સુપ્રીમ કોર્ટે તેના એક ઐતિહાસિક ચુકાદામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા કે જોવાને POCSO હેઠળ અપરાધ જાહેર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત ચુકાદાને ફગાવી દીધો હતો, જેમાં જણાવ્યું હતું કે, ચાઈલ્ડ પોર્ન વીડિયો ડાઉનલોડ કરવો અને જોવો એ ગુનો નથી.
ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દ ન વાપરવા નિર્દેશ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા વીડિયોને POCSO એક્ટની કલમ 15(3) હેઠળ ગુનો સાબિત કરવા માટે એ સાબિત કરવું પડશે કે આ વીડિયો કોઈ લાભ માટે સ્ટોર કરવામાં આવ્યો હતો. કોર્ટે સંસદને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દને ‘બાળકોનું જાતીય શોષણ-અપમાનજનક સામગ્રી’ સાથે બદલવાનું સૂચન કર્યું છે. આ સુધારા માટે વટહુકમ લાવવા સરકારને અપીલ કરવામાં આવી છે. તદુપરાંત સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યો છે.
મદ્રાસ કોર્ટના ચુકાદાને પડકાર્યો
ઉલ્લેખનીય છે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે કેરળ હાઈકોર્ટે 13 સપ્ટેમ્બર, 2023માં ચુકાદો આપ્યો હતો કે, જો કોઈ વ્યક્તિ અંગત સ્વરૂપે અશ્લીલ ફોટો કે વીડિયો જોઈ રહ્યો છે તો તે ગુનો નથી, પરંતુ તે બીજાને તે વીડિયો બતાવી રહ્યો છે, તો તે અપરાધ છે. આ નિવેદન આપતાં મદ્રાસ હાઈકોર્ટે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતે. જેના પગલે આ ચુકાદાને પડકારતા એક એનજીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
સુરત એસઓજીએ સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્કવેરની ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેઈડ કરી ડુપ્લીકેટ નોટ છાપવાનું મીની કારખાનું ઝડપી લીધું હતું. એસઓજીએ 100 રૂપિયાના દરની 1 લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટો સાથે ચારને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, એક અસલી નોટ સ્કેન કરી બાદમાં તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લીકેટ નોટ બનાવતા હતા. 100 રૂપિયાની ડુપ્લીકેટ નોટ માર્કેટમાં સરળતાથી વટાવી શકાતા હતા.અન્ય બે યુવાન ડુપ્લીકેટ નોટ લેવા ત્યાં આવ્યા હતા.
બાતમીના આધારે એઓસજીની ટીમે શનિવારે (21મી સપ્ટેમ્બર) સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્કવેરના ચોથા માળે આવેલી ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેઇડ કરી હતી. એસઓજીને ત્યાં ડુપ્લીકેટ નોટ બનાવતા ભાવેશ અને ત્યાં ડુપ્લીકેટ નોટ લેવા આવેલા રાહુલ અને પવનને ઝડપી પાડી દુકાનમાં તપાસ કરી હતી. ત્યાંથી 100 રૂપિયાના દરની 1 લાખની ડુપ્લીકેટ નોટ મળી હતી. એસઓજીએ દુકાનમાંથી કોમ્પ્યુટર, સ્કેનર, કલર પ્રિન્ટર કબજે કર્યા છે.
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભાવેશ અસલ નોટ સ્કેન કરી બાદમાં તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લીકેટ નોટ બનાવતો હતો અને 100 રૂપિયાની ડુપ્લીકેટ નોટ માર્કેટમાં સરળતાથી વટાવી શકતા હતા. ભાવેશે છેલ્લા એક મહિનાથી ડુપ્લીકેટ નોટ છાપવાનું શરૂ કર્યું હતું અને તે એક અસલી નોટની સામે ત્રણ ડુપ્લીકેટ નોટ આપતો હતો. માસ્ટર માઈન્ડ સાગરની સાથે રાહુલ, ભાવેશ અને પવનની ધરપકડ કરાઈ છે. ચાર આરોપીઓ માંથી એક મહારાષ્ટ્ર, એક એમપી અને અન્ય બે અમરેલી જિલ્લાના વતની છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો શરૂ થયો છે. વલસાડના ઉદવાડા અને સુરતના હજીરા બાદ હવે ચરસનો જથ્થો નવસારીના દરિયાકિનારેથી મળી આવ્યો છે. નવસારીના દરિયાકાંઠેથી રૂ. 30 કરોડની કિંમતનો 60 કિલો જેટલો ચરસનો જથ્થો જપ્ત થયો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા બાદ છેલ્લા દિવસોથી વલસાડ જિલ્લા તથા સુરતના દરિયાકિનારેથી માદક પદાર્થ ચરસનો જથ્થો પ્રાપ્ત થયો છે. જેના પગલે નવસારીના દરીયા કાંઠો ધરાવતા મરોલી, ગણદેવી, ધોલાઈ મરીન, બીલીમોરા તથા જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવીને દરીયાઈકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
દરિયાકાંઠા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારનાં ઓંજલ ગામના ચાંગલી ફળીયાથી દાંડી તરફના દરીયા કિનારે અંદાજે પાંચ કિલોમીટરના વિસ્તારમાં જુદી જુદી 5 જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થ ચરસના અલગ-અલગ વજન તથા માર્કાવાળા ફુલ પેકટ નંગ.50 જેનુ અંદાજીત કુલ વજન 60 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ કુલ જથ્થાની આંતર રાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 30 કરોડ રૂપિયા થવા જાય છે. આ મામલે જલાલપોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ અધિકક્ષઆ જણાવ્યા અનુસાર “5 જુદી-જુદી જગ્યાએથી ટોટલ મળીને 50 પેકેટ નાર્કોટિકસ ડ્રગ્સ મળી આવ્યા છે. FSL દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ ડ્રગ્સ ડસીસ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખૂલ્યું છે. તમામ પેકેટ અંદાજીત 1200 ગ્રામના છે અને કુલ 60 કિલો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિમંત અંદાજે 30 કરોડ રૂપિયા જેટલી છે.
દેવગૌડા પરિવારને માથું કૂટવાનો વારો, પૈસાદાર પરિવારના ફરજંદ પ્રજ્વલ સામે અત્યાર સુધીમાં બળાત્કારના ત્રણ કેસ નોંધાયેલા છે
દેવ ગૌડા પરિવાર પાસે પ્રજ્વલને બચાવવા માટેનું મુખ્ય હથિયાર સેક્સ ટેપ્સને બનાવટી સાબિત કરવાનું હતું પણ એફએસએલના રીપોર્ટે આ હથિયારને સાવ બુઠ્ઠું કરી નાંખ્યું છે. પ્રજ્વલ સામે અત્યાર સુધી બળાત્કારના ત્રણ કેસ નોંધાયેલા છે. પ્રજ્વલની કામવાળીની ફરિયાદ પ્રમાણે, પોતે ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન પ્રજ્વલના ઘરે કામ કરતી હતી ત્યારે પ્રજ્વલ તથા તેના ધારાસભ્ય બાપ રેવન્નાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવીને શરીર સંબંધ બાંધ્યા હતા. પ્રજ્વલ તેની દીકરીને પણ ગંદા વીડિયો કોલ કરીને શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જેડીએસની એક મહિલા નેતા સાથે પણ પ્રજ્વલ તેની ઓફિસમાં જ શરીર સુખ માણતો હતો એવી મહિલાની ફરિયાદ છે.
લોકસભાની ચૂંટણી પહેલાં ખળભળાટ મચાવનારા પ્રજ્વલ રેવન્ના સેક્સ કાંડમાં મહત્વનો વળાંક આવ્યો છે. પ્રજ્વલ રેવન્નાના અલગ અલગ મહિલાઓ સાથેના સેક્સના ૨૯૭૬ વીડિયો અને સેંકડો અશ્લીલ ફોટા સાથેની પેન ડ્રાઈવ ચૂંટણી પહેલાં ફરતી થતાં પ્રજ્વલ જર્મની ભાગી ગયો હતો. બહુ મથાવ્યા પછી પ્રજ્વલ હાજર થયો ત્યારે તેણે દાવો કરેલો કે, આ સેક્સ ટેપ્સ મોર્ફ કરેલી અને એડિટ કરાયેલી એટલે કે બનાવટી છે. પોતાના પરિવારને રાજકીય રીતે ખતમ કરવા નકલી સેક્સ સીડીઓ ફરતી કરાઈ છે. પ્રજ્વલનો પરિવાર પણ આ રેકર્ડ વગાડયા કરતો હતો.
આ સેક્સ ટેપ્સની સત્યતાની ચકાસણી કરવા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)માં મોકલાયેલી. એફએસએલના રીપોર્ટ પ્રમાણે, પ્રજ્વલની સેક્સ સીડીઓ અસલી છે અને તેમાં કોઈ છેડછાડ કરાયેલી નથી. એફએસએલ દ્વારા કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઈઆઈટી)ને અપાયેલા રીપોર્ટમાં સાફ લખાયેલું છે કે, એક પણ સેક્સ ટેપ મોર્ફર્ડ, એનિમેટેડ કે એડિટેડ નથી.
એફએસએલના રીપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, સેક્સ ટેપ્સમાં દેખાતી વ્યક્તિનો શારિરિક દેખાવ પ્રજ્વલ રેવન્નાને મળતો આવે છે. ઘણી સેક્સ ટેપ્સમાં વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ નથી દેખાતો તેથી તેમાં પ્રજ્વલ જ છે એવું ના કહી શકાય પણ મોટા ભાગના વીડિયોમાં પ્રજ્વલ જ છે એ સ્પષ્ટ છે એવું રીપોર્ટમાં કહેવાયું છે.
એફએસએલના રીપોર્ટના પગલે પ્રજ્વલ ફરતે ગાળિયો વધારે કસાયો છે એ સ્પષ્ટ છે. દેવ ગૌડા પરિવાર પાસે પ્રજ્વલને બચાવવા માટેનું મુખ્ય હથિયાર તેની સેક્સ ટેપ્સને બનાવટી સાબિત કરવાનું હતું પણ એફએસએલના રીપોર્ટે આ હથિયારને સાવ બુઠ્ઠું કરી નાંખ્યું છે. પ્રજ્વલ સામે બીજા મજબૂત પુરાવા છે જ. પ્રજ્વલ સામે અત્યાર સુધી બળાત્કારના ત્રણ કેસ નોંધાયેલા છે.
આ પૈકી પહેલો કેસ ૨૮ એપ્રિલે તેમની કામવાળીએ નોંધાવેલો. કામવાળીની ફરિયાદ પ્રમાણે, પોતે ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન પ્રજ્વલના ઘરે કામ કરતી હતી ત્યારે પ્રજ્વલ તથા તેના ધારાસભ્ય બાપ રેવન્નાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવીને શરીર સંબંધ બાંધ્યા હતા. પ્રજ્વલ તેની દીકરીને પણ ગંદા વીડિયો કોલ કરીને શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો એવો આક્ષેપ મહિલાએ કર્યો છે. આ કેસમાં પોલીસને પ્રજ્વલે કરેલા અશ્લીલ વીડિયો કોલનાં રેકોર્ડિંગ મળેલાં છે.
મહિલા તથા તેની દીકરીએ નોંધાવેલા બે અલગ અલગ કેસો ઉપરાંત જેડીએસની એક મહિલા નેતાએ પણ પ્રજ્વલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પ્રજ્વલ સાંસદ હોવાથી તેની પાસે લોકોનાં કામ કરાવવા જતી કાર્યકર સાથે પ્રજ્વલ તેની ઓફિસમાં જ શરીર સુખ માણતો હતો એવી મહિલાની ફરિયાદ છે. પ્રજ્વલે આ મહિલા સાથેના સેક્સ સંબંધોનું રેકોર્ડિંગ કરેલું ને તેના પુરાવા પણ મળ્યા છે. આ ત્રણ કેસના પુરાવા જોતાં પ્રજ્વલને ફિટ કરી દેવા માટે કર્ણાટક પોલીસની એસઆઈટી પાસે મજબૂત પુરાવા છે. હવે એફએસએલના રીપોર્ટમાં તમામ સેક્સ ટેપ પણ સાચી હોવાનું સાબિત થતાં પ્રજ્વલ સામે પુરાવાની કોઈ કમી જ નહીં રહે.
આ સંજોગોમાં અત્યારે પ્રજ્વલ બરાબરનો ભેખડે ભરાયેલો છે એ સ્પષ્ટ છે. લોકોએ લોકસભાની ચૂંટણીમાં તેને હરાવીને આક્રોશ ઠાલવ્યો છે તેથી તેની રાજકીય કારકિર્દી સામે પણ સવાલ છે. જેડીએસ દ્વારા તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. પ્રજ્વલના કાકા કુમારસ્વામી અત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી છે પણ એ ખુલ્લેઆમ તેનો બચાવ કરી શકે તેમ નથી એ જોતાં પ્રજ્વલ માટે છટકવું મુશ્કેલ છે.
જો કે રાજકારણમાં ક્યારે ચિત્ર બદલાઈ જાય ને રાજકારણીઓ પણ ક્યારે બદલાઈ જાય એ નક્કી નહીં. ભવિષ્યમાં કર્ણાટકની કોંગ્રેસ સરકાર જેડીએસ સાથે સોદાબાજી કરી લે તો પ્રજ્વલ બચી જાય એવું પણ બને. રાજકારણમાં આ પ્રકારની સોદાબાજી નવી વાત નથી. નેતાઓ રાજકીય સ્વાર્થને ખાતર ગમે તેવી સોદાબાજી કરતાં ખચકાતા નથી હોતા.
અત્યાર સુધી કોંગ્રેસ સરકારે જેડીએસ સાથે સોદાબાજી કરીને પ્રજ્વલને બચાવવામા તેને રસ હોવાના કોઈ સંકેત આપ્યા નથી પણ ચિત્ર ક્યારે બદલાઈ જાય એ નક્કી નહીં.
લોકસભાની ચૂંટણી હમણાં જ પતી છે તેથી સાડા ચાર વર્ષ પછીની વાત છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને પણ સાડા ત્રણ વર્ષની વાર છે તેથી અત્યારે કોંગ્રેસને જેડીએસની ગરજ નથી પણ ભવિષ્યમાં ગરજ ઉભી થાય તો કોંગ્રેસ જેડીએસ સાથે હાથ મિલાવીને પ્રજ્વલને બચાવી લે એવું બને.
દેવ ગૌડાના પરિવાર પાસે પુષ્કળ પૈસો છે અને પોતાની વફાદાર મતબેંક છે. એક જમાનામાં મુસ્લિમોનો મોટો વર્ગ દેવ ગૌડાને વફાદાર હતો પણ હવે મુસ્લિમો કોંગ્રેસ તરફ વળી ગયા છે. અલબત્ત દેવ ગૌડાની પોતાની જ્ઞાાતિ વોક્કાલિગાનો મોટો વર્ગ દેવ ગૌડા સાથે છે. આ વોક્કાલિગા મતબેંકના કારણે જ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકો બચી ગઈ. કર્ણાટકમાં લોકસભાની ૨૮ બેઠકોમાંથી ભાજપે ૧૭ અને જેડીએસે ૨ બેઠકો જીતી. એનડીએને ૧૯ જ્યારે સત્તાધારી કોંગ્રેસને માત્ર ૯ બેઠકો મળી તેનું કારણ દેવ ગૌડાની વોક્કાલિંગા મતબેંક છે. ભવિષ્યમાં આ મતબેંકને પોતાની તરફ વાળવા કોંગ્રેસ જેડીએસ સાથે હાથ મિલાવી શકે, પ્રજ્વલને બચાવ શકે. આશા રાખીએ કે એવું ના બને કેમ કે પ્રજ્વલનો અપરાધ બહુ મોટો છે. ભાજપને સેંકડો સ્ત્રીઓને હવસનો શિકાર બનાવનારા પ્રજ્વલનાં કરતૂતોની ખબર હોવા છતાં આંખ આડા કાન કરીને જેડીએસ સાથે જોડાણ કરી લીધું. તેના કારણે તેની ભલે થોડી જ ઘટી પણ આબરૂ સાવ જતી રહી.
પ્રજ્વલે મહિલા અધિકારીઓ સાથે સેક્સ માણીને વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી
પ્રજ્વલ રેવન્નાની હવસનો શિકાર ઘણી બધી મહિલા અધિકારીઓ પણ બની છે. પ્રજ્વલ તેમને બ્લેકમેઈલિંગ કરીને પોતાનું ધાર્યું કરાવતો હતો એવો આક્ષેપ ખુદ ભાજપના જ નેતા દેવરાજ ગૌડાએ કર્યો હતો. દેવરાજ ગૌડાએ કર્ણાટક ભાજપ પ્રમુખ બી.વાય વિજયેન્દ્રને ૮ ડીસેમ્બર, ૨૦૨૩ના રોજ લખેલ પત્રમાં લખેલું કે, એચ.ડી. દેવગૌડાના પરિવારજનો સામે અત્યંત ગંભીર પ્રકારના આક્ષેપો છે.
ગૌડાએ લખેલું કે, પ્રજ્વલ રેવન્નાના સેક્સ વીડિયોની પેન ડ્રાઈવ ફરતી થઈ છે. તેમાં ૨૯૭૬ વીડિયો છે અને આ પૈકી કેટલાક વીડિયોમાં દેખાતી મહિલાઓ સરકારી અધિકારી છે. સેક્સ વીડિયોનો ઉપયોગ તેમને બ્લેકમેઈલ કરીને વારંવાર સેક્સ સંબંધો બાંધવાની ફરજ પાડવા તથા પોતાનાં કામો કરાવવા માટે થાય છે એવો આક્ષેપ ગૌડાએ કર્યો હતો.
પ્રજ્વલના પિતા એચ.ડી. રેવન્ના અને તેની માતા ભવાની પુત્રની કામલીલા પર ઢાંકપિછોડો કરી રહ્યાં હોવાનો આક્ષેપ પણ ગૌડાએ કર્યો હતો. સંખ્યાબંધ મહિલા અધિકારીઓએ પ્રજ્વલ સાથે સેક્સ સંબધો હોવાની કબૂલાત કરી છે પણ કોઈ ફરિયાદ નોંધાવવા આગળ આવ્યું નથી.
ગૌડાએ ચેતવણી આપી હતી કે, પ્રજ્વલ રેવન્નાના સેક્સ વીડિયો અને ફોટો સાથેની બીજી પેન ડ્રાઈવ કોંગ્રેસની નેતાગીરી પાસે પણ પહોંચી ગઈ છે. ભાજપ લોકસભાની ચૂંટણીમાં જેડીએસ સાથે જોડાણ કરે તો આ વીડિયો કોંગ્રેસ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે અને ભાજપની છાપ બળાત્કારીના પરિવાર સાથે જોડાણ કરનારી પાર્ર્ટી તરીકેની પડી જશે તેથી ભાજપની ઈમેજને જોરદાર ફટકો પડશે.
પ્રજ્વલ સેક્સ કાંડના મામલે કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ વચ્ચે તણાવ શરૂ થઈ ગયો છે. ભાજપે સિધ્ધરામૈયાના કહેવાતા ભ્રષ્ટાચાર સામે સાત દિવસની પદયાત્રા શરૂ કરી છે. બેંગલુરૂથી મૈસૂરની આ પદયાત્રામાં પહેલાં કેન્દ્રીય મંત્રી કુમારસ્વામી સહિતના જેડીએસના બીજા નેતા પણ જોડાવાના હતા પણ છેલ્લી ઘડીએ કુમારસ્વામી ખસી ગયા. ભાજપે હસ્સનના ધારાસભ્ય પ્રીતમ ગૌડાને પદયાત્રામાં સામેલ કર્યા તેના વિરોધમાં કુમારસ્વામીએ જેડીએસ યાત્રામાં નહી જોડાય એવું એલાન કર્યું છે.
કુમારસ્વામીનું કહેવું છે કે, ભાજપે પ્રીતમ ગૌડાને પદયાત્રામાં સામેલ કરીને સમગ્ર દેવ ગૌડા પરિવારનું અપમાન કર્યું છે. કુમારસ્વામીના દાવા પ્રમાણે, પ્રજ્વલ રેવન્નાની સેક્સ સીડી અને અશ્લીલ ફોટોની પેન ડ્રાઈવ પ્રીતમ ગૌડાએ ફરતી કરી હતી. કુમારસ્વામીએ સવાલ કર્યો છે કે, એચ.ડી. દેવગૌડાના પરિવાર સામે ઝેર ફેલાવનારી વ્યક્તિ સાથે હું મંચ પર બેસું એ શક્ય છે ?
કુમારસ્વામીના વલણે ભાજપને આંચકો આપ્યો છે કેમ કે. પ્રીતમ ગૌડાએ સેક્સ ટેપ ફરતી કરીને પ્રજ્વલને ઉઘાડો પાડયો છે, દેવ ગૌડા પરિવાર સામે કોઈ ઝેર ફેલાવ્યું નથી. પ્રીતમ ગૌડાની હાજરી સામે વાંધો લઈને કુમારસ્વામી આડકતરી રીતે સેક્સ કાંડના આરોપી પ્રજ્વલનો બચાવ કરી રહ્યા છે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે ગુજરાત ATS એ રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં પતરાના શેડમાં છેલ્લા 1 મહિનાથી મેફેડ્રોન બનાવવામાં આવતું હતું. જેમાં આરોપી દ્વારા એક મહિનામાં ચાર કિલો મેફેડ્રોન ડ્રગ્સ બનાવીને મુંબઈમાં વહેંચવામાં આવ્યું હતું. જ્યારે ATS એ ત્રણ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ માટે મોકલવાની કામગીરી હાથ ધરી છે.
ATS એ 51.409 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યો
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ પતરાના શેડ ખાતે ગુજરાત ATS ના 2 PI, 5 PSI સહિતની ટીમ રેડ મારી હતી. ATS દ્વારા રેડ મારતાં જાણવા મળ્યું હતું કે, પતરાના શેડમાં આરોપી દ્વારા ડ્રગ્સનું બનાવવામાં આવતું હતું. જેમાં ATS દ્વારા 4 કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોનનો કુલ 51.409 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે મેફેડ્રોનનું ગેરકાયદેસર ઉત્પાદન કરતાં પતરાનો શેડ ભાડે રાખી ડ્રગ્સ બનાવતા સુનીલ યાદવ, વિજય ગજેરા અને હરેશ કોરાટ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
મેફેડ્રોન બનાવવા માટે આરોપીએ છેલ્લા એક મહિનાથી પતરાના શેડની જગ્યા 20 હજાર રૂપિયામાં ભાડે રાખી હતી. ત્રણેય આરોપી માંથી એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રો- મટીરિયલના આધારે મેફેડ્રોન તૈયાર કરતો હતો. જેમાં આરોપી દ્વારા છેલ્લા એક મહિનાના સમયગાળાની અંદરમાં જ ચાર કિલો મેફેડ્રોનનો જથ્થો બનાવીને મુંબઈના સલીમ સૈયદને મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ, ATS ની ટીમ દ્વારા મુંબઈના સલીમને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કરોડો રુપિયાના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડાવાના કેસમાં ATSના DySP એસ.એલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘ભાડે રાખેલા પતરાના શેડમાં મોટાપાયે મેફેડ્રોન બનાવવામાં આવતા હોવાથી માલિકની પૂછપરછ કરવામાં આવશે.’
– વિદેશી ગેંગ સાથે સંકળાયેલા મુખ્ય આરોપીઓ સહિત ૧૩ લોકોની ધરપકડ કરીને મોટા પ્રમાણમાં વિવિધ બેંકોની ચેકબુક સહિતના દસ્તાવેજો જપ્ત કરાયા
વિવિધ કેસ કરવાની ધમકી આપીને લોકો સાથે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલી સ્થાનિક ગેંગના ૧૩ લોકોને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપીને મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલીને તેમાં છેતરપિંડીના નાણાં જમા કરાવતા હતા. જ્યારે તે નાણાંનો ઉપયોગ ક્રિપ્ટો કરન્સીથી ચીનમાં મોકલવામાં આવતા હતા. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પી એચ મકવાણા અને તેમના સ્ટાફને માહિતી મળી હતી કે કૃષ્ણનગર વિજય પાર્ક ચાર રસ્તા પાસે મારૂતિ પ્લાઝામાં કેટલાંક લોકો ઓફિસ ખોલીને ચાઇનીઝ ગેંગ સાથે મળીને અનેક લોકોને લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવીને ઓનલાઇન છેતરપિંડીના નાણાંની મોટાપ્રમાણમાં હેરફેર કરે છે.જે બાતમીને આધારે પોલીસે ગુરૂવારે દરોડો પાડયો હતો. જેમાં મારૂતિ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ક્રિશવ એન્ટરપ્રાઇઝ અને ત્રીજા માળે આવેલી ઓફિસમાં દરોડા દરમિયાન નાસભાગ મચી ગઇ હતી. જેમાં પોલીસે કેટલાંક લોકોને ઝડપીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દિલીપ જાગાણી (રહે. હરીકૃપા સોસાયટી, નિકોલ) અને દિપક રાદડિયા (રહે. ધનલક્ષ્મી સોસાયટી, હીરાવાડી, સૈજપુર) નામના શખ્સો અનેક લોકોને લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ખોલાવીને તેની માહિતી દુબઇ પહોંચતી કરતા હતા. તેમજ આ એકાઉન્ટમાં જમા થતા લાખો રૂપિયા સેલ્ફ ચેકથી ઉપાડીને કેતન પટેલ (રહે. શ્યામ શુકન સોસાયટી, પીડીપીયુ રોડ, ગાંધીનગર)ને આપતા હતા.
જેના આધારે તે નાણાંને હવાલાથી ચુકવીને ક્રિપ્ટો કરન્સીથી ચાઇનીઝ ગેંગને નાણાં ટ્રાન્સફર કરતા હતા. જેના બદલામાં દિપક અને દિલીપને ત્રણ-ત્રણ ટકા કમિશન મળતુ હતું. પોલીસે દિપક અને દિલીપ સાથે પગાર પર નોકરી કરતા આઠ જેટલા અન્ય લોકોની પણ ધરપકડ કરી હતી. જે બેંકમાંથી રોકડ ઉપાડીને ઓફિસમાં જમા કરાવતા હતા. આમ, છેલ્લાં બે મહિનાથી કરોડો રૂપિયાની હેરફેરનું કૌભાંડ સામે આવતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આ અંગે સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે પોલીસે અલગ અલગ બકોની ૩૦ પાસબુક, ૩૯ ચેકબુક, ૫૯ એટીએમ કાર્ડ, બેંક એકાઉન્ટ ખોલવાના ફોર્મ, હિસાબના કાગળો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિલીપ જાગાણી અને દિપક રાદડિયાએ ખુબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલીને સમગ્ર છેતરપિંડી આચરી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગને કારણે 122 લોકોના મોત થયા હતા. હજુ પણ ઘણાં લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન જેમના સત્સંગમાં દુર્ઘટના થઇ એ ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિનું ઘટના અંગે પ્રથમ નિવેદન સામે આવ્યું છે. ભોલે બાબાએ એક નિવેદન જારી કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને દાવો કર્યો છે કે નાસભાગ અસામાજિક અને તોફાની તત્ત્વો દ્વારા કરાઈ હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગણી કરી હતી.
નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાએ તેમના વકીલ દ્વારા એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોની ઝડપથી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ડૉ. એ.પી. સિંહને નાસભાગ મચાવનારા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. હું 2 જુલાઈના રોજ હાથરસના ફુલારી ગામ, સિકંદરરાવ ખાતે આયોજિત સત્સંગમાં દુર્ઘટના થઇ એ પહેલા જ સત્સંગમાંથી નીકળી ગયો હતો.
80 હજાર લોકોની હાજરીની મંજૂરી લેવાઈ હતી
આ ઘટના સિકંદરારાઉ વિસ્તારના ફૂલરાઈ ગામમાં માનવ મંગલ મિલન સદભાવના સમિતિએ 150 વીઘાના ખુલ્લા મેદાનમાં સત્સંગનું આયોજન કર્યું હતું. પોલીસ એફઆઈઆર મુજબ, કાર્યક્રમમાં 80 હજાર લોકોની હાજરી માટે પરવાનગી લેવામાં આવી હતી અને ત્રણ ગણી વધુ એટલે કે 2.5 લાખ લોકોની ભીડ એકઠી થઈ હતી. વ્યવસ્થા પણ બાબાના સેવકો અને આયોજક સમિતિ સાથે સંકળાયેલા લોકો સંભાળે છે. માત્ર 40 પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે હતા.
કોના પર એફઆઈઆર થઈ?
આ ઘટનાના મુખ્ય આરોપી ઓર્ગેનાઈઝર અને સેવાદાર દેવપ્રકાશ મધુકર છે. તે સિકંદરારાઉનો રહેવાસી છે. તેમજ તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105, 110, 126 (2), 223, 238 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સવાલ એ છે કે આ અકસ્માત માટે જવાબદાર કોણ? 80 હજારની પરવાનગીમાં 2.5 લાખ લોકો કેવી રીતે આવ્યા? શું વહીવટીતંત્રને આ બાબતની જાણ ન હતી?
શું હતું કારણ?
એફઆઈઆર અનુસાર, કથિત રીતે ભોલે બાબા બપોરે 2 વાગ્યે તેમની કારમાં ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જ્યાં જ્યાં બાબાની કાર પસાર થતી હતી ત્યાં તેમના અનુયાયીઓ ધૂળ એકઠી કરવા લાગ્યા હતા. થોડી જ વારમાં, લાખોની બેકાબૂ ભીડમાં નાસભાગ મચી ગઇ હતી અને ઘણા લોકો કચડાયા હતા જેમાં 121 લોકોના મોત તેમજ અન્યા ઘણા ઘાયલ થયા હતા.
સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો
હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી છે. અલ્લાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ અરજી મોકલીને સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે.
NEET-UG પેપર લીક કેસ: CBIએ ઝારખંડના હજારીબાગમાંથી ‘કિંગપિન’ અમન સિંહની ધરપકડ કરી નવી દિલ્હી: NEET-UG પેપર લીક કેસમાં એક મોટી સફળતામાં, CBIએ બુધવારે અમન સિંહની ઝારખંડના હજારીબાગમાંથી આ મામલે તેની કથિત ભૂમિકા બદલ ધરપકડ કરી હતી.
ANIના અહેવાલ મુજબ, CBIના સૂત્રોએ જણાવ્યું કે સિંઘ પેપર લીક રેકેટનો કિંગપિન હતો.
NEET-UG તપાસના સંબંધમાં તપાસ એજન્સી દ્વારા આ સાતમી ધરપકડ છે.
રવિવારે, સીબીઆઈએ ગુજરાતના ગોધરા જિલ્લામાં એક ખાનગી શાળાના માલિકની ધરપકડ કરી હતી, આ કેસમાં છઠ્ઠી ધરપકડ હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલી જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની પરીક્ષાના સ્કોર્સ વધારવાનું વચન આપીને ઉમેદવારો પાસેથી ₹5 લાખથી ₹10 લાખની માંગણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
NEET-UG પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 5 મેના રોજ દેશના 571 શહેરો અને વિદેશના 14 શહેરોમાં 4,750 કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી હતી જેમાં 23 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
પરિણામો 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જેના કારણે ઉમેદવારોએ બહુવિધ મુદ્દાઓ ઉઠાવતા તરત જ હોબાળો મચાવ્યો હતો. અભૂતપૂર્વ 67 ઉમેદવારોએ 720 માંથી 720 માર્કસનો સંપૂર્ણ સ્કોર હાંસલ કર્યો જેના કારણે દેશમાં વ્યાપક વિરોધ થયો.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 23 જૂનના રોજ NTA દ્વારા NEET-UG અને UGC-NET પરીક્ષાઓના આચરણમાં કથિત અનિયમિતતા અંગે ફોજદારી કેસ નોંધ્યો હતો અને આ બાબતની તપાસ માટે વિશેષ ટીમોની રચના કરી હતી.
પાછલા એક જ સપ્તાહમાં સુરત એરપોર્ટ પર શારજાહથી આવેલા ત્રણ યુવકો અને એક મહિલા દ્વારા કરાયેલી સોનાની દાણચોરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરાગ દવેની સંડોવણી સામે આવી હતી. એ પછી ચાર જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા પેસેન્જરો દ્વારા કરાયેલી સોનાની દાણચોરીમાં અમદાવાદ એરપોર્ટ સ્ટાફની સંડોવણી સામે આવી છે.
અમદાવાદ એરપોર્ટ સ્ટાફ જ ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં સામેલ હોવાની માહિતી મળી રહી છે. DRIએ બાતમીના આધારે તપાસ કરી તો આ અંગે માહિતી સામે આવી હતી. બેંગકોકથી આવેલા 2 મુસાફરો પાસે 1 કિલો આસપાસ સોનું હતું. જે તેણે ચેકઈન કાઉન્ટર પાસે એક ટોઈલેટમાં એરપોર્ટ અધિકારીને સોંપી દીધું હતું. DRIની ટીમે ત્યારપછી આ અધિકારીને પકડી પાડ્યો અને ત્યારપછી હવે એરપોર્ટ પર થઈ રહેલી ગોલ્ડ સ્મગલિંગ અને ચોરીની ઘટનાઓનો પણ પર્દાફાશ થવાના એંધાણ જણાઈ રહ્યા છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે બેંગકોકથી અમદાવાદ જઈ રહેલા બે મુસાફરો પાસેથી 947 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની માર્કેટમાં અંદાજિત કિંમત 58 લાખ રૂપિયા આસપાસ છે. અધિકારીઓએ આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે એરપોર્ટ સ્ટાફની આ હેરાફેરીમાં સંડોવણી સામે આવી છે. અત્યારે આમાં સામેલ અધિકારીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે બાતમીના આધારે કાર્યવાહી કરીને, DRI અધિકારીઓ બુધવારે બે મુસાફરોને ફોલો કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન અધિકારીઓને મોટી સફળતા મળી હતી. એટલું જ નહીં એરપોર્ટ સ્ટાફ કેવી રીતે ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવાયેલો છે એ પણ સામે આવી ગયું હતું. જાણો કેવી રીતે DRIએ ભાંડો ફોડ્યો હતો.
એરપોર્ટ સ્ટાફની ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવણી અમદાવાદ એરપોર્ટ પર અત્યારે ગોલ્ડ સ્મગલિંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અગાઉ પણ આવી એક ઘટના સામે આવી ચૂકી હતી. તેવામાં બુધવારે અમદાવાદ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ત્યાં મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું. બેંગકોકથી અમદાવાદ મુસાફરી કરી રહેલા 2 પેસેન્જર પાસે 58 લાખ રૂપિયાનું સોનું હોવાની બાતમી મળી હતી. DRIની ટીમ સતત એરપોર્ટ સ્ટાફ અને પેસેન્જરો પર નજર રાખીને બેઠી હતી. ત્યારે તેમની સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બેંગકોક ફ્લાઈટ પર નજર રાખીને બેઠેલી અધિકારીઓની ટીમને એ 2 શખસો મળી જ ગયા જેમની પાસે લગભગ 1 કિલો આસપાસ સોનુ હતું.
ઉલ્લેખનીય છે કે આ 2 શખસો પાસેથી ગોલ્ડ બાર લઈને એરપોર્ટ સ્ટાફના કર્મચારીએ મોટી ગેમ રમી હતી. DRIને જાણ થઈ ગઈ હતી કે અહીં એરપોર્ટ સ્ટાફનો કર્મચારી પણ આ કાંડમાં સંડોવાયેલો છે. તેવામાં તેણે જેવું ગોલ્ડ બારને એરપોર્ટ પ્રિમાઈસિસથી સગેવગે કરવાની કોશિશ કરી કે તરત જ અધિકારીઓએ તેને દબોચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ સ્ટાફની પણ આ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં સંડોવણી હોવાથી હવે આ તપાસનો ગંભીર મુદ્દો બન્યો છે.
ગોલ્ડ સ્મગલિંગની 15 દિવસમાં બીજી ઘટના નોંધનીય છે કે છેલ્લા 15 દિવસમાં આ બીજી ઘટના છે જેમાં એરપોર્ટ પરથી સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં સામેલ અમદાવાદ એરપોર્ટના સ્ટાફના કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. એટલું જ નહીં હજુ પણ વધારે અહીં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે એવી વિગતો પણ મળી રહી છે. નોંધનીય છે કે અગાઉ એક કિસ્સા પર નજર કરીએ તો કેનેડા જતી એક વૃદ્ધ મહિલાએ બેગેજમાં 10 તોલા સોનાના દાગીના અને ચાંદીના વાસણો મૂક્યા હતા. પરંતુ તે મુંબઈ પહોંચે ત્યાં સુધીમાં તો તેના હેન્ડબેગમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરાઈ ગયા હતા. અત્યારે હવે ચિંતાજનક વાત એ છે કે અમદાવાદ એરપોર્ટ પર ચોરી અને ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓ સતત વધી રહી છે. આને લઈને કાર્યવાહી પણ વધુ વેગવંતી થવી જોઈએ.
મોરબી ખાતે રવિવાર, Dated 30/10/22, સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 પર પહોંચી ગયો છે. મોરબીની ઘટનામાં જવાબદાર લોકો સામે સદોષ માણવવધની ફરિયાદ દાખલ થશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું રાજ્ય સરકારે જણાવ્યું હતું.
આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.
મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.