જમ્મુ કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણો દેવીના દર્શને હતા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેના નવા વર્ષે ભીડ નિયંત્રિત કરવા માટે માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં હવે આરએફઆઈડી કાર્ડ ઇસ્યુ કર્યા બાદ 24 કલાકમાં પરત આવવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. તેમજ 10 કલાકમાં યાત્રા કરવી જરૂરી છે. આનો અમલ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.
માતા વૈષ્ણો દેવીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે મંગળવાર Dated 23/12/2025 માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓ માટે સલામત, સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન સીઈઓએ સંબંધિત અધિકારીઓને મુસાફરી વ્યવસ્થાપન અને સુરક્ષા પગલાં વધુ મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો. RFID- કાર્ડ દ્વારા યાત્રાના કડક નિયમો પર ભાર મૂકવામાં આવ્યો. તેમજ ખાતરી કરવામાં આવી કે ફક્ત માન્ય RFID કાર્ડ ધરાવતા યાત્રાળુઓને જ આગળ વધવાની મંજૂરી આપવામાં આવે.
જેમાં હવે કટરા રેલ્વે સ્ટેશન નજીક યાત્રા નોંધણી કેન્દ્ર પર શ્રદ્ધાળુઓ રાત્રે 12 વાગ્યા સુધી RFID કાર્ડ મેળવી શકશે.આ અગાઉ આ સેવા રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ હતી. ટ્રેન દ્વારા મોડી રાત્રે આવતા મુસાફરો દર્શન દેવરી પ્રવેશદ્વાર પર RFID કાર્ડ મેળવી શકે છે. આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત આ બેઠકમાં સુરક્ષા એજન્સીઓએ મલ્ટી લેયર સુરક્ષા ગ્રીડ વિશે માહિતી આપી હતી. જેમાં પોલીસ, CRPF અને શ્રાઇન બોર્ડ સુરક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમજ ખતરાની પૂર્વ જાણકારી માટે અદ્યતન સર્વેલન્સ ડીવાઈસના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
કટરાથી વૈષ્ણોદેવી મંદિરનું અંતર આશરે 13 કિમી છે. જેમાં શ્રદ્ધાળુઓ પગપાળા, ઘોડા, કુલી, બેટરી કાર અને હેલિકોપ્ટર દ્વારા મંદિર સુધી પહોંચી શકે છે. જેમાં પગપાળા મુસાફરીમાં લગભગ 8 કલાક લાગે છે. સામાન્ય દિવસોમાં મુસાફરીમાં 24 થી 36 કલાકનો સમય લાગે છે.
હિન્દુ ધર્મમાં લગ્ન અને અન્ય માંગલિક કાર્યો હંમેશા શુભ મૂહુર્તમાં જ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શુભ સમયે કરવામાં આવતા કાર્યો દેવતાઓના આશીર્વાદ અને ગ્રહોના અનુકૂળ પ્રભાવથી સફળ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. પરંતુ ખરમાસ શરૂ થતાંની સાથે જ, લગ્ન, મુંડન જેવા મોટા માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે. આ વર્ષે ખરમાસ 16 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, તેથી આ સમયગાળા દરમિયાન લગ્ન નહીં થશે.
આ ઉપરાંત ખરમાસ પહેલા જ અન્ય એક કારણસર લગ્ન પર વિરામ લાગી જશે. વાસ્તવમાં 11 ડિસેમ્બર, 2025ના રોજ શુક્ર ગ્રહ અસ્ત થઈ ચૂક્યો છે. શુક્રને પ્રેમ, વૈવાહિક સુખ અને લગ્નનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્રના અસ્ત થવાના કારણે પણ લગ્ન માટે શુભ મૂહુર્ત નથી આવતા. આમ 11 ડિસેમ્બર, 2025થી લગ્ન સમારોહ પર રોક લગી ચૂકી છે. હવે સવાલ એ છે કે આ રોક કેટલો સમય ચાલશે અને ફરીથી લગ્નના શુભ મૂહુર્ત ક્યારથી શરૂ થશે.
ખરમાસ 15 જાન્યુઆરી, 2026ના રોજ સમાપ્ત થઈ જશે, જે પછી સામાન્ય રીતે શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. પરંતુ આ વખતે લગ્ન પ્રસંગ માટે થોડી વધુ રાહ જોવી પડશે. વાસ્તવમાં શુક્ર ગ્રહ 53 દિવસ સુધી અસ્ત રહેશે અને 1 ફેબ્રુઆરી, 2026ના રોજ ફરીથી ઉદય કરશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુક્ર ઉદય પછી જ લગ્ન અને અન્ય માંગલિક કાર્યો શરૂ કરવામાં આવે છે. તેથી લગ્નની સિઝન ફેબ્રુઆરી 2026થી જ શરૂ થશે.
ફેબ્રુઆરી 2026માં લગ્ન માટે કુલ 12 શુભ મૂહુર્ત છે. જેની તારીખો આ પ્રમાણે છે – 5 ફેબ્રુઆરી, 6 ફેબ્રુઆરી, 8 ફેબ્રુઆરી, 10 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 21 ફેબ્રુઆરી, 24 ફેબ્રુઆરી, 25 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરી.
વસંત પંચમી પર લગ્ન કેમ નહીં થશે
સામાન્ય રીતે વસંત પંચમીને લગ્ન માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે, કારણ કે તે સિદ્ધ અને અબૂઝ મુહૂર્ત હોય છે. પરંતુ 2026માં વસંત પંચમી પર લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં. કારણ કે 23 જાન્યુઆરીએ આવતી વસંત પંચમી શુક્રના અસ્તના સમયગાળા દરમિયાન આવશે અને આ દરમિયાન લગ્ન કરવા અશુભ માનવામાં આવે છે.
Ayodhya Ram Mandir: આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવશે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.
ધ્વજા ચડાવવાનો સંપૂર્ણ કાર્યક્રમ
આજે Date 25/11/2025 બપોરે 12 વાગ્યે વડાપ્રધાન મોદી શ્રી રામ મંદિરમાં ભગવા રંગની ધ્વજા ચડાવશે. સાથે સાથે મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના પણ કરશે. કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટથી હેલિકોપ્ટરથી સાકેત વિશ્વવિદ્યાલય પહોંચશે. ત્યાં રોડ શો કરી મંદિર સુધી પહોંચશે. મંદિરમાં આજે સામાન્ય શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં. જે તે મહેમાનને QR કોડની મદદથી જ એન્ટ્રી મળશે.
ધર્મ ધ્વજની ખાસિયતો
રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ‘ધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે ‘સૂર્ય ધ્વજ’ તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.
ધર્મ ધ્વજની લંબાઈ- 22 ફૂટ
પહોળાઈ- 11 ફૂટ
વજન- 2.5 કિલો
રંગ- કેસરી
ધ્વજ પર અંકિત પ્રતીકો- ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ
મટીરિયલ- નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક
આયુષ્ય- ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે)
ધ્વજનો થાંભલો અમદાવાદમાં બનાવાયો છે
આ ધ્વજ જે થાંભલા પર લહેરાશે તે સ્ટીલનો બનેલો છે. તેનું વજન સાડા પાંચ ટન (5500 કિલોગ્રામ) જેટલું છે. 44 ફૂટ ઊંચો આ થાંભલો અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે. થાંભલાની ઊંચાઈને ધ્યાનમાં લેતા ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકશે.
ધ્વજની સ્થાપના માટે અનોખી યાંત્રિક વ્યવસ્થા
રામમંદિરના શિખર પર ધ્વજને ફરકાવવા માટે વપરાતું દોરડું અત્યંત મજબૂત અને ભારે છે, તેથી તેને માનવબળ વડે ખેંચવું કઠિન અને જોખમભર્યું છે. આ પડકારના નિરાકરણ માટે વિશેષ રીતે ડિઝાઇન કરાયેલી યાંત્રિક સિસ્ટમ ગોઠવાઈ છે. આ સિસ્ટમમાં દોરડાને બે બાજુ સંતુલિત રાખવા અને સરળતાથી ખેંચવા અને ઢીલ આપવા વિશિષ્ટ મશીનો લગાવાયા છે.
અમદાવાદમાં તૈયાર કરાયેલી ધ્વજાની ખાસિયત:
અયોધ્યા રામ મંદિર માટે અન્ય કઈ કઈ વસ્તુઓ અમદાવાદમાં તૈયાર કરાઈ?
મુખ્ય મંદિર તથા આસપાસના 6 મંદિરના ધ્વજ દંડ
મંદિર ઉપર લાગતાં કડા
મંદિરના દરવાજાના હાર્ડવેર
મંદિર માટેની દાનપેટી
ભગવાનના આભૂષણ મૂકવા માટે બ્રાસનું કબાટ
વૈદિક સાહિત્ય આધારિત પ્રતીકોનું આધ્યાત્મિક અર્થઘટન
આ ધ્વજ એક ગહન આધ્યાત્મિક સંદેશવાહક છે. તેના પર અંકિત દરેક પ્રતીકનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે. ધ્વજનો કેસરી રંગ ત્યાગ, પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક મનાય છે. ધ્વજના મધ્યભાગમાં અંકિત ચક્ર ધર્મ અને ન્યાયની ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. ચક્ર સાથે સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરતો સૂર્ય, સર્વવ્યાપી પરમાત્માનું ચિહ્ન ‘ૐ’ અને વાલ્મીકિ રામાયણમાં વર્ણવેલ પવિત્ર કોવિદાર (બકુલ) વૃક્ષનું પ્રતીક પણ શોભાયમાન છે. આ બધાં પ્રતીકો ભગવાન રામના જીવન, મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગહન રીતે જોડાયેલા છે. તેથી આ ધ્વજની સંપૂર્ણ ડિઝાઇન વેદિક સાહિત્ય પર આધારિત છે.
ભારતીય સેનાનો સહયોગ
આ ઐતિહાસિક ઘટનાની તૈયારી અત્યંત સચોટ અને વ્યવસ્થિત રીતે થઈ રહી છે. ધ્વજના વિશાળ આકાર, ઊંચાઈ અને સંવેદનશીલ પ્રકૃતિને લીધે તેને ખૂબ કાળજીપૂર્વક ફરકાવવું પડે એમ હોવાથી આ કામ ભારતીય સેનાને સોંપાયું છે. સેનાના જવાનો ધ્વજ ફરકાવવાની સમગ્ર પ્રક્રિયાના વ્યાપક રિહર્સલ પણ કર્યું હતું, જેથી સમારોહના દિવસે બધું નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે. સેનાના અધિકારીઓએ ધ્વજના વજન અને યાંત્રિક પદ્ધતિમાં સુધારા માટે પણ મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. શરુઆતમાં ધ્વજનું વજન 11 કિલોગ્રામ રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ સેનાના સૂચન પર તેને હળવો બનાવાયો હતો, જેથી દોરડા પરનું દબાણ ઘટે.
આ ઐતિહાસિક ક્ષણનો સમારોહ 25 નવેમ્બર, 2025ના રોજ આયોજિત છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ધ્વજ સ્થાપનાનો શુભારંભ કરશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને તેમના પત્ની સમારોહના મુખ્ય યજમાન છે. ધ્વજ સ્થાપના અગાઉના દિવસોમાં વિસ્તૃત ધાર્મિક વિધિ કરાઈ રહી છે. અયોધ્યા અને કાશીના પ્રખ્યાત વિદ્વાનો દ્વારા નવગ્રહ પૂજા, યજ્ઞ, વેદોના શ્લોકો, રામ રક્ષા સ્તોત્ર, વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસના પાઠ કરીને પવિત્ર વાતાવરણ સર્જાઈ રહ્યું છે.
દિવાળીના પાંચ દિવસના તહેવારનું સૂંપૂર્ણ કેલેન્ડર, ધનતેરસથી લઇને ભાઇ બીજ ક્યારે છે, જાણો તારીખ અને શુભ મુહૂર્ત
દિવાળી પાંચ દિવસનો ભવ્ય તહેવાર છે. દરેક દિવસનું પોતાનું ધાર્મિક મહત્વ અને અલગ પૂજા વિધિઓ છે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે સમાપ્ત થાય છે. ચાલો આ વર્ષે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી (મહાલક્ષ્મી પૂજા), બેસતું વર્ષ (ગોવર્ધન પૂજા) અને ભાઈબીજ કઇ તારીખે આવે છે તે જાણીએ
દિવાળી હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે. લોકો આખું વર્ષ આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. આ તહેવારને હવે થોડા દિવસો જ બાકી છે. દિવાળી ફક્ત રોશની અને ફટાકડાનો તહેવાર નથી, પરંતુ તે અંધકાર પર પ્રકાશ, બુરાઇ પર અચ્છાઇ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે.
ધનતેરસ – 18 ઓક્ટોબર
દિવાળી મહાપર્વની શરૂઆત આ દિવસ થાય છે. દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. લોકો નવા વાસણો, સોનું, ચાંદી અને ઘરેણાં ખરીદે છે. આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરને શનિવારના રોજ આવે છે.
નરકાસુર પર ભગવાન કૃષ્ણની જીતનું પ્રતીક છે. સ્નાન અને પૂજા કરીને બુરાઇ પર અચ્છાઇની જીતની ઉજવણી કરવામાં આવે છે. તેને કાળી ચૌદસ, નરક ચતુર્દશી અને નાની દિવાળી પણ કહેવામાં આવે છે. 2025માં કાળી ચૌદસ રવિવારને 19 ઓક્ટોબરના રોજ આવશે.
દિવાળી મુખ્ય તહેવાર છે. ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણના અયોધ્યા પાછા ફરવા બદલ ઉજવણી કરાય છે. ઘરોને દીવા અને રંગોળીથી શણગારવામાં આવે છે. સાંજે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશ પૂજા કરવામાં આવે છે. 2025માં મહાલક્ષ્મી પૂજા 20 ઓક્ટોબરને સોમવારે થશે.
આ વખતે બે અમાસ હોવાના કારણે વચ્ચે પડતર દિવસ એટલે કે ધોકો આવ્યો છે. 20 ઓક્ટોબરે દિવાળી છે અને 21 ઓક્ટોબરે ધોકો છે. 22 ઓક્ટોબરે બેસતુ વર્ષ મનાવવામાં આવશે.
બેસતુ વર્ષ અને ગોવર્ધન પૂજા – 22 ઓક્ટોબર
ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થાય છે. તેને બેસતુ વર્ષ કે ગુજરાતી નવું વર્ષ કહેવામાં આવે છે. તે દિવસે બધા એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવે છે. આ દિવસે ઉત્તર ભારતમાં ગોવર્ધન પૂજા કરાય છે. 2025માં ગોવર્ધન પૂજા 22 ઓક્ટોબરને બુધવારે થશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણએ ગ્રામજનોની રક્ષા માટે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. આ દિવસે અન્નકુટ તૈયાર કરવામાં આવે છે અને ગોવર્ધનની પૂજા કરવામાં આવે છે.
દિવાળીના પાંચ દિવસના તહેવારનો છેલ્લો દિવસ ભાઇ બીજ છે. ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવવાનો દિવસ છે. બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્ય અને ખુશી માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ તેમને ભેટો આપે છે. 2025માં ભાઈબીજ ગુરુવારને 23 ઓક્ટોબરના રોજ છે.
નવરાત્રી એટલે માતાજીની ભક્તિ આરાધનાનું પાવન પર્વ. નવરાત્રીના નવે નવ દિવસ માતાજીના નવ સ્વરૂપ એટલે કે નવ દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવ દુર્ગાની પૂજા કરવાથી ભક્તને માતાજીના આશીર્વાદ મળે છે, આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને જીવનના તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. હિન્દુ પંચાગ મુજબ શારદીય નવરાત્રી 2025 આસો સુદ એકમ તિથિથી શરૂ થાય છે. આ વખતે 22 સપ્ટેમ્બર 2025, સોમવારે આસો સુદ એકમ તિથિ છે, આ તારીખ શારદીય નવરાત્રી શરૂ થશે. તો 2 ઓક્ટોબર, 2025ના ગુરુવારે દશેરા સાથે શારદીય નવરાત્રી સમાપ્ત થશે. આ દરમિયાન ભક્તો માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. નવરાત્રીના નવ દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સમય દરમિયાન માંસ, મદિરાપાન કરવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે જે ભક્ત સંપૂર્ણ ભક્તિથી માતાની પૂજા કરે છે તે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.
ચાલો જાણીયે નવરાત્રીમાં જગજનની જગદંબાના નવ દુર્ગાના નામ સ્વરૂપ અને પૂજા વિધિ અને મહત્વ
નવરાત્રીના પ્રથમ દિવસ નવ દુર્ગાના પ્રથમ સ્વરૂમ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નંદી ઉપર સવાર માતા શૈલપુત્રીની પૂજા કરવાથી સાધકનું મન મૂલાધાર ચક્રમાં સ્થિર થાય છે. ચાલો જાણીયે માતા શૈલપુત્રી કથા, મંત્ર, આરતી અને પૂજા કરવાથી શું લાભ થાય છે. નવરાત્રીના પ્રથમ દિવસે નવ દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી માતાજીની પુજા કરવામાં આવશે. ઘટ સ્થાપન સાથે નવરાત્રીની શરૂઆત થાય છે, જેને કળશ સ્થાપન પણ કહેવાય છે. માતા શૈલપુત્રી પર્વતરાજા હિમાલયના પુત્રી છે. સફેદ વસ્ત્રોમાં સુશોભિત માતા શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. માતાના કપાળ પર ચંદ્ર સુશોભિત છે. શૈલીપુત્રી માતાની સવારી નંદી છે.
નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી માતાની પૂજાા કરવાથી સાધક પોતાનું મન મુલાધર ચક્રમાં સ્થિર કરે છે, શૈલપુત્રીની પૂજા કરવાથી મૂલાધર ચક્ર જાગૃત થાય છે, જેનાથી યોગ સાધના આરંભ થાય છે. એવી માન્યતા છે કે, માતા શૈલપુત્રીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઉપરાંત, જો તમે માતા શૈલપુત્રીની પૂજા કરતી વખતે ઉપવાસની વાર્તા વાંચતા નથી, તો પૂજા અધૂરી માનવામાં આવે છે. આવો જાણીએ મા શૈલપુત્રીની વાર્તા
માતા શૈલપુત્રીની કથા
પૌરાણિક કથા અનુસાર, રાજા દક્ષે તેમના મહેલમાં એક યજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે બધા દેવી-દેવતાઓને આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમણે પોતાના અપમાનનો બદલો લેવા માટે શિવાજીને બોલાવ્યા નહીં. માતા સતીએ ભગવાન શિવને તેમના પિતા દ્વારા આયોજિત યજ્ઞમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી. સતીના આગ્રહથી ભગવાન શિવે પણ તેમને જવા દીધા. પરંતુ જ્યારે સતી પિતાના ઘરે યજ્ઞમાં પહોંચ્યા ત્યારે પિતા દક્ષે બધાની સામે ભગવાન શિવ માટે અપમાનજનક શબ્દો કહ્યા. પિતાની વાત સાંભળીને માતા સતી ખૂબ જ નિરાશ થયા અને તેણે યજ્ઞની વેદીમાં કૂદીને પોતાનો દેહ ત્યાર કર્યો. જે પછી માતા સતી એ પર્વતરાજ હિમાલયના ઘરે બીજો જન્મ લીધો, ત્યાં તેમને શૈલપુત્રી કહેવામાં આવ્યા હતા.
નવરાત્રીના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપને ગાયના ઘી, દૂધથી બનેલી વસ્તુઓ અર્પણ કરવાની પરંપરા છે. તમે ગાયના દૂધમાંથી બનેલી બરફી, પેંડા માતાને અર્પણ કરી શકાય છે.
આસો માસની નવરાત્રિનો પાવન પર્વ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે દરમિયાન ભક્તો શક્તિની ઉપાસના કરી જીવનના મનોરથો પૂર્ણ કરશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ નવરાત્રિના આધ્યાત્મિક મહત્ત્વ અને તેના યોગ્ય વિધિવિધાન વિશે સવિસ્તાર માહિતી આપી છે.
જીવનમાં પૂજા-ભક્તિનું મહત્ત્વ હંમેશા રહ્યું છે. નવરાત્રિ, શિવરાત્રી, હોળી જેવી રાત્રિ પૂજા દ્વારા ભક્તો ઈશ્વરની નજીક જઈ શકે છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિઓમાંથી આસો માસની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે, જેમાં ગરબા રમવાનું પણ એક ખાસ કારણ હોય છે. નવરાત્રિ દરમિયાન થતા ઘટ (કુંભ) સ્થાપનનો પણ એક વિશેષ ભાવ રહેલો છે. આ માટે સવારે, બપોરે અભિજીત નક્ષત્રમાં કે સંધ્યા સમયે શુભ યોગમાં સ્થાપના કરવાનું સૂચન કરવામાં આવે છે, પરંતુ રાત્રે સ્થાપન ન કરવું જોઈએ.
નવરાત્રિ દરમિયાન ઘટની અંદર પ્રગટાવવામાં આવતો અખંડ દીપ ખૂબ પ્રભાવશાળી ગણાય છે. તેના પ્રકાશથી ઉત્પન્ન થતી શક્તિશાળી ઊર્જા ભક્તિ કરનારની આભામાં વધારો કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિનો સંચાર કરે છે. આ દીપક દ્વારા ભક્ત પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકે છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે. જોકે, પૂજા અને વિધિ માટે યોગ્ય માર્ગદર્શન ખૂબ જરૂરી છે, કારણ કે માતાજી ભક્તનો ભાવ જોઈને પ્રસન્ન થાય છે.
પૂજા દરમિયાન ભક્તો પોતાની પરંપરા અને પ્રાંતીય રિવાજોનું પાલન કરતા હોય છે. કેટલાક વિદ્વાનોના મતે, નવરાત્રિ દરમિયાન રાહુકાળમાં વિશિષ્ટ પાઠ કરવાથી ત્વરિત ફળ પ્રાપ્ત થાય છે, જેનું રહસ્ય યોગ્ય વિદ્વાન પાસેથી જાણી શકાય છે. નવરાત્રિ પછી ઘટનું ઉથપાન શુભ યોગ મુજબ સવારના સમયે કરવું જોઈએ.
Shraddh Paksha 2025: ભાદરવા વદ (કૃષ્ણ) પક્ષને પિતૃપૂજન અને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેથી તેમને શાંતિ અને સદ્ગતિ મળે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ પી. લાઠિયાના જણાવ્યા અનુસાર વર્ષ 2025 માટે, શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ આવતી કાલ તારીખ 8મી સપ્ટેમ્બર, સોમવારથી થશે અને તેનું સમાપન 21મી સપ્ટેમ્બર, રવિવારના રોજ થશે.
શ્રાદ્ધ પક્ષ 2025: તિથિ અને તારીખ
શ્રાદ્ધ પક્ષ 2025: આવતીકાલથી શરૂ થશે શ્રાદ્ધ, જાણો પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ 2 – image
મહત્ત્વપૂર્ણ તિથિઓ અને તેમનું મહત્ત્વ
શ્રાદ્ધ પક્ષ 2025: આવતીકાલથી શરૂ થશે શ્રાદ્ધ, જાણો પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ 3 – image
શ્રાદ્ધ પક્ષમાં કેટલીક તિથિઓનું વિશેષ મહત્ત્વ હોય છે:
તિથિ 3 અને 4: આ બંને તિથિઓ એકસાથે છે. જે લોકોની તિથિ 3 અથવા 4 હોય, તેઓ આ દિવસે શ્રાદ્ધ કરી શકે છે.
તિથિ 9 (નવમી): આ તિથિને સૌભાગ્યવતી સ્ત્રી શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ સૌભાગ્ય અવસ્થામાં થયું હોય.
તિથિ 12 (બારસ): આ દિવસે સંન્યાસીનું શ્રાદ્ધ કરવામાં આવે છે, એટલે કે જે લોકોએ સંન્યાસ લીધો હોય તેમનું શ્રાદ્ધ આ તિથિએ કરવામાં આવે છે.
તિથિ 14 (ચૌદશ): આ દિવસ શસ્ત્રપીડિતનું શ્રાદ્ધ કરવા માટે ખાસ છે, જે લોકોનું મૃત્યુ અકાળે અથવા અકસ્માતને કારણે થયું હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે.
તિથિ 15/30 (અમાસ): આ દિવસને સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોને તેમના પિતૃઓની તિથિ યાદ ન હોય, તેઓ આ દિવસે સર્વપિતૃઓનું શ્રાદ્ધ કરી શકે છે. આ દિવસે પૂનમનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે.
ભાદરવી પૂનમને લઇને અંબાજી જતાં તમામ માર્ગો પદયાત્રિકોના જય અંબે ના નાદની ગુંજી ઉઠયા છે. પૂનમે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જતા હોય છે. જોકે આ વર્ષે ભાદરવી પૂનમના દિવસે એટલે કે 7 સપ્ટેમ્બરને રવિવારે ચંદ્રગ્રહણ છે.જેથી ચંદ્રગ્રહણના કારણે પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન અને ધજા ચડાવવાના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યના પ્રખ્યાત સોમનાથ, શામળાજી અને દ્વારકાના મંદિરમાં પણ ગ્રહણને કારણે દર્શનના સમયમમાં ફેરફાર કરાયો છે.
અંબાજી મંદિર
સવારની આરતી : 06:00 થી 06:30 દર્શન સમય : 06:00 થી 10:00 દર્શન બંધ : 10:00 થી 12:00 શયનકાળ આરતી : 12:00 થી 12:30 જાળીમાંથી દર્શન : 12:30 થી 05:00 (સાંજે) મંદિર સંપૂર્ણ બંધ : 05:00 પછી
ભાદરવી પૂનમના દિવસે બપોરે 12:30 વાગ્યા બાદ માઇભક્તો મંદિરમાં પ્રવેશી શકશે નહીં. આ સમય પછી ધજા પણ ચઢાવી શકાશે નહીં. જોકે સાંજે 5 વાગ્યા સુધી માત્ર જાળીમાંથી દર્શન કરવાની પરવાનગી રહેશે. 8 સપ્ટેમ્બર 2025થી મંદિરની દર્શન અને આરતીના તમામ સમય રોજની જેમ રાબેતા મુજબ રહેશે.
સોમનાથ મંદિર
ચંદ્રગ્રહણને કારણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સોમનાથ મંદિર અને ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં નિયમિત પૂજા-આરતી મોકૂફ રહેશે. મંદિરમાં મધ્યાન્હ પૂજન-આરતી અને સાંધ્ય આરતી બંધ રહેશે. દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે. ગ્રહણ દરમિયાન બપોરની મહાપૂજા આરતી, સાંજની આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ, રુદ્રાભિષેક અને પાઠાત્મક અનુષ્ઠાન સહિતની તમામ પૂજા બંધ રહેશે. ગ્રહણ મોક્ષ બાદ 8 સપ્ટેમ્બરના રોજ પ્રાતઃ દૈનિક પૂજા અને આરતી પુનઃપ્રારંભ થશે.
શામળાજી મંદિર
શામળાજી મંદિર ટ્રસ્ટના મેનેજર પ્રવિણભાઇ ચૌધરીએ જણાવ્યું કે, વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ભાદરવા સુદ પૂનમને રવિવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સાંજે 6 કલાક સુધી દર્શન કરી શકાશે. રવિવારે રાતે ગ્રહણ હોવાથી મંદિર સાંજે 6 વાગે બંધ થશે. સોમવારે સવારે મંદિરમાં પખાલવિધિ કરાશે.
દ્વારકા મંદિર
પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શન ક્રમમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી ભક્તોની હાજરીમાં કરવામાં આવશે. ત્યારબાદ સવારના અન્ય ક્રમ નિત્ય મુજબ રહેશે. બીજી બાજુ બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. બપોરે મંદિર બંધ થયા બાદ સામાન્ય દિવસોમાં સાંજે મંદિર ખુલતું હોય છે પરંતુ સાંજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર બંધ રહેશે. જે બાદ તા. 8 ને સોમવારના રોજ નીચે મુજબ મંદિર દર્શન ખુલશે.
ભાદરવા સુદ ચોથ એટલે કે 27 ઓગસ્ટ, બુધવારના રોજ ગણેશ ચતુર્થીએ ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. દેશભરમાં ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરી દસ દિવસ સુધી તેમની પૂજા-અર્ચના કરી, અને આજે 6 સપ્ટેમ્બર, શનિવારના રોજ અનંત ચતુર્દશીએ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી તેમને ભાવભરી વિદાય આપવામાં આવી રહી છે. વિસર્જન પહેલા કેવી રીતે ગણેશજીની પૂજા અર્ચના કરવી અને વિસર્જન માટેના ક્યા કયા કેટલાક મૂહુર્ત છે આવો તે જાણીએ.
ગણેશજી બુદ્ધિ, સમૃદ્ધિ અને વિવેકના દેવતા છે અને કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગણેશજીની પૂજા અર્ચના કરવાથી તમામ વિઘ્ન અને બાધાઓ દૂર થાય છે અને કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે
ગણેશ વિસર્જનની વિધિ
અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ગણેશજી હવે પાછા તેમના ધામમાં જઈ રહ્યા છે.
પૂજા અને આરતી: વિસર્જન પહેલાં ફરી એકવાર ગણેશજીની આરતી કરવી અને તેમને મોદકનો ભોગ ધરાવવો.
પ્રાર્થના: મૂર્તિને સન્માનપૂર્વક ઉઠાવતા પહેલાં ગણેશજીની ક્ષમા માંગવી અને તેમને પ્રાર્થના કરવી કે તેઓ આગલા વર્ષે ફરી પધારે.
વિસર્જન: ગણેશજીની મૂર્તિને પવિત્ર નદી, તળાવ અથવા પાણીના સ્ત્રોતમાં વિસર્જિત કરવી. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત (6 સપ્ટેમ્બર):
સવારે 07:58 થી 09:30
બપોરે 12:40 થી 05:15
સાંજે 06:55 થી 08:25
ગણેશોત્સવ એ ભક્તિ, આનંદ અને સકારાત્મકતાનો પર્વ છે, જે સમગ્ર સમાજમાં ઉત્સાહ ભરી દે છે.
શક્તિપીઠ અંબાજી ખાતે આજથી (પહેલી સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. સાતમી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવે તેવી સંભાવના છે. હાલ મંદિરને જોડતા માર્ગો પર સંઘો જોવા મળી રહ્યા છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરના ભાદરવી પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી સાંજે પાંચ બાદ દર્શન થઈ શકશે નહીં.
ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરવામાં આવી છે. યાત્રાળુઓને લાઈનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ 7 તથા ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર 8 રહેશે.
દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલ ચેર યાત્રિક, સિનીયર સિટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન, ઈ-રીક્ષાની વિશેષ સુવિધા ઊભી કરાઈ છે. આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વોટર પ્રૂફ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના રોજ રાતે 8.30 કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, ‘જય માતાજી’નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત્ રચનાઓ થશે.
•1 લાખ 83 હજાર 855 ચોરસ મીટર એરિયામાં કુલ 35 જેટલા પાર્કિંગ કરાયા છે. જેમાં કુલ 22541 કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર 23 તથા હડાદ રોડ પર 12 પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે.
•શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે Show My Parking એપની ઓનલાઇન સુવિધા. પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા-આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા.
•પ્રસાદ વિતરણ માટે કુલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ 1000થી 1200 ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. 1 ઘાણમાં કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનશે. 750 જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.
•યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિઃ શુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.
•સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો. 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.