– ફિંચ 2024માં રમાનારા વનડે વર્લ્ડ કપમાં ટીમના કેપ્ટન નહીં હોય પરંતુ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમની આગેવાની કરશે
નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર, 2022, શનિવાર
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 36 વર્ષીય ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિંચ રવિવારે ન્યૂઝીલેન્ડ સામે પોતાની અંતિમ વનડે મેચ રમશે. ઓસ્ટ્રેલિયન ટીમ માટે 145 વનડે મેચ રમનારા એરોન ફિંચ આ ફોર્મેટમાં સૌથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યા છે. છેલ્લી 7 ઈનિંગમાં તેમના બેટ વડે માત્ર 26 રન થઈ શક્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની પ્રેસ રીલિઝ પ્રમાણે ફિંચે પોતાની સફરને શાનદાર ગણાવી હતી અને તેમાં અનેક યાદો બની હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
ફિંચે કહ્યું હતું કે, ‘કેટલીક શાનદાર વનડે ટીમનો સદસ્ય બનીને હું પોતાની જાતને નસીબદાર સમજું છું.’ આ સાથે જ તેમણે પોતાના સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો હતો. ત્યાર બાદ નવા કેપ્ટનને તક આપવાનો સમય આવી ગયો છે જેથી પોતે સરખી તૈયારી કરી શકે અને આગામી વર્લ્ડ કપ જીતી શકે તેમ જણાવ્યું હતું. તેમણે પોતાને આ સ્તરે પહોંચવામાં મદદરૂપ બનનારા સૌ કોઈનો આભાર માન્યો હતો.
દુબઈ : ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિય કપની સુપર ફોરની મેચ આવતીકાલે ભારતીય સમય પ્રમાણે સાંજે ૭-૩૦થી રમાશે.
આ ટુર્નામેન્ટની ગુ્રપ ‘એ’ની મેચમાં ભારતે હાર્દિક પંડયા અને જાડેજાની બેટિંગ અને ભુવનેશ્વર કુમારની બોલિંગને સહારે પાકિસ્તાનને આખરી ૨૦મી ઓવરમાં ચોથા બોલે પરાજય આપ્યો હતો.
પાકિસ્તાને ગુ્રપ મેચમાં શુક્રવારે હોંગકોંગને જે રીતે પરાજય આપ્યો તેનાથી ભારત સામેની કાલની મેચમાં જુસ્સો વધારે જોવા મળશે.
પાકિસ્તાને ૧૯૩ રન બે વિકેટ ગુમાવીને કર્યા બાદ હોંગ કોંગને ૩૮ રનમાં જ ખખડાવ્યું હતું. તેની તુલનામાં ભારત સામે હોંગ કોંગે પરાજય છતા સન્માનજનક દેખાવ કર્યો હતો.
ભારત તેની ટીમમાં ઈજાગ્રસ્ત જાડેજાના સ્થાને અક્ષર પટેલ કે અશ્વિનને સમાવી શકે છે. ફાસ્ટર આવેશ ખાનની જગ્યાએ પણ એક બોલર સ્થાન પામશે. કે. રાહુલના ફોર્મ પર નજર રહેશે. રોહિત શર્મા અને કોહલીએ આગવા પ્રભુત્વ સાથે રમવાનું છે. પંતને કઈ રીતે સ્થાન અપાય છે તે જોવાનું રહેશે.
હાર્દિક પંડયાએ આખરી ઓવરના તનાવ વચ્ચે વિજયી સિક્સર ફટકારતાં ભારતે પાકિસ્તાન સામે પાંચ વિકેટથી દિલધડક જીત હાંસલ કરતાં એશિયા કપ ટી-૨૦માં વિજયી શુભારંભ કર્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ હાર્દિકે ત્રણ વિકેટ ઝડપ્યા બાદ ૧૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૩૩ રન ફટકારતાં ભારતને જીતાડયું હતુ. ભારતે ૧૪૮ના ટાર્ગેટને ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.
એક તબક્કે ૮૯ રનમાં ચાર વિકેટ ગુમાવનારા ભારતને ચોથા ક્રમે બેટિંગમાં ઉતરેલા જાડેજા અને હાર્દિક પંડયાએ ઉગાર્યું હતુ. બંને વચ્ચે ૨૯ બોલમાં ૫૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. જાડેજાએ ૨૯ બોલમાં ૩૫ રન ફટકાર્યા હતા. જોકે તે આખરી ઓવરના પહેલા બોલે આઉટ થઈ ગયો હતો. આ પછી ક્રિઝ પર આવેલા દિનેશ કાર્તિકે એક રન લઈને હાર્દિકને સ્ટ્રાઈક આપી હતી અને ત્યાર બાદ હાર્દિકે એક ડોટ બોલ પછી ખુબ જ ઠંડા દિમાગ સાથે સિક્સર ફટકારીને ટીમને જીતાડી હતી.
અગાઉ ભુવનેશ્વર કુમારે ચાર અને હાર્દિકે ત્રણ વિકેટ ઝડપતાં પાકિસ્તાન ૧૯.૫ ઓવરમાં ૧૪૭ રનમાં ખખડી ગયું હતુ. ડીઆરએસમાં બે વાર બચી ગયેલા રિઝવાને સૌથી વધુ ૪૩ રન ફટકાર્યા હતા. ભારતના ફાસ્ટરોએ પહેલીવાર ટી-૨૦માં હરિફ ટીમની તમામ ૧૦ વિકેટ ઝડપી હતી.
ઓલમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ શુક્રવારે ફરી એક વખત ઈતિહાસ સર્જ્યો છે. નીરજ ચોપરા ડાયમંડ લીગ મીટના લુસાને ફેઝનું ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ સાથે જ નીરજ આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ જ્યૂરિખ ખાતે રમાનારી ડાયમંડ લીગની ફાઈનલમાં પણ પહોંચી ગયા છે.
નીરજ ચોપરા આ સિદ્ધિ હાંસલ કરનારા પ્રથમ ભારતીય છે અને આ સાથે જ તેમણે હંગરીના બુડાપેસ્ટમાં 2023માં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે.
ચોપરા (24)એ આ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રથમ પ્રયત્નમાં 89.08 મીટર અને રિપીટ 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ નીરજ ચોપરાના કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન છે. ઉલ્લેખનીય છે કે, ઈજાના કારણે તેઓ બર્મિંગહામ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહોતા લઈ શક્યા.
પહેલા બે મેચમાં એકતરફી જીત હાંસલ કરનાર ભારતીય ટીમ સોમવારે રમાનાર આખરી વન ડેમાં પણ ઝિમ્બાબ્વેને હરાવીને સુપડાં સાફ કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ત્રીજો મુકાબલો પણ એ જ મેદાન હરારે સ્પોર્ટસ કલબ ખાતે અને એ જ સમયે એટલે કે 12-4પથી શરૂ થશે. આ જ મેદાન પર પહેલા બે મેચ રમાયા હતા. જેમાં ભારતીય ટીમે દરેક ક્ષેત્રમાં ઝિમ્બાબ્વેની ટીમને પરાસ્ત કરી હતી. ત્રીજા મેચમાં પણ કહાની બદલવાની સંભાવના નથી. ઝિમ્બાબ્વેની ટીમ આ વન ડે શ્રેણીમાં અત્યાર સુધી ટીમ ઇન્ડિયા સામે તદ્દન નબળી સાબિત થઈ છે.
ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વિશ્વ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ ત્રીજા મેચમાં પ્રયોગ ચાલુ રાખી શકે છે. યુવા ખેલાડીઓ મોકાનો પૂરો લાભ લઈ રહ્યા છે. જો કે કાર્યવાહક સુકાની કેએલ રાહુલનું બેટ હજુ સુધી બોલ્યું નથી. ભારતીય બોલરોએ બન્ને મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ કાતિલ બોલિંગ કરી છે અને 189 અને 161 રનમાં ગૃહ ટીમનો સંકેલો કર્યો છે. પ્રતિભાશાળી શુભમન ગિલે બન્ને મેચમાં રન કર્યા છે. ત્રીજા મેચમાં તે વધુ એક મોટી ઇનિંગ રમવા ઇચ્છશે.
કપ્તાન રાહુલ ફરી એકવાર ઓપનિંગમાં આવી શકે છે. આ વખતે તેની સાથે કદાચ અનુભવી ધવન સાથીદારનાં રૂપમાં જોવા મળી શકે છે. ઇશાન કિશનને વધુ એક મોકો મળી શકે છે. ખાસ કરીને ભારતીય બોલર્સ દીપક ચહર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, અક્ષર પટેલ સામે ઝિમ્બાબ્વેના બેટધરોની ફરી કસોટી થશે. હોમ ટીમને તેના સ્ટાર બેટર્સ સિકંદર રઝા અને સીન વિલિયમ્સ પાસેથી સારા દેખાવની આશા રહેશે.
વિશ્વની સૌથી મોટી ફૂટબોલ સંસ્થા એટલે કે FIFA એ મંગળવારે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ને લઈને એક ઘોષણા કરી હતી. FIFAએ AIFFને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ફિફા કાઉન્સિલના બ્યુરો દ્વારા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. FIFAએ જણાવ્યું છે કે, AIFFમાં ત્રીજા પક્ષકારોના અયોગ્ય પ્રભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે FIFA કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.
FIFA દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર મીડિયા રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને FIFA દ્વારા સસ્પેન્ડ કરવા પાછળ થર્ડ પાર્ટીની દખલનું કારણ આપવામાં આવ્યું છે. ફિફા અનુસાર આ પ્રકારનો હસ્તક્ષેપ એ ફિફાનાં નિયમોની વિરુદ્ધ છે. આ કારણોસર ભારત પરથી U17 મહિલા વર્લ્ડ કપની યજમાની છીનવી લેવાની કગાર પર છે પરંતુ હજુ થોડો સમય બાકી છે.
FIFA દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ઓર્ડર મળતાની સાથે જ સસ્પેન્શન હટાવી લેવામાં આવશે. AIFF એક્ઝિક્યુટિવ કમિટીની સત્તાઓ ધારણ કરવા માટે વહીવટકર્તાઓની સમિતિનું ગઠન રદ કરવામાં આવ્યું છે અને AIFF વહીવટ AIFFની રોજિંદી બાબતોનું સંપૂર્ણ નિયંત્રણ લે છે. પ્રેસ રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, સસ્પેન્શનનો અર્થ એ છે કે FIFA U-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2022 જે ભારતમાં 11-30 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાવાનું છે તે હાલમાં ભારતમાં આયોજન મુજબ યોજવામાં નહીં આવશે.
FIFA ટુર્નામેન્ટને લગતા આગળના પગલાઓનું પણ મૂલ્યાંકન કરી રહ્યું છે અને જો જરૂરી હોય તો આ બાબતને કાઉન્સિલના બ્યુરોને મોકલશે. FIFAની અખબારી યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, FIFA ભારતના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને આશા રાખે છે કે, હજુ પણ આ કેસનું સકારાત્મક પરિણામ આવી શકે છે. જો આવું થાય તો ભારતીય ફૂટબોલ પરથી આ મોટું સંકટ દૂર થઈ શકે છે.
બર્મિંગહામ : ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ એમ કુલ 61 મેડલના આખરી સ્કોર સાથે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન કર્યું હતું.
ભારતે આજે આખરી દિવસે બેડમિંટનમાં ગોલ્ડ મેડલની હેટ્રિક મેળવી હતી. મહિલા સિંગલ્સમાં પી. વી. સિંધુએ, પુરૂષ સિંગલ્સમાં લક્ષ્ય સેને અને મેન્સ ડબલ્સમાં રાનકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ ઉપરાંત ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં શરથ કમલે ૪૦ વર્ષની વયે ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધી પ્રાપ્ત કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ મેલબોર્નમાં ૨૦૦૬માં તે બે ગોલ્ડ જીત્યો હતો. આ તેની પાંચમી કોમનવેલ્થ હતી અને તેણે કુલ ૧૩ મેડલ જીત્યા છે જે એક રેકોર્ડ છે. આ ઉપરાંત ટેબલ ટેનિસમાં જ ભારતના સાથિયાને આજે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતનો આજે મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ૭-૦થી શરમજનક પરાજય થયો હતો અને સિલ્વર મેડલથી સંતુષ્ટ રહેવું પડયું હતું. તેવી જ રીતે મહિલા ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચમાં ભારતે જીતની બાજી ગુમાવી હતી. ગોલ્ડ મેડલ જીતવાની રીતે ભારતનો જો કે આ કોમનવેલ્થ દેખાવ શ્રેષ્ઠ નથી. ૨૦૧૦માં ભારતે ૩૮, ૨૦૦૨માં ૩૦, ૨૦૧૮માં ૨૬, ૨૦૦૬માં ૨૨ અને હવે ૨૦૨૨માં પણ ૨૨ ગોલ્ડ મેડલ જીત્યા છે.
ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ધૂમ મચાવી દીધી છે. તેમણે સિંગલ્સ ફાઈનલ મેચમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લી ને સતત બે ગેમમાં કારમી હાર આપી છે. પીવી સિંધુએ ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને હરાવીને ભારતને 19 મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. દુનિયાની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી.
પહેલી ગેમમાં મિશેલએ સિંધુને થોડી ટક્કર આપી હતી પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેમને કોઈ તક આપી નહીં. બીજી ગેમ ભારતની સ્ટાર શટલરે 21-13 થી જીતી લીધી. આ સાથે જ સિંધુએ કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં પોતાનો આ પહેલો ગોલ્ડ જીત્યો છે.
બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે જ્યારે 2018 કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
પીવી સિંધુ અને મિશેલ લી અગાઉ એક-બીજા સામે 10 વખત રમી ચૂક્યા છે. જેમાં પીવી સિંધુએ 8 વખત મેચ જીતી છે જ્યારે બે વખત મિશેલને જીત મળી છે. સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુની શાનદાર ગેમ સતત ચાલુ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022ના સેમિફાઈનલમાં પીવી સિંધુએ સિંગાપોરની વાય જિયા મિનને હરાવ્યા હતા. આ મેચને સિંધુએ 21-19, 21-17 થી પોતાના નામે કરી હતી.
– ભારત માટે આ કુલ 20મો મેડલ બની રહ્યો છે જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર તથા 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
બર્મિંગહામ, તા. 05 ઓગષ્ટ 2022, શુક્રવાર
કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટર સુધીરે ઈતિહાસ સર્જી દીધો છે. તેઓ પેરા પાવરલિફ્ટિંગ (દિવ્યાંગ એથ્લીટ્સ માટેનું વેઈટલિફ્ટિંગ)માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય એથલીટ બની ગયા છે. અગાઉ 2014માં પાવરલિફ્ટર સકિના ખાતૂને બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો. સુધીરે પુરૂષો માટેની હેવી વેઈટ કેટેગરીમાં 212 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.
87.30 કિગ્રા વજન ધરાવતા સુધીરે રેક હાઈટ 14 સાથે પ્રથમ પ્રયત્નમાં 208 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. બીજા પ્રયત્નમાં તેમણે 212 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. સુધીરે 212 કિગ્રા વજન લિફ્ટ કરવાની સાથે જ એક નવો ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો છે. પોતાના અંતિમ પ્રયત્નમાં સુધીર 217 કિગ્રા વજન ઉઠાવવામાં અસફળ રહ્યા હતા. જોકે 134.5 પોઈન્ટ્સ સાથે સુધીર ટોપ પર રહ્યા અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ભારતનો છઠ્ઠો ગોલ્ડ
આ ભારત માટે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો મેડલ છે. અગાઉ મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા અને અચિંતા શેઉલી વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. જ્યારે મહિલા લોન બોલ ટીમ તથા પુરૂષ ટેબરલ ટેનિસ ટીમે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ભારત માટે આ કુલ 20મો મેડલ બની રહ્યો છે. જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર તથા 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પદક મેળવવાની રેસમાં ભારત સાતમા ક્રમે છે.
જાણો કોને મળ્યો સિલ્વર અને બ્રોન્ઝ
27 વર્ષીય સુધીરે ગોલ્ડ મેડલ સાથે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પેરા રમતોમાં મેડલ્સનું ખાતું ખોલ્યું છે. મેન્સ હેવી વેઈટ કેટેગરીમાં સુધીર બાદ નાઈજિરીયાના ઈકેચુકુ ક્રિસ્ટિયન ઓબિચુકુએ 133.6 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો જ્યારે સ્કોટલેન્ડના મિકી યૂલે 130.0 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
સુધીરે અગાઉ જૂન મહિનામાં દક્ષિણ કોરિયામાં વિશ્વ પેરા પાવરલિફ્ટિંગ એશિયા-ઓશિનિયા ઓપન ચેમ્પિયનશિપમાં પુરૂષોની 88 કિગ્રા વેઈટ કેટેગરીમાં 214 કિગ્રાના સર્વશ્રેષ્ઠ લિફ્ટિ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત સુધીરે 2022ની હાંગ્ઝૂ એશિયાઈ પેરા ગેમ્સ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે.
પાવરલિફ્ટિંગમાં એથલીટ્સને 3 અટેમ્પ્ટ્સ આપવામાં આવે છે. વજન ઉઠાવવા પર શરીરના વજન તથા ટેક્નિકના આધારે પોઈન્ટ્સ મળે છે. સમાન વજન ઉઠાવવા પર શારીરિકરૂપે ઓછું વજન ધરાવતા ખેલાડીને અન્યની સરખામણીએ વધુ પોઈન્ટ્સ મળે છે. સુધીર 5 વર્ષની ઉંમરમાં પોલિયોનો શિકાર બન્યા હતા. ત્યાર બાદ 2013માં તેમણે પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે પાવરલિફ્ટિંગની શરૂઆત કરી હતી.
યુકેના બર્મિંગહામ ખાતે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના પણ અનેક ખેલાડીઓ તેમાં વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસનો અંતે ભારતે સિલ્વર મેડલ સાથે કર્યો છે. અત્યાર સુધી ભારતને કુલ ચાર મેડલ મળ્યા છે જે તમામ વેઈટલિફ્ટિંગમાં જ છે. બિંદિયારાની દેવીએ મહિલાઓની 55 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર પોતાના નામે કર્યો છે. આ પહેલા મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ, ગુરુરાજ પૂજારીએ બ્રોન્ઝ અને સંકેત સરગરે સિલ્વર મેડલ ભારતને અપાવ્યો હતો. આ રીતે ભારતના ખાતામાં અત્યાર સુધી ચાર મેડલ આવી ગયા છે.
બિંદિયારાની દેવીએ સ્નેચમાં 86 કિલો વજન ઉઠાવ્યુ હતું. સ્નેચ પછી તે ત્રીજા નંબર પર હતી, પરંતુ ક્લીન એન્ડ જર્કમાં તેણે કોમનવેલ્થ ગેમ્સનું રેકોર્ડ વજન ઉઠાવ્યું. તેણે 116 કિલોનો ભાર ઉપાડીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. કુલ મળીને તેણે 202 કિલો વજન ઉપાડ્યુ હતું. નાઈજીરિયાની અદિજત ઓલારિનોયે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે કુલ 203 કિલો વજન ઉપાડીને આ પદક પોતાના નામે કર્યુ હતું. ઈંગ્લેન્ડની એથ્લીટને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
મીરાબાઈ ચાનૂની જેમ બિંદિયારાની પણ મણિપુરથી આવે છે. કોમનવેલ્થ ગેમ્સ 2021માં તેણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ પહેલા 2019માં રાષ્ટ્રમંડળ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બિંદિયારાની એક ખેડૂતની દીકરી છે અને કિરાણાની દુકાન ચલાવે છે. હાઈટ ઓછી હોવાને કારણે બિંદિયારાનીએ વેઈટલિફ્ટિંગની શરુઆત કરી હતી. બિંદિયારાની જણાવે છે કે, હું 2008થી 2012 સુધી તાઈક્વાંડો રમતી હતી પણ પછી મેં વેઈટલિફ્ટિંગ કરવાનો નિર્ણય લીધો. મને હાઈટની સમસ્યા હતી, માટે મારે શિફ્ટ થવુ પડ્યું. તમામ લોકોએ કહ્યું કે, મારી હાઈટ વેઈટલિફ્ટિંગ માટે યોગ્ય છે.
શનિવારનો તા.30મી જુલાઇ 2022 કોમનવેલ્થમાં ભારત માટે શાનદાર દિવસ રહ્યો હતો. ગેમ્સના બીજા દિવસે ભારતે બિંદિયારાનીના મેડલ સિવાય પણ ત્રણ મેડલ જીત્યા હતા. જેમાં દેશની સ્ટાર મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બર્મિંઘમમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. જ્યારે તે પહેલા યુવાન વેઈટલિફ્ટર સંકેત સરગરે ભારત માટે મેડલનું ખાતું ખોલાવતા સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે વેઈટલિફ્ટર ગુરૂરાજ પૂજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સંકેતનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું પરંતુ ક્લીન એન્ડ જર્કમાં પોતાના બીજા પ્રયાસમાં તેને હાથમાં ઈજા થઈ હતી જેના કારણે તેને એક કિલો વજનથી ગોલ્ડ મેડલ ગુમાવવો પડ્યો હતો. જ્યારે મીરાબાઈએ તો સ્નેચમાં 88 કિલો વજન ઉચકીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઉપરાંત નેશનલ રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેણે કુલ 201 કિલો વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે કોમનવેલ્થ ગેમ્સમાં તેનો ત્રીજો મેડલ હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.