છેલ્લા એક વર્ષમાં ૧ કિલો ગેસમાં ૩૦ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો થઇ જતા રિક્ષા ચાલકો સહિત તમામ સીએનજી ગેસ વાહન ધરાવતા લોકો પર આર્થિક બોજ વધી ગયો છે. ગેસ સસ્તો પડે છે તેવી માનસિકતાથી સીએનજી વાહનો ખરીદનાર લોકો હાલ પસ્તાઇ રહ્યા છે.
સામાન્ય અને મધ્યવર્ગીય પરિવારો કે જેઓ પેટ્રોલની તુલનામાં સીએનજી ગેસ સસ્તો પડતો હોવાથી સીએનજી વાહન ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ધંધા-રોજગાર માટે પણ સીએનજી રિક્ષા સહિતના વાહનો વસાવી રહ્યા છે. એક વર્ષ પહેલા જે વાહનચાલકો ૫૬.૩૦ રૂપિયે કિલો ગેસ ભરાવતા હતા તે હાલમાં ૮૭.૩૮ રૂપિયે કિલો ગેસ ભરાવવા મજબૂર બન્યા છે !
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મોંઘવારીને કાબુમાં લેવા માટે દેશની મુદ્રા નીતિનું અકોમોડેશન મોડ પરત ખેંચ્યું છે.
ગત સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વના 28 વર્ષના બીજા સૌથી મોટા વ્યાજ દર વધારા બાદ ગઈકાલે બેંક ઓફ ઇંગ્લેન્ડે 1995 બાદનો સૌથી મોટો વ્યાજ દર વધારો કર્યો હતો અને આજે તા.5મી ઓગસ્ટ 2022ના રોજ પૂરી થયેલી આરબીઆઇની મોનેટરી પોલીસીમાં રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં 0.50% નો વધારો કર્યો છે માર્ચ થી શરૂ થયેલી વ્યાજ દર વધારાની આ નીતિમાં બેંચામાર્ક ગણાતા રેપોરેટમાં આ ત્રીજો સળંગ વધારો છે.
આરબીઆઈએ 5 ઓગસ્ટ 2022ના રોજ સમાપ્ત થયેલી મોનેટરી પોલિસીમાં વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કરીને રેપોરેટ 4.9થી વધારી 5.4 કર્યા છે. આ સાથે જ ભારતમાં રેપોરેટ કોરોના પૂર્વેના સ્તરે પહોંચ્યા છે.
બજાર એક્સપર્ટના અંદાજ અનુસાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ મોનિટરી પોલિસીમાં 0.35%ના વ્યાજ દર વધારાની અપેક્ષા હતી પરંતુ મોંઘવારીને કાબૂમાં લેવા માટે આરબીઆઈએ કડકાઈ દાખવીને વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કરીને અગ્રેવિસ પોલિસી બતાવી છે.
રેપોરેટમાં વધારાની સાથે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા SDF પણ વધારીને 5.15% કરવામાં આવે છે. આ સિવાય MSF દર પણ 0.50 ટકા વધાર્યા છે.
મોનીટરી પોલિસીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે ભારતમાં હાઉસહોલ્ડ મોંઘવારી આગામી સમયમાં ઘટવાની અપેક્ષા છે પરંતુ આરબીઆઈના નિર્ધારીત અંદાજ કરતા વધુ રહેશે. આ સાથે આરબીઆઇએ જુલાઈ સપ્ટેમ્બર માટેના ગ્રાહક સ્તરના મોંઘવારી દરનું અનુમાન 7.1% નક્કી કર્યું છે નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર ડિસેમ્બર માટે CPI ઇન્ફલેશન 6.4 ટકા અને અંતિમ ક્વોટર જાન્યુઆરી માર્ચ માટે ઇન્ફ્લેશન 5.8% રહેવાનો અંદાજ મુક્યો છે સમગ્ર નાણાકીય વર્ષ 2023 માટે ગ્રાહક સ્થરનો મોંઘવારી દર 6.7 ટકા રહેવાનો અંદાજ આજની મોનિટરી પોલિસીમાં મૂકવામાં આવ્યો છે
ગિફ્ટ સિટીમાં IIBX (ઇન્ડીયા ઇન્ટરનેશનલ બુલિયન એક્ષચેન્જ) માં ગુજરાતના 14 સહિત દેશના 64 ક્વોલિફાઇડ જ્વેલર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દેશના પ્રથમ ગોલ્ડ એક્ષચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (આઇઆઇબીએક્સ) અને એનએસસી-આઇએફએસસી-એસજીએસ કનેક્ટને વડાપ્રધાન શ્રી મોદીએ કાર્યાન્વિત કરી દીધું છે.
ગીફ્ટ સિટીમાં કસ્ટમ ક્લીયરન્સ થયાના ચાર જ કલાકમાં અમદાવાદમાં સોનાની ડિલીવરી કરી દેવાશે
સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં એક જ દિવસમાં સોનાનો જથ્થો પહોંચતો કરી દેવાશે
ગુજરાતમાં ત્રણ સ્થળોએ ગોલ્ડ સાચવવા માટે વોલ્ટ બનાવાયા
પ્રીમીયમના વધારાના નાણાં ચૂકવવામાંથી મુક્તિ
તહેવારોમાં સોનાની ડિમાન્ડ વધી હશે તો તાત્કાલિક નવું સોનું મળી શકશે
આઇઆઇબીએક્સમાં જ્વેલરર્સ તરીકે રજિસ્ટ્રેશન માટે રૂ.25 કરોડનું ટર્નઓવર જરૂરી
ગોલ્ડ એક્ષચેન્જ ગાંધીનગર ગીફ્ટ સિટીમાં શરૂ થતા સોનાના વૈશ્વિક ટ્રેડિંગમાં વધુ સવલતો જ્વેલર્સને મળશે. જેમાં કસ્ટમ ક્લિયરન્સ થયાના ચાર કલાકમાં અમદાવાદમાં નિર્ધારીત સ્થળે સોના જથ્થાની ડિલિવરી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તે સિવાય રાજકોટ, સુરત, વડોદરા જેવા રાજ્યના અન્ય મોટા શહેરોમાં પણ કસ્ટમ ક્લિયરન્સના એક દિવસની અંદર સોનાની ડિલિવરી પહોંચી જશે.
આઇઆઇબીએક્સના એમડી અને સીઈઓ અશોક ગૌતમે જણાવ્યું હતું કે, એક્સચેન્જના કારણે હવે રાજ્યમાં જ ત્રણ વોલ્ટ બનાવાયા છે. તેનાથી સોનાની ડિલિવરી લેવા માંગતા ક્વોલિફાઇ્ડ જ્વેલર્સને સાવ ઓછી સમયમર્યાદામાં ગોલ્ડ મળી જશે.
કસ્ટમ ક્લિયરન્સ થયાના ચાર કલાકમાં અમદાવાદમાં ગોલ્ડ ડિલિવરી મળી જશે તેવી વ્યવસ્થા છે. તે સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ એક દિવસની અંદર ડિલિવરી મળી જતા સમયની બચત થશે. વધારે પ્રીમિયમ માટે અગાઉ જે નાણા ચૂકવવાના થતા હતા તેમાં પણ જ્વેલર્સને રાહત મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઇઆઇબીએક્સ પર હાલ ભારતના 64 ક્વોલિફાઇ્ડ જ્વેલર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 14 ગુજરાતના છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે 25 કરોડનું ટર્નઓવર હોવું જરૂરી છે. આ એક્સચેન્જથી હવે ગુજરાતના જ્વેલર્સને તહેવારોની સિઝનમાં જ્યારે માંગ વધારે હોય ત્યારે તાત્કાલિક ડિલિવરીથી તેમને કમિશન અને એજીંગ કોસ્ટમાંથી છૂટકારો મળતા નાણા લાંબા સમય સુધી રોકાયેલા નહીં રહે. જ્વેલર પોતે પ્રાઇઝ રજૂ કરી શકશે.
ગિફ્ટ સિટીમાં એનએસસી-આઇએફએસસી-એસજીએસ કનેક્ટ શરૂ થયું છે. તેથી સિંગાપોરમાં જે નિફ્ટી ફ્યુચર કોન્ટ્રાક્ટ ટ્રેડ થતા હતા તે ગિફ્ટ સિટી ખાતે પણ કરી શકાશે. જેના કારણે રોકાણકારોને ગિફ્ટ સિટીમાં મળતા ટેક્સ રાહતના ફાયદા મળશે અને રિયલ ટાઇમ ટ્રેડિંગ થઇ શકશે તેમ પણ જણાવ્યું હતું. ગિફ્ટ સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વ કક્ષાનું હોવાથી તેમાં રોકાણકારોનું આગમન થતા અમદાવાદ મહત્વનું સેન્ટર બનશે.
જીએસટીની પાંચમી વર્ષગાંઠ 1લી જુલાઈ, 2022ના રોજ ઉજવવામાં આવી હતી અને હવે આજે આવેલ જુલાઈ માસના જીએસટી કલેક્શનના આંકડાએ પણ રેકોર્ડ કર્યો છે.
જુલાઈ માટે GST કલેક્શન સતત પાંચમા મહિને રૂ. 1.4 લાખ કરોડથી વધુ રહ્યું છે. જુલાઈ 2022ના મહિનામાં GSTની કુલ આવક રૂ. 1,48,995 કરોડ રહી હતી. આ આંકડો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદનું ઈતિહાસનું બીજા ક્રમનું સૌથી વધુ કલેક્શન છે. સરકાર દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા ડેટા મુજબ જુલાઈની આવકનો આંકડો ગયા વર્ષના સમાન મહિનાની રૂ. 1,16,393 કરોડની આવક કરતાં 28% વધુ છે.
જીએસટીના કુલ કલેક્શનમાં CGST રૂ. 25,751 કરોડ, SGST રૂ. 32,807 કરોડ, IGST રૂ. 79,518 કરોડ છે અને સેસ આયાત પર એકત્ર કરાયેલા રૂ. 995 કરોડ સહિત કુલ રૂ. 10,920 કરોડ છે.
આ મહિના દરમિયાન માલની આયાતમાંથી આવક 48% વધી હતી અને સર્વિસના ઈમ્પોર્ટની સાથે સ્થાનિક આવક ગયા વર્ષના સમાન મહિના કરતા 22% વધુ છે.
નાણા મંત્રાલયે જુલાઈ માસના આંકડા રજૂ કરતી વખતે આનંદ વ્યકત કરતા જણાવ્યું કે “સતત પાંચમા મહિને GST આવક રૂ. 1.4 લાખ કરોડ કરતાં વધુ રહી છે. ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 2022ના જુલાઈ મહિના સુધીની GST આવકમાં 35% વૃદ્ધિ નોંધાઈ છે.
આ સિવાય જુલાઈ મહિનામાં સરકારે IGSTમાંથી CGST પેટે રૂ. 32,365 કરોડ અને રૂ. 26,774 કરોડ SGSTને સેટલ કર્યા છે. નિયમિત સેટલમેન્ટ પછી જુલાઈ 2022માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ. 58,116 કરોડ અને SGST માટે રૂ. 59,581 કરોડ છે.
જૂન 2022ના મહિના દરમિયાન 7.45 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે મે 2022ના 7.36 કરોડ કરતાં સામાન્ય વધારે હતા. આ આંકડો દર્શાવે છે કે આગામી મહિને એટલેકે ઓગષ્ટ માટે સપ્ટેમ્બરમાં જાહેર થનાર જીએસટી કલેક્શનના આંકડા સંભવિત વધારે હશે
આ વર્ષે એપ્રિલમાં GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડના રેકોર્ડ હાઈ લેવલે હતું. આ ઈતિહાસમાં પ્રથમ વખત હતુ કે GST કલેક્શને રૂ. 1.50 લાખ કરોડના આંકને વટાવ્યું હોય.
ભારત સરકારે ટેલીકોમ ક્ષેત્રે સૌથી મોટા ક્રાંતિકારી પગલાં એવા 5G સ્પેક્ટ્રમ માટે વિવિધ ફ્રિકવન્સીમાં કુલ 72 ગીગાહર્ટ સ્પેક્ટ્રમ વેચવા કાઢી છે. આ સ્પેક્ટ્રમથકી સરકારને કુલ રૂ.4.30 લાખ કરોડની આવક થશે એવો અંદાજ હતો પણ તા.26 જુલાઈથી શરૂ થયેલા અને ચાર દિવસ, 23 રાઉન્ડ પછી કંપનીઓએ જે બોલી લગાવી છે એ જોતા અપેક્ષા કરતા ઘણી ઓછી રકમ સરકારના હાથમાં આવશે એવી શક્યતા છે.
5G સ્પેક્ટ્રમ માટે આટલી ઓછુ બિડિંગ થવાના બે કારણો છે. એક, આ ટેકનોલોજી માત્ર સ્પેક્ટ્રમ ખરીદી લેવાથી પૂર્ણ થતી નથી. ગ્રાહકને ઘરે-ઘરે, શેરી-ગલીમાં સેવા આપવા માટે નેટવર્કમાં જંગી રોકાણ કરવું પડે એવી શક્યતા છે. બીજું, મોટા ભાગની કંપનીઓ પાસે અત્યારે હાથ ઉપર સ્પેક્ટ્રમ ઉપલબ્ધ છે અને વર્તમાન 4G સેવામાં તેનો પૂરો ઉપયોગ થઇ રહ્યો નથી. ત્રીજું, એરટેલ અને વોડાફોન આઈડિયા ઉપર જંગી દેવું છે. વોડાફોન આઈડિયા તો છેલ્લા ત્રણ વર્ષથી ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટી ખોટ કરતી કંપની છે ત્યારે આટલી આક્રમકતાથી સ્પેક્ટ્રમ ખરીદે એવી શક્યતા નહિવત જોવા મળી રહી છે.
ચાર દિવસના અંતે કેન્દ્ર સરકારને જે કુલ રકમ મળે એવી શક્યતા છે તેની રકમ રૂ.1,49,823 કરોડ જ છે. કેન્દ્ર સરકારે સ્પેક્ટ્રમની ખરીદી ક્યાં સર્કલમાં કોણે કરી, કોની બોલી વિજેતા થઇ તેની જાહેરાત નિલામી પૂર્ણ થયા પછી જ જાહેર કરવાની હોવાથી કંપની આધારિત માહિતી ઉપલબ્ધ હવે પછી જ બનશે.
5G સ્પેક્ટ્રમ રાઉન્ડ અનુસાર કેટલી બોલી લાગી
દિવસ
એક દિવસમાં કેટલી બોલી રૂ. લાખ કરોડ
દિવસના અંતે અત્યારસુધીની બોલી રૂ. લાખ કરોડ
૨૬ જુલાઈ
૧.૪૫૦
૧.૪૫
૨૭ જુલાઈ
૦.૦૪૫
૧.૪૯
૨૮ જુલાઈ
૦.૦૧૭
૧.૫૦
૨૯ જુલાઈ
૦.૦૨૩
૧.૫૦
સ્પેક્ટ્રમની નિલામીના ચાર દિવસ અને ૨૩ રાઉન્ડની બોલી લાગ્યા પછી એટલું સ્પષ્ટ છે કે કંપનીઓ માત્ર જેટલી જરૂરીયાત છે એના માટે જ બિડિંગ કરી રહી છે. 5Gની નિલામીમાં અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જિયો માટે, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને ગૌતમ અદાણીની અદાણી ડેટા સર્વિસ લીમીટેડ એમ ચાર જ કંપની બિડિંગ કરી રહી છે. વળી, અદાણીએ ગ્રાહકો માટે નહિ પણ માત્ર પોતાના જૂથ માટે, પોતાના વ્યવહાર માટે અને તેના ટેકનોલોજી સાહસની જરૂરીયાત માટે જ લાયસન્સ ખરીદ્યું છે. આ ઉપરાંત, અદાણીએ માત્ર ગુજરાત સર્કલનું જ લાયસન્સ ખરીદ્યું હોવાથી અન્ય રાજ્યોમાં તે બિડિંગ કરી શકે નહી તે પણ જાણવું જરૂરી છે.
5G સેવાઓ માટે ગીગાહર્ટઝ જેમ ઓછા તેમ નાના સેલ સાઈટ કે નાના ટાવરથી આંતરિક વિસ્તારમાં સેવાઓ આપવી શક્ય બને છે. દૂરના વિસ્તારો માટે સૌથી ઉંચી ફ્રિકવન્સીનું સ્પેક્ટ્રમ જોઈએ છે. અત્યારે ચાલી રહેલી બિડિંગમાં સૌથી ઓછી અને સૌથી વધુ ફ્રિકવન્સીના બિડિંગમાં જ સ્પર્ધા જોવા મળી રહી છે.
જેમકે 26 હર્ટઝની ફ્રિકવન્સી માટે દરેક રાજ્યમાં દરેક સર્કલમાં ભારે બોલી જોવા મળી રહી છે. એવી જ રીતે 3300 હર્ટઝની ફ્રિકવન્સી માટે પણ દરેક સર્કલમાં બોલી લાગી છે. નીચી ફ્રિકવન્સી માટે 600 હર્ટઝમાં કોઈ બીડ નથી, 700 હર્ટઝમાં એક કે બે બીડ જોવા મળી રહી છે. તો ઉપરની ફ્રિકવન્સીમાં 2600 અને 21૦૦માં કોઈ ખરીદવાવાળું નથી. સામે 17૦૦ અને 18૦૦ હર્ટઝમાં જરૂર અનુસાર એટલે કે જ્યાં કંપનીઓને જરૂર છે એટલા સર્કલમાં જ માંગ જોવા મળી રહી છે.
રણબીર કપૂર અને સંજય દત્તની બહુ ગાજેલી ફિલ્મ શમશેરાને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ઠંડો પ્રતિસાદ મળ્યો છે.
મળતી વિગતો પ્રમાણે પહેલા દિવસે આ ફિલ્મે માત્ર 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સવારે ફિલ્મના શોમાં થોડી ઘણી ગીરદી જોવા મળી હતી પણ સાંજ પડતા સુધીમાં ફિલ્મની કમાણીમાં ઓટ આવી ગઈ હતી.
જાણકારોનુ માનવુ છે કે, શમશેરાએ નિરાશાજનક શરૂઆત કરી છે અને આ પ્રકારના ઓપનિંગ સાથે ફિલ્મની બમ્પર કમાણી મુશ્કેલ બનશે.
શમશેરા ફિલ્મ પર બોલીવૂડને ઘણી આશાઓ છે. કારણકે તેમાં રણબીર કપૂરની સાથે સંજય દત્ત પણ છે. કોરોના મહામારી બાદ બોક્સ ઓફિસ પર રિલિઝ થયેલી આ બીજી મોટી ફિલ્મ છે. આ ફિલ્મ ભારતમાં 4000 કરતા વધારે સ્ક્રીન પર રિલિઝ કરાઈ છે. તેના પહેલા કેજીએફ પાર્ટ ટુને જ વધારે સ્ક્રીન મળ્યા હતા.
મુંબઈ સરકીટમાં શમશેરાએ ખાસ બિઝનેસ કર્યો નથી. હવે શનિવાર અને રવિવારના વીકએન્ડમાં થનારી કમાણી ફિલ્મનુ ભવિષ્ય નક્કી કરશે.
ભારતીય શેરબજારોમાં ભારે ઊથલપાથલ અટકી છે ઈન્ડેક્સ સ્ટેબલ થયા છે પરંતુ ડેટ માર્કેટની મંદી અને ક્રૂડની ભારે અફરાતફરી રૂપિયા પર દબાણ સર્જી રહી છે. ભારતીય રૂપિયો મંગળવાર Dated 19/7/22ના સત્રમાં ઇતિહાસમાં પ્રથમ વખત 80ને પાર નીકળ્યો છે.
ભારતીય ચલણ સોમવારના બંધ ભાવ 79. 97ની સામે આજે Dated 19/7/22 Rs.79.98 પર ખુલ્યો હતો અને શરૂઆતી મિનિટોમાં જ રૂપિયો 80ને પાર નીકળ્યો છે.
ક્રૂડમાં ગઈકાલે જોવા મળેલ ધમાલને કારણે આજે Date 19/7/22 રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે.
સામે પક્ષે ભારતના મોંઘવારી, રાજકોષીય અને વેપાર ખાધના આંકડા સહિતના તમામ આર્થિક આંકડા નકારાત્મક આવતા અને આગામી સમયના નેગેટિવ આઉટલુક ને કારણે રૂપિયાની મંદીની ચાલ અવિરત વધતી જઈ રહી છે અને આજે સર્વકાલીન ન્યૂનતમ સ્તર 80.02 પ્રતિ યુએસ ડોલર પર પહોંચ્યો છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે એક્ઝમ્પ્ટે ગુડ્સની યાદીમાંથી કેટલીક આઈટમ્સ બહાર કાઢી નાખવાનો નિર્ણય ક્રયો તે પછી કેન્દ્રના નાણાં ખાતાએ બહાર પાડેલા નોટિફિકેશન નંબર ૬માં ખાંડ, ગોળ, દહીં, લસ્સી, છાશના અગાઉથી પેકિંગ કરી રાખીને વેચવા મૂકેલા -પ્રીપેક્ડ પેકેટ્સ પર ૫ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે. સોમવારથી દહીં અને છાસમાં એક લિટરના પાઉચમાં રૂા. ૧૫થી ૩નો વધારો આવી જશે. તેમ જ કુદરતી મધ, પૌઆ, પફ્ડ રાઈસ પર પાંચ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
જવ, બાજરીત મકાઈ, રાઈ, ઓટ, મકાઈ, ઘઉં, મેંદો, રવો, ઉપરાંત નમકીન, ભુજિયા, સહિતના રેડી ટુ ઇટ નમકીન પર પાંચ ટકાના દરે જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રાન્ડેડ હોય કે અનબ્રાન્ડેડ હોય પ્રીપૅક કરેલી ચીજવસ્તુઓ પર જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે દરેક ઘરમાં જતાં દૂધ પર પાંચ ટકા જીએસટી લાગુ ન કરવાનો નિર્ણય કર્યો છે.
દૂધ દોહવા માટેના મશીન પર તથા ડેરીમાં ઉપયોગમાં લેવાતી જુદી જુદી મશીનરી પર ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલના દહીં, છાશ અને લસ્સી પર પાંચ ટકાના દરે જીએસટી લાગુ પડશે. પાંચ ટકામાંથી ૨.૫ ટકા જીએસટી અને ૨.૫ ટકા સીજીએસટીનો હિસ્સો રહેશે. આમ જીએસટીના દરેક રેટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો અડધો અડધો હિસ્સો રહેશે.
પ્રિન્ટિંગ, રાઈટિંગ અને ડ્રોઈંગની ઇન્ક પર ૧૮ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. ડ્રોઇંગ અને માર્કિંગ કરવા માટેના ઉપકરણો પરના જીએસટી ૧૮ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ ચક્કુ, કાગળની કાપવાની છરી, પેન્સિલ છોલવાનો સંચો, બ્લેડ, ચમચી-કાંટો, કેક સર્વર પર ૧૮ ટકાના દરે જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પાતાળ કૂવા કે બોરમાંથી પાણી ખેંચતા ટયૂબવેલ કે ટર્બાઈન પમ્પ, સબમર્સિબલ પમ્પ, બાઇસિકલ પમ્પ પર ૧૮ટકાના દરે જીએસટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ રીતે કટ કરેલા ડાયમંડ પર જે પા ટકા જીએસટી લેવાતો હતો તેને સ્થાને ૧.૫ ટકા જીએસટી લેવાનો નિર્ણય લેવાયો છે. તેને કારણે ડાયમંડના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સલવાઈ રહેતી અબજો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટની સમસ્યા ઉકલી જશે, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડનું કહેવું છે.
હોટલેના હાયર કેટેગરીના રૂમ પર ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. રૂા.૧૦૦૦સુધીના દૈનિક ભાડાં લેતી હોટેલના ભાડા પર પણ ૧૨ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે.પરિણામે પર્યટકોના ખર્ચમાં વધારો થશે. એલઈડી લેમ્પ, લાઈટ અને ઇલેક્ટ્રિક ફિક્સચર્સ અને તેમની મેટલ પ્રીન્ટેડ સર્કિટ બોર્ડ પર પણ ૧૨ ટકા જીએસટી હતો તે વધારીને ૧૮ ટકાનો કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પગરખાં અને લેધરગુડ્સના મેન્યુફેક્ચરિંગ પર લેવાતો જીએસટી ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે. જોબવર્કના સંદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શાકભાજી, ફળ, કઠોળ, અનાજના શોર્ટિંગ અને સફાઈ માટે ઉપયોગમાં લેવાતા મશીનો, પવન ચક્કી, લોટ દળવાની ઘંટી, ગ્રાઈન્ડર પર 18 ટકાના દરે જીએસટી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જીએસટીની આવકમાં ત્રણ લાખ કરોડનો વધારો થઈ શકે
કેન્દ્ર સરકારે અનિવાર્ય પણે દરેક ઘરઘરમાં વપરાતી મોટાભાગની વસ્તુઓને જીએસટીના દાયરામાં સામેલ કરી દીધી હોવાથી ૨૦૨૨-૨૩ વર્ષ દરમિયાન જીએસટીની આવકમાં અદાજે ૨.૫ લાખથી ૩ લાખ કરોડનો વધારો આવી જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. માત્ર દૂધને જો જીએસટીના દાયરામાં સમાવી લેવામાં આવે તો એકલા ગુજરાતમાંથી ૧૨૦૦ કરોડની આસપાસનો જીએસટીનો બોજ આવતો હતો. આ દ્રષ્ટિએ દરેક રાજ્યના ઘર ઘરના રસોડામાં વપરાતા ઘઉં, મકાઇ, જવ, મેંદો, રવો, મધ સહિતની વસ્તુઓ પર ૫ ટકાના દરે જીએસટી લગાવ્યો હોવાથી કેન્દ્ર સરકારની જીેસટીની વાર્ષિક આવક રૂા. ૨૧ લાખ કરોડને આંબી જાય તેવી સંભાવના છે.
બેન્કની ચૅકબુકના ચાર્જ ઉપરાંત 18 ટકા જીએસટી
બૅન્કમાંથી મળતા ફ્રી ચેક ઉપરાંતના લૂઝ કે પછી બુકના સ્વરૂપમાં લેવામાં આવનારા ચેક માટે લેવાનારા ચાર્જ પર ૧૮ ટકા જીએસટી લાગુ પડશે. તેની સૌથી મોટી અસર કરન્ટ એકાઉન્ટ ધારકો પર પડશે. આ જ રીતે રસ્તા, બ્રિજ, રેલવે ટ્રેક, મેટ્રો રેલ, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્મશાનગૃહ બાંધવા માટેના વર્ક્સ કોન્ટ્રાન્કટ પર ૧૨ ટકા જીએસટી લેવાતો હતો તે વધારીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે. ઐતિહાસિક સ્મારકો, નહેરો, બંધ, પાઈપલાઈન, વૉટર સપ્લાય પ્લાન્ટ્સ નાખવાના કોન્ટ્રાક્ટ લેનારાઓ પાસેથી ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ બાંધનારાઓ પાસેથી પણ ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે.
– નાણાંકીય વર્ષ2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળા-Q1 FY23માં એપીસેઝએ માત્ર 99 દિવસમાં 100 મિલીયન મેટ્રીક ટન (MMT) કાર્ગો હેન્ડલ કર્યો
– રેકોર્ડ કોર્ગો હેન્ડલ કરવા માં મુંદ્રા મોખરે, તેના પછીના સ્થાને હજીરા, કટુપલ્લી , એન્નોર અને દહેજ
અદાણી સમૂહની ભારતની ટોચની પોર્ટ સેવા પુરી પાડતી અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડે ચાલુ ૨૦૨૨-૨૩ના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના ફકત ૯૯ દિવસમાં ૧૦૦ મિલીઅન મેટ્રીક ટન કાર્ગોનું વિક્રમી પરિવહન કરીને બંદરીય કારોબારમાં નવો કીર્તિમાન હાંસલ કર્યો છે.
ગત વર્ષે ૧૦૯ દિવસમાં અદાણી પોર્ટસ એન્ડ સેઝે પરિવહન કરેલ ૧૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગોના સમયગાળામાં ૧૦ દિવસના ઘટાડા સાથે આ નવો રેકોર્ડ સ્થાપ્યો છે. અદાણી પોર્ટે ૨૦૨૫ સુધીમાં ૫૦૦ મિલીઅન મેટ્રીક ટન કાર્ગો થ્રુપુટ હાંસલ કરવા માટેનું લક્ષ્ય નક્કી કર્યું છે.
કંપનીના કાર્ગો હાઈપોઈન્ટને ઉત્તેજન આપનારા મુખ્ય કેટલાક પરિબળોમાં ફ્લીટ અને ફ્યુઅલ મેનેજમેન્ટ,એસેટ મોનિટરિંગ, કામગીરીઓનું ડિજિટલાઈઝેશન, મોબીલિટી, ઓપરેશનલ ઈન્ટેલિજન્સ અને એપ્લિકેશન્સ તથા કામગીરીના મોનિટરિંગના કારણે કાર્યક્ષમતામાં આવેલ નોંધપાત્ર સુધારાનો સમાવેશ થાય છે.
કોલસા કી પોઈન્ટ :
જૂન-૨૦૨૨માં અદાણી પોર્ટ એન્ડ સેઝે માસિક સૌથી વધુ ૩૧.૮૮ મિલીઅન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો હતો. જે ૧૨ ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવી છે. ગત વર્ષથી કોલસાના વોલ્યુમમાં મજબૂત રીકવરી દર્શાવી છે. કોલસાના વોલ્યુમમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૫%ની મજબૂત રિકવરી ચાલુ રહી છે. ગત વર્ષની સરખામણીમાં અન્ય મુખ્ય ક્ષેત્રોનો આ માસિક ઉછાળામાં યોગદાન રહ્યું છે તેમાં ક્રૂડ ૧૭% અને કન્ટેનર ૬% છે. મુંદ્રા પોર્ટે માસિક ૨૧%ના વોલ્યુમની વૃદ્ધિ સાથે આ વિક્રમરુપ સિધ્ધિમાં શિરમોર યોગદાન આપ્યું છે. એ પછીના ક્રમે હજીરા, કટ્ટુપલ્લી અને એન્નોર સંયુક્ત રીતે અને દહેજ રહ્યા છે.
દુનિયાના સૌથી મોટા પોર્ટ ઓપરેટર બનવાનો લક્ષ્યાંક : કરણ અદાણી
કરણ અદાણીએ જણાવ્યું હતું કે દુનિયાની દિગ્ગજ પોર્ટ કંપની અને ૨૦૩૦ સુધીમાં ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન સેવા પૂરી પાડનાર કંપની તરીકે ઉભરી આવવાની મહાત્વાકાંક્ષા ૨૦૨૧માં વ્યક્ત કરી હતી. વાર્ષિક ૧૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગો થ્રુપુટનું લક્ષ્ય હાંસલ કરતા ૧૪ વર્ષ લાગ્યા હતા. એ પછીના પાંચ વર્ષમાં સમગ્ર નવ બંદરોના સંચાલન સાથે અદાણી પોર્ટે ૨૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું થ્રુપુટ હાંસલ કર્યું હતું. ત્યારે અમે ફક્ત ૩ વર્ષમાં ૩૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું સિમાચિહ્ન હાંસલ કર્યું હતું. હવે અમે ૨૦૨૫માં અમારા કાર્ગો વોલ્યુમમાં ૬૦ ટકાની વૃધ્ધિ કરવા અને ૨૦૩૦ સુધીમાં દુનિયાના સૌથી મોટા પોર્ટ ઓપરેટર તરીકે ઉભરી આવવા સજ્જ છીએ.
ભારતીય શેરમાર્કેટના ઘટાડાની સીધી અસર દેશની કરન્સી પર જોવા મળી રહી છે. ભારતીય રૂપિયો ડોલરની સામે 11 જુલાઈના સત્રમાં નવા ઐતિહાસિક તળિયે 79.43 પર પહોંચ્યો છે.
ડોલરની મજબૂતી અને ઘરેલું શેરબજારમાં આજે મંદીના કારણે ભારતીય રૂપિયો યુએસ ડોલરની સામે સોમવારના સત્રમાં 1 વાગ્યે શુક્રવારના બંધ ભાવ 79.25ની સરખામણીએ 79.43 પર ટ્રેડ થઈ રહ્યો છે. ગત સપ્તાહે રૂપિયો ડોલરની સામે 79.3750ના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો અને આજે આ રૂપિયાએ નવું તળિયું બનાવ્યું છે.
વિશ્વની છ દિગ્ગજ કરન્સીની સામે યુએસ ડોલરનું મૂલ્ય દર્શાવતું ડોલર ઈન્ડેકસ 0.31 ટકા વધીને 107.34 પર કામકાજ કરી રહ્યો છે.
ગત સપ્તાહે 100 ડોલરની નીચે સર્કયા બાદ આજે ફરી બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.63 ટકા ઘટીને 106.35 ડોલર પ્રતિ બેરલ થયું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.