
ઑસ્કર અવોર્ડ માટે ભારત તરફથી મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટૂ’ને નોમિનેટ કરવામાં આવી છે. ૯૩મા ઑસ્કર અવૉર્ડ માટે ભારતની અન્ય ફિલ્મો પણ રેસમાં હતી, જેમાં હિન્દી ફિલ્મ શકુંતલાદેવી, શિકારા, ગુંજન સકસેના, ભોંસલે, ગુલાબો સિતાબો, સીરિયસ મેન, બુલબુલ, કામયાબ, ધ પિંક સ્કાય પણ સામેલ હતી. આ સિવાય મરાઠી ફિલ્મ બિટરસ્વીટ અને ડિસાઇપલ પણ રેસમાં હતી.
આ અગાઉ મધર ઈન્ડિયા, સલામ બોમ્બે અને લગાન ફિલ્મ પણ વિદેશી ભાષા ફિલ્મ કેટગરીમાં નોમિનેટ થઇ હતી. આ દરેક ફિલ્મ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી.
‘જલ્લીકટ્ટૂ’ એક ડ્રામા થ્રિલર ફિલ્મ છે તથા દેશ-વિદેશમાં આ ફિલ્મની ઘણી પ્રશંસા થઇ હતી. ૬૩મા બીએફઆઇ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં ૭૮ દેશની ૨૨૯ ફિલ્મને સામેલ કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલમાં ‘જલ્લીકટ્ટૂ’ પણ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી હતી.
‘જલ્લીકટ્ટૂ’ એસ. હરીશ અને આર. જયકુમારના પુસ્તક માઓઇસ્ટ પર આધારિત છે. માનવ અને જાનવરો વચ્ચેની લાગણીને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. લિજો જોસ પેલ્લીસેરીએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને પ્રોડ્યુસ થોમસ પેનિકરે કર્યું હતું.












