CIA ALERT

રમત જગત Archives - Page 3 of 42 - CIA Live

June 10, 2025
dhoni.jpg
1min190

ભારતના પૂર્વ કેપ્ટન અને મહેન્દ્ર સિંહ ધોનીને ICCએ સન્માનિત કર્યું છે. ધોનીને ICC હોલ ઓફ ફેમ 2025 માં સામેલ કરવામાં આવ્યો છે. તે આ સન્માન મેળવનારો 11મો ભારતીય ક્રિકેટર છે. નોંધનીય છે કે, 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, ધોનીએ 2007 માં T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું અને ટીમને વિજય અપાવ્યો. તેણે 2011 માં ODI વર્લ્ડ કપ અને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 2009 માં પહેલીવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી. તેણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

ICC એ આ અંગે જણાવ્યું હતું કે, ‘દબાણમાં શાંત સ્વભાવ અને અજોડ વ્યૂહાત્મક કુશળતા તેમજ ટૂંકા ફોર્મેટમાં અગ્રણી ખેલાડી તરીકે જાણીતા, મહાન ફિનિશર, લીડર અને વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના વારસાને ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરીને સન્માનિત કરવામાં આવ્યો છે.’

ધોનીએ આ અંગે કહ્યું કે, ‘ICC હોલ ઓફ ફેમમાં નામ મેળવવું એ એક સન્માનની વાત છે, જે વિવિધ પેઢીઓ અને વિશ્વભરના ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન ખેલાડીઓ સાથે તમારું નામ હોવું એ એક અદ્ભુત અનુભૂતિ છે. આ એવી વસ્તુ છે જે હું હંમેશા યાદ રાખીશ.’

ICC હોલ ઓફ ફેમમાં સામેલ ભારતીય ક્રિકેટરોની યાદી

સુનીલ ગાવસ્કર

બિશેન સિંહ બેદી

કપિલ દેવ

અનિલ કુંબલે

રાહુલ દ્રવિડ

સચિન તેંડુલકર

વીનુ માંકડ

ડાયના એડુલજી

વીરેન્દ્ર સેહવાગ

નીતુ ડેવિડ

એમએસ ધોની

ICC એ હોલ ઓફ ફેમ 2025 માં પાંચ પુરુષ અને બે મહિલાઓ સહિત સાત ક્રિકેટરોનો સમાવેશ કર્યો છે. ધોની ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર હાશિમ અમલા અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીર અને ન્યૂઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર સારાહ ટેલરને પણ સામેલ કરવામાં આવ્યા છે.

June 4, 2025
rcb.jpg
3min169

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો છે. RCBની ટીમ ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવી IPL 2025ની ચેમ્પિયન બની ગઇ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને બેટિંગ આપી હતી. મેચમાં RCBએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. આ મેચમાં RCBની શરૂઆત સારી નહોતી. જો કે, જ્યારે પંજાબ 190 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી તો RCBના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને પંજાબને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 184 રન જ બનાવી શકી હતી. આ શાનદાર જીત સાથે RCB IPLના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બની ગઇ છે.

આઈપીએલની ફાઈનલમાં જીત થતાંની સાથે જ બેંગલુરૂ ટીમનો ખેલાડી વિરાટ કોહલી રડી પડ્યો હતો. આઈપીએલના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બેંગલુરૂ ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીએ જીત બાદ કહ્યું કે, ડિવિલિયર્સને રિટાયર થયાને ભલે ચાર વર્ષ થયા પણ મેં કહ્યું હતું કે, આ ટીમ હજુ પણ તારી એટલી જ છે જેટલી અમારી છે. આજે અમારી સાથે ટ્રોફી ઉંચકવામાં તે પણ પૂરેપૂરો હકદાર છે. મારું દિલ બેંગલુરૂની સાથે છે. મારી આત્મા બેંગલુરૂની સાથે છે અને આ તે ટીમ છે જેના માટે હું પોતાની છેલ્લી આઈપીએલ મેચ સુધી રમીશ. એક ખેલાડી તરીકે તમે મોટી જીતનું સપનું જુઓ છો અને તે સપનું પૂર્ણ ન થઈ શકે. આજે હું એક બાળકની જેમ ઊંઘવા જઈ રહ્યો છું.

કૃણાલ પંડ્યા 2017 અને 2025 એમ બે IPLની ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મેચ અવોર્ડ જીતનારો એકમાત્ર ખેલાડી બન્યો

IPL 2025માં પ્લેયર ઓફ ધ મેચ બનેલા કૃણાલ પંડ્યાએ કહ્યું કે, ‘પરિસ્થિતિ જોઇને શીખવું એ મારી સૌથી મોટી તાકાત એ છે, મેં હંમેશા મારી અંતરાત્મા અને સહજતાને ટેકો આપ્યો છે. જ્યારે હું આરસીબીમાં જોડાયો ત્યારે મેં કહ્યું કે મને ટ્રોફી જીતવાનું ખૂબ ગમે છે. મને ખુશી છે કે મેં જે કહ્યું હતું તે હકીકતમાં કરી શક્યો. ખૂબ સારું રહ્યું – 10 વર્ષ, 4 IPL ટ્રોફી. મેં હાર્દિકને પણ ફોન પર કહ્યું હતું કે, પંડ્યા પરિવારમાં 10 વર્ષમાં 9 IPL ટ્રોફી હશે.’

પ્રિયાંશ આર્યની કમાલ, ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બન્યો

IPL 2025ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સના બેટર પ્રિયાંશ આર્યએ 19 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સાથે જ પ્રિયાંશ આર્યએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રિયાંશ આર્ય IPL 2025માં 475 રન બનાવીને ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ દેવદત્ત પડીકલના નામે હતો. પડીકલે IPL 2020માં 473 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

IPLની સિંગલ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બન્યો શ્રેયસ અય્યર

IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જો કે, ફાઇનલમાં ખરાબ પ્રદર્શન કર્યો હોવા છતા આ સિઝનમાં શ્રેયસ અય્યરના નામે એક મોટો રેકોર્ડ સર્જાયો છે. શ્રેયસ અય્યર આઇપીએલના એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બની ગયો છે. શ્રેયસે આઇપીએલ 2025માં કુલ 39 છગ્ગા ફટકાર્યા છે. અગાઉ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. તેણે વર્ષ 2016માં કેપ્ટન તરીકે એક સીઝનમાં RCB માટે 38 છગ્ગા ફટકાર્યા હતા.

પંજાબ કિંગ્સની ઈનિંગ (184 રન / 7 વિકેટ – 20 ઓવર)

1) પ્રિયાંશ આર્ય (24 રન – 19 બોલ)
2) પ્રભસીમરન સિંહ (26 રન – 22 બોલ)
3) શ્રેયસ અય્યર (1 રન – 2 બોલ)
4) જોશ ઈંગ્લિસ (39 રન – 23 બોલ)
5) નેહલ વઢેરા (15 રન – 18 બોલ)
6) માર્કસ સ્ટોઈનિસ (6 રન – 2 બોલ)
7) અઝમતુલ્લાહ ઓમરઝઈ (1 રન – 2 બોલ)

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ઈનિંગ (190 રન / 9 વિકેટ – 20 ઓવર)

પંજાબના બોલર્સ સામે RCBના બેટર્સ લાચાર નજરે પડ્યા છે. બેંગલુરૂની ટીમે 9 વિકેટ ગુમાવીને પંજાબને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

1) ફિલ સોલ્ટ (16 રન – 9 બોલ)
2) મયંક અગ્રવાલ (24 રન – 18 બોલ)
3) રજત પાટીદાર (26 રન – 16 બોલ)
4) વિરાટ કોહલી (43 રન – 35 બોલ)
5) લિયામ લિવિંગસ્ટન (25 રન – 15 બોલ)
6) જિતેશ શર્મા (24 રન – 10 બોલ)
7) રૂમારિયો શેફર્ડ (17 રન – 8 બોલ)
8) કૃણાલ પંડ્યા (4 રન – 5 બોલ)
9) ભુવનેશ્વર કુમાર (1 રન -2 બોલ)

પંજાબે ટોસ જીતીને બેંગલુરુને આપી હતી બેટિંગ

બેંગલુરૂ વિરૂદ્ધ ફાઈનલમાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. બંને ટીમોએ પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર કર્યો ન હતો.

બંને ટીમોની પ્લેઇંગ 11

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂઃ ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રૂમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.

પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લાહ ઓમરઝઈ, કાઈલ જેમિસન, વિજય કુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ક્લોઝિંગ સેરેમનીમાં શંકર મહાદેવન સ્ટેજ પર

IPL 2025ના ક્લોઝિંગ સેરેમનીમાં પ્રખ્યાત ગાયક શંકર મહાદેવને પરફોર્મ કર્યું. શંકર મહાદેવન સાથે તેમના પુત્રો શિવમ અને સિદ્ધાર્થ મહાદેવન પણ હાજર રહ્યા હતા. સ્ટેડિયમ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સ્ટેડિયમમાં ‘જો લક્ષ્ય હૈ તેરા, લક્ષ્ય કો હર હાલ મેં પાના હૈ’, ‘સબસે આગે હોંગે હિન્દુસ્તાની’, ‘વંદે માતરમ્’, ‘કંધો સે મિલતે હે કંધે કદમો સે કદમ મિલતે હે’ જેવા રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈને માહોલ બનાવી દીધો છે. આખું અમદાવાદ સ્ટેડિયમ દેશભક્તિમાં ડૂબેલું લાગે છે. ‘જય હો’ ગીત સાથે ક્રૂએ ભારતીય સેનાને સન્માન આપ્યું.

સુનકે આરસીબી પ્રત્યે દર્શાવ્યો પ્રેમ

સુનકે કહ્યું કે, મારા લગ્ન બેંગલુરૂ પરિવારમાં થયા છે.જેથી આરસીબી મારી ટીમ છે. મેં કન્નડ ભાષામાં મારી પત્ની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મારા સાસુ-સસરાએ મારા લગ્ન બાદ મને આરસીબીની જર્સી ગિફ્ટ કરી હતી.

આઈપીએલમાં બેંગલુરૂ અને પંજાબ વચ્ચે અત્યારસુધી 36 મેચ રમાઈ છે. જેમાં બંને ટીમ 18-18 વખત વિજયી રહી છે. પંજાબ કિંગ્સ સામે આરસીબીનો સર્વોચ્ચ સ્કોર 241 રનનો રહ્યો છે. જે તેણે ગતવર્ષે બનાવ્યો હતો. બીજી બાજુ બેંગલુરૂ સામેની મેચમાં પંજાબ ટીમનો સર્વોચ્ચ સ્કોર 232 રન રહ્યો છે. જે 2011માં બનાવ્યો હતો.

છેલ્લા પાંચ મુકાબલાની વાત કરીએ તો આરસીબી સંપૂર્ણ રીતે પંજાબ કિંગ્સ પર હાવી બની શકે છે. છેલ્લી પાંચ મેચમાંથી ચાર વખત આરસીબી જીતી છે. તેણે ત્રણ મેચમાંથી બે વખત પંજાબને હરાવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર અત્યાર સુધી બેંગલુરૂ અને પંજાબ કિંગ્સ એક વખત જ આમને-સામને આવી છે. 2021માં આ સ્ટેડિયમમાં બંને વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ ચાર વિકેટથી વિજયી રહી છે. જો કે, 2025ની આઈપીએલમાં પંજાબની હાર થઈ છે.

June 2, 2025
IPL-25-Final.png
1min207

ક્રિકેટનો મહાકુંભ કહેવાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ અને બેંગલૂરુ વચ્ચે સાંજે 7.30 કલાકથી મુકાબલો શરૂ થશે. આઈપીએલ ફાઈનલમાં પણ વરસાદનું વિધ્ન નડી શકે છે. અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર-2માં પણ વરસાદ પડ્યો હતો અને મેચ વિલંબથી શરૂ થઈ હતી. આ સ્થિતિમાં જો આઈપીએલ 2025 ફાઈનલમાં વરસાદ પડે કે કોઈ અન્ય કારણોસર મુકાબલો ન રમાય તો ચેમ્પિયનનો નિર્ણય કેવી રીતે થશે તે જાણવું જરૂરી છે.

જો વરસાદ કે અન્ય કારણોસર 3 જૂને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે (4 જૂને) રમાશે. પરિણામ એક જ દિવસે આવે તે માટે બીસીસીઆઈએ વધારાનો 120 મિનિટનો સમય રાખ્યો છે. તેમ છતાં રિઝલ્ટ ન આવે તો મેચ રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડે પર મેચ જ્યાં અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. વરસાદ રિઝર્વ ડેના દિવસે પણ આવે અને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો ઈન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવરથી થઈ શકે છે.

જો સુપર ઓવર પણ ન થાય તો પોઈન્ટ ટેબલના આધારે વિજેતાનો નિર્ણય થશે. વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. જ્યારે આરસીબી બીજા ક્રમે છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સને વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.

રવિવારે (1 જૂન, 2025) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના ક્વોલિફાયર-2 મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી IPL ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે 3 જૂને પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમાશે.

રવિવારની મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી. જેમાં મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 204 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.

May 17, 2025
image-7.png
1min119

કતરની રાજધાની દોહામાં દોહા ડાયમન્ડ લીગ રમાઈ રહી છે, જેમાં ભારતના સ્ટાર ‘જૈવલિન થ્રોઅર’ નીરજ ચોપરાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો છે. નીરજ આવું કરનાર પ્રથમ ભારતીય જેવલિન થ્રોઅર બની ગયો છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે આ વર્ષે પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લઈ દોહા ડાયમંડ લીગ મીટમાં 90.23 મીટરના શાનદાર થ્રો કરી આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જોકે લીગમાં જૂલિયન વેબરે 91.09 મીટર દૂર ભાલો ફેંકતા નીરજ ચોપડા બીજા ક્રમે આવી ગયો છે.

નીરજ ચોપડા જેવલિન થ્રોઅરમાં 90 મીટર પાર કરનાર ભારતનો પ્રથમ ખેલાડી, વિશ્વનો 25મો અને એશિયાનો ત્રીજો ખેલાડી બની ગયો છે. પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ (92.97) અને ચાઇનીઝ તાઇપેઈના ચાઓ-સુન ચેંગ (91.36) એ એકમાત્ર અન્ય એથ્લેટ છે, જેમણે 90 મીટરથી વધુ ભાલો ફેંકનાર ખેલાડી બન્યા છે.

જુલિયન વેબરે 91.06 મીટર ભાલા ફેંક્યો છે. તેણે પોતાના અંતિમ થ્રોમાં નીરજ ચોપરાને પાછળ છોડી દીધો છે. જુલિયન વેબર માટે પણ આ કારકિર્દીનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન છે.

દોહા ડાયમંડ લીગમાં તમામ 11 ખેલાડીઓના શ્રેષ્ઠ થ્રો

જુલિયન વેબર (જર્મની) – 91.06 મીટર
નીરજ ચોપરા (ભારત) – 90.23 મીટર
એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) – 85.64 મીટર
કેશોર્ન વોલ્કોટ (ત્રિનિદાદ અને ટોબેગો) – 84.65 મીટર
મોહમ્મદ હુસૈન અહેમદ સમેહ (ઇજિપ્ત) – 79.42 મીટર
ઓલિવર હેલૈન્ડર (ફિનલેન્ડ) – 79.61 મીટર
જેકબ વાડલેચ (ચેક રિપબ્લિક) – 79.06 મીટર
કિશોર જેના (ભારત)- 78.60 મીટર
જુલિયસ યેગો (કેન્યા)- 78.52 મીટર
રોડરિક જી. ડીન (જાપાન) – 76.49 મીટર
મેક્સ ડેહનિંગ (જર્મની)- 74.00 મીટર
ચોપરાના ટોચના પાંચ થ્રો

89.94 મીટર સ્ટોકહોમ ડાયમંડ લીગ 2022
89.49 મીટર લૌઝેન ડાયમંડ લીગ 2024
89.45 મીટર પેરિસ 2024 ઓલિમ્પિક્સ – એફ
89.34 મીટર પેરિસ 2024 ઓલિમ્પિક્સ – ક્યૂ
89.30 મીટર પાવો નુરમી ગેમ્સ 2022

May 13, 2025
IPL_2022.jpg
1min203

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરાઇ હતી. જોકે, હવે બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ થતા BCCIએ IPL 2025નો નવો શેડ્યૂલ બહાર પાડ્યો છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે અને તમામ મુખ્ય હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા બાદ બોર્ડે સિઝનની બાકીની મેચો 17 મે, 2025 થી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

BCCIના નવા શેડ્યૂલ મુજબ IPL 2025ની તમામ મેચો 17 મે, 2025 થી શરૂ થશે અને 3 જૂન, 2025 ના રોજ સિઝનની ફાઇનલ મેચ રમાશે. સુધારેલા શેડ્યૂલ પ્રમાણે IPL 2025ની આગામી તમામ મેચો હવે બેંગલુરુ, દિલ્હી, જયપુર, મુંબઇ, અમદાવાદ અને લખનઉમાં રમાશે, આમ દેશના 6 સ્થળોએ કુલ 17 મેચો રમાશે. પ્લેઓફની મેચો 17 મેથી 27 મે દરમિયાન રમાશે જે પછી ક્વોલિફાયર 1 – 29 મે, એલિમિનેટર – 30 મે, ક્વોલિફાયર 2 – 1 જૂન, ફાઇનલ – 3 જૂનના રોજ રમાશે.

IPL 2025માં પોઇન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ મુજબ, ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) 16-16 પોઇન્ટ સાથે અનુક્રમે પહેલા અને બીજા ક્રમે છે. પંજાબ કિંગ્સ (PBKS) 15 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે, મુંબઇ ઇન્ડિયન્સ (MI) 14 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. આ ચારેય ટીમો ક્વોલિફાયર્સમાં પ્રવેશવા માટે મજબૂત દાવેદાર છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ (DC), કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા ક્રમે છે. આ ત્રણેય ટીમો હજુ ક્વોલિફાયર્સની રેસમાં સામેલ છે.

જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અનુક્રમે આઠમા, નવમા અને દસમા ક્રમે છે. આ ત્રણેય ટીમો પ્લેઓફમાંથી બહાર થઇ ગઇ છે. જો કે, આ ટીમો પ્લેઓફમાં તેમની બાકીની ઔપચારિક મેચો રમતા જોવા મળશે.

May 8, 2025
image-2.png
1min139

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ભારતીય ટેસ્ટ ટીમ નવા કેપ્ટન સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. જો કે, હજુ સુધી નવા કેપ્ટન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રોહિત શર્માને ટેસ્ટ મેચોમાં રમવા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રોહિત ટી-20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે, રોહિત શર્મા વનડેમાં રમવાનું ચાલુ રાખશે.

રોહિતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આ અંગે કહ્યું કે, ‘હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ટેસ્ટ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.’

આ નિર્ણયની સાથે જ રોહિત શર્માએ 11 વર્ષના લાંબા ટેસ્ટ કરિયરનો અંત થઈ ગયો. રોહિત શર્માએ 67 ટેસ્ટ રમી, જેમાંથી 24 ટેસ્ટમાં તેમણે કેપ્ટનશીપ કરી. તેમણે 12 સદી અને 18 અડધી સદી સહિત 40.57ની સરેરાશથી કુલ 4301 રન બનાવ્યા. રોહિતે ટેસ્ટમાં 88 છગ્ગા અને 473 ચોગ્ગા લગાવ્યા.

રોહિત વર્ષ 2010માં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ નાગપુરમાં પોતાની ટેસ્ટ ડેબ્યૂ કરવાના હતા, પરંતુ તે મેચમાં ટોસ પહેલા તેને ઈજા થઈ હતી. ત્યારબાદ તેમનું ટેસ્ટ ડેબ્યૂ ત્રણ વર્ષ બાદ થયું. તેમણે વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ વર્ષ 2013માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર પોતાની ડેબ્યૂ ટેસ્ટ પર સદી બનાવી. મુંબઈમાં પોતાની આગામી ટેસ્ટમાં તેમણે વધુ એક સદી ફટકારી. ત્યારે, રોહિતે છેલ્લી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બર 2024ના રોજ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમી હતી.

March 6, 2025
ind-vs-nz.jpg
1min254

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો 25 વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટકરાઈ હતી, જેમાં કિવી ટીમે જીત હાંસલ કરી હતી. હવે 25 વર્ષ બાદ ફરી એક વખત ભારત અને ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં આમને-સામને છે. બંને વચ્ચે 9 માર્ચના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ‘ટાઈટલ મેચ’ રમાશે. તમને જણાવી દઈએ કે, છેલ્લી વખત જ્યારે બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં આમને-સામને આવી હતી ત્યારે કીવી ટીમે ટીમ ઈન્ડિયાને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને અને ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને સ્થાન બનાવ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ આ ટૂર્નામેન્ટમાં એક જ ગ્રુપમાં સામેલ હતી. ગ્રુપ સ્ટેજના મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું.
25 વર્ષ પહેલા પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ

ચેમ્પિયન્સ ટ્રોફીની સેકેન્ડ એડિશન 2000માં કેન્યામાં યોજાઈ હતી, જે ન્યુઝીલેન્ડે જીતી હતી. કિવી ટીમ ફાઈનલમાં ભારતને હરાવીને ચેમ્પિયન બની હતી. આ સમયે ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી હતા અને પ્લેઇંગ 11માં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, રાહુલ દ્રવિડ, અજિત અગરકર, અનિલ કુંબલે, ઝહીર ખાન જેવા મોટા ખેલાડીઓ સામેલ હતા.

ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 264 રનનો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન ગાંગુલીએ 117 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સચિન તેંડુલકરે 69 રન બનાવ્યા અને બંનેએ પ્રથમ વિકેટ માટે 141 રનની પાર્ટનરશીપ કરી હતી. જોકે, ત્યારબાદ અન્ય બેટ્સમેનો મોટી ઈનિંગ્સ નહોતા રમી શક્યા. ટાર્ગેટનો પીછો કરતા ક્રિસ કેર્ન્સે 102 રનની મેચ-વિનિંગ ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડે 2 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું અને 4 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાને રનર-અપ રહીને સંતોષ માનવો પડ્યો હતો.

આમ તો બંને ટીમો ખૂબ જ મજબૂત છે, પરંતુ ટીમ ઈન્ડિયા પાસે 25 વર્ષ પહેલા રમાયેલી ફાઈનલ મેચનો બદલો લેવાની સારી તક છે. ટીમ ઈન્ડિયાએ તમામ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જીતી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડે દુબઈમાં આ ટુર્નામેન્ટ (ચેમ્પિયન્સ ટ્રોફી 2025)માં માત્ર એક જ મેચ રમી હતી, જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડ પાસે એક એડવાન્ટેજ એ છે કે તે આ ટૂર્નામેન્ટમાં એક મેચ દુબઈ સ્ટેડિયમમાં રમી ચૂક્યું છે. ભલે તેણે આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ પરંતુ ત્યાંથી તેઓ પરિસ્થિતિઓને અને ભારતીય ખેલાડીઓની ગેમને સમજ્યા હશે. એટલું નક્કી છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રોમાંચક હશે. આ ટાઈટલ મેચ દુબઈમાં 9 માર્ચે રમાશે.

January 20, 2025
niraj-chopra.jpeg
1min366

ભારતના ગોલ્ડન બોય અને ટોક્યો ઓલંપિકમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ (Neeraj Chopra) પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. નીરજ ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ત્રણ તસવીરો શેર કરી છે. આમાં તે તેમની પત્ની સાથે જોવા મળ્યા. નીરજે કેપ્શનમાં લખ્યું- મારા પરિવાર સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. નીરજે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, અમને આ ક્ષણ સુધી એકસાથે લાવનાર દરેક આશીર્વાદ માટે આભારી. પ્રેમથી બંધાયેલા અને હંમેશા માટે ખુશ.

નીરજ ચોપરા લગ્ન કરી લીધા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. નીરજની પત્નીનું નામ હિમાની છે. નીરજે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પત્ની હિમાની સાથે મંડપમાં બેઠેલી લગ્નની તસવીર શેર કરી. જેમાં પરિવારના થોડા જ સભ્યો જોવા મળ્યા હતા. તેમણે તેની માતા સાથેનો એક ફોટો પણ શેર કર્યો.

October 6, 2024
ICC_Womens_T20_World_Cup.jpg
1min183

મહિલા વર્લ્ડ કપમાં ભારત માટે રવિવારે દુબઈમાં પાકિસ્તાન સામે ‘કરો યા મરો’

હેડ-ટુ-હેડ મુકાબલામાં ભારત 12-3થી આગળ, બન્ને ટીમમાં કોણ-કોણ છે?

મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજય થયો એ સાથે સેમિ ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમ માટે અત્યારથી મુશ્કેલ તો થઈ જ ગયું, ન્યૂ ઝીલૅન્ડને લાગલગાટ 10 ટી-20માં પરાજય જોયા બાદ 11મી મૅચમાં વિજય માણવા મળી ગયો. હવે રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે (બપોરે 3.30 વાગ્યાથી) ભારતનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મુકાબલો છે. આ મૅચ ભારતે જીતવી જ પડશે અને ત્યાર બાદ 9મી ઑક્ટોબરે એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને પણ હરાવવું પડશે, કારણકે ત્યાર બાદ 13મી ઑક્ટોબરે ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે લોઢાના ચણા ચાવવાના છે એટલે એમાં વિજયની સંભાવના નહીંવત કહેવાય.

પાકિસ્તાન સામેનો રવિવારનો મુકાબલો જીતવો અત્યંત જરૂરી એ માટે છે કે કિવી ટીમ સામેની 58 રનના માર્જિનથી થયેલી હાર બાદ હવે વિમેન ઇન બ્લ્યૂને એક પરાજય પણ પરવડશે નહીં. ભારતનો રન રેટ -2.99 છે એટલે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા મોટા માર્જિનથી પાકિસ્તાન, શ્રીલંકા તથા ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવવો પડશે.

ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં નબળી પુરવાર થઈ હતી. બીજી બાજુ, ફાતિમા સનાના સુકાનમાં પાકિસ્તાનની ટીમે શ્રીલંકા સામે ગુરુવારે વિજય મેળવ્યો હતો. પાકિસ્તાનની ટીમ બે-અઢી દિવસના આરામ બાદ ભારત સામે રમવા આવી રહી છે, જ્યારે ભારતીય ટીમને શુક્રવારના પરાજય બાદ એક જ દિવસનો આરામ મળ્યો છે.

જોકે પાકિસ્તાન સામેની ટી-20માં ઇતિહાસ ભારતની તરફેણમાં છે એટલે હરમનપ્રીતની ટીમ જીતીને ફરી ટૂર્નામેન્ટના મુખ્ય પ્રવાહમાં આવી શકશે. ભારતે પાકિસ્તાનને 15માંથી 12 ટી-20માં હરાવ્યું છે અને ફક્ત ત્રણમાં જ પરાજય જોયો છે.

પાકિસ્તાનની બોલિંગ લાઇન-અપ મજબૂત છે. એમાં નિદા દર, ફાતિમા સના અને સાદિયા ઇકબાલનો સમાવેશ છે. તેમની સામે શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત, રિચા ઘોષ, જેમાઇમા રૉડ્રિગ્સ વગેરે બૅટર્સે સારું પર્ફોર્મ કરવું જ પડશે.

બન્ને દેશની ટીમ

ભારત:
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને સજીવન સજના.

પાકિસ્તાન:
ફાતિમા સના (કૅપ્ટન), ગુલ ફિરોઝા (વિકેટકીપર), આલિયા રિયાઝ, ડાયના બેગ, ઇરમ જાવેદ, મુનીબા અલી, નશરા સંધુ, નિદા દર, ઓમઇમા સોહેલ, સદફ શમાસ, સાદિયા ઇકબાલ, સિદરા અમીન, સઇદા શાહ, તસ્મિઆ રુબાબ, તુબા હસન.

October 3, 2024
ICC_Womens_T20_World_Cup.jpg
1min321

યુએઇમાં ગુરુવારે 3/10/24 મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને એ નિમિત્તે આઇસીસીએ પોસ્ટ કરેલી તમામ 10 ટીમની કૅપ્ટનોવાળી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

ગુરુવારે પ્રથમ મૅચ બાંગ્લાદેશ-સ્કૉટલૅન્ડ વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી રમાશે. બીજી મૅચ સાંજે 7.30 વાગ્યાથી પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતની પ્રથમ મૅચ આવતી કાલે ન્યૂ ઝીલૅન્ડ સામે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જોકે આ ટૂર્નામેન્ટની સૌથી મોટી મૅચ ભારત-પાકિસ્તાન વચ્ચેની છે જે રવિવારે બપોરે 3.30 વાગ્યાથી રમાશે.

હરમનપ્રીત કૌર ભારતની અને ફાતિમા સના પાકિસ્તાનની કૅપ્ટન છે.

મહિલાઓની ક્રિકેટમાં ભારતને ક્યારેય કોઈ વર્લ્ડ કપ ટ્રોફી નથી મળી. જોકે આ વખતે ભારતની મજબૂત ટીમ જોતાં ટાઇટલ મળવાની સંભાવના છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે એક મુલાકાતમાં કહ્યું છે, ‘એક જ વર્ષમાં જો ભારતને બે મોટા ટાઇટલ મળી જાય તો મજા પડી જાય.’

ભજ્જીનો કહેવાનો અર્થ એ હતો કે જૂનમાં રોહિત શર્માના સુકાનમાં ભારત ટી-20નો વર્લ્ડ કપ જીત્યું ત્યાર પછી હવે હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી પણ મળશે તો આ વર્ષ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

આ નવમો વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ છે. આઠમાંથી છ વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયા જીત્યું છે. એક ટાઇટલ ઇંગ્લૅન્ડ અને એક વેસ્ટ ઇન્ડિઝ જીત્યું છે. આ વખતે પણ વિકેટકીપર અલીસા હિલીના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે. ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ બુધવારે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં કોઈ પણ ટીમને એક પણ ભૂલ કરવી ન પરવડે. તેમની સામે દરેક પ્લેયરે બેસ્ટ પર્ફોર્મન્સ જ બતાવવો પડે.’

ભારત-ઑસ્ટ્રેલિયાની લીગ મૅચ રવિવાર, 13મી ઑક્ટોબરે સાંજે 7.30 વાગ્યાથી રમાશે.