CIA ALERT

બિઝનેસ Archives - Page 2 of 87 - CIA Live

January 20, 2026
image-10.png
1min37

ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીને કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલા તણાવની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી હતી. આજે કારોબારના અંતે BSE સેન્સેક્સ 1065.71 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 82,180.47 ના સ્તરે બંધ રહ્યો હતો. તેવી જ રીતે, નિફ્ટી-50 પણ 353 પોઈન્ટ ગગડીને 25,232.50 ની સપાટીએ આવી ગયો હતો. આજે મંગળવારે રોકાણકારોને 10 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે, જ્યારે છેલ્લા બે દિવસમાં શેર બજાર ગગડતા રોકાણકારોના 12 લાખ કરોડથી વધુ સ્વાહા થયાનું અનુમાન છે.

ચોતરફ વેચવાલી: માત્ર HDFC બેંક જ બચી શકી

આજના કારોબારમાં બજારમાં વેચવાલીનું એટલું પ્રચંડ દબાણ હતું કે સેન્સેક્સના 30 માંથી 29 શેર લાલ નિશાન પર બંધ થયા હતા. બ્લુચિપ ગણાતા શેરો જેવા કે Reliance (RIL), TCS, ITC અને Bajaj Finance માં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. માત્ર HDFC બેંક જ એકમાત્ર એવો શેર હતો જે મામૂલી વધારા સાથે ટકી રહેવામાં સફળ રહ્યો હતો. સૌથી વધુ નુકસાન સન ફાર્મા, બજાજ ફિનસર્વ અને ઇન્ટરગ્લોબ એવિએશનના શેરોમાં નોંધાયું હતું.

મોટા શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ રોકાણકારોએ પસ્તાળ પાડી હતી. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 2.57% અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 2.75% જેટલા તૂટ્યા હતા. સેક્ટર મુજબ જોઈએ તો રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 5% નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઓટો, આઈટી અને મેટલ સેક્ટર પણ લોહીલુહાણ થયા હતા.

ટ્રમ્પની ટેરિફ પોલિસી: અમેરિકા અને યુરોપ વચ્ચે વધતા ટ્રેડ વોરના જોખમે રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પાડ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટ આ ટેરિફ અંગે શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે.

FIIs ની સતત વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણાં ખેંચી રહ્યા છે.
નબળા ત્રિમાસિક પરિણામો: વિપ્રો અને ICICI બેંક જેવી દિગ્ગજ કંપનીઓના પરિણામો અપેક્ષા મુજબ ન રહેતા બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું.

નિષ્ણાતોના મતે, જ્યાં સુધી વૈશ્વિક બજારમાં સ્થિરતા નહીં આવે અને અમેરિકાની નીતિઓ સ્પષ્ટ નહીં થાય, ત્યાં સુધી બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે.

January 12, 2026
Cia_business_news-1280x936.jpg
1min45

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ૯, ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરત એ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે આગામી દિવસોમાં ટેક્ષ્ટાઇલમાં વેલ્યુ એડીશન કરવા હેતુસર તેમજ સુરતની ટેક્ષ્ટાઇલ વેલ્યુ ચેઇનને મજબુત કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વળી, ટેક્ષ્ટાઇલમાં એમ્બ્રોઇડરી અને વેલ્યુ એડીશન દ્વારા ઉત્પન્ન થતું ટેક્ષ્ટાઇલ ફેબ્રિક વિદેશના માર્કેટમાં એક બ્રાન્ડ તરીકે ઓળખ પામે એ મુખ્ય ઉદ્દેશ્ય આ એકઝીબીશનનો છે.

એમ્બ્રોઇડરી અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. એમ્બ્રોઇડરી મશીન દ્વારા સુરતના ફેબ્રિકને વેલ્યુ એડીશન કરી સારુ માર્જીન પ્રાપ્ત થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે.

સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ શ્રી મનોહર ટેકચંદાની અને જોઇન્ટ સેક્રેટરી શ્રી સંજય ઝાએ જણાવ્યું હતું કે, દરેક ઈન્ડસ્ટ્રીના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે અસરકારક રજૂઆતો કરતી ચેમ્બર ઓફ કોમર્સ એ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સની સાથે મળીને આ એકઝીબીશનનું આયોજન કરીએ છીએ. અગાઉ જાન્યુઆરી– ર૦ર૪, માર્ચ– ર૦ર૩ અને જાન્યુઆરી– ર૦ર૦માં સીટમે એકઝીબીશન યોજાયું હતું, જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ એકઝીબીશનમાં એમ્બ્રોઇડરીની અત્યાધુનિક મશીનરીઓને પ્રદર્શિત કરવામાં આવશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સીટમે એકઝીબીશનમાં એમ્બ્રોઇડરી મશીનરીના અદ્યતન તથા હાઇસ્પીડ મશીનોનું પ્રદર્શન કરવામાં આવશે, જેના કારણે સુરતની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના વિકાસને નવી દિશા અને વધુ વેગ મળશે. આવનારા સમયમાં સુરતને ગારમેન્ટ હબ તરીકે વિકસિત કરવાની દિશામાં આ એકઝીબીશન એક મહત્વપૂર્ણ અને અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડશે. ગારમેન્ટ ક્ષેત્રે સુરતને અગ્રણી સ્થાન પર પહોંચાડવાની આ પહેલને હવે કોઇ અટકાવી શકશે નહીં.

તેમણે વધુમાં કહયું હતું કે, સીટમે એકઝીબીશન ગારમેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો, ઉત્પાદકો અને વ્યવસાયિકો માટે સુવર્ણ તક સાબિત થશે. કારણ કે, અહીં અદ્યતન ટેકનોલોજી આધારિત મશીનો પ્રદર્શિત કરવામાં આવશે, જેનો ઉપયોગ કરીને ઉદ્યોગ સાહસિકો પોતાની ઉત્પાદન ક્ષમતા, ગુણવત્તા અને વ્યવસાયિક વિકાસમાં નોંધપાત્ર વધારો કરી શકશે. આથી, ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામને સીટમે એકઝીબીશનની ચોકકસ મુલાકાત લેવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ‘સીટમે– ર૦ર૬’ એક્ષ્પોના આયોજનમાં ચેમ્બરની સાથે સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન જોડાયું છે. એક્ષ્પોના આયોજનમાંં એમ્બ્રોઇડરી મશીનરી સાથે સંકળાયેલા લોકોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. આવનારા વર્ષોમાં આ ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહે તે જરૂરી છે. કારણ કે, એનાથી સુરતની અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બની શકશે. આ પ્રદર્શન માટે ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનની મુલાકાત લેનારા બાયર્સને લેટેસ્ટ ટેકનોલોજીની એમ્બ્રોઇડરી મશીનરી રૂબરૂ જોવા મળશે. તેઓને બાયર–સેલર મીટ કરવાનો પણ મોકો મળશે. બિઝનેસ અને નેટવર્કીંગ માટે તકો મળી રહેશે. ગારમેન્ટ મેન્યુફેકચરર્સ માટે પણ અનેક મશીનો અહીં જોવા મળશે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, સરસાણા ખાતે કયભહહ ડોમમાં આ પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેમાં સુરતના ૬૬ એકઝીબીટર્સે ભાગ લીધો છે. એકઝીબીટર્સમાં સુરત ઉપરાંત અમદાવાદ, નવી દિલ્હી, પૂણે, રાજકોટ, ઠાણે અને વલસાડના એકઝીબીટર્સનો સમાવેશ થાય છે.

આ એકઝીબીશનમાં સુરત ઉપરાંત અજમેર, આણંદ, અંકલેશ્વર, બલોત્રા, વર્ધમાન, બેલગામ, ભીવંડી, બિકાનેર, બોટાદ, ચંડીગઢ, કોઇમ્બતુર, દહાણુ રોડ, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, જેતપુર, જુનાગઢ, કલ્યાણ, ખંભાત, કોલકાતા, કોટા, મલાડ, માલેગાવ, મુંબઇ, મુઝફફરપુર, નવાપુર, પાનીપત, પૂણે, રાજકોટ, સિલવાસા, સુરેન્દ્રનગર, તમિલનાડુ, ઠાણે, તિરુપુર, ઉજ્જૈન, વડોદરા અને વારાણસી સહિત ભારતભરમાંથી બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે.

દેશભરમાંથી અત્યાર સુધીમાં ૧ર હજાર જેટલા બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી ચાર દિવસમાં એકઝીબીશનમાં રપ હજારથી વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે. એકઝીબીશનમાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે.

આ એકઝીબીશનમાં મશીનરી સહિત મશીનરીના પાર્ટ્‌સ, દોરા, ધાગા અને બીડ્‌સ તેમજ અન્ય આનુસંગિક પ્રોડકટ પણ જોવા મળશે. આ ઉપરાંત અમદાવાદના માર્કેટમાં જે ડિઝાઇન ચાલે છે તે પણ અહીં જોવા મળશે.

સીટમે એક્ષ્પોમાં સૌ પ્રથમ વખત પોઝીશન એમ્બ્રોઇડરી મશીનરી લોન્ચ કરવામાં આવશે
અમ્બ્રોઈડરી અને જેકાર્ડ ફેબ્રિક પર પોઝિશન એમ્બ્રોઈડરી કરવા માટે ભારતભરમાં અત્યાર સુધી કોઇ સ્થળે એડવાન્સ ટેકનોલોજી સાથેની પોઝીશન એમ્બ્રોઇડરી મશીનરી લોન્ચ થઇ નથી, સુરતમાં સીટમે એક્ષ્પોમાં પ્રથમ વખત આ મશીનરીને લોન્ચ કરવામાં આવશે. આ મશીનરીથી હેન્ડ વર્ક અને ખાટલી વર્કનું કામ શક્‌ય બનશે, જે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિધ સેગમેન્ટો જેવા કે પોઝીશન પ્રિન્ટીંગ, એમ્બ્રોઇડરી, જેકાર્ડ અને શિફલી સેગમેન્ટના ડેવલપમેન્ટ માટે મહત્વની ભૂમિકા ભજવશે.

હવે પરંપરાગત જરદોશી હેન્ડવર્ક, એમ્બ્રોઇડરી મશીન પર શક્‌ય બનશે
સીટમે એકઝીબીશનમાં સિંગલ હેડ એમ્બ્રોઇડરી મશીન પર માયા જરદોશી ડિવાઇસ સાથે લાઇવ ડેમો રજૂ કરવામાં આવશે. આ ડેમો ભારતભરમાં પ્રથમ વખત સીટમે એકઝીબીશનમાં રજૂ કરાશે. આ ટેકનોલોજી દ્વારા હવે પરંપરાગત જરદોશી હેન્ડવર્ક, એમ્બ્રોઇડરી મશીન પર શક્‌ય બનશે. ખાસ વાત એ છે કે, આ ડિવાઇસ ડિઝાઇનની જરૂરિયાત મુજબ ૪ મીમીથી ૧૧ મીમી સુધી જરદોશીનું ઓટો કટિંગ કરે છે, જે સંપૂર્ણપણે ઓટોમેટીક છે. આ નવીન ટેકનોલોજી ભારતભરમાં કોઇ જ સ્થળે નથી, જે સુરતમાં પ્રથમ વખત સીટમે એકઝીબીશનમાં બાયર્સને જોવા મળશે.

એમ્બોઇડરી બીડ્‌સ મશીનરી માટે બીડ્‌સ નાયલોન તાર લોન્ચ કરાશે
એમ્બોઇડરી બીડ્‌સ મશીનરી માટે ખાસ બનાવવામાં આવેલા બીડ્‌સ નાયલોન તારને ભારતભરમાં સુરત ખાતે સીટમે એકઝીબીશનમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. બીડ્‌સ નાયલોન તાર એમ્બ્રોઇડરી બીટ્‌સ મશીનરીમાં ઉપયોગમાં લઇ શકાશે. આ નાયલોન તારમાં ૮પ૦૦૦ મીટરની લેન્થમાં સિંગલ નોટ આવતી નથી અને આ તાર મશીનરી પર લગાવ્યા બાદ બે મહિના સુધી કોનને ઉતારવાની જરૂર પડતી નથી. એ સિવાયના કોનમાં બે મહિને પાંચેક વખત ગાંઠ પડતી હોવાને કારણે તેને પાંચેક વખત બદલવાની જરૂર પડે છે. જ્યારે ૮પ૦૦૦ મીટરની લેન્થવાળા નાયલોન તારમાં ગાંઠ પડતી ન હોવાથી એમ્બ્રોઇડરી મશીનરી પર વધુમાં વધુ પ્રોડકશન લઇ શકાશે.

December 31, 2025
image-29.png
1min52
  • ‘RailOne’ એપથી જનરલ ટિકિટ બુક કરાવવામાં મળશે ડિસ્કાઉન્ટ
  • ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે દ્વારા 14 જાન્યુઆરી 2026થી નવી ઓફર લાગુ કરાશે.

નવી દિલ્હીઃ ભારતીય રેલવે મંત્રાલય 14, જાન્યુઆરીથી 14 જુલાઈ 2026 સુધીમાં ‘રેલવન’ એપ મારફતે જનરલ ટિકિટ (અનરિઝર્વ્ડ ટિકિટ) ખરીદવા અને કોઈપણ ડિજિટલ માધ્યમથી ચુકવણી કરવા પર 3 ટકા છૂટ આપશે. હાલમાં તે ‘રેલવન’ એપ પર આર-વોલેટ પેમેન્ટ મારફતે જનરલ ટિકિટ બુક કરવા પર ૩ ટકા કેશબેક આપે છે.

‘ડિજિટલ બુકિંગને પ્રોત્સાહન આપવા માટે ‘રેલવન’ એપ પર તમામ ડિજિટલ પેમેન્ટના માધ્યમથી જનરલ ટિકિટ બુક કરતી વખતે 3 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, 30 ડિસેમ્બર, 2025ના મંત્રાલય તરફથી સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ (સીઆરઆઈએસ) ને લખવામાં આવેલા એક પત્રમાં આ વાત કહેવામાં આવી છે, જેમાં સોફ્ટવેર સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

3 ટકા ડિસ્કાઉન્ટનો પ્રસ્તાવ ૧૪ જાન્યુઆરી, 2026થી 14 જૂલાઈ 2026ના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે. સીઆરઆઈએસ મે મહિનામાં આ દરખાસ્ત પર વધુ તપાસ માટે ફિડબેક આપશે. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રેલવન એપ પર આર-વોલેટ મારફતે બુકિંગ માટે હાલનો 3 ટકા કેશબેક ચાલુ રહેશે.

એક અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હાલની સિસ્ટમમાં રેલવન એપ પર જનરલ ટિકિટ ખરીદનારા અને આર-વોલેટ મારફતે ચુકવણી કરનારા સંભવિત મુસાફરોને 3 ટકા કેશબેક આપવામાં આવે છે. જોકે, નવી ઓફરમાં રેલવન પર બધા ડિજિટલ પેમેન્ટ મોડ મારફતે જનરલ ટિકિટ ખરીદનારાઓને 3 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર અન્ય કોઈ પણ ઓનલાઈન જનરલ ટિકિટ ખરીદી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી.

December 20, 2025
image-19.png
1min66

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના મતે ભારત-ઓમાન કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટરશિપ એગ્રિમેન્ટ (સીઈપીએ) કે જે અંતર્ગત ઓમાનમાં ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીની આયાત પર ઈમ્પોર્ટ ડ્યુટીને નાબૂદ કરી છે તેને લીધે બન્ને દેશ વચ્ચે થતી નિકાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થશે તથા બન્ને દેશો વચ્ચે પ્રત્યક્ષ વ્યાપાર સંબંધોને વધુ મજબૂતી મળે તેવી આશા છે.

ભારતની ઓમાનમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ અત્યારે 35 મિલિયન યુએસ ડોલર રહી છે(વર્ષ 2024). સીઈપીએ અંતર્ગત ડ્યુટી-ફ્રી એક્સેસ મળવાથી જીજેઈપીસીને એવો અંદાજ છે કે વધારી સારી કિંમતની સ્પર્ધાત્મકતા, વધારે ઉત્પાદનોને લગતા વિકલ્પો તથા ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે વધુ સારા સહયોગને લીધે આગામી ત્રણ વર્ષમાં નિકાસ વધીને 150 મિલિયન યુએસ ડોલર સુધી પહોંચી શકે છે.

જીજેઈપીસીના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “ભારત-ઓમાન સીઈપીએ પ્રત્યક્ષ વ્યાપાર સંબંધોને મજબૂત કરશે અને ઓમાનમાં ભારતના જેમ અને જ્વેલરીની નિકાસ વધારવા માટે એક મુખ્ય માધ્યમ છે.ઝીરો ડ્યુટી એક્સેસથી ભારતીય નિકાસકારો માટે સ્પર્ધાત્મકતામાં ઘણો સુધારો થશે તથા ડાયરેક્ટ સોર્સિંગને ઉત્તેજન મળશે. અમે પોલિશ્ડ ડાયમંડ્સ અને ગોલ્ડ જ્વેલરી માટે ગ્રોથ સારી એવી તક જોઈ રહ્યા છીએ, આ સાથે ચાંદી, પ્લેટિનમ તથા ઈમિટેશન જ્વેલરીની માંગ વધી રહી છે. આ ફ્રેમવર્ક સાથે આગામી ત્રણ વર્ષમાં ઓમાનમાં નિકાસ 35 મિલિયન યુએસ ડોલરથી વધીને આશરે 150 મિલિયન યુએસ ડોલર થઈ શકે છે.”

ભારત અગાઉથી જ ઓમાનને ગોલ્ડ જ્વેલરીનો સૌથી મોટો સપ્લાયર છે, ખાસ કરીને 22 કેરેટના વેડિંગ અને ટ્રેડિશનલ ડિઝાઈનની જ્વેલરીમાં તથા વર્ષ 2024-25માં 80.11 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, જે ભારતીય કારીગરોમાં ઊંડા વિશ્વાસને દર્શાવે છે.

સીઈપીએથી મેન્યુફેક્ચરિંગ, ડિઝાઈન કોલોબરેશન તથા ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનરશિપને વેગ આપીને મેક ઈન ઈન્ડિયાને પણ સપોર્ટ મળે તેવી આશા છે.ઓમાનની પરંપરાગત સિલ્વર જ્વેલરીમાં મજબૂતી તેમ જ ભારતના મોટા પ્રમાણ, ટેકનોલોજી તથા કૂશળ વર્કફોર્સના ઉત્તમ તાલમેલથી જોઈન્ટ પ્રોડક્ટ ડેવલપમેન્ટ તથા વેલ્યુ-એડેડ મેન્યુફેક્ચરિંગની ઉત્તમ તક મળે છે.
ઓમાનના વ્યૂહાત્મક સ્થાન તથા સ્થિર બિઝનેસ માહોલ સાથે સીઈપીએ આ દેશને જીસીસી, આફ્રિકા તથા પડોશી ક્ષેત્રોમાં ભારતીય જ્વેલરીની નિકાસ માટે એક સંભવિત ગેટવે તરીકે સ્થાપિત કરે છે, જેથી ટ્રેડ એફિશિએન્સી અને પ્રાદેશિક બજાર સુધીની પહોંચ વધુ સારી બને છે.

December 15, 2025
image-8.png
1min75


ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે, સોમવારે 15/12/2025, રોકાણકારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ચલણ બજારમાં રૂપિયાએ અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર નોંધાવ્યું હતું. વિદેશી ભંડોળના સતત વેચાણ અને વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 280 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 25,950ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

બજારમાં કેમ બોલાયો કડાકો?

બજારની સૌથી મોટી ચિંતા રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને લઈને હતી. ભારતીય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે વધુ ગગડીને 90.71 ની નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આયાતકારો દ્વારા ડોલરની ભારે માંગ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચવાને કારણે રૂપિયા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના મતે, જો આ વલણ ચાલુ રહેશે તો આયાત મોંઘી થઈ શકે છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર પડી શકે છે.

સેન્સેક્સની વાત કરીએ તો શુક્રવારનું સેન્સેક્સનું ક્લૉઝિંગ 85,267.66 પર થયું હતું જે આજે 15/12/25 સોમવારે ખુલતા જ 84,840.32 પર પહોંચી ગયું હતું. જે 427 પોઈન્ટનો કડાકો દર્શાવે છે. જોકે પછીથી તેમાં રિકવરી જોવા મળી હતી. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારનું ક્લૉઝિંગ 26046.95 પર હતું. જે આજે 15/12/25 સોમવારે ખુલતા જ 25,904.75 પર પહોંચી ગયું હતું. જે 142 પોઈન્ટનો કડાકો દર્શાવે છે. જોકે પછીથી એમાં પણ રિકવરી દેખાઈ હતી.

શેરબજારની વાત કરીએ તો, સવારે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. દિવસ દરમિયાન બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. આઈટી અને ફાઇનાન્સિયલ સર્વિસ જેવા ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જોકે, કેટલાક મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી, પરંતુ તે બજારને મોટા ઘટાડાથી બચાવી શકી ન હતી. રોકાણકારો હવે આગામી દિવસોમાં આવનારા ફુગાવાના આંકડા અને વૈશ્વિક બજારના સંકેતો પર નજર રાખી રહ્યા છે, જેના આધારે બજારની આગામી દિશા નક્કી થશે.

December 2, 2025
cia_gst.jpg
1min50

  • ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. 1.96 લાખ કરોડ હતું
  • ગયા વર્ષે નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1.69 લાખ કરોડ હતું : લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવક દૂર કરાતા જીએસટી કલેક્શન ઘટયું

ભારતનું જીએસટી કલેક્શન નવેમ્બર, ૨૦૨૫માં ઘટીને ૧.૭૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ચાલુ વર્ષનું સૌથી ઓછું કલેક્શન છે. જો કે ગયા વર્ષનાં નવેમ્બરની સરખામણીમાં જીએસટી કલેક્શનમાં ૦.૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવકને દૂર કરાતા આ ઘટાડો જોવા મળ્યો છે.

નવેમ્બર, ૨૦૨૫માં કુલ જીએસટી કલેક્શન ૧.૭૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષે નવેમ્બરમાં ૧.૬૯ લાખ કરોડ રૂપિયા હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર, ૨૦૨૫માં જીએસટી કલેક્શન ૧.૯૬ લાખ કરોડ રૂપિયા હતું.

ઉલ્લેખનીય છે કે ઘરેલુ વપરાશને વેગ આપવા અને વૈશ્વિક પરિબળોથી ભારતીય અર્થતંત્રને બચાવવાનાં હેતુથી એક મોટા સુધારણા હેઠળ સરકારે ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીનાં ચાર દરો ઘટાડીને બે જ કરી દીધા છે.

હવે ફક્ત પાંચ અને ૧૮ એમ બે દરો રાખવામાં આવ્યા છે. જે અગાઉ ૫,૧૨,૧૮ અને ૨૮ હતાં. લક્ઝરી વસ્તુઓ પર ૪૦ ટકાનો અલગ દર રાખવામાં આવ્યો છે.

૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી જીએસટી કમ્પનસેશન ફક્ત તમાકુ અને પાન-મસાલા પર લગાવવામાં આવે છે. જે અગાઉ લક્ઝરી, સિન ડીમેરિટ વસ્તુઓ અલગ અલગ દરે નાખવામાં આવતો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ જીએસટી કલેક્શનની ગણતરીમાં સેસને સામેલ કરવામાં આવ્યો નથી કારણકે કમ્પનસેશન સેસ હવે એક અસ્થાયી વ્યવસ્થા છે.

નવેમ્બર, ૨૦૨૫માં હરિયાણા, આસામ અને કેરળમાં જીએસટી આવકમાં અનુક્રમે ૧૭,૧૮ અને ૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે મધ્ય પ્રદેશ અને ઓડિશામાં જીએસટી આવકમાં અનુક્રમે ૧૭ અને ૧૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ જીએસટીની આવકમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

November 30, 2025
Cia_business_news-1280x936.jpg
1min78

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન (એસ.જે.એમ.એ.) એ ગ્લોબલ કનેક્ટ 365 પ્રોગ્રામ આજે લોંચ કર્યો છે. આ પ્રોગ્રામમાં ઝવેરાતની ખરીદી કરવા માટે સુરત આવવા ઇચ્છતા ભારતના કે વિદેશના કોઇપણ જેન્યુઇન ખરીદારોને ફ્લાઇટ-ટ્રેનમાં આવવા જવાનું ભાડું, હોટલમાં સ્ટે, લોકલ ટ્રાન્સપોર્ટેશન, ફેક્ટરી વિઝિટ, ઓફિસ વિઝિટ વગેરે તમામ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે. આ અંગે વધુ વિગતો આપતા સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ અમિત કોરાટ અને રૂટ્ઝના ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે હવે તેઓ તબક્કાવાર રૂટ્ઝ એક્ષ્પો કાયમ માટે બંધ કરી રહ્યા છે. તેના બદલે હવે આખું વર્ષ 365 દિવસ ઝવેરાત ખરીદારો દેશ વિદેશથી ખરીદી કરવા માટે સુરતના ઝવેરાત ઉત્પાદકો પાસે આવે તે માટે તેમને તમામ ખર્ચો ઉઠાવવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. ખરીદારોએ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશની મોબાઇલ એપ્લિકેશનમાં સુરત આવવા અંગે એપ્લિકેશન કરવાની રહેશે. તેમણે એસોસીએશનના કુલ 500 મેમ્બર્સ પૈકી ઓછામાં ઓછા કોઇપણ 8 મેમ્બરની ફેક્ટરી, ઓફિસ, શોરૂમ વગેરેની વિઝિટ કરવાની રહેશે. ઓછામાં ઓછા આઠ જુદી જુદી પેઢીના ખરીદારો હશે તો તેમને સુરત આવવાનો તમામ ખર્ચ, સુરતમાં હોટેલ સ્ટે, સુરતમાં આંતરીક ટ્રાન્સપોર્ટેશન, ફેક્ટરી વિઝિટ વગેરે તમામનો ખર્ચ એસોસીએશનના મેનેજ કરશે. એસોસીએશનને મુલાકાતીઓને ખર્ચો એવી ફેક્ટરીના માલિકો ચૂકવશે જેની મુલાકાતે વિદેશી-દેશી ખરીદારો ગયા હોય. આમ આ રીતે માત્ર એક્ષ્પો પૂરતા નહીં પણ આખું વર્ષ દેશ વિદેશના ઝવેરાત ખરીદારો સુરત આવતા રહે તે પ્રમાણેની સ્કીમ એસ.જે.એમ.એ. ગ્લોબલ કનેક્ટ 365 લોંચ કરવામાં આવી છે.

IDI Certification

ઝવેરાત એક્ષ્પો રૂટ્ઝમાં સુમુલડેરી સ્થિત ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ દ્વારા જ્વેલરી સર્ટિફિકેશન પ્રોજેક્ટ લોંચ કરવામાં આવ્યો છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન અને ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ વચ્ચે તાજેતરમાં જ એમ.ઓ.યુ. સાઇન થયા છે.

રૂટ્ઝ 2025ના ઉદઘાટન સમારોહમાં મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના ઝવેરાત એક્સો રૂટ્ઝની 5મી એડિશનનો આજે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આરંભ કરવામાં આવ્યો હતો. આજે પહેલા જ દિવસે ભારતના જુદા જુદા શહેરો ઉપરાંત દુબઇ, અબુધાબી, શારજાહ, અમેરીકા જેવા દેશોમાંથી આવેલા ખરીદારો બોલી ઉઠ્યા હતા કે મુંબઇના ઝવેરાત ઉત્પાદકોને જોરદાર ટક્કર આપી રહ્યા છે સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ. રૂટ્ઝ 2025 એક્ઝિબિશનની ખાસિયત એ છે કે ઝવેરાત ખરીદવા માટે આવી રહેલા દેશ વિદેશના ખરીદારોને જુદા જુદા દાગીનાની પસંદગી કરવા માટે 75 હજારથી વધુ ડિઝાઇનોની વિશાળ રેન્જ મળી રહી છે. 150 જેટલા સુરતના ઝવેરાત ઉત્પાદકો રૂટ્ઝ એક્ષ્પોમાં પોતાની જ્વેલરી ડિસ્પ્લે કરી રહ્યા છે પણ રેર કેસમાં તેમના આર્ટિકલ્સની ડિઝાઇન રિપીટ કે ડુપ્લિકેશનમાં જોવા મળી રહી છે.

દુબઇની એક જ્વેલરી બ્રાન્ડ માટે ખરીદા કરવા રૂટ્ઝમાં આવેલા વિલ્સને મિડીયા કર્મીઓને કહ્યું કે ત્રણેક વર્ષ અગાઉ સુધી તેઓ મુંબઇના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ પાસેથી આર્ટિકલ્સ ખરીદતા આવ્યા હતા પરંતુ, જ્યારથી તેઓ રૂટ્સના સંપર્કમાં આવ્યા ત્યારથી સુરતમાં ક્લાયન્ટ બેઝ સ્થાપિત કર્યો છે અને તેઓ કમસેકમ 15થી 20 કિલો વજનના સોનાના દાગીનાની દર વર્ષે ખરીદી કરી રહ્યા છે. તેઓ જુદા જુદા આર્ટિકલ્સની 100થી 150 નંગ ખરીદી કરે છે. તેમણે જણાવ્યું કે સુરતના ઝવેરાત ઉત્પાદકો પાસે જે રેન્જ અને ઇનોવેશન છે એ વર્તમાન યંગ જનરેશનમાં આકર્ષણ ઉભું કરી શકવા સમર્થ છે. સુરતમાં તોલા કે ગ્રામમાં નહીં પણ વર્ષે 50થી 70 કિલો વજનના સોનાના દાગીના બનાવીને વેચનારાઓ પણ પડ્યા છે.

રૂટ્ઝ એક્ઝિબિશનના ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે એકલા ભારતમાં નહીં હવે તો સુરતના ઝવેરાત ઉત્પાદકો દુનિયાભરમાં દાગીના સપ્લાય કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઝવેરાત ઉત્પાદકોએ બનાવેલા આર્ટિકલ્સ સસ્તા પડે છે અને ડિઝાઇન અફલાતૂન હોય છે. સામાન્ય રીતે 1 ગ્રામની ઘડામણ રિટેલ માર્કેટમાં રૂ.3 હજારથી લઇને રૂ.3500 હોય છે, જ્યારે ઝવેરાત ઉત્પાદકો ઓર્ડરથી માલ બનાવે છે ત્યારે તે કલ્પના કરતા પણ ઓછી થઇ જાય છે. તેમણે કહ્યું કે સોનાના ભાવ ભલે રૂ.1.30 લાખની આસપાસ હોય પરંતુ, લોકો ક્યારેય દાગીના પહેરવાનું કે સોનું ખરીદવાનું બંધ કરતા નથી હોતા. હાલમાં 14 કેરેટની ગોલ્ડ ડાયમંડ સ્ટડેડ જ્વેલરીના સારા ઓર્ડરો મળી રહ્યા છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ અમિત કોરાટ કહે છે કે તેમના એસોસીએશન સાથે સંકળાયેલા તમામ મેમ્બર્સને લાભ થાય એ માટે હવે એસ.જે.એમ.એ. 365 ગ્લોબલ કનેક્ટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં લોંચ કરી રહ્યા છે. જેનાથી દેશ વિદેશના ખરીદારો એકલા એક્ઝિબિશન પૂરતા નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન ઝવેરાત ઉત્પાદકોની ફેક્ટરીથી લઇને ઓફિસની મુલાકાતે આવતા જોવા મળશે.

November 27, 2025
image-25.png
1min67

ભારતીય શેરબજારે આજે 27/11/25 ગુરુવારે ઇતિહાસ રચી દીધો છે. લગભગ 14 મહિનાની લાંબી રાહ જોયા બાદ, નિફ્ટી 50 ઇન્ડેક્સ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરને પાર કરી ગયો છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. બજારમાં આવેલી આ તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

27/11/2025 સવારના કારોબારમાં નિફ્ટી લગભગ 90 પોઈન્ટના ઉછાળા સાથે 26,295.55ની નવી ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો હતો. આ પહેલા, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટીએ 26,277.35નો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો હતો, જેની નીચે તે છેલ્લા 14 મહિનાથી ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, સેન્સેક્સ હજુ તેના રેકોર્ડ હાઈથી થોડો દૂર છે. સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 85,912.94 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે તેનો ઓલ-ટાઇમ હાઈ 85,978.25 છે.

BSEના ટોપ 30 શેરોમાંથી 19 શેરોમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેર ટોપ પર્ફોર્મર રહ્યા છે, જ્યારે ઝોમેટો અને કોટક મહિન્દ્રા બેન્કના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેક્ટરની વાત કરીએ તો, પીએસયુ બેંક, કન્ઝ્યુમર્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને બાદ કરતાં બાકીના તમામ સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી રહી છે.

આ શેરોમાં જોવા મળી શાનદાર તેજી:

ગણેશ હાઉસિંગ અને પટેલ એન્જિનિયરિંગના શેરમાં 10%થી વધુનો ઉછાળો છે.

ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) અને જિલેટ ઈન્ડિયાના શેરમાં 5%ની તેજી છે.

તેજસ નેટવર્ક્સ 4%થી વધુ, જ્યારે સ્વાન કોર્પોરેશન 2% વધ્યો છે.

આ સિવાય ટાટા પાવર, બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સના શેરમાં 1.5%નો ઉછાળો જોવા મળી રહ્યો છે.

બજારની એકંદરે સ્થિતિ

બીએસઈ પર કુલ 3,321 શેરોમાંથી 1,853 શેરો તેજી સાથે અને 1,262 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. 85 શેરોમાં અપર સર્કિટ લાગી છે, જ્યારે 60 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે. 60 શેરોએ તેમની 52-સપ્તાહની નવી ટોચ બનાવી છે.

November 22, 2025
image-16.png
1min64

ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સીંગતેલ ઉપરાંત કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘીના ભાવ પણ બેફામ વધારો થયો છે. ખાદ્યતેલના વધતા ભાવ લોકોથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અમદાવાદ ખાતે સીંગતેલ (નવો ડબ્બો)નો ભાવ અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2600, ઉપરમાં રૂપિયા 2650 રહ્યા હતા. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2400 રહ્યા હતા.

સીંગતેલ સહિત અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો

અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2250 અને ઊંચામાં રૂપિયા 2350 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2280 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2250 રહ્યો હતો.

પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2150

અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2150, કોપરેટ રૂપિયા 5800, સરસીયુ મોળું રૂપિયા 2470, સરસીયુ તીખુ રૂપિયા 2600 રહ્યા હતા. 15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2280, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2100, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 700થી રૂપિયા 730 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 750થી રૂપિયા 790 વચ્ચે રહ્યો હતો.

November 22, 2025
indian-rupee-vs-us-dollar-symbols-HY0EN3-1280x993.jpg
1min51

Date 21/11/25 વિદેશી હુંડીયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ૮૯.૪૯ના નવા તળીયે પટકાયો હતો. જોકે, કામકાજના અંતે તે ૮૯.૪૨ના મથારે બંધ રહ્યો હતો. ડોલરના ભાવ આજે રૂપિયા સામે ઝડપી ૭૧ પૈસા વધી જતાં ડોલર સામે રૂપિયો ૦.૭૯ ટકા ગબડયો હતોે.

શેરબજાર તૂટતાં કરન્સી બજારમાં આજે રૂપિયા પર દબાણ વધ્યું હતું સામે રૂપિયાને તૂટતો અટકાવવા માટે રિઝર્વ બેન્કના પ્રયત્નો પણ આજે અપેક્ષા કરતાં ધીમા રહ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૮૮.૭૧ વાળા આજે સવારેે રૂ.૮૮.૬૯ ખુલી નીચામાં ભાવ રૂ.૮૮.૬૦ સુધી ઉતર્યા પછી ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૮૯ની સપાટી પાર કરી રૂ.૮૯.૪૯ની નવી ટોચ બતાવી છેલ્લે રૂ.૮૯.૪૨ બંધ રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટતાં ઘરઆંગણે કરન્સી બજારમાં આજે આરંભના સોદાઓમાં ડોલર સામે રૂપિયો ઉંચો રહ્યો હતો પરંતુ ત્યારબાદ શેરબજાર તૂટતાં રૂપિયો બપોર પછી ઝડપી ગબડતો જોવા મળ્યો હતો. દરમિયાન, કરન્સી બજારમાં ચર્ચાતી વાતો મુજબ ઈરાનના ક્રૂડ ઓઈલના ટ્રેડના સંદતર્ભમાં અમેરિકાએ ભારતની અમુક કંપનીઓ સામે વિવિધ અંકુશો લાદતાં કરન્સી બજારમાં રૂપિયામાં તીવ્ર પીછેહટ દેખાઈ હતી.

આ પૂર્વે રૂપિયામાં રૂ.૮૮.૮૦ના તળિયાના ભાવ સપ્ટેમ્બરમાં દેખાયા હતા અને આજે રૂપિયો ઝડપી તૂટી રૂ.૮૯ના નવા તળિયાને તોડી રૂ.૮૯.૪૯ સુધી ઉતરી જતાં કરન્સી બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ હવે વધી જશે તથા તેના પગલે ફુગાવો તથા મોંઘવારી વધી જવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

ભારતમાં વેપાર ખાધ વધતાં તથા નિકાસમાં ઘટાડો નોંધાતાં તેની અસર પણ રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. સોનાની આયાત વધતાં તેની અસર પણ કરન્સી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરારમાં થઈ રહેલા વિલંબના પગલે પણ રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં આગળ ઉપર વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા ઘટતાં તેની અસર ડોલર પર પોઝીટીવ તથા રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. આગળ ઉપર ડોલરના ભાવ વધુ વધી રૂ.૯૦ થઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ઉંચામાં ૧૦૨થી ૧૦૩ સુધી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાંથી ડોલરનો આઉટફલો પણ વધ્યાની ચર્ચા બજારમાં આજે સંભળાઈ હતી.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૧૯ થઈ ૧૦૦.૦૭ રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૧ પૈસા વધી ૧૧૬.૧૩ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૯ પૈસા વધી રૂ.૧૦૨.૪૫ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે ૦.૩૩ ટકા ઘટી હતી.ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૭ ટકા ઉંચકાઈ હતી.