લેબેનીઝ સિરિયન મૂળના જ્યુઈશ પરિવારના જોસેફ સાફરાએ માતા-પિતા બ્રાઝિલ શિફટ થતાં ૧૪ વર્ષની ઉંમરે ભણતર છોડીને આવવું પડ્યું, જોકે અહીં તેમણે બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી.
પરિવારની સુરક્ષા અને સંતોનોના સારા ભાવિ માટે તંગદિલીગ્રસ્ત પ્રદેશમાંથી બીજા દેશમાં સ્થાયી થવું પડ્યું હતું.
સાફરા પરિવાર મૂળ વતનમાં બૅંકિંગ ક્ષેત્રમાં પ્રવૃત્ત હતો તે જ અનુભવ કામે લગાડીને બ્રાઝિલમાં બૅંકિંગ કામકાજ શરૂ કર્યું.

જોસેફે બાપ કરતાં સવાયા થઈને નોંધપાત્ર પ્રગતિ કરી. સાફરા બૅંકિંગ, ઈન્ટરનેશનલ ઈઝરાયલ બૅંકિંગ, નેશનલ બૅંકિંગ ઑફ ન્યૂ યોર્ક સહિત બૅંકિંગ – ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે મોટું નામ કાઢ્યું.
રિયલ એસ્ટેટ, કૃષિ ક્ષેત્રે ઝંપલાવ્યું અને અહીં પણ સફળતા મેળવી બ્રાઝિલની ટોચની શ્રીમંત વ્યક્તિ પૈકી એકમાં સ્થાન મેળવ્યું. સાફરા ગ્રુપ બ્રાઝિલ ઉપરાંત અમેરિકા, એશિયા અને યુરોપમાં કાર્યરત છે.
બધો કારભાર સંતાનોને સોંપીને જોસેફ પરોપકારી પ્રવૃત્તિમાં સક્રિય થયા હતા. તેમનું ફાઉન્ડેશન જ્થૂઈશ સમાજને સૌથી વધારે મદદ કરે છે, જોકે હિંદુઓનાં મંદિરો માટે પણ સહાય કરે છે. ભાઈના પરિવારે મોટા ભાગની સંપત્તિ ફાઉન્ડેશનને આપી દીધી છે. બૅંકિંગ વિશ્ર્વના ભીષ્મપિતામહ જોસેફ સાફરાની સફર વિગતે જાણીએ.
લેબેનોન-સિરિયાના જ્યૂઈસ પરિવારમાં ૧૯૨૮ના જન્મેલા જોસેફ સાફરાએ નાનપણમાં જ અનેક દેશમાં શિફટ થવું પડ્યું. પ્રારંભના ૧૩,૧૪ વર્ષ લેબેનોન – બૈરુત અને સિરિયામાં રહ્યા બાદ માતા-પિતા ઈટાલી શિફટ થયાં હતાં. અહીં થોડો સમય રહ્યા બાદ બ્રાઝિલમાં સ્થાયી થયા હતા.
લેબેનોન-સિરિયા યુદ્ધગ્રસ્ત અને અશાંત પ્રદેશ રહ્યો છે. રાજકીય મોરચે અસ્થિરતા રહી છે. આ પ્રદેશના અનેક લોકો નોકરી-બિઝનેશની તક માટે અન્ય દેશોમાં શિફટ થતા રહ્યા છે. જોસેફ ૧૪ વર્ષના હતા ત્યારે માતા-પિતાએ બૈરુત છોડ્યું હતું.
પિતા બૅંકિંગ ક્ષેત્રે કાર્યરત હતા. આ જ કામ બ્રાઝિલમાં આવીને ચાલુ કર્યું. પ્રારંભમાં સાઉપાઉલોમાં ફાઈનાન્શિંગનો બિઝનેસ ચાલુ કર્યો.
જોસેફે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી બાદમાં તેમણે પણ બૅંકિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું. આરબ દેશોમાં ઘણી મુશ્કેલી હતી. સિરિયા-લેબેનોન જેવા દેશ હંમેશાં તંગદિલીગ્રસ્ત રહે છે તેથી સુરક્ષા અને સંતાનોના ભણતર અને કારકિર્દી ધ્યાનમાં લઈને સાફરા પરિવારે દીર્ઘદૃષ્ટિ વાપરીને બ્રાઝિલને પસંદ કર્યું.
બૅંકિંગનો અનુભવ લીધા બાદ જોસેફે ૨૭મા વર્ષે બૅંકે સાફરાની સ્થાપના કરી. આ બૅંકે કૂદકે અને ભૂસકે પ્રગતિ કરી. હાલ આ બૅંક બ્રાઝિલની છઠ્ઠી મોટી બૅંક છે. બૅંકે સાફરા ગ્રુપ બ્રાઝિલ જ નહીં, યુરોપના અન્ય દેશો, અમેરિકા, એશિયા, મધ્ય પૂર્વના દેશમાં બૅંકિંગ સર્વિસ પૂરી પાડે છે. પિતા જેકોબ બૅંકર ઉપરાંત ગોલ્ડ ટ્રેડિંગનો વેપાર પણ કરતા હતા, ત્યાં ઓટોમેન સામ્રાજ્ય પડી ભાંગતા જેકોબને લેબેનોનમાં રસ રહ્યો નહોતો.
જોસેફનો ભાઈ એડમન્ડ પરિવારના બિઝનેશમાં ૧૬મા વર્ષે જ જોડાયો હતો. બંને ભાઈએ ૮-૯ વર્ષ સાથે કામ કર્યું હતું. બાદ એડમન્ડ સાફરા જોસેફથી અલગ થઈને અમેરિકા શિફટ થયો હતો. જીનિવામાં રિપબ્લિક નેશનલ બૅંક ઑફ ન્યૂયોર્ક શરૂ કરી હતી જેની બાદમાં ૮૦ શાખા થઈ હતી. રશિયા-પિટરબર્ગમાં નાણાં સંસ્થા ખોલી હતી. સાફરાનો અર્થ અરેબિકમાં સોનું થાય છે. નામ પ્રમાણે જ જોસેફ સાફરાએ જે બિઝનેસમાં હાથ નાખ્યો ત્યાં સોનું થઈ ગયું.
એક દેશમાં ઉછેર બાદ બીજા દેશમાં શિફટ થઈને બૅંકિંગ સહિત અનેક બિઝનેસમાં ઝંંપલાવીને મોટું સામ્રાજ્ય ઊભું કર્યું. જોસેફના ભાઈએ ન્યૂયોર્કમાં જે બૅંક સ્થાપી હતી તે બાદમાં એચએસબીસીને વેચી નાખીને મોટી રકમ મેળવી. સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો પરોપકારી પ્રવૃત્તિમાં ફાળવી દીધો.
જોસેફ સાફરાએ સાફરા નેશનલ બૅંક, બૅંકો સાફરા, ફાઈબ્રિયા સેલેલોસ, ચીકવીટા, સાફરા સારાસીનમાં ઉચ્ચ હોદ્દો સંભાળ્યો. એગ્રી બિઝનેશમાં સાહસ કર્યું અને તેમાં પણ સફળ થયા. કેળાંના પ્રખ્યાત ઉત્પાદક ચીકવીસ બ્રાન્ડ ઈન્ટરનેશનલ જોસેફ ૫૦ ટકા માલિકી ધરાવે છે. બાકીની ૫૦ ટકા માલિકી બ્રાઝિલના અગ્રણી જ્યુશ ઉત્પાદક ધરાવે છે.
જોસેફ સાફરા બ્રાઝિલના અમીર વ્યક્તિઓની યાદીમાં બીજુ સ્થાન ધરાવે છે. વિશ્ર્વમાં ટોપ ૫૦માં તેમનું સ્થાન છે. જોસેફ બિઝનેશમાં એટલા ગળાડૂબ હતા કે લગ્ન પણ મોડા ૩૯મા વર્ષે કર્યાં હતાં. પત્નીનો સાથ-સહકાર સારો મળ્યો હતો. સાફરા ગ્રુપમાં ૩૦,૦૦૦થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. અમેરિકા, યુરોપ, એશિયામાં આ ગ્રુપ સક્રિય છે. આ ગ્રુપની સંપત્તિ ૨૫ અબજ ડૉલર આસપાસ રહી છે. રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ ધરાવે છે. ન્યૂયોર્ક, લંડન, મેનહટ્ટનમાં સારું રોકાણ છે. લંડનની આઈક્રોનિક બિલ્ડિંગ ‘ધરેકીન’ ૭૦ કરોડ ડૉલરમાં ખરીદી હતી. જનરલ મોટર્સનું બિલ્ડિંગ – મેનહટ્ટનમાં છે. તેની માલિકી પણ તેમણે મેળવી હતી. સ્વીત્ઝરલેન્ડના બેઝલમાં બૅંક સારાસીન ૨.૧ અબજ ડૉલરમાં ખરીદી હતી. બૅંકો સાફરાની એસેટ ૪૭.૨ અબજ ડૉલરની છે. જોસેફના ક્વોટ જાણવા જેવા છે. બીજા કરતા આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા હોવી જોઈએ. તમારી સાથેની વ્યક્તિને પ્રોત્સાહન આપો તો તેના તરફથી યોગદાન ચોક્કસ વધશે. ગોસીપ કોઈને ગમતું નથી, તે પણ તેનો આનંદ બધા લે છે. રોજ ઑફિસેથી ઘરે જવું એટલે દૈનિક હિસાબ આપવા જવું એવું હોવું જોઈએ એમ તેઓ માને છે. માનવીનો જજ તેના વિરોધી-દુશ્મનોના આધારે કરવો જોઈએ. જોસેફ પોતે માને છે કે તમારો ટીકાકાર હોવો જોઈએ તો જ ભૂલ કે ખામી સુધારવાની ખબર પડે.
ઈઝરાયલના કમાન્ડો, સુરક્ષા દળ વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. બ્રાઝિલના ગાર્ડને ટ્રેઈન કરવા જોસેફ ઈઝરાયલના સિક્યુરિટી એજન્ટને બોલાવે છે. જોસેફના ભત્રીજાનું એક વાર અપહરણ થયું હતું, ત્યાર બાદ સુરક્ષા વધારીને મજબૂત કરવા સાવચેતીરૂપે ઈઝરાયલના સુરક્ષાકર્મીઓની મદદ લીધી હતી.
પિતા-પુત્ર મળીને સર્વપ્રથમ ઈન્ટરનેશનલ બૅંક ઑફ ઈઝરાયલ શરૂ કરી હતી. જોસેફ અને તેમના ભાઈની પરોપકારી પ્રવૃત્તિ મોટી છે. પત્ની સાથે મળીને તેમણે જોસેફ સાફરા ફાઉન્ડેશન ઊભું કર્યું હતું, જે આરોગ્ય સેવામાં મદદ કરે છે. સ્કૂલ-હૉસ્પિટલને ચેરિટી કરે છે. ફાઉન્ડેશન જ્યૂઈસ સમાજના લોકોને વધારે મદદ કરે છે. ઈઝરાયલ બાદ જ્યૂઈશ લોકો અમેરિકામાં સૌથી વધુ છે. પરોપકારી કામ કરતી સંસ્થાને ફાઉન્ડેશન મદદ કરે છે.
બ્રાઝિલમાં વિશાળ સાંસ્કૃતિક-શિક્ષણ સહાયની યોજના છે, જેમાં વિદ્યાર્થીઓને મફત પ્રવેશ અપાશે. ભાઈ એડમન્ડનું મરણ ૧૯૯૯માં થયું હતું. તેમની મોટા ભાગની સંપત્તિ એડમન્ડ સાફરા ફાઉન્ડેશનને આપી દીધી હતી.
જોસેફ જ્યૂઈસ ધર્મના છે. ઘણા અન્ય ધર્મના કામ માટે પણ મદદ કરે છે. બ્રાઝિલમાં હિન્દુઓની વસ્તી છુટ્ટીછવાઈ છે, ત્યાં મંદિર બાંધવા માટે તેમણે મદદ કરી છે.
જોસેફે અમેરિકામાં ડઝનથી વધુ પ્રોપર્ટી ખરીદી છે. જોસેફનાં સંતાનો નેશનલ બૅંક ઑફ ન્યૂયોર્ક, બૅંકો સાફરા, સાફરા સારાસીન બૅંક સંભાળે છે. બૅંકો સાફરા ખાનગી ક્ષેત્રની ઘણી મોટી બૅંક છે.