‘બાગી ટુ’ ફિલ્મની સફળતા પછી ટાઇગર શ્રોફ બહુ ફોર્મમાં આવી ગયો છે. તેની સરખામણી રિતિક રોશન અને સલમાન ખાન સાથે થવા લાગી છે. તેને નવી નવી ફિલ્મો પણ મળવા લાગી છે. તેના પિતા જેકી શ્રોફ અને માતા આયેશા પણ તેની સફળતાથી ખુશ છે. ટાઇગર તેની સખત મહેનતથી આગળ આવી રહ્યો છે અને હજુ પોતાને નવોદિત જ માને છે. ટાઇગર તેની નવી ફિલ્મો અને કારકિર્દી વિશે રસપ્રદ વાતો કરે છે.

બાગી ટુ’ની સફળતા. કપરો સમય પણ આવ્યો હતો.
કોઇને અપેક્ષા ન હતી કે ‘બાગી ટુ’ ફિલ્મને આટલી બધી સફળતા મળશે. મારો કહેવાનો અર્થ કે તેમાં સલમાન જેવો કોઇ સ્ટાર ન હતો. મારા નિર્માતા સાજિદ નડિયાદવાલા પણ આશ્ર્ચર્યમાં પડી ગયા હતા. તેમણે મને કહ્યું કે તેમણે નિર્માતા તરીકે તેમની કોઇ ફિલ્મને આટલી સફળતા મેળવતા જોઇ નથી. હું તો ખુશ થઇ ગયો કે મારું ટેન્શન ઉતરી ગયું. ‘હીરોપંતી’થી ડેબ્યુ કર્યા પછી મારે નિષ્ફળતાનો દોર પણ જોવો પડ્યો હતો. ફિલ્મો નહોતી મળતી. તેની અસર મારા માતા-પિતા પર પણ પડી હતી, પણ ‘બાગી ટુ’ની સફળતા પછી તેમના ચહેરા પર પણ ખુશી આવી ગઇ છે. મારા પિતાએ તો મારી માતાને ભેટીને કહ્યું કે હું મારા પુત્ર માટે ગર્વ અનુભવું છું.

રૂ. ૧૦૦ કરોડની ફિલ્મનો હીરો બની ગયો.
અંગત રીતે મારા પર એની કોઇ અસર નથી થઇ. મારી ફિલ્મને સફળતા મળી તેનાથી જ હું ખુશ છું. મને ફિલ્મ રૂ. ૧૦૦ કરોડની ક્લબમાં આવે તેવી કોઇ ખેવના નથી. તેના પછી મને બીજી ફિલ્મ મળી તેની મને ચોક્કસ ખુશી છે. હવે હું ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ’નું શૂટિંગ કરી રહ્યો છું. ઉપરાંત યશરાજની રિતિક રોશન સાથેની ફિલ્મ પણ અત્યારે ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે. આથી મને ‘બાગી ટુ’ની સફળતાની અસર દેખાય છે.
રિતિક રોશન સાથે કામ કરવા માટેનો રોમાંચ.
રિતિક રોશન તો મારા બાળપણના આઇડલ અને પ્રેરણા છે. મારી કારકિર્દીમાં આટલી જલદી તેમની સાથે કામ કરવાનું મળતા મારું સપનું સાકાર થયેલું લાગે છે. ફિલ્મમાં અમારા બંનેના સાથે ઘણાબધા એકશન સીન્સ છે. રિતિક સર હંમેશાંથી ગ્રેટેસ્ટ સુપરહીરો છે. હું તેમનો ચાહક છું. તેમની ‘ક્રિષ’ ફિલ્મ જોઇને મને ઇર્ષ્યા પણ થાય છે કે આવી ફિલ્મ મને કરવા મળે તો! મેં તેમની આ ફિલ્મ અગણિત વખત જોઇ છે અને તેમની બૉડી લૅંગ્વેજ અને કશ્ચ્યુમ્સ પર બહુ ધ્યાન આપતો હોઉં છું.
‘ફ્લાઇંગ જાટ’ પછી તારી સરખામણી પણ રિતિક સાથે થાય છે.
મારી સરખામણી રિતિક સર સાથે થઇ શકે નહીં. તે બહુ શ્રેષ્ઠ કલાકાર છે. મારી ફિલ્મ ‘ફ્લાઇંગ જાટ’ તો રેમો ડિસૌઝા સરનો પ્રયાસ હતો, જેમાં મને સુપર હીરો બનાવવામાં આવ્યો હતો.
પિતા જેકી શ્રોફે પણ ૩૦ વર્ષ પહેલા સુપરહીરો ફિલ્મ ‘શિવા કા ઇન્સાફ’ કરી હતી.
મારા પિતાની તે ફિલ્મ મારી હંમેશની મનપસંદ ફિલ્મ છે. બાળક તરીકે હું તે ફિલ્મ બહુ જોતો. દરેક બાળકનો પહેલો હીરો તેના પિતા હોય છે. મારા પિતા મારા પ્રથમ સુપરહીરો હતા. મારા માટે તે સુપરમેન અને બેટમેન બંને છે. મને મારા પિતાને દેસી સુપરહીરો બનતા જોવાની બહુ મઝા આવે છે. મારા પિતાએ ક્યારેય જોકે, સુપરહીરો બનવાના પ્રયત્ન નથી કર્યા. તે તેમનામાં કુદરતી શક્તિ છે. તેમની ઊંચાઇ બહુ છે, તેમનો શારીરિક બાંધો સુસજ્જ છે અને તેમની બોડી લૅંગ્વેજ બહુ સારી છે. આથી તે સુપરહીરો જેવા જ લાગે છે. મારે તેમના સુધી પહોંચવા માટે બહુ મહેનત કરવાની જરૂર છે.
તને નવી પેઢીને સલમાન ખાન કહેવામાં આવે છે.
મારા માટે તે બહુ વધારે પડતું છે. તે બહુ સીનિયર કલાકાર છે અને બહુ ઉમદા સ્ટાર પણ. મારી તો હજુ પાંચ જ ફિલ્મો આવી છે. આથી તેમની સાથે સરખામણી કરવી યોગ્ય ન કહેવાય. મારા પિતા સાથે મારી સરખામણી કરવા જેવું તે છે.
દિશા સાથેના તારા સંબંધો.
અમે અંગત રીતે એકબીજા સાથે જે સંબંધો ધરાવીએ તે મારે જાહેરમાં શું કામ કહેવા જોઇએ? અમારી વચ્ચે જે છે તે છે.