વર્ષ ૨૦૦૮ની સબપ્રાઇમ કટોકટીની સર્કિટ બાદ બાર વર્ષે પાછલા શુક્રવારે સર્કિટ લાગી હતી. સેન્સેક્સના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ચાર વખત નીચલી સર્કિટ લાગી છે.

શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે પણ ધારણાં મુજબ જ કડાકો નોંધાયો છે. જોકે, આ વખતે કડાકો દસ ટકા જેવો ન થયો હોવાથી સર્કિટ લાગુ પડી નહોતી. પાછલા સપ્તાહે શેરબજારમાં બાર વર્ષના વહાણા બાદ સર્કિટ લાગુ થઇ હતી, આ અગાઉ વર્ષ ૨૦૦૮ની સબપ્રાઈમ કટોકટીના સમયે એટલે કે આશરે ૧૨ વર્ષ અગાઉ ભારતીય શેરબજારમાં મંદીની સર્કિટ લાગી હતી. વૈશ્ર્વિક બજારોની જે દશા છે તે જોતાં આગાળના દિવસોમાં ફરી સર્કિટ જોવા મળે તો નવાઇ નહીં.
પાછલા સપ્તાહના અંતિમ સત્રમાં બેન્ચમાર્ક નીચલી સર્કિટને અથડાયા બાદ ઐતિહાસિક રિકવરી જોવા મળી હતી. ભયંકર અફડાતફડીમાંથી પસાર થયા બાદ સેન્સેક્સ આ દિવસે ૧૩૨૫ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો.
ભારતીય શેરબજારમાં સવારે જ ૩૦૦૦ પોઇન્ટથી મોટા કડાકા સાથે નીચલી સર્કિટ લાગ્યા બાદ ૪૫ મિનિટ પછી ટ્રેડિંગ ફરી શરૂ થતાં જ ઝડપી રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સે સત્રની ૨૯,૩૮૮.૯૭ પોઇન્ટની નીચી સપાટી સામે ૫૩૮૦ પોઇન્ટની ઊંચી છલાંગ લગાવી હતી.
અમેરિકાથી ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બેન્ક દ્વારા પ્રવાહિતા વધારની તૈયારી અને અમેરિકાના સ્ટિમ્યુલસ પેકેજની આશા વચ્ચે વિશ્ર્વબજારના સુધારા સાથે સ્થાનિક બેન્ચમાર્કે પણ ઘટાડો પચાવીને સત્રની ૨૯,૩૮૮.૯૭ પોઇન્ટની નીચી સપાટી સામે ૫૩૮૦ પોઇન્ટની ઊંચી છલાંગ લગાવી હતી.
જોકે, સોમવારે આપણે જોયું કે અમેરિકાની ફેડરલથી માંડીને જાપાન, કેનેડા, ન્યુઝિલેન્ડ, સ્વીસ, ઇંગ્લેન્ડ અને યુરોપની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજ ઘટાડવાથી માંડીને સ્ટિમ્યુલસની જાહેરાત કરી હોવા છતાં વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટોની ધ્રુજારી ઓછી થઇ નથી અને મોટાભાગના માર્કેટ
ગબડ્યાં છે.
પાછલા શુક્રવારની સર્કિટ અને રિકવરીની વાત તરફ પાછા વળીએ તો એ દિવસે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં આવેલો ઉછાળો પણ સેન્ટિમેન્ટ સુધારવામાં સહાયક બન્યો હતો. કોરોના વાઈરસના હાહાકારથી ભયભીત બજાર શુક્રવારે ટ્રેડિંગ શરૂ થયાની ૧૫ મિનિટમાં જ આ સ્થળે વ્યકત કરવામાં આવેલી ધારણાં મુજબ જ સેન્સેક્સમાં ૩,૩૦૦ પોઈન્ટ્સ અથવા ૧૦ ટકાનો તોતિંગ કડાકો નોંધાયો હતો અને ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ૪૫ મિનિટ બાદ બજારમાં ફરી ટ્રેડિંગ શરૂ થયું ત્યારે રિવર્સ ટ્રેન્ડમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને ૫,૦૦૦ પોઈન્ટ્સની ઉથલપાથલ જોવા મળી હતી. શુક્રવારે બજાર ખૂલ્યૂ કે તરત જ શરૂ થયેલા પેનિક સેલિંગમાં બજાર ગગડી ગયું હતું અને નિફ્ટીમાં લોંગ બિલ્ટઅપ જોવા મળ્યું હતું. પરિણામે બજારમાં સર્કિટના વિરામ બાદ ભારે શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું. આજે સોમવારે પણ બજારમાં સવારના સત્રમાં ભારે કડાકો જોવા મળ્યો પરંતુ તે દસ ટકાથી ઓછો હોવાથી સર્કિટ પણ ન લાગી અને રિકવરી પણ જોવા મળી નહોતી.
હવે આપણે એ જોઇએ કે સર્કિટ શું છે અને ક્યારે લાગે છે. ભારતીય શેરબજારમાં તેજી કે મંદીની અસાધારણ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સર્કિટ ફિલ્ટર અમલી બનાવવામાં આવે છે. સેબીએ ૧૦ ટકા, ૧૫ ટકા અને ૨૦ ટકા સર્કિટ નક્કી કરે છે. આ અંતર્ગત શેરબજાર નક્કી મર્યાદાથી વધારે ઘટવા પર લોઅર સર્કિટ લાગે છે.
આ માટે પણ ૧૦ ટકા, ૧૫ ટકા અને ૨૦ ટકા મર્યાદા નક્કી કરવામાં આવી છે. સર્કિટની શરૂઆત જુલાઈ,૨૦૦૧માં સેબીની માર્ગદર્શિકા બાદ થઈ હતી.
સેન્સેક્સના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ચાર વખત લોઅર સર્કિટ લાગી છે. સૌથી પહેલા ૨૧ ડિસેમ્બર, ૧૯૯૦માં આ સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સેન્સેક્સમાં ૧૬.૧૯ ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ શેરબજાર ૧૦૩૪.૯૬ પર પહોંચી ગયો હતો. સેન્સેક્સમાં બીજો સૌથી મોટો ઘટાડો ૨૮ એપ્રિલ, ૧૯૯૨માં થયો હતો. ત્યારે સેન્સેક્સ ૧૨.૭૭ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. તે સમયે શેરબજાર ૩૮૯૬.૯૦ પર બંધ રહ્યો હતો.
ત્રીજી સ્થિતિ ૧૭ મે,૨૦૦૪માં આવી હતી. જ્યારે શેરબજારમાં ૧૧.૧૪ ટકાનો ઘટાડો થયો હતો, તે સમયે શેરબજારમાં ૪૫૦૫.૧૬ સ્તર પર બંધ રહ્યો હતો. ૨૪મી ઓક્ટોબર,૨૦૦૮માં સેન્સેક્સમાં ૧૦.૯૬ ટકાનો ઘટાડો થયો હતો. તે સમયે શેરબજાર ૮૭૦૧.૦૭ પર બંધ રહ્યો હતો.
દરમિયાન શેબજારના પીઢ નિરિક્ષકોએ આ રિકવરી છતાં સાવધ રહેવાની સલાહ આપી છે.
સર્કિટ બાદ ઉછાળો આવ્યો હોવા છતાં બજારના સાધનોએ રોકાણકારોને હાલ તુરત બજારથી સાવધ રહેવાની સૂચના આપી છે, કારણ કે કોરોના મહામારીની નકારાત્મક અસરની તલવાર હજુ પણ લટકી રહી છે.





















