ગુજરાત રાજ્ય પણ ધીમે ધીમે ડ્રગ્સનું હબ બની રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ફરી એક વાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSએ મોરબી જિલ્લાના માળિયા-મિયાણામાંથી 120 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ અંગે હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જાણકારી આપી છે.
દ્વારકામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ એનસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ દરમિયાન ગુજરાત ATSએ મોરબી જિલ્લાના માળિયા-મિયાણામાંથી 120 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો સપ્લાય થતો હોવાના ઘટસ્ફોટ બાદ હવે પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે.
આ પહેલાં 21 હજાર કરોડનું ડ્રગ્સ કચ્છના મુંદ્રા બંદરે ઝડપાયું હતું. ત્યાર બાદ દ્વારકામાં 17 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. દ્વારકામાં 35દ કરડોનું ડ્રગ્સ ઝડપાયું હતું. અને હવે મોરબીમાં 120 કિલો ડ્રગ્સ મળી આવતાં ચકચાર મચી છે. આ મામલે વધુ તપાસ થઈ રહી છે.
રાજ્યના પોલીસ વિભાગ મારફત કથિત રીતે ખંડણી ઉઘરાવવા સાથે સંકળાયેલ નાણાં કૌભાંડના કેસને મામલે ૧૨ કલાકથી વધુ પૂછતાછ કર્યા બાદ ઇડીએ સોમવારે મોડી રાતે દેશમુખની ધરપકડ કરી હતી.
ઇડીએ મંગળવારે Dt.2/11/21 સવારે દેશમુખને અતિરિક્ત સેશન્સ જજ પી. બી. જાધવની ખંડપીઠ સમક્ષ રજૂ કર્યા હતા. સ્પેશિયલ હોલિડે કોર્ટની અધ્યક્ષતા જાધવે કરી હતી. કોર્ટમાં રજૂ કરવા અગાઉ ઇડી દેશમુખને સરકારી જે.જે. હૉસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લઇ ગઇ હતી.
ભ્રષ્ટાચાર અને સત્તાના દુરૂપયોગના આરોપસર સીબીઆઇએ એનસીપીના ભૂતપૂર્વ પ્રધાન દેશમુખ સામે ૨૧મી એપ્રિલે એફઆઇઆર દાખલ કર્યા બાદ ઇડીએ પોતાની તપાસ શરૂ કરી હતી.
દેશમુખે રાજ્યના ગૃહ પ્રધાનપદના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનો અને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચીન વાઝે મારફત મુંબઇના વિવિધ બાર્સ અને રૅસ્ટોરન્ટ પાસેથી રૂ. ૪.૭૦ કરોડની ખંડણી ઉઘરાવી હોવાનો આરોપ ઇડીએ દેશમુખ સામે ઘડયો છે.
આ મામલે ઇડીએ અન્ય બે વ્યક્તિ સંજીવ પાલાન્ડે (અતિરિક્ત કલેક્ટરની કક્ષાનો અધિકારી, જે દેશમુખના ખાનગી સચિવ તરીકે કામ કરતો હતો) અને કુંદન શિંદે (દેશમુખનો પર્સનલ આસિસ્ટન્ટ)ની પણ ધરપકડ કરી હતી.
ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીક એક ગામમાં એક મંદિરમાં પ્રવેશવાની બાબતે દલિત પરિવારના છ લોકોને 20 જેટલા લોકોએ ઢોર માર માર્યો હોવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. પોલીસે શુક્રવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસ નાયબ અધિક્ષક કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કથિત બનાવ મંગળવાર (26/10/21)ના ભચાઉ સ્ટેશનની હદના નેરગામમાં બન્યો હતો, પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
પોલીસ નયાબ અધિક્ષકના જણાવ્યા મુજબ આ બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ગોવિંદ વાઘેલા અને તેના પિતા જગભાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બન્નેએ દાવો કર્યો છે કે લગભગ 20 જેટલા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓને પકડવા માટે આઠ જુદી જુદી ટીમની રચના કરવામાં આવી હોવાનું પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
કાના આહીર, રાજેશ મહારાજ, કેસરા રબાઈ, પાબા રબારી અને કાના કોળી સહિત 20 જેટલા શખ્સોના ટોળા વિરુદ્ધ હત્યાના પ્રયાસ, લૂંટ, મારપીટ અને એસસી/એસટી કાયદા સંલગ્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
એફઆઈઆર મુજબ ફરિયાદી ગોવિંદ વાઘેલા અને તેનો પરિવાર 20 ઓક્ટોબરના નેરગામના રામ મંદિરમાં પૂજા કરવા ગયો હતો જેનાથી આરોપીઓએ તેમને અપમાનજનક શબ્દો કહી મારપીટ કરી હતી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તેઓ દર્શન કરવા ગયા હતા. 26 ઓક્ટોબરના ગોવિંદ તેની દુકાને હતો ત્યારે કેટલાક લોકોએ તેના ખેતરમાં ઢોર છોડી દીધા હતા અને ઉભા પાકને નષ્ટ કર્યો હતો.
જ્યારે ફરિયાદી અને તેના કાકા ગણેશ વાઘેલા ખેતરમાં પહોંચ્યા ત્યારે આરોપીઓએ તેમના પર પાઈપ, લાકડીઓ તેમજ ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ એક મોબાઈલ ફોન પણ ચોરી લીધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત ફરિયાદીની રિક્ષાને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
આરોપીઓએ ફરિયાદીની માતા, મોટાબહેન, પિતા જગભાઈ અને અન્ય બે સંબંધીઓ ઉપર પણ હુમલો કર્યો હતો. હુમલામાં છ લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મોતા શાખા બારડોલી ખાતે લૂંટની આ ચોંકાવનારી ઘટના બની છે. બારડોલીના મોતા ગામ ખાતે ધોળા દિવસે લૂંટને અંજામ આપીને ત્રણ લૂંટારુ ફરાર થઈ ગયા છે. ત્રણમાંથી બે લૂંટારુ પાસે તમંચા હોવાનું જાણવા મળ્યું છે. આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. આ ત્રણેય લૂંટારુઓ બપોરના સમયે બેંકમાં કોઈની અવર-જવર ના હોય તેવા સમયે પહોંચ્યા હતા અને બેંકના સ્ટાફને બાનમાં લઈને લૂંટ ચલાવી હતી.
મળતી માહિતી મુજબ, સુરતના બારડોલી તાલુકના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ધોળે દહાડે લૂંટની ઘટના બની છે. બેંકમાં ઘૂસી આવેલા 3 જેટલા લૂંટારૂઓએ તમંચા વડે 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવીને 10.40 લાખની લૂંટ ચલાવી હતી. આ બેંકમાં લાગવાયેલા સીસીટીવી કેમેરામાં લૂટની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે.
લૂંટની ઘટના બાદ સ્થાનિક પોલીસ અને એલ.સી.બી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બેંક કર્મચારીઓના નિવેદન લીધા હતા. લૂંટારુઓ 15 મિનિટમાં લૂંટને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, બેંકમાં 10.40 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય લોકો બાઇક પર ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને લૂંટારુઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ઘૂસી આવેલા લૂંટારૂઓએ તમંચો દેખાડીને કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. આ સાથે બેંકના મેનેજરને પણ બાનમાં લીધા હતા. લૂંટારૂઓએ રૂપિયા કઢાવવા માટે મેનેજરને એક-બે તમાચા માર્યા હતા. ત્યારબાદ 10.40 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. બેંકમાં લૂંટ બાદ ત્રણેય લૂંટારૂ એક જ બાઈક પર ભાગી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મેનેજર સહિત સ્ટાફના નિવેદન લીધા હતા.
યુપી પોલીસે લખીમપુર કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની મોડીરાત્રે ધરપકડ કરી હતી. આ કેસમાં તપાસ કરી રહેલી એસઆઇટી સમક્ષ સવારે ૧૦:૩૦ કલાકે હાજર થયો હતો. આશરે ૧૨ કલાકની પૂછપરછ બાદ પોલીસે તેની ધરપકડ કરી છે અને હવે તેને આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે. તેનો મેડિકલ ચેકઅપ કરીને આગામી કાર્યવાહી હાથ ધરાશે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ઉપેન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળ એસઆઇટીની ટીમે પોલીસ લાઇન્સ ખાતે ક્રાઇમ બ્રાંચમાં મોડી સાંજ સુધી પૂછપરછ કરી હતી. જોકે આ કેસ હાઇપ્રોફાઇલ હોવાથી વધારાના સલામતી જવાનોને પૂછપરછના સ્થળે તૈનાત કરાયા હતા. સુપ્રીમ કોર્ટે આ ઘટના મામલે મંત્રી પુત્રને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપને ધ્યાનમાં લઇને યુપી સરકારની ઝાટકણી કાઢતાં પોલીસે કડક વલણ દર્શાવ્યું હતું.
યુપીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ટક્કર મારનાર એક કારમાં આશિષ મિશ્રા પણ હતો તેવો એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ છેલ્લાં ચાર દિવસથી તેને શોધી રહી છે. જોકે આશિષ મિશ્રા અને તેમના પિતા આક્ષેપોને નકારી રહ્યા છે. તેમણે તો નિર્દોષ હોવાનો દાવો પણ કર્યો હતો.
આશિષ મિશ્રા પોલીસના બીજા સમન્સ બાદ હાજર થયો હતો. બીજી બાજુ વિરોધ પક્ષો અને ખેડૂત નેતાઓ સત્તારૂઢ ભાજપ પર દબાણ વધારી રહ્યા છે. તેમણે કેબિનેટમાંથી અજય મિશ્રાની હકાલપટ્ટી અને તેમની તેમજ તેમના પુત્રની ધરપકડની માગણી કરી હતી.
ખેડૂતોને જે કારોએ ઉડાડીને મોતને ઘાટ ઉતાર્યો હતો તેમાંથી એક કારમાં આશિષ મિશ્રા હતો તેવો ઉલ્લેખ એફઆઇઆરમાં કરાયો છે. બીજી બાજુ કેન્દ્રના ત્રણ ખેત કાયદાનો વિરોધમાં ચાલી રહેલા આંદોલનની આગેવાની કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ આક્ષેપ કર્યો છે કે એક અગાઉથી સુયોજિત કાવતરા હેઠળ હિંસા કરાઇ હતી. ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે જો સરકાર તેમની માગણી ૧૧ ઓક્ટોબર સુધી નહિ સ્વીકારે તો તેઓ મૃત ખેડૂતોની અસ્થિઓ સાથે લખીમપુર ખીરીથી એક ‘શહીદ કિસાન યાત્રા’ કાઢશે. મોરચો આ હિંસાના વિરોધમાં દશેરાના દિવસે ૧૫ ઓક્ટોબરે વડાપ્રધાન અને ગૃહમંત્રીના પૂતળા બાળશે.
યુપી સરકાર જે રીતે આ કેસની તપાસ ચાલી રહી છે તે મામલે તેના પર પ્રહારો કરતાં પૂર્વ મંત્રી અખિલેશ યાદવે આક્ષેપ કર્યો હતો કે તેઓ આરોપીઓ સામે આરોપો મુકવા ઉપરાંત તેમને બુકે આપી રહ્યા છે. જે રીતે ખેડૂતોને કચડી દેવામાં આવ્યા છે તે જોતાં હવે એવું લાગે છે કે કાયદાને કચડી દેવા માટે તૈયારીઓ ચાલી રહી છે. તેમના પુત્રની પૂછપરછ કરાઇ રહી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા તેમની લોકલ પાર્ટીની ઓફિસમાં વકીલોથી ઘેરાયેલા હતા. ત્યાં ભાજપના સૈંકડો કાર્યકરો પર પહોંચી ગયા હતા અને તેમના સમર્થનમાં સુત્રોચ્ચારો કર્યા હતા. એ પછી મંત્રી બહાર આવ્યા હતા અને પાર્ટીને કહ્યું હતું કે આશિષ નિર્દોષ છે અને ત્રીજી ઓક્ટોબરની ઘટનામાં તેની કોઇ ભૂમિકા નથી.
સુરતમાં ફરી એકવાર જાણે પોલીસનો જરાય ડર ના હોય તે રીતે નિયમોનો ભંગ કરીને કાયદાની મજાક ઉડાવાતી હોય તેવી ઘટના સામે આવી છે. સુરતમાં બર્થડે પાર્ટીમાં ડાન્સરને બોલાવીને રાત્રી કર્ફ્યૂના નિયમનો અને કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ થયો હોવાની ઘટના બની છે. ડાન્સર ગર્લ સાથે બાળકોથી લઈને યુવાન વયના લોકો ડાન્સ કરતા હોવાનો વિડીયો સામે આવ્યા બાદ આખરે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં 7 લોકોની અટકાયત કરીને કાર્યવાહી શરુ છે. આ વીડિયો કેટલો જૂનો છે તે સ્પષ્ટ નથી થયું પરંતુ તે વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરીને સાતને પકડી લીધા છે.
રિપોર્ટ્સ મુજબ આ ડાન્સ પાર્ટીમાં સુગરી અને મીંડી ગેમના સભ્યો પણ નાચતા દેખાય હતા. બર્થડે પાર્ટી નિમિત્તે સ્ટેજ બાંધીને ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ભાગાતળાવ વિસ્તારમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે.
વિડીયોમાં મોટી સંખ્યામાં લોકો દેખાય છે, જેમાં કેટલાક લોકો સ્ટેજ પર ડાન્સ દરમિયાન રુપિયા ઉડાવવાની સાથે ઠૂમકા લગાવતા પણ જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂ દરમિયાન કરવામાં આવતા પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ભાગાળાવમાં બનેલી ડાન્સ પાર્ટીની નજીકમાં જ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશન આવેલું છે આમ છતાં પોલીસથી કઈ રીતે ચૂક થઈ ગઈ તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે 7 લોકોને પકડીને કાર્યવાહી શરુ કરી છે. પોલીસ બાર ડાન્સર્સને ક્યાંથી બોલવામાં આવી હતી અને પાર્ટી પહેલા મંજૂરી લીધી હતી કે નહીં તે તમામ મુદ્દે સવાલો અને પૂછપરછ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશનાં લખીમપુર ખીરી જિલ્લામાં ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની ખિલાફ કિસાનોનું વિરોધ પ્રદર્શન હિંસક અથડામણમાં પલટાઈ ગયું હતું અને આ ઘર્ષણમાં કુલ 8 વ્યક્તિનાં મૃત્યુ નિપજ્યા હોવાનું અનધિકૃત અહેવાલોમાં જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રીનાં કાફલામાં તેમનાં પુત્રની મોટરકારે બેથી ત્રણ કિસાનોને કચડી નાખ્યા બાદ ખેડૂતો વિફર્યા હતાં અને જોતજોતામાં જ તોફાન શરૂ થઈ ગયું હતું. આ હિંસામાં મંત્રીનાં કાફલાની મોટરકારો પણ સળગાવી નાખવામાં આવી હતી. મૃતકોમાં 4 કિસાનો અને 4 કાફલાનાં વાહનોમાં સવાર લોકોનો સમાવેશ થતો હોવાનું પ્રાથમિક રૂપે જાણવા મળે છે.
હિયાળ બનેલા લખીમપુરનાં વિરોધ પ્રદર્શન પછી વિપક્ષી નેતાઓએ ભાજપ ઉપર આક્રમણ ચલાવતા ઉગ્ર નિવેદનબાજી શરૂ કરી હતી અને સંખ્યાબંધ નેતાઓએ લખીમપુરની મુલાકાતનું આયોજન પણ કરી નાખ્યું છે. બબાલના પગલે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ અટકાવી દેવામાં આવી હતી.
જાણકારી અનુસાર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય એક કાર્યક્રમ માટે લખીમપુર ખીરી આવ્યા હતા. આ વાતની જાણકારી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોને થતાં તેઓ હેલિપેડ પર પહોંચી ગયા હતા અને કબજો કરી લીધો હતો. મિશ્રા અને મૌર્યનો કાફલો જ્યારે સડક માર્ગે આવી રહ્યો હતો ત્યારે કિસાનોએ કાળા ઝંડા દેખાડી વિરોધ કર્યો હતો. આ દરમ્યાન કાફલામાં રહેલા મિશ્રાના પુત્ર અભિષેકે પોતાની ગાડી કિસાનો પર ચડાવી દેતાં અફરાતફરી મચી હતી. આ ઘટનાથી કિસાનોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો અને તેમણે બે ગાડીમાં આગ ચાંપી હતી. મંત્રીના પુત્રની ગાડીને રોકવાના પ્રયાસમાં એક મહિલા સિપાહી સહિત બે પોલીસકર્મીને ઈજા પણ પહોંચી હતી.
કિસાન સંગઠનો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ અથડામણમાં આઠ કિસાન ઘવાયા હતાં અને એકની ગોળી મારીને હત્યા પણ થઈ છે. આ ગોળીબાર મંત્રીના પુત્રએ જ કર્યો હોવાનો આક્ષેપ પણ થયો છે. બીજીબાજુ ભારતીય કિસાન સંગઠનનાં નેતા રાકેશ ટિકૈતે પણ આ ઘટનામાં 4 કિસાનોનાં મૃત્યુ થયા હોવાનો દાવો કર્યો હતો. ટિકૈતે આ ઘટનાને પગલે લખીમપુરનો તાબડતોબ પ્રવાસ પણ ગોઠવી નાખ્યો હતો.
કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી અને સપાનાં નેતા અખિલેશ યાદવે પણ ખેડૂતોનાં સમર્થનમાં લખીમપુરની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કિસાનોના બલીદાનને વ્યર્થ જવા દેવાશે નહી. જો આ અમાનવીય નરસંહારને જોઈને પણ ચુપ છે તે પહેલા જ મરી ચૂક્યા છે. આ મામલે યુપીના પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે કૃષિ કાયદા સામે શાંતિપુર્ણ રીતે વિરોધ કરી રહેલા કિસાનોને ભાજપ સરકારના ગૃહરાજ્યમંત્રીના પુત્રની ગાડીની કચડવા એ અમાનવીય અને ક્રૂર કૃત્ય છે. જયંત ચૌધરીએ આ ઘટનાને કાળુ કૃત્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ગૃહમંત્રી સાજીશ રચી રહ્યા હોય તો કોણ’ સુરક્ષિત રહેશે. અન્ય વિપક્ષી નેતાઓએ પણ ઘટના બાદ ભાજપ ઉપર નિશાન તાક્યું હતું અને ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આમ લખીમપુર હવે રાજકારણનો નવો અખાડો બનવાનું સુનિશ્ચિત થઈ ગયું છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત મિશ્રા ટેનીએ કહ્યું હતું કે, કિસાનોના ટોળાએ પથ્થર વડે કાફલા ઉપર હુમલો કર્યો હતો. તેમાં તેના ડ્રાઈવરનું મૃત્યુ થયું છે. આંદોલનકારીઓએ લાકડી અને તલવાર વડે કરેલા હુમલામાં ત્રણ કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યો છે. વધુમાં એમ પણ કહ્યું હતું કે, મારો પુત્ર સ્થળ ઉપર હાજર નહોતો બાકી તેની પણ હત્યા કરી દેવામાં આવી હોત. આ સાથે કિસાનો વચ્ચે ઉપદ્રવીઓ છુપાયેલા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
મુંબઇ બંદર નજીક મુંબઈ-ગોવા કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કરનારી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે બોલીવૂડના અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. એનસીબીની ટીમે શનિવારે રાતે ક્રૂઝ પરથી બે મહિલા સહિત આઠ જણને તાબામાં લીધા હતા અને તેમની પાસેથી વિવિધ પ્રકારનાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન ધરપકડ કરાયેલા ત્રણેયને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને એક દિવસની એનસીબી કસ્ટડી ફટકારાઇ હતી. દરમિયાન રાત્રે વધુ પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી જેમાં ઈસ્મિત સિંહ, મોહક જયસ્વાલ, ગોમિત ચોપડા, નુપૂર સતિજા અને વિક્રાંત છોકરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
એનસીબીના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વ હેઠળ અધિકારીઓની ટીમ મળેલી માહિતીને આધારે શનિવારે સાંજે મુંબઈ બંદરેથી નીકળેલી કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર પહોંચી ગઇ હતી. દરમિયાન મધદરિયે પહોંચેલી ક્રૂઝ શિપ પર ડ્રગ્સ પાર્ટી શરૂ થયા બાદ એનસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
NCBએ મધરાતે આર્યન ખાન, મુનમુન ધામેચા, નુપૂર સતિજા, ઇસ્મિત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપડા અને અરબાઝ મર્ચન્ટને તાબામાં લીધાં હતાં. તેમની પાસેથી ચરસ, કોકેઇન, એમડી (મેફેડ્રોન), એમડીએમએ અને એકસ્ટસી જેવા ડ્રગ્સ મળી આવ્યા હતા. તમામને બાદમાં એનસીબીની દક્ષિણ મુંબઈમાં આવેલી ઓફિસમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તાબામાં લીધેલા આઠેય જણ મોટા ઘરના નબીરાઓ હોવાથી એનસીબીની ઓફિસે તેમના વકીલોનું આવવાનું શરૂ થઇ ગયું હતું.
એનસીબીએ ડ્રગ્સ પાર્ટી પ્રકરણે એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને રવિવારે સાંજના આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ તેમ જ મુનમુન ધામેચાની ધરપકડ કરાઇ હતી.
એનસીબીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી દરમિયાન ૧૩ ગ્રામ કોકેઇન, પાંચ ગ્રામ એમડી, ૨૧ ગ્રામ ચરસ, એમડીએમએની ૨૨ ગોળી તથા ૧.૩૩ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. ધરપકડ બાદ ત્રણેયને મેડિકલ માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને બાદમાં સાંજે કોર્ટમાં હાજર કરાયા હતા. આર્યન ખાન વતી જાણીતા એડવોકેટ સતીશ માનેશિંદે કોર્ટમાં હાજર રહ્યા હતા.
કચ્છના મુંદ્રા બંદરેથી કરોડોનું ડ્રગ્સ પકડાયા પછી ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ કચ્છમાં ધામા નાંખીને બેઠા હતાં એ સમયે ભારતીય જળસીમામાંથી અજાણ્યા સેટેલાઇટ સિગ્નલ ઇન્ટરસેપ્ટ કરી ગુજરાત એટીએસે કોડ લેગ્વેજને ઉકેલતા પોરબંદર અને ઓખાની વચ્ચે મોટા પાયે ડ્રગ્સ લેન્ડ થઇ રહ્યું હોવાની વિગત મળતા ગુજરાત એટીએસે કોસ્ટ ગાર્ડની મદદથી ઓખા અને પોરબંદરની વચ્ચે 200 નોટિકલ માઇલ દૂર 250 કરોડનું 50 કિલો હેરોઇન સાત ઇરાનીઓ સાથે ઝડપી પાડયું હતું.
અત્યાર સુધી ડ્રગ્સ પાકિસ્તાની બોટમાં આવતું હતું. પરંતુ ડ્રગ પેડલરોએ અફઘાનિસ્તાનની બોટનો ડ્રગ્સની હેરાફેરીમાં પહેલો પ્રયોગ કર્યો, મુંદ્રા બંદરેથી ટેલ્કમ પાવડરની આડમાં 3500 કરોડનુ ડ્રગ હસન હુસેન કંપની દ્વારા કંદહારથી ઇન્ટરસિડની જહાજમાં લાવ્યા પછી તમામ એજન્સીઓ સતર્ક થઇ ગઇ હતી.
આ જ કેસની તપાસમાં મુંદ્રા પહોચેલી એટીએસની ટીમે કંદહારથી આવેલા ડ્રગ્સના આ કન્સાઇનમેન્ટમાં કનેક્શન શોધવા માટે દરિયામાં વપરાતા સેટેલાઇટ સિગ્નલ્સને ઇન્ટરસેપ્ટ કરવાનું ચાલુ કર્યું. આ સિગ્નલોને આંતરી રહ્યા હતા ત્યારે શુક્રવારે બપોરે અલગ ફ્રિકવન્સીથી ભારતીય જળસીમા પાસે સેટેલાઇટ સિગ્નલ આવી રહ્યા હતાં. અરબી અને ઉર્દુ ભાષામાં આવતા કોડના સિગ્નલ શુક્રવારે મોડી સાંજ સુધીમાં ઉકેલાઇ ગયા. કોસ્ટ ગાર્ડના કમાન્ડર ચંદ્રા મહાપાત્રાએ જણાવ્યું કે, અમને એટીએસ તરફથી માહિતિ મળી. પેટ્રાલિંગ દરમિયાન અમે અમારી બોટ સિગ્નલની દિશા તરફ વાળી દીધી જ્યાં એક ઇરાની બોટ અમનૈ નજરે પડી હતી. ભારતીય જળસીમાં ઘુસેલી આ ઇરાની બોટ 200 નોટિકલ માઇલ દૂર હતી. ઇરાનની આ કોમર્શિયલ બોટમાં અમારી ટીમે હલ્લો બોલ્યો ત્યારે એમાં સાત ઇરાની હતા અને બોટની તપાસ કરતાં અંદરથી 250 કરોડનું હેરોઇન મળી આવ્યું હતું.
આ અંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ભૂતપૂર્વ અધિકારી એ. કે. શર્માએ કહ્યું કે, સામાન્ય રીતે ઇરાન અને અફઘાનથી આવતી બોટમાં ડ્રગ્સ આવતા ન હતાં. ઇરાન અને અફઘાન વચ્ચે 40 મિલિયન ડોલરનો વેપાર છે. અફઘાનિસ્તાન જ્યાં સુધી તાલિબાનના કબજામાં ન હતું ત્યાં સુધી એમણે પોતાની બોટમાં કે ઇરાનની મદદ લઇને કોઇની બોટમાં ભારતમાં ડ્રગ્સ પહોંચાડવાની હિંમત કરી ન હતી, પણ હવે અફઘાનમાં તાલિબાની રાજ આવી ગયું છે ત્યારે અફઘાની બોટ ઉપરાંત ઇરાની બોટનો પણ ડ્રગ ટ્રાફાકિંગમાં ઉપયોગ શરૂ કર્યો હોય તેમ લાગે છે. ‘
વીજચોરી અટકાવવા માટે મહાવિતરણ ગમે તેટલા પ્રયાસ કરી લે, પણ ટેક્નોલોજીમાં વીજચોરો એક ડગલું આગળ છે. હાલમાં રિમોટનો વપરાશ કરીને વીજચોરી કરવાની નવી તરકીબ મોટા પ્રમાણમાં વાપરવામાં આવતી હોવાથી મહાવિતરણની જાણ બહાર કરોડો રૂપિયાની વીજચોરી થઈ રહી છે. વસઈની એક કંપનીની છ કરોડથી વધુ રૂપિયાની વીજચોરી મહાવિતરણે હાલમાં જ પકડી છે. આ ચોરી પકડવા માટે મહાવિતરણને ચાર વર્ષ નીકળી ગયાં હતાં. આ ઠેકાણે રિમોટના સહારે વીજચોરી કરવામાં આવતી હતી. આ પદ્ધતિથી થતી વીજચોરીને પકડવી શક્ય ન હોવાથી છેલ્લા ઘણા સમયથી રિમોટ દ્વારા ચોરી થતી હોવાનું પ્રમાણ વધ્યું છે.
વીજચોરી રોકવી મહાવિતરણ સામે માટો પડકાર છે. વીજળી વાયર પર ગેરકાયદે ચોરી કરવા માટે લંગર ફેંકતા હોય છે. તેમાં ટેક્નોલોજીમાં સુધારો થયો છે. વીજચોરીને કારણે મહાવિતરણને આર્થિક નુકસાન થતું હોવાને કારણે ચોરી રોકવા માટે મહાવિતરણ પ્રશાસન તરફથી વીજચોરી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુના પણ દાખલ કરવામાં આવે છે. જોકે ગુના નોંધાવા હોવા છતાં વીજચોરીના પ્રકાર થંભ્યા નથી. એનાથી ઊલટું નવી નવી તરકીબો અજમાવીને વીજચોરી કરવાનું પ્રમાણ વધી ગયું છે. હાલમાં વીજચોરો દ્વારા રિમોટનો સહારો લેવામાં આવ્યો છે.
વસઈની એક કંપની ૨૦૧૭થી વીજચોરી કરતી હતી. રિમોટ કંટ્રોલના માધ્યમથી કંપનીના વીજવપરાશમાં ૯૦ ટકા ઘટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ કાળમાં કંપનીએ અંદાજે ૩૩ લાખ યુનિટની ચોરી કરી હતી. આ પ્રકરણે સંબંધિત પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.