CIA ALERT

ક્રાઇમ Archives - CIA Live

February 8, 2026
image-11.png
1min45

વધતા અકસ્માતોનું એક કારણ આંખો આંજી દેતી સફેદ એલઈડી લાઈટ્સને પણ માનવામાં આવે છે, આવી લાઈટ્સના ઉપયોગને રોકવા માટે રાજ્ય પરિવહન વિભાગે નિર્દેશ જાહેર કર્યા હતા. પોતાના વાહનોમાં લગાવેલી ગેરકાયદે LED લાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં 3094 વાહનચાલકો દંડાયા હતા.

સમગ્ર ગુજરાતમાં હાઇ-ઇન્ટેન્સિટી એલઇડી લાઇટનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે અન્ય લોકો વિઝિબિલિટી ઓછી થઈ જાય છે અને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. 22 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી ચલાવવામાં આવેલી આ ઝુંબેશમાં રાજ્યના 3094 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદમાં 260 વાહનચાલકોને, અમદાવાદ પૂર્વમાં 85 વાહનચાલકોને, આણંદમાં 40 વાહનચાલકોને, ARTO બાવળામાં 133 વાહનચાલકોને, ARTO મોડાસામાં 104 વાહનચાલકોને, વલસાડમાં 288 વાહનચાલકોને, સાબરકાંઠામાં 20 વાહનચાલકોને, ખેડામાં 46 વાહનચાલકોને, મહેસાણામાં 170 વાહનચાલકોને, વડોદરામાં 168 વાહનચાલકોને, ગાંધીનગરમાં 95 વાહનચાલકોને, સુરેન્દ્રનગરમાં 48 વાહનચાલકોને અને કચ્છમાં 136 વાહનચાલકોને ચલણ મોકલવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદમાં વ્હાઇટ એલઈડી લાઈટ્સ રાખનાર વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ અનુસાર વર્ષ 2026ના આરંભના 28 દિવસમાં 275 કેસ નોંધવામાં આવ્યા હતા અને રૂ. 2.75 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

February 8, 2026
image-9.png
1min17

ભોજનના માધ્યમથી શરીરમાં ફેલાઈ રહ્યા છે રેઝિસ્ટન્સ બેક્ટેરિયા, સરકારે 37 એન્ટી માઈક્રોબિયલ દવા બૅન કરી

ભારતમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) હવે એક ગંભીર સ્વાસ્થ્ય સંકટ બની રહ્યું છે. હોસ્પિટલની દવાઓથી આગળ વધીને હવે આ પ્રતિરોધક બેક્ટેરિયા ખોરાક (માંસ, દૂધ, ઈંડા) દ્વારા સીધા માણસોના શરીરમાં પ્રવેશી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા પશુપાલન અને માછીમારીમાં વપરાતી 37 જેટલી એન્ટિમાઇક્રોબાયલ દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે.

વિશ્વમાં ઉત્પાદિત થતી દર ત્રણમાંથી બે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ માણસોની સારવાર માટે નહીં, પરંતુ દૂધ, માંસ અને ઈંડાનું ઉત્પાદન વધારવા માટે પશુ-પંખીઓ પર કરવામાં આવે છે. આ આડેધડ ઉપયોગને કારણે બેક્ટેરિયા દવાઓ સામે રક્ષણ મેળવી લે છે (રેઝિસ્ટન્ટ બની જાય છે) અને જ્યારે માણસ આવા ઉત્પાદનોનું સેવન કરે છે, ત્યારે સામાન્ય ચેપની સારવારમાં પણ દવાઓ અસર કરતી નથી. ત્યારે સરકારે 18 એન્ટિબાયોટિક્સ,18 એન્ટિવાયરલ અને એક એન્ટિ-પ્રોટોઝોઆન દવાઓ પ્રતિબંધ મુક્યો છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સ્પષ્ટ કર્યું છે કે દૂધ, માંસ અને માછલીના ઉત્પાદનમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો હવે ગુનો બનશે. ભારતીય કૃષિ સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો મુજબ, ખેડૂતોમાં જાગૃતિનો અભાવ અને નબળી જૈવ સુરક્ષા (Bio-security) આ સંકટને વધુ ગંભીર બનાવી રહ્યા છે.

મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ’ ના રિપોર્ટ અનુસાર, ભારતીય હોસ્પિટલોમાં આવતા 83% દર્દીઓમાં ‘મલ્ટી ડ્રગ્સ રેઝિસ્ટન્ટ’ બેક્ટેરિયા જોવા મળે છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો વર્ષ 2025 થી 2050 વચ્ચે વિશ્વમાં દર વર્ષે 3.9 કરોડ લોકો AMR ના કારણે જીવ ગુમાવી શકે છે. સામાન્ય શરદી કે તાવમાં અપાતી એન્ટિબાયોટિક્સ હવે ઘણાં દર્દીઓ પર બિનઅસરકારક સાબિત થઈ રહી છે.

આ પ્રતિરોધક બેક્ટેરિયા માત્ર ખોરાક જ નહીં, પરંતુ પશુઓના મળ-મૂત્ર દ્વારા જમીન અને પાણીના સ્ત્રોતોને પણ દૂષિત કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે આ સંકટ હવે માત્ર હોસ્પિટલ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આપણા જંગલો, નદીઓ અને ખેતરોમાં પણ ફેલાઈ ચૂક્યું છે.

•ડૉક્ટરની સલાહ વગર ક્યારેય એન્ટિબાયોટિક ન લેવી.
•ખોરાકને બરાબર રાંધીને ખાવો.
•જૈવિક કૃષિ અને પશુપાલન પેદાશોને પ્રાધાન્ય આપવું.

February 4, 2026
image-4.png
1min20

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ સગીર સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલા પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે.

ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારની ભારત સિટી સોસાયટીમાં રહેતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ – નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ) એ એકસાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ, કોરોના કાળ દરમિયાન આ ત્રણેય બહેનોને મોબાઈલ ગેમની લત લાગી હતી. તેઓ નિયમિત સ્કૂલે પણ જતી નહોતી અને પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પાછળ વિતાવતી હતી.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ બહેનો ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. મંગળવારે મધરાત્રે આશરે 2 વાગ્યે જ્યારે આખું શહેર ઊંઘતું હતું, ત્યારે આ ત્રણેય બહેનોએ તેમના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી. તેમના પિતા ચેતન કુમાર હાલ આઘાતમાં છે અને કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી.

પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ગેમમાં તેમને આત્મહત્યા કરવા માટે કોઈ ચોક્કસ ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો કે કેમ. આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે તેઓ પોતાના બાળકોના મોબાઈલ વપરાશ અને ઓનલાઇન પ્રવૃત્તિઓ પર કડક નજર રાખે.

January 30, 2026
md-drugs.png
1min53

દેશમાં નશીલા પદાર્થોના વધતા જતા દૂષણ વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મોટી સફળતા મેળવી છે. સુરતના પલસાણા નજીકથી પસાર થતી એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી રૂ.10 કરોડની કિંમતનું 35 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યા બાદ, આ રેકેટના છેડા કર્ણાટકના મૈસૂર સુધી પહોંચ્યા છે. NCBએ મૈસૂરમાં ગુપ્ત રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી (ફેક્ટરી) પર દરોડો પાડી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.

પલસાણા હાઈવે પર ફિલ્મી ઢબે ઓપરેશન

ચોક્કસ બાતમીને આધારે, NCBની ટીમે 28 જાન્યુઆરીએ સુરત જિલ્લાના પલસાણા પાસે કર્ણાટક પાસિંગની એક ટોયોટા ફોર્ચ્યુનર કારને આંતરી હતી. કારની તલાશી લેતા તેમાંથી આશરે 35 કિલોગ્રામ અત્યંત શુદ્ધ કક્ષાનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઓપરેશનમાં સુરત પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

ત્યારબાદ પલસાણામાં આવેલી ‘દાસ્તાન રેસીડેન્સી’ માં મુખ્ય સૂત્રધાર મહિન્દ્રા કુમાર વિશ્નોઈના મકાન પર દરોડો પાડતા 1.8 કિલોગ્રામ અફીણ, રૂ. 25.6 લાખની રોકડ અને મોટી માત્રામાં કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ્સ કર્ણાટકના મૈસૂર સ્થિત હેબ્બલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તૈયાર કરવામાં આવતું હતું. ક્લિનિંગ કેમિકલ બનાવવાની આડમાં અહીં હાઈટેક સાધનોથી સજ્જ ડ્રગ્સની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. NCBએ આ લેબોરેટરીને સીલ કરી ત્યાંથી 500 કિલોથી વધુ કેમિકલ જપ્ત કર્યું છે.

મુખ્ય આરોપી મહિન્દ્રા વિશ્નોઈ રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ અગાઉ રાજસ્થાન અને ગુજરાતમાં NDPSના કેસ નોંધાયેલા છે. ચોંકાવનારી વિગત એ છે કે, વિશ્નોઈએ અગાઉના કેસમાં જ્યારે તે જેલમાં હતો, ત્યારે અન્ય કેદીઓ સાથે મળીને ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા, બજારની માગ અને સપ્લાય ચેઈન વિશે માહિતી મેળવી હતી. વર્ષ 2024માં જામીન પર મુક્ત થયા બાદ તેણે આ ગુપ્ત લેબ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં ડ્રગ્સના અનેક કન્સાઈનમેન્ટ રાજસ્થાનમાં સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરી છે.

પોલીસે આ મામલે મહિન્દ્રા વિશ્નોઈ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના વતની છે.

શું જપ્ત કરાયું?

  • 35 કિલો MD ડ્રગ્સ (કિંમત આશરે 10 કરોડ)
  • 1.8 કિલોગ્રામ અફીણ
  • રૂ. 25.6 લાખ રોકડ
  • 500 કિલોગ્રામથી વધુ કેમિકલ
  • ટોયોટા ફોર્ચ્યુનર કાર

હાલમાં NCB આ ડ્રગ્સ કાર્ટેલના અન્ય સભ્યો અને કેમિકલ સપ્લાય કરનારાઓના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.

January 20, 2026
image-11.png
1min40

ડાયમંડ નગરી સુરતમાં ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમ કહી શકાય તેવા પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર વેચવા આવેલા 7 યુવકો પકડાયા હતા. જ્યારે માસ્ટર માઈન્ડ અમદાવાદી ફરાર થઈ ગયો હતો. લસકાણા ખાતે નવજીવન સર્કલ પાસેના સહજાનંદ હબમાં પહેલા માળે આવેલા પટેલ લાઈફ પાર્ટનર નામની મેરેજ બ્યુરોની ઓફિસમાં રેડ પાડીને પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. વડોદરાથી એક વકીલ સહિત પાંચ જણા ઝેરનો સોદો કરવા આવ્યા હતા. મેરેજ બ્યુરોના સંચાલક તથા તેના સાઢુ ભાઈએ ઝેરનો 9.10 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. ડીલ ચાલતી હતી તે સમયે પોલીસ ત્રાટકી હતી. અમદાવાદના વ્યક્તિ પાસેથી આ ઝેર વેચવા લાવવામાં આવ્યું હતું તે ફરાર થઈ ગયો હતો.

એસઓજી મળેલી બાતમીના આધારે નવજીવન સર્કલની પાસે આવેલા સહજાનંદ હબમાં પહેલા માળે આવેલા પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરોમાં રેડ કરી હતી. જેમાં પ્રતિબંધિત કોબ્રા સાપનાં ઝેર (વેનમ)નો સોદો કરી રહેલા 7 જણાને ઝડપી લીધા હતા. એક કાચની બોટલમાં 6.5 મિલી લીટર સાપનું ઝેર જેની કિંમત રૂ.5.85 કરોડ ગણી શકાય તે પોલીસે કબજે કર્યું હતું.

સુરત SOG ટીમને બાતમી મળી હતી કે કોબ્રા સાપના ઝેરને વેચવા કેટલાક શખ્સો પૂછપરછ કરી રહ્યા છે. આ ગેંગ સુરતમાં મેરેજ બ્યુરો ચલાવી રહેલા મનસુખ ઘીનૈયા સાથે સંપર્કમાં હતી. જ્યાં ડીલ ડન થઈ હતી. આરોપીઓ રકમના સોદામાં દરેકના ટકાવારી પ્રમાણે કમિશન નક્કી હતા. પણ ડીલ ડન થાય તે જ પહેલા ચોક્કસ વોચ ગોઠવી દરોડા પાડવામાં આવ્યા હતા. સાતેય આરોપીની પૂછપરછ કરતાં બહાર આવ્યું કે, અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા માટે આપ્યું હતું. તેઓ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્કનો વિસ્તાર કરી રહ્યા હતા. માસ્ટર માઈન્ડ અમદાવાદીઘનશ્યામ સોનીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે સુરત એસ.ઓ.જી દ્વારા પકડી પાડવામાં આવેલા ઝેરનું પરિક્ષણ કરવા માટે વન વિભાગ તરફથી હૈદરાબાદ, અથવા પુણે ખાતે આવેલી એડવાન્સ્ડ સ્નેક રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવશે. જયાં ખરેખર કઈ પ્રજાતિનાં સાપનું ઝેર છે, તેની ગુણવત્તા સહિતની બાબતોનું પરીક્ષણ અને રિપોર્ટ તૈયાર થશે. ત્યારબાદ આરોપીઓ સામે વન વિભાગ તરફથી પણ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

January 16, 2026
image-5.png
1min46

ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર અનેક પરિવારો માટે માતમ લઈને આવ્યો છે. ચાઈનીઝ દોરી અને પતંગના કારણે સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં રાજ્યભરમાં કુલ 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાઓમાં સૌથી વધુ 7 મોત સુરતમાં નોંધાયા છે, જ્યારે અમદાવાદ, જંબુસર, અરવલ્લી અને ખંભાતમાં 1-1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

ફ્લાયઓવર પરથી દંપતી અને પુત્રી બ્રિજ પરથી નીચે ખાબક્યા

સુરતના અડાજણ પાટીયા નજીક આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર હૃદયદ્રાવક ઘટના બની હતી. જ્યાં 34 વર્ષીય રેહાન રહીમ શેખ, 30 વર્ષીય પત્ની રેહાના અને 10 વર્ષની પુત્રી આલિશા સાથે બાઈક પર ગાર્ડનમાં ફરવા નીકળ્યા હતા. બ્રિજના વળાંક પર અચાનક પતંગની દોરી આડી આવતા રેહાને બાઈક પરથી સંતુલન ગુમાવ્યું હતું. આ પરિવાર અંદાજે 70 ફૂટની ઊંચાઈએથી બ્રિજ નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં ત્રણેયના કરુણ મોત નીપજ્યા હતા.

સરકાર અને પોલીસ દ્વારા વારંવાર પ્રતિબંધ અને સૂચનાઓ આપવા છતાં ચાઈનીઝ દોરી અને કાચ પાાયેલી ઘાતક દોરીનો ઉપયોગ ચાલુ રહેતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અન્યાની પતંગ કાપવાની મજા અનેક પરિવારો માટે કાયમી સજા સમાન સાબિત થઈ છે.

January 6, 2026
image-3.png
1min55

સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડના જમીન એનએ (બિનખેતી) કરાવવાનું કૌભાંડ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ કૌભાંડ મામલે 4 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં હતા. આજ રોજ આ સમગ્ર મામલાની તપાસ કરવા એસીબી દ્વારા ડીવાયએસપી અને પીઆઇ સહિતના છ અધિકારીઓની એસઆઈટીની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 2 જાન્યુઆરીની સવારે ઈડીએ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેકટર રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી. ઈડીની પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા લગભગ 7 વર્ષમાં ગુજરાતમાં અલગ–અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 6 આઈએએસ અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર, લાંચ, જમીન કૌભાંડ, ટેન્ડર ગેરરીતિ અને નૈતિક અધ:પતન જેવા ગંભીર આરોપોના આધારે સસ્પેન્શન કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત, આણંદ અને જુનાગઢ જેવા જિલ્લાઓમાં કલેક્ટર સ્તરના અધિકારીઓ સામે પગલાં લેવાતા વહીવટી તંત્રની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થયા છે.

ગુજરાત એસીબીના એડિશનલ ડાયરેક્ટર બીપીન આહિરેની અધ્યક્ષતામાં ડેપ્યુટી ડાયરેક્ટર, ડીવાયએસપી અને પીઆઈ સહિત કુલ 6 લોકોની એસઆઇટી બનાવવામાં આવી છે. આરોપીઓ દ્વારા વસાવેલી અપ્રમાણસર મિલકત અને સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગેની ઝડપી અને નિષ્પક્ષ તપાસ માટે આ એસઆઇટીની રચના ગુજરાત એસીબીના વડા પિયુષ પટેલ દ્વારા કરવામાં આવી છે.

ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેથી રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી અને અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટ દ્વારા 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ આપવામાં આવ્યાં હતા. આજે રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ પણ કરી દેવામા આવ્યાં હતાં. આ કેસમાં હજી તપાસ ચાલી રહી છે. ઈડી દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ 1500 કરોડના કૌભાંડમાં અન્ય પણ નામો ખુલે તેવી આશંકાઓ છે. હવે આ કેસની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.

December 23, 2025
image-23.png
1min73

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પાડવામાં આવેલા દરોડાના તાર છેક દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા. બાદમાં એસ.ઓ.જીની ટીમે દાદરા નગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને પણ ઝડપી પાડી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 52,000 જેટલી પ્રતિબંધિત ફિરકીઓ અને મશિનરી સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ ઓપરેશનની શરૂઆત વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થયેલા દરોડાથી થઈ હતી. સાણંદના રણમલ ગઢ ગામના સીમમાંથી 7.48 લાખની 1872 રીલ સાથે ચાર શખસો, બાવળાની ફેક્ટરીમાંથી 12.91 લાખની 3864 ફિરકી સાથે એક શખસ અને કોઠ પાસે આઈસર ગાડીમાંથી 12.15 લાખના મુદ્દામાલ સાથે બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આણંદ ટાઉન પોલીસ સાથે મળીને 2.01 લાખની 672 ફિરકી પણ જપ્ત કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પ્રતિબંધિત દોરીનો આ જથ્થો વાપીના વિરેનકુમાર બાબુભાઈ પટેલ દ્વારા મોકલવામાં આવતો હતો.

તપાસના અંતે SOGની ટીમે દાદરા નગર હવેલી ખાતે આવેલી ‘વંદના ઇન્ડસ્ટ્રીઝ’ પર દરોડો પાડ્યો હતો, જ્યાં ગેરકાયદે સિન્થેટિક (ચાઈનીઝ) દોરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. અહીંથી પોલીસે 1.50 કરોડની કિંમતની 43,192 રીલ અને 50 લાખની મશીનરી તથા રો-મટીરિયલ સીઝ કર્યું છે. આમ, અલગ-અલગ સ્થળોએથી કુલ 1.82 કરોડની કિંમતની 52,000 ફિરકીઓ અને વાહનો-મોબાઈલ સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે પ્રતિબંધિત દોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

December 15, 2025
image-11.png
1min58

ભાગનગરના કાળિયાબીડ વિસ્તારમાં ભક્તિનગર લીલા સર્કલ નજીકથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. એક નિવૃત્ત અધિકારીએ તેમના પરિચિત પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરતા માનવતા અને બાળ સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને પગલે શહેરભરમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.

મળતી માહિતી અનુસાર, આરોપીની ઓળખ હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા તરીકે થઈ છે, જે ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા સહકારી મંડળીમાં ક્લાસ-ટુ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા હતા. આરોપી હસમુખ પંડ્યાએ સગીરાના ઓળખીતા પરિવાર સાથે સારો વ્યવહાર કેળવીને તેમનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો.

બાળકીના માતા-પિતા નોકરી કરતા હોવાથી બાળકીને સ્કૂલેથી લાવવા-મૂકવા જવાનો સમય ન મળતો હોવાનો આરોપીએ લાભ લીધો હતો. આરોપીએ બાળકીને સ્કૂલેથી લાવવા-મૂકવાની તેમજ ઘરે રમવા મોકલવાની જવાબદારી સ્વીકારી હતી.

ફરિયાદ મુજબ, બનાવના દિવસે આરોપીના પત્ની અને અપરિણીત દીકરો કામથી ઘરેથી બહાર ગયા હતા. ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને આરોપી હસમુખ પંડ્યાએ પોતાના ઘરે સગીર બાળકી સાથે આ ઘૃણાસ્પદ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સગીરાના પરિવારની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યાની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમાજમાં મોટો આઘાત પેદા કર્યો છે.

December 8, 2025
image-5.png
1min75

ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં શનિવારે 6/12/25 મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર પ્રવાસી અને 14 કર્મચારીનો સમાવેશ થાય છે. છ લોકો ઘાયલ થયા છે અને તેમની હાલત સ્થિર છે. પણજીથી 25 કિમી દૂર અરપોરા ખાતે ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબના ગ્રાઉન્ડ ફ્લોર પર ફસાઈ ગયા હોવાથી મોટા ભાગના લોકોના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હતા.

અગ્નિકાંડ મુદ્દે રાજ્યના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે ક્લબના ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજીવ સિંઘાનિયા અને ગેટ મેનેજર રિયાંશુ ઠાકુરની પોલીસે અટક કરી છે. આ તમામની વિરુદ્ધ બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. ક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરાની સામે એફઆઈઆર નોંધ્યો છે, જ્યારે ક્લબના માલિકની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું. રાજ્યમાં ગેરકાયદે ક્લબ અને કમર્શિયલનું ઓડિટ કરીને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે એસઓપી બનાવવામાં આવશે.

ક્લબને તોડવાની નોટિસ ઉચ્ચ અધિકારી દ્વારા રોકવામાં આવી હતી

બાંધકામ ગેરકાયદે હતું પરંતુ ક્લબને આપવામાં આવેલી તોડી પાડવાની નોટિસ ઉચ્ચ અધિકારી દ્વારા રોકવામાં આવી હતી. મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે સલામતીના ધોરણોનું ઉલ્લંઘન છતાં તેને ચલાવવા દેનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર અને ડીજીપીને દોષી અધિકારીઓની ઓળખ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે.

આ આગની તપાસ માટે રાજ્ય સરકારે એક વિશેષ કમિટી ગઠન કરી છે, જેમાં સાઉથ ગોવાના ક્લેક્ટર, ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીસના ડેપ્યુટી ડાયરેક્ટર અને ફોરેન્સિક ડાયરેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરમિયાન આ આગની દુર્ઘટના મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અન્ય લોકોએ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

ઝારખંડના ગામના રહેવાસીઓએ મૃતદેહ ઘરે લઈ જવાની કરી માગણી

ગોવામાં નાઇટક્લબમાં લાગેલી ભીષણ આગનો ભોગ બનેલા લોકોના પરિજનો અને પરિચિતો આજે એક સરકારી હોસ્પિટલના શબઘરની બહાર એકઠા થઇને તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.

ઝારખંડના એક ગામના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે તેઓ મૃતદેહો સ્વીકારશે નહીં અને નાઇટક્લબના માલિકને મૃતદેહો ઘરે પાછા લઇ જવાની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે તેમના પરિવારના ચાર સભ્યો ઉત્તર ગોવાના અરપોરામાં નાઇટક્લબમાં હેલ્પર અને રસોઇયા તરીકે કામ કરતા હતા. જ્યાં શનિવારની મધરાતે લાગેલી ભીષણ આગમાં ૨૫ લોકોના જીવ ગયા હતા. જ્યારે છ લોકો ઘાયલ થયા હતા.

ઝારખંડના મજૂરોનું એક ટોળું સવારથી પણજી પાસે ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ(જીએમસીએચ)ના શબઘરની બહાર તેમના સંબંધીઓ વિશે માહિતી મેળવવા માટે રાહ જોઇને બેઠું હતું. ગોવા પોલીસના કર્મચારીઓ બર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં આગ લાગવાની દુઃખદ ઘટના બાદ શબઘરમાં રાખવામાં આવેલા મૃતદેહોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમાંથી કેટલાક મૃતદેહો બળી ગયા હતા.

25 મૃતકમાં 14 સ્ટાફના સભ્યનો સમાવેશ, સાતની ઓળખ બાકી

પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં ૨૫ લોકોનો સમાવેશ થાય છે, જેમાં ચાર પ્રવાસીઓ અને ૧૪ સ્ટાફ સભ્યો સામેલ છે. જ્યારે બાકીના સાત લોકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. અરપોરામાં એક જગ્યાએ સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતાં ઝારખંડના નંદલાલ નાગે જણાવ્યું કે આગમાં મૃત્યુ પામેલા લોકોમાં તેમના ગામના ચાર લોકો હોવાની આશંકા છે.

તેમણે વધુમાં કહ્યું કે ઝારખંડના મારા ગામમાંથી ચાર લોકો(પીડિતો) છે, જેમાંથી એક મારા ભાઇનો દીકરો છે. તે બધા નાઇટક્લબમાં હેલ્પર અને રસોઇયા તરીકે કામ કરતા હતા. નાગે જણાવ્યું કે પીડિતો પાંચ વર્ષ પહેલા ઝારખંડથી ગોવા આવ્યા હતા અને ત્યારથી વિવિધ હોટેલ અને નાઇટ ક્લબમાં કામ કરી રહ્યા હતા.

આગ લાગી ત્યારે ઓછામાં ઓછા 100 લોકો ફ્લોર પર હતા

રાજ્ય પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે આગ સિલિન્ડર બ્લાસ્ટને કારણે લાગી હતી, જ્યારે કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે આગ ક્લબના પહેલા માળે લાગી હતી જ્યાં પ્રવાસીઓ ડાન્સ કરી રહ્યા હતા. હૈદરાબાદના પ્રવાસી ફાતિમા શેખે કે જ્યારે આગ લાગી ત્યારે ઓછામાં ઓછા 100 લોકો ડાન્સ ફ્લોર પર હતા અને બચવાના પ્રયાસમાં તેમાંથી કેટલાક નીચે રસોડામાં દોડી ગયા જ્યાં તેઓ સ્ટાફ સાથે ફસાઈ ગયા હતા. આગ લાગવાથી અચાનક હોબાળો મચી ગયો. અમે ક્લબની બહાર દોડી ગયા અને જોયું કે આખું માળખું આગમાં લપેટાયેલું હતું.” તેણીએ કહ્યું કે સપ્તાહના અંતે નાઈટક્લબ ખીચોખીચ ભરેલું હતું.

નદીના બેકવોટરમાં નાઈટક્લબ આવેલું છે, જેનો રસ્તો સાંકડો

નાઈટક્લબ અરપોરા નદીના બેકવોટરમાં આવેલું છે અને તેમાં પ્રવેશ અને બહાર નીકળવાનો રસ્તો સાંકડો છે. સાંકડી ગલીઓને કારણે ફાયર બ્રિગેડ માટે ક્લબમાં જવાનો કોઈ રસ્તો નહોતો અને તેમના ટેન્કરો સ્થળથી લગભગ 400 મીટર દૂર પાર્ક કરવા પડતા હતા. ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સાંકડી ગલીને કારણે સ્થળ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે આગ પર કાબૂ મેળવવો એક પડકારજનક કાર્ય બની ગયું હતું. તેમણે કહ્યું કે મોટા ભાગના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હતા કારણ કે પીડિતો ગ્રાઉન્ડ ફ્લોર પર ફસાયેલા રહ્યા હતા.

ક્લબના માલિકનો ભાગીદાર સાથે વિવાદ થતા ફરિયાદ કરી હતી

અરપોરા-નાગોઆ પંચાયતના સરપંચ રોશન રેડકરે જણાવ્યું હતું કે ક્લબ સૌરવ લુથરા ચલાવી રહ્યો હતો જેનો તેના ભાગીદાર સાથે વિવાદ હતો. તેમની વચ્ચે વિવાદ થયો હતો અને તેમણે એકબીજા વિરુદ્ધ પંચાયતમાં ફરિયાદ નોંધાવી હતી. અમે પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે તેમની પાસે ક્લબ બનાવવાની પરવાનગી નથી.” રેડકરે જણાવ્યું હતું કે પંચાયતે તોડી પાડવાની નોટિસ જાહેર કરી હતી, જેને પંચાયત નિયામક મંડળના અધિકારીઓએ સ્ટે આપ્યો હતો.