્યકિત પછી ભલે તે ગરીબ હોય કે ધનવાન તમામને મફતમાં પાંચ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે 1 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 12696 ખાનગી હોસ્પિટલો સહિત 29648 હોસ્પિટલોમાં એબી-પીએમજેએવાયના લાભાર્થીઓને મફત સારવાર આપવામાં આવે છે. 

દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળને છોડીને દેશના 33  રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજના અમલી છે. આધાર કાર્ડ અનુસાર જે વ્યકિતની ઉંમર 70  કે તેથી વધારે હોય તે આ સ્કીમ માટે અરજી કરી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. 

October 25, 2024
supreme.jpg
1min192

સુપ્રીમ કોર્ટે ગુરુવારે Date 24/10/2024 પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કર્યો હતો. આ નિર્ણયમાં પીડિતાની ઉંમર નિર્ધારિત કરવા માટે આધાર કાર્ડમાં લખેલી જન્મતારીખને સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું.

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ અયોગ્ય ગણાવ્યો હતો. તેમણે નોંધ્યું કે, મૃતકની ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડમાં નોંધાયેલી જન્મતારીખનો ઉલ્લેખ કરવાને બદલે મૃતકની ઉંમર જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ ૨૦૧૫ની કલમ ૯૪ હેઠળ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે નક્કી કરી શકાય છે.

આ કેસમાં મોટર એક્સિડેન્ટસ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરવામાં આવેલા રૂ. ૧૯,૩૫,૪૦૦ના વળતરને હાઈકોર્ટે ઘટાડીને રૂ. ૯,૨૨,૩૩૬ કર્યું હતું કારણકે, મૃતકના આધાર કાર્ડમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ પર આધાર રાખીને તેની ઉંમર ૪૭ વર્ષની ગણીને ૧૩નો ગુણાંક લાગુ કરવામાં આવ્યો હતો.

અપીલકર્તાએ હાઈકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. તેમણે અરજીમાં કહ્યું કે, મૃતકની ઉંમરની ગણતરી કરવા માટે આધાર કાર્ડનો ઉલ્લેખ કરવામાં ભૂલ થઈહતી. તેમની દલીલ હતી કે, મૃતકના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મુજબ તેની ઉંમર ૪૫ વર્ષની હતી અને તે મુજબ ૧૪નો ગુણાંક લાગુ થવો જોઈએ.

October 25, 2024
mumbai-local-train.jpg
1min292

રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવે પ્રેસ મીટમાં જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે દૈનિક બે લાખ વધારાના મુસાફરોની સુવિધા માટે સાત હજાર વિશેષ ટ્રેન દોડાવશે. રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે તહેવારોની ભીડને પહોચી વળવા ગત વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે ૪૫૦૦ વિશેષ ટ્રેનો દોડાવી હતી મુસાફરોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ વર્ષે સેવાઓમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન દેશના પૂર્વીય ભાગોમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોવાથી આ ભાગમાં ઉત્તર રેલવે વધુ સંખ્યામાં ટ્રેનો દોડાવશે. ઉત્તર રેલવેએ એક યાદીમાં જણાવ્યું હતું કે મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોચાડવા માટે ૩૦૫૦ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. ભારતીય રેલવેએ વર્ષ ૨૦૨૩માં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી જેમાં ઉત્તર રેલવેએ ૧,૦૮૨ ટ્રેનો દોડાવી હતી જેમાં આ વર્ષે ૩૦૫૦ ટ્રેનોની ટ્રીપ્સ દોડાવશે. સ્પેશિયલ ટ્રેનો ઉપરાંત રૂટીન ્રટ્રેેનોમાં મુસાફરોનો રસ જોઇને કોચમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

October 23, 2024
1min168
  • સરકારની આકરી ચેતવણી છતાં વિમાનોમાં બોમ્બની અફવાનો સિલસિલો યથાવત્
  • નવ દિવસમાં 170થી વધુ ફ્લાઈટ્સને ધમકીઓ મળી, ડોમેસ્ટિક-આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પાછળ સરેરાશ રૂ. 3.5 કરોડનો ખર્ચ
  • ઈન્ડિગોની મુંબઈ ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઈ-એલર્ટ

દેશમાં એક સપ્તાહ કરતાં વધુ સમયથી વીમાનોમાં બોમ્બની અફવાનો સિલસિલો મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 80થી વધારે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી, જેને પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી તેમજ ફ્લાઈટ્સના ટાઈમિંગ અને રૂટમાં ફેરફાર કરવામાં આવતા હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. મંગળવારે એર ઈન્ડિયા, ઈન્ડિગો, આકાસા એર, વિસ્તારા જેવી એરલાઈન્સને ટાર્ગેટ કરાઈ હતી. આ સાથે બોમ્બની ધમકીઓના કારણે એરલાઈન્સને રૂ. 600 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ડીજીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવાર રાતથી મંગળવાર દરમ્યાન સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત લગભગ 80થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા વિક્ષેપ સર્જાયા હતા અને અનેક ઉડાણોના રૂટમાં ફેરફાર કરાયો હતો. મંગળવારે એર ઈન્ડિયા, ઈન્ડિગો, આકાસા એર અને વિસ્તારા જેવી એરલાઈન્સને ટાર્ગેટ કરાઈ હતી જેમાંથી કેટલીક ફ્લાઈટને સાઉદી અરબ અને કતાર તરફ વાળવામાં આવી હતી. દેશમાં નવ દિવસમાં 170થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જેમાં મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત અપાઈ હતી.

એક ડોમેસ્ટિક ફ્લાઈટ્સનો કાર્યક્રમ ખોરવાતા અંદાજે રૂ. 1.5 કરોડનું નુકસાન થાય છે જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પાછળનો આ ખર્ચ અંદાજે રૂ. 5-5.5 કરોડ થાય છે. આમ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ખોરવાતા સરેરાશ રૂ. 3.5 કરોડનો ખર્ચ થાય છે અને 170થી વધુ ફ્લાઈટ્સનો કાર્યક્રમ ખોરવાતા એરલાઈન્સ ઉદ્યોગને અંદાજે રૂ. 600 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.

એર ઈન્ડિયા અને ઈન્ડિગોની 13-13 સહિત 50થી વધુ ફ્લાઈટ્સને મંગળવારે બોમ્બની ધમકી મળી હતી જ્યારે અકાસા એરને ૧૨થી વધુ ફ્લાઈટ્સ અને વિસ્તારાને પણ 11 જેટલી ફ્લાઈટ્સ માટે ધમકીઓ મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સોમવારે રાતે ઈન્ડિગો, એર ઈન્ડિયા અને વિસ્તારાની 30 જેટલી ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી.

આકાસા એરએ અનેક સુરક્ષા ચેતવણીની પુષ્ટી કરી હતી જ્યારે ઈન્ડિગોએ 23 થી વધુ ફ્લાઈટ પ્રભાવિત થયાનું જણાવ્યું હતું. તેમાંથી બેંગલુરુ, કોઝીકોડે અને દિલ્હીના રુટ સહિત જેદ્દાહ જતી ત્રણ ફ્લાઈટને વાળવામાં આવી હતી. અન્ય પ્રભાવિત રુટમાં દિલ્હીથી દમામ અને ઈસ્તાનબુલથી મુંબઈ અને દિલ્હી જેવા આંતરરાષ્ટ્રીય રુટ સામેલ હતા. સૌથી વધુ જેદ્દાહ, ઈસ્તનબુલ અને રિયાધ જતી ફ્લાઈટને ટાર્ગેટ કરવામાં આવી હતી.

ઈન્ડિગોને મળેલી ધમકીમાં લખનઉથી પુણે, હૈદરાબાદથી જેદ્દાહ, ઈસ્તનબુલથી મુંબઈ, દિલ્હીથી દમામ, બેંગલુરુથી જેદ્દાહ, ઈસ્તનબુલથી દિલ્હી, કોઝીકોડેથી જેદ્દાહ અને દિલ્હીથી જેદ્દાહ જતી ફ્લાઈટ સામેલ હતી. ધમકીઓના પ્રતિસાદમાં એરપોર્ટ પ્રશાસને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સ્થાપિત સલામતી ધોરણોનું પાલન કર્યું હતું. વધુમાં ઈન્ડિગોની મુંબઈ ફ્લાઈટ શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવાના સમયે જ બોમ્બની ધમકી મળવાથી એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરાઈ હતી.

ધમકીઓ બનાવટી હોવા છતાં ભારતીય સિવિલ એવિયેશન મંત્રીએ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને આવી બાબતોને ગંભીરતાથી લેવાની સૂચના આપી હતી. દરમ્યાન ભારત સરકાર નાગરિક ઉડ્ડયન અધિનિયમની સલામતી સામે ગેરકાયદેસર કાયદાઓના દમનમાં સૂચિત સુધારા સાથે, બોમ્બની ધમકીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની યોજના બનાવી રહી છે. આ ફેરફારોને કારણે કોર્ટના આદેશ વિના આરોપીની ધરપકડ અને પૂછપરછ કરી શકાશે અને ફ્લાઈટને ધમકી આપનારા સામે સખત પગલા લઈ શકાશે.

October 23, 2024
drone-india-global-drone-news.png
1min173

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામ મોહન નાયડુએ આજે જણાવ્યું હતું કે ભારતે સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે ડ્રોનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આંધ્ર પ્રદેશના અમરાવતી ખાતે બે દિવસીય રાષ્ટ્રીય ડ્રોન શિખર સંમેલનને સંબોધતા નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું હતું કે સરકારે ડ્રોનની આયાત પર પ્રતિબંધ એટલા માટે મુક્યો છે, કારણ કે તે ઇચ્છતી નથી કે ભારતની કિંમત પર કોઇ અન્ય દેશ અથવા કંપનીને ફાયદો થાય.

નાયડુએ કહ્યું હતું કે “અમે ડ્રોનની કુલ આયાત પર પ્રતિબંધ મુક્યો છે, અમે તે શા માટે કર્યું? અમે આ ડ્રોન સેક્ટરમાં વધુ સ્ટાર્ટઅપ્સને આવવા માટે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ દેશના લોકો ડ્રોનનું ઉત્પાદન કરે. અમે ડ્રોનની આયાત કરવા માંગતા નથી. આ અંગેનો લાભ કોઈ અન્ય દેશ અથવા કોઈ અન્ય કંપનીને આપવા માંગતા નથી.
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર સરકાર ઈચ્છે છે કે દેશના યુવા અને પ્રતિભાશાળી લોકો દેશના સ્વદેશી સમાધાનો પુરા કરવા માટે નવા પ્રકારના ડ્રોન વિકસિત કરે, તેથી આ માનસિકતા સાથે અમે આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.

ઉડ્ડયન મંત્રીએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે કેન્દ્ર સરકારે ડ્રોન ઇકોસિસ્ટમ માટે નિયમોને ઉદાર બનાવ્યા છે અને 27 કંપનીઓને પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) યોજનાનો લાભ મેળવવા સક્ષમ બનાવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત ડ્રોન હબ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર આ ઉદ્યોગને વધુ આગળ વધારવા માંગે છે.

તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં આંધ્ર પ્રદેશમાં એક ડ્રોન હબની સંભાવના છે. અમે એ સુનિશ્વિત કરવા માંગીએ છીએ કે આંધ્રપ્રદેશ પોતાની ક્ષમતા અનુસાર વિકાસ કરે. સરકાર ખાતરી કરવા માંગે છે કે દક્ષિણનું રાજ્ય વિશ્વમાં ડ્રોન હબ તરીકે ઉભરી આવે. આ મેગા-ડ્રોન સમિટમાં ડ્રોન હેકાથોન, પ્રદર્શનો અને ઉદ્યોગ નિષ્ણાતો ભાગીદારી કરશે. સમિટમાં 1,711 પ્રતિનિધિ અને 1,306 મુલાકાતી ભાગ લે તેવી અપેક્ષા છે.

October 5, 2024
mumbai-airport.png
1min323

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)પર અવર જવર કરતાં હવાઈ મુસાફરો માટે મહત્વના સમાચાર છે. જેમાં 17 ઓક્ટોબર ગુરુવારે મુંબઈ એરપોર્ટ બંધ રહેશે. તેથી આ સમયગાળા દરમિયાન ફ્લાઈટ ઓપરેશન પણ બંધ રહેશે. આ અંગે માહિતી આપતાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)એ શુક્રવાર તા.4 ઓક્ટોબર 2024ના રોજ જણાવ્યું હતું કે બે ક્રોસ રનવે પર ચોમાસા પછીના મેઇન્ટેનન્સ કાર્ય માટે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ઑપરેશન ગુરુવાર 17 ઑક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે.

MIAL એ જણાવ્યું હતું કે આ સુનિશ્ચિત કામચલાઉ બંધ મુંબઈ એરપોર્ટના વાર્ષિક પોસ્ટ-મોનસૂન જાળવણી કાર્યક્રમનો એક ભાગ છે અને છ મહિના પહેલા આ બાબતે એરમેનને નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

“ક્રોસ રનવે – RWY 09/27 અને RWY 14/32, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA),મુંબઈ ખાતે 17 ઓક્ટોબર, 2024 ના રોજ ચોમાસા પછીના રનવે જાળવણી કાર્યક્રમના ભાગ રૂપે મુંબઇ એરપોર્ટ ફ્લાઇટ ઓપરેશન્સ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે.

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ બં રહેવા અંગે એરપોર્ટ સેવાઓ સાથે સંકળાયેલા મુખ્ય હિતધારકો સાથે મળીને ફ્લાઈટ્સનું સમયપત્રક પૂર્વ સંકલન કરવામાં આવ્યું છે.

October 2, 2024
supreme.jpg
1min273

બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે લોકોની સુરક્ષા સૌથી પહેલા છે અને રસ્તા પર કોઇ પણ ધાર્મિક બાંધકામ હોય તો તેને હટાવવું જરૂરી છે. ગુનાઇત કેસોમાં સામેલ લોકોની સંપત્તિ પર બુલડોઝર ફેરવી દેવા સામે અનેક અરજીઓ સુપ્રીમમાં થઇ હતી જેની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કોર્ટે કરી હતી. સાથે જ કહ્યું હતું કે અવરોધક ધાર્મિક સ્થળો કે અન્ય કોઇ પણ બાંધકામને હટાવવાને લઇને અમે સમગ્ર દેશ માટે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી શકીએ છીએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોકોની સુરક્ષા મહત્વની છે, જો રોડ, જળ કે રેલવે માર્ગ વચ્ચે ક્યાંય પણ ધાર્મિક બાંધકામ આવતુ હોય અને તે અવરોધ ઉભા કરે તેમ હોય તો તેને હટાવવું જરૂરી છે. મંદિર હોય કે મસ્જિદ કે પછી દરગાહ જનતાની સુરક્ષામાં અવરોધક હોય તો તેને હટાવવું જ પડે. ભારત એક સેક્યુલર (બિનસાંપ્રદાયિક) દેશ છે અને બુલડોઝર એક્શન પર અમારો આદેશ તમામ નાગરિકોંને લાગુ પડશે પછી તે કોઇ પણ ધર્મના કેમ ના હોય.

સુપ્રીમના ન્યાયાધીશ બીઆર ગવઇ અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેંચે કહ્યું હતું કે આપણે એક સેક્યુલર દેશ છીએ, તેથી અમારો આદેશ તમામ માટે સમાન રીતે લાગુ પડશે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દરગાહ જો રોડ વચ્ચે ઉભા કરાયા હોય અને જનતા માટે અડચણરૂપ હોય તો તેને દૂર કરવા જ પડે. ગેરકાયદે બાંધકામો માટે એક કાયદો હોવો જોઇએ અને તે કોઇ ધર્મ પર નિર્ભર ના હોવો જોઇએ. સુપ્રીમ કોર્ટે ૧૭મી સપ્ટેમ્બરે કહ્યું હતું કે અમારી મંજૂરી વગર દેશમાં એક પણ સ્થળ પર બુલડોઝર ફેરવવામાં નહીં આવે.

બુલડોઝર એક્શન સામે અનેક અરજીઓ થઇ છે અગાઉ સુપ્રીમે બુલડોઝર ન્યાય પર રોક લગાવી હતી, સુપ્રીમના આ આદેશને લઇને મંગળવારે કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે કોર્ટના આદેશની અજાણતા કોઇ ચોક્કસ સમાજ પર અસર થઇ શકે છે. જેનાથી એક ચર્ચાને વેગ મળશે. જે બાદ સુપ્રીમે કહ્યું હતું કે આપણે એક સેક્યુલર દેશ છીએ, અમારો આદેશ તમામ ધર્મ કે સમાજના લોકો માટે સમાન રીતે લાગુ પડશે. અમે સ્પષ્ટતા કરી હતી કે કોઇ પણ જાહેર સ્થળે અવરોધ ઉભા કરતા ધાર્મિક સ્થળોને હટાવવા સામે અમે કોઇ જ આદેશ નથી આપ્યો. રોડ વચ્ચે કોઇ પણ ધાર્મિક સ્થળ હોય તો તે લોકો માટે અવરોધ ઉભો કરનારા ના હોવા જોઇએ. અમે આવા અવરોધક બાંધકામોને હટાવવા માટે એક ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે આ સાથે જ બુલડોઝર એક્શન પર જે વચગાળાની રોક લગાવી હતી તેને યથાવત રાખીને ચુકાદાને અનામત રાખ્યો હતો.