15/8/2021 બુધવારથી શરૂ થતાં ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 2-0ના અપરાજીત સરસાઇના લક્ષ્ય સાથે મેદાને પડશે. પાંચ મેચની શ્રેણીમાં હાલ ભારત 1-0થી આગળ છે.
ઇંગ્લેન્ડનો ઇરાદો પલટવાર કરીને શ્રેણી 1-1ની બરાબરી પર લાવવાનો રહેશે. ત્રીજા ટેસ્ટ માટે રાહતની વાત એ છે કે અહીં વરસાદની શકયતા ઓછી છે. આથી ચોથા અને પાંચમા દિવસે હેડિંગ્લેની પિચ પર સ્પિનરોને મદદ મળી શકે છે.
ભારતીય ઇલેવનમાં સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના સ્થાને તક મળી શકે છે. જે બેટિંગમાં તો શાનદાર દેખાવ કરી રહ્યો છે, પણ બન્ને ટેસ્ટમાં તેના ખાતામાં એક પણ વિકેટ નથી. ત્રીજો ટેસ્ટ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 3-30થી શરૂ થશે.
ગેરશિસ્ત મુદ્દે ફોગાટને અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી. તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ ગેમ્સમાં ત્યાં સુધી રમી નહીં શકે જ્યાં સુધી નોટિસનો જવાબ નહીં આપે
ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ગેરશિસ્ત આચરવા સામે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ દેશની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટને અચોક્કસ સમય માટે સસ્પેન્ડ કરી દીધી છે. ફેડરેશનને ફોગાટની સાથી પહેલવાન સોનમ મલિકને પણ નોટિસ ફટકારી છે. વિનેશ ફોગાટે ફેડરેશનની કાર્યવાહી હેઠળ 16 ઓગસ્ટ સુધી પોતાની ગેરવર્તૂંણક કરવા પાછળની સ્પષ્ટતા આપવાની રહેશે. એમાં પણ વિનેશના જવાબ આપ્યા પછી છેલ્લો નિર્ણય ફેડરેશનનો રહેશે.
વિનેશે ટોકિયો ઓલિમ્પિક દરમિયાન ત્યાં રહીને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ સાથે તાલીમ લેવાથી ઇનકાર કરી દીધો હતો. માહિતી મુજબ વિનેશ ફોગાટે ભારતીય પહેલવાન સાથે તાલીમ લેવાથી ઇનકાર કર્યો હતો. એના વર્તન પરથી લાગતું હતું કે તે ભારતીય દળ સાથે નહીં પરંતુ હંગરી ટીમ સાથે આવી હતી. આ સિવાય તેણે સ્પોન્સરની ટી-શર્ટ પહેરવાથી પણ ઇનકાર કરી દીધો હતો. મેચ દરમિયાન તે Nikeની ટી-શર્ટ પહેરની મેદાનમાં ઉતરી હતી. ટોકિયો ઓલિમ્પિકમાં હાજર અધિકારીઓ મુજબ ફોગાટે એ સમયે પણ હંગામો કર્યો હતો જ્યારે તેને ભારતીયો સાથે એક રુમની ફાલવણી કરવામાં આવી હતી. તેનું કહેવું હતું કે સાથે રહેવાથી તેની પર કોરોના સંક્રમણનું જોખમ વધી જશે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની માહિતી મુજબ વિનેશને ગેરશિસ્ત મુદ્દે અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની કુશ્તી પર રોક લગાવી દેવામાં આવી છે. વિનેશ ફેડરેશનની નોટિસનો જવાબ નહીં આપે ત્યાં સુધી તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં.
ટ્રેંટબ્રિજનાં મેદાન પર તો વરસાદને લીધે ઇંગ્લેન્ડની લાજ બચી ગઈ પણ હવે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડસનાં મેદાન પર ગુરુવારથી ભારત અને ઇંગ્લેન્ડ આમને-સામને હશે ત્યારે મુકાબલો કસોકસનો બની રહેશે. લોર્ડસનું મેદાન ઝડપી બોલરો માટે સ્વર્ગ માનવામાં આવે છે. આ વખતે લોર્ડસમાં ગ્રીનટોપ વિકેટ પર બન્ને ટીમના બેટ્સમેનોની કસોટી થવી નક્કી છે. એવામાં ટીમ ઇન્ડિયાની ઇન ફોર્મ ફાસ્ટ બોલિંગને તેનો ફાયદો મળી શકે છે. બીજી તરફ ઇંગ્લેન્ડ માટે વાપસીની તક રહેશે. જો કે લોર્ડસનાં મેદાન પરની ભારતની ટેસ્ટ સફર હજુ સુધી નિરાશાજનક રહી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડસ પર ટીમ ઇન્ડિયા પહેલીવાર 1932માં ટેસ્ટ રમવા ઉતરી હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતીય ટીમને ફક્ત બે જીત જ નસીબ થઈ છે.
લોર્ડસનાં મેદાન પર ટીમ ઇન્ડિયા 2018 સુધીમાં કુલ 18 ટેસ્ટ મેચ રમી છે. જેમાં ફક્ત બે મેચમાં જ જીત મળી છે જ્યારે 12 મેચમાં હાર સહન કરવી પડી છે. ચાર મેચ ડ્રો રહ્યા છે. છેલ્લે 2018માં વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ લોર્ડસનાં મેદાન પર કંગાળ દેખાવ કરીને એક દાવ અને 1પ9 રને હારી હતી. ઇંગ્લેન્ડના ઝડપી બોલિંગ આક્રમણ સામે ભારતીય ટીમ બન્ને દાવમાં નતમસ્તક થઈ હતી અને મહામુસિબતે 100ના આંકડાને પાર કરી શકી હતી. એન્ડરસન અને બ્રોડે એ મેચમાં ભારતીય બેટધરોને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા.
ખાસ વાત એ રહેશે કે ભારતીય સુકાની લોર્ડસનાં મેદાન પર તેની સદીના દુકાળને ખતમ કરવા પણ ઇચ્છશે. તે આમ પણ હજુ સુધી લોર્ડસના ઐતિહાસિક મેદાન પર ત્રણ આંકડે પહોંચી શક્યો નથી. મહાન સચિન તેંડુલકર અને સુનિલ ગવાસ્કર પણ લોર્ડસમાં સદીથી વંચિત રહ્યા છે.
કોહલી આ કમનસીબ સૂચિમાં સામેલ થવા ઇચ્છશે નહીં. કોહલી પાછલી 9 ટેસ્ટની 1પ ઇનિંગથી સદી કરી શક્યો નથી. છેલ્લે તેણે નવેમ્બર-2019માં સદી કરી હતી. આ પછી 1પ ઇનિંગમાં તે ફક્ત 34પ રન જ કરી શક્યો છે. સરેરાશ 23.00 છે. લોર્ડસ પર ગવાસ્કરે 10 ઇનિંગમાં 340 રન અને સચિન તો અહીં 9 ટેસ્ટ ઇનિંગ અર્ધસદી પણ કરી શક્યો નથી. કોહલી લોર્ડસમાં ચાર ઇનિંગ રમી ચૂક્યો છે. જેમાં તેનાં નામે 6પ રન છે. શ્રેષ્ઠ સ્કોર 2પ છે.
ભારતે શુક્રવારે મેચના ત્રીજા દિવસે 4 વિકેટે 125 રનના સ્કોરથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. લોકેશ રાહુલ અને રિશભ પંત બેટિંગમાં હતા. જોકે, પંત વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને 25 રન નોંધાવીને આઉટ થયો હતો. પરંતુ લોકેશ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની અડધી સદી બાદ જસપ્રિત બુમરાહે રમેલી આક્રમક ઈનિંગ્સની મદદથી ભારત સરસાઈ મેળવવામાં સફળ રહ્યું હતું.
ભારત પ્રથમ દાવમાં 84.5 ઓવરમાં 278 રનમાં ઓલ-આઉટ થઈ ગયું હતું. વિરાટ કોહલીની ટીમે 95 રનની સરસાઈ મેળવી લીધી હતી. ભારતે ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટી લીધો હતો. ભારત માટે રાહુલે 84 અને રવીન્દ્ર જાડેજાએ 56 રન નોંધાવ્યા હતા. જ્યારે ઓલી રોબિન્સને પાંચ અને એન્ડરસને ચાર વિકેટ ઝડપી હતી.
ઝડપી બોલર ઓલી રોબિન્સન તથા જેમ્સ એન્ડરસને તરખાટ મચાવ્યો હોવા છતાં લોકેશ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટ્ટિંગહામમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પ્રથમ દાવમાં મહત્વની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, બીજા દાવમાં ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી છે. પરંતુ ત્રીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને રમત વહેલી પૂરી કરી દેવી પડી હતી.
ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઈંગ્લેન્ડે તેના બીજા દાવમાં વિના વિકેટે 25 રન નોંધાવ્યા છે. ડોમિનિક સિબ્લી 9 અને રોરી બર્ન્સ 11 રને રમતમાં છે. હાલમાં ઈંગ્લેન્ડ 70 રન પાછળ છે.
ટોક્યો ઓલમ્પિકમાં હોકીમાં ભારતનો તિરંગો લહેરાયો છે. ભારતની પુરુષોની હોકી ટીમ આજે બ્રોન્ઝ મેડલ માટે જર્મની સામે રમવા ઊતરી હતી. ભારતીય ટીમનો જર્મની સામે 5-4થી વિજય થયો છે અને બ્રોન્ઝ મેડલ ભારતની ઝોળીમાં આવી ગયો છે.
ભારતીય પુરુષ હોકી ટીમે જર્મનીને હરાવીને ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ભારતે 1980 બાદ પહેલીવાર ઓલિમ્પિક મેડલ પાક્કો કર્યો છે. ભારતે બ્રોન્ઝ મેડલ જીતવા માટે જર્મનીને 5-4થી હરાવ્યું છે. ભારતયી પુરુષ હોકી ટીમના આ વર્ષના પ્રદર્શનના કારણે ઘણી આશાઓ હતી કે ટીમ મેડલ જીતશે અને આખરે ટીમે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં દમદાર ગણાતી જર્મનીની ટીમને શરુઆતની લીડ બાદ પછડાટ આપીને જીત હાંસલ કરી લીધી છે.
શરુઆતમાં 0-2થી જર્મનીની ટીમ આગળ ચાલી રહી હતી પરંતુ આ પછી ભારતે શાનદાર પ્રદર્શન કરીને 3-5થી આગળ ચાલી રહ્યું હતુ અને અંતમાં મેચનું પરિણામ 5-4 રહ્યું અને ભારતે જીત મેળવી લીધી હતી. ચોથા ક્વાર્ટરમાં જર્મનીને પેનલ્ટી કોર્નરમાં ચોથો ગોલ કર્યો હતો. ફાઈનલ ક્વાર્ટરમાં ભારતીય ટીમ 5-4થી આગળ હતી. આ પછી મેચની સાતમી મિનિટે મનદીપ સિંહ પાસે સાતમો ગોલ કરવાની તક હતી પરંતુ તેમાં તેઓ અસફળ રહ્યા હતા. જોકે, ભારતીય ટીમ જર્મની ટીમને સારી ટક્કર આપીને પાંચમા ગોલ સાથે બરાબરી કરતા રોકીને મેચ પર કબજો કરી લીધો હતો.
ભારતીય બોલર્સનું શાનદાર પ્રદર્શન, પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડ 183 રનમાં આઉટ, જો રૂટની અડધી સદી
જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે બુધવારથી નોટ્ટિંગહામમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. ભારતે મેચના પ્રથમ દિવસે યજમાન ટીમને આઉટ કરી દીધી હતી. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટાઈ ગયો હતો. જસપ્રિત બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 21 રન નોંધાવ્યા છે. લોકેશ રાહુલ અને રોહિત શર્મા 9-9 રન પર રમતમાં છે.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર ઈંગ્લેન્ડને પ્રથમ ફટકો પડ્યો હતો. જસપ્રિત બુમરાહે રોરી બર્ન્સને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. બર્ન્સ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ ડોમિનિક સિબ્લી અને ઝેક ક્રાઉલીની જોડીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 42 રનની ભાગીદારી નોંધાવી હતી.
પરંતુ આ જોડી વધારે જોખમી બને તે પહેલા જ મોહમ્મદ સિરાજે ક્રાઉલીને આઉટ કરીને ભારતને મહત્વની સફળતા અપાવી હતી. ક્રાઉલીએ 68 બોલમાં ચાર ચોગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મોહમ્મ શમીએ સિબ્લીને આઉટ કરવામાં સફળતા મેળવી હતી. તેણે 70 બોલમાં 18 રન નોંધાવ્યા હતા.
ત્યારબાદ સુકાની જો રૂટ અને જોની બેરસ્ટોએ ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. રૂટ અને બેરસ્ટોએ 72 રનની ભાગીદારી નોંધાવી હતી. આ જોડીએ ઈંગ્લેન્ડને મેચમાં પાછુ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેવા સમયે જ શમીએ બેરસ્ટોને આઉટ કરીને ભારતને રાહતનો શ્વાસ અપાવ્યો હતો. બેરસ્ટોએ 71 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 29 રન નોંધાવ્યા હતા. જ્યારે રૂટે અડધી સદી ફટકારી હતી. રૂટે 108 બોલમાં 64 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં 11 ચોગ્ગા સામેલ હતા.
આજ (4/8/21)થી ટીમ India Vs England ટેસ્ટ ક્રિકેટ
વિરાટ કોહલીના કપ્તાનપદ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમના ઇંગ્લેન્ડ વિરૂધ્ધના પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત આવતીકાલ બુધવારથી થશે. ત્યારે કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીની ટીમ સંયોજન પસંદ કરવાની રણનીતિ તૈયાર કરવાની પરીક્ષા થશે.
કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ઇલેવન પહેલા જાહેર કરી દીધી હતી, બાદમાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર ન કરવાનું પરિણામ સહન કરવું પડયું હતું. આવતીકાલથી શરૂ થતાં પહેલા ટેસ્ટમાં રોહિત શર્માના દાવનો પ્રારંભ કરવાનું કેએલ રાહુલનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. કારણ કે મયંક અગ્રવાલ માથાની ઇજાને લીધે પહેલા ટેસ્ટની બહાર થઇ ગયો છે. રાહુલ અનુભવી અને છે અને અભ્યાસ મેચમાં સદી કરી ચૂક્યો છે.
ઇંગ્લેન્ડની ટીમ તેના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસની ગેરહાજરી સાથે મેદાને પડશે. સ્ટોકસે ફરી એકવાર માનસિક તનાવનો હવાલો આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો છે.
પહેલા ટેસ્ટમાં ભારત ચાર ઝડપી બોલર અને એક સ્પિનર સાથે ઉતરે છે કે બે સ્પિનર અને ત્રણ ઝડપી બોલર સાથે તે મહત્ત્વનું બની રહેશે. જો અશ્વિન અને રવીન્દ્ર ઇલેવનમાં સામેલ હશે તો જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાઝમાંથી એકને બહાર બેસવું પડી શકે છે. બુમરાહ પાછલા કેટલાક સમયથી તેની ધાર ખોઇ ચૂક્યો છે. અનુભવી ઇશાંત અને શમીને પડતા મૂકવાનો જુગાર ભારત ખેલી શકે નહીં. ટોસની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની બની રહેશે. જો બુધવારે વાદળછાયું વાતવરણ હશે તો ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. પાછલા કેટલાક સમયથી ધ વોલ ચેતેશ્વર પુજારાનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. તેના પર રન કરવાનું દબાણ રહેશે. ઉપસુકાની રહાણેને ફિટનેસની સમસ્યા છે.
ભારતીય બેટધરોને ફરી એકવાર ડયૂક બોલથી દુનિયાની શ્રેષ્ઠ ઝડપી બોલિંગ જોડી જેમ્સ એન્ડરસન અને સ્ટૂઅર્ટ બ્રોડનો સામનો કરવાનો રહેશે. તેની સાથે માર્ક વૂડ અને ઓલિ રોબિન્સન હશે.
ઇંગ્લેન્ડની ટીમ જો રૂટના સુકાનીપદ હેઠળ પાંચ ટેસ્ટની શ્રેણી જીતવાનો ભરપૂર પ્રયાસ કરશે. કારણ કે બાદમાં તેમને એશિઝ સિરીઝ રમવાની છે. સુકાની રૂટ ઉપરાંત રોરી બર્ન્સ, જેક ક્રાઉલી, ડેન લોરેંસ, ઓલી પોપ અને જોસ બટલર ભારતીય બોલરોની કસોટી કરશે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારથી 3-30થી શરૂ થશે અને સોની સ્પોર્ટસની ચેનલ પરથી જીવંત પ્રસારણ થશે.
એલેક્સઝેન્ડર હેન્ડરિક્સની શાનદાર હેટટ્રિકની મદદથી બેલ્જિયમે ટોકિયો ઓલિમ્પિક હોકી સેમિફાઈનલમાં ભારતીય પુરુષ ટીમને 5-2થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. બન્ને ટીમો વચ્ચે ત્રણ ક્વાર્ટરમાં બરાબર હતી, પરંતુ અંતિમ ક્વાર્ટરમાં બેલ્જિયમે દમદાર ગેમ રમીને આગેકૂચ કરી લીધી. ભારતીય ટીમ હવે બ્રોન્ઝ માટે રમવા માટે ઉતરશે.
હાફ ટાઈમ સુધી બન્ને ટીમ-2-2ની બરાબરી પર હતી. બન્ને ટીમ વચ્ચે સમતોલ સ્પર્ધા ચાલી રહી હતી. બન્ને ટીમના ખેલાડીઓ ચાન્સ આપવા માટે તૈયાર નહોતા. આવામાં બન્ને ટીમને ચાન્સ મળ્યા અને 2-2 ગોલ કરીને બરાબરી કરી લીધી હતી. બેલ્જિયમે બીજી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો તે પછી ભારતીય ટીમે કમબેક કર્યું હતું. અને લેવલ બરાબર કર્યું હતું.
ભારતીય ટીમમાં હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોલરલાઈન 1-1થી બરાબર કરી દીધી હતી. આ પછી મનદીપે ગોલ કરીને ભારતને આગળ પહોંચાડ્યું હતું. જોકે, બેલ્જિયમના હેન્ડરિક્સે પેલન્ટી કોર્નર પર બરાબરી કરી લીધી હતી.
ત્રીજા ક્વાર્ટરમાં બેલ્જિયમે વાઝોડાની જેમ ઉતરી હતી. બેલ્જિયમે અહીં પહેલા હાફમાં જ ગોલ કરીને સારી શરુઆત કરી લીધી હતી. આ પછી ભારતે આગળ નીકળવા માટે પ્રયાસો કર્યા ત્યાં બેલ્જિયમ 5-2થી આગળ નીકળી ગયું હતું. બેલ્જિયમ રિયો ઓલિમ્પિક બાદ સતત બીજીવાર ફાઈનલમાં પહોંચી છે, હવે ટીમ પાસે ગોલ્ડ જીતવાની તક છે. જ્યારે ભારતીય ટીમ પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક રહેલી છે.
ભારતીય સ્ટ્રાઈકર મનદીપ સિંઘે જણાવ્યું છે કે, આ અમારા માટે ખરાબ દિવસ રહ્યો છે, કારણ કે અમે સેમિફાઈનલ ગુમાવી છે. પરંતુ હજુ અમારી પાસે એક મેચ છે. જેથી અમે બ્રોન્ઝ જીતવા માટે મહેનત કરીશું. અમે સર્કલમાં અને PCsમાં પણ કેટલીક મોટી ભૂલ કરી દીધી હતી. અમે આગામી મેચમાં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. અમે આગામી મેચ સાથે બ્રોન્ઝ સાથે જીતી લઈએ તે માટે એક બીજાને પ્રોત્સાહિત કરીશું.
41 વર્ષ પછી ભારતે સેમિફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી દીધો હતો, ત્યારે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લાઈવ મેચ જોવા બેસી ગયા હતા. ભારતીય ટીમ પાસે ઘણી આશા હતી પરંતુ બેલ્જિયમની ટીમ ચેમ્પિયનની જેમ રમી હતી, આમ છતાં ભારત પાસે હજુ પણ મેડલ જીતવાની તક રહેલી છે. વડાપ્રધાન મોદીએ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા લખ્યું છે કે, હાર અને જીત તો રમતનો ભાગ છે, તમે આગામી મેચમાં સારું પ્રદર્શન કરો તેવી શુભેચ્છાઓ.
ભારતીય સમય પ્રમાણે આજે સવારે 6 વાગ્યે શરું થયેલી પૂલ એની ભારત આર્જેન્ટીના વચ્ચેની પુરુષ હોકી મેચમાં ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-1થી હરાવ્યું. આર્જેન્ટિનાની ટીમ ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન આગળ પોતાને લાચાર અનુભવી રહી હતી.
ભારતીય પુરુષ હોકી ટીમ (Indian Hockey Team)એ ઓલમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમે પોતાની ચોથી મેચમાં 2016 રિયો ઓલમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ આર્જેન્ટિના (India Beat Argentina)ની ટીમને 3-1થી મ્હાત આપી.
ટીમની આ ચાર મેચોમાંથી ત્રીજી જીત છે. ટીમને ન્યૂઝીલેન્ડ, સ્પેન અને આર્જેર્ન્ટિનાની વિરુદ્ધ જીત મળી છે. ભારતને માત્ર ઓસ્ટ્રેલિયાથી હાર મળી. ટીમ ગ્રુપ-એની પોતાની અંતિમ મેચમાં 30 જુલાઈએ મેજબાન જાપાન સામે ટકરાશે.
ભારત તરફથી વરુણકુમાર, વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યો. ભારતીય ટીમની આ ઓલિમ્પિકમાં આ ત્રીજી જીત છે. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ સ્પેન અને ન્યૂઝીલેન્ડને હરાવ્યા હતા. ભારતે છેલ્લે 43મી મિનિટે ગોલ કરીને બરાબરીના મેચમાં સરસાઈ મેળવી હતી. ટીમે ખૂબ જ શાનદાર રીતે રેફરલ લીધા હતા. જેનો ફાયદો ટીમને મળ્યો હતો. વરુણ કુમારે ખૂબ જ સફળતાપૂર્વક ગોલ કર્યો હતો. આર્જેન્ટિના તરફથી મેચની 47મી મિનિટમાં એક ગોલ થયો હતો. જે Maico Casella એ પેનલ્ટી કોર્નરમાં ગોલ કર્યો હતો. જ્યારે ભારત તરફથી પહેલો ગોલ વરુણકુમારે કર્યો હતો જે પેનલ્ટી કોર્નર દ્વારા થયો હતો.
ત્રીજી જીતની સાથે ભારતીય હોકી ટીમ ગ્રુપ-એમાં 9 પોઇન્ટની સાથે બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાએ તમામ 4 મેચ જીતી છે અને 12 પોઇન્ટની સાથે ટીમ ટોપ પર છે. સ્પેન, ન્યૂઝીલેન્ડ અને આર્જેન્ટિનાને ત્રણેય ટીમ 4-4 મેચ બાદ 4-4 પોઇન્ટ છે. પરંતુ ગોલ સરેરાશના આધાર પર સ્પેન ત્રીજા નંબરે, ન્યૂઝીલેન્ડ ચોથા અને આર્જેન્ટિનાની ટીમ પાંચમા સ્થાન પર છે. મેજબાન જાપાનના 4 મેચમાં 1 પોઇન્ટ છે. ટીમે હજુ સુધી કોઈ મેચ જીતી નથી.
બીજી તરફ સિંધુ પણ ગેમમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે અને તેણે હજુ સુધી એક પણ ગેમ હારી નથી. સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી જ્યારે બીજી ગેમ તેણે 21-13થી જીત છે. આ સાથે સિંધુ મેડલની વધુ નજીક આવી છે. પીવી સિંધુએ મુકાબલામાં મિયા બ્લિચફેલ્ટની વિરુદ્ધ સારી શરૂઆત કરી. પહેલી ગેમમાં તે એક સમયે 11-6થી આગળ હતી. ત્યારબાદ સ્કોર 13-11 થઈ ગયો. બાદમાં 16-12 સ્કોર પર ડેનમાર્કની મિયા બ્લિચફેલટે વાપસી કરી અને સ્કોર 16-15 થઈ ગયો. જોકે ત્યારબાદ સિંધુએ વાપસી કરી અને પહેલી ગેમ 21-15થી જીતી લીધી. આ ગેમ 22 મિનિટ સુધી ચાલી. આ ગેમની સરેરાશ રૈલી 14 શોટની રહી. સિંધુને ઓલમ્પિકમાં છઠ્ઠો રેન્ક મળી ગયો છે.
સમગ્ર વિશ્વને જીવલેણ ભરડામાં લેનાર કોરોના વાઇરસ મહામારી વચ્ચે આજે શુક્રવાર તા.23 જુલાઇ 2021થી જાપાનની રાજધાની ખાતે ટોકયો ઓલિમ્પિકનો સત્તાવાર પ્રારંભ સાદગીપૂર્ણ અને નાના સમારોહથી કરવામાં આવ્યો છે. કોરોનાને લીધે એક વર્ષ સ્થગિત થયા બાદ પહેલીવાર બંધ સ્ટેડિયમોમાં દર્શકોની ગેરહાજરી વચ્ચે યોજાઇ રહેલા ઓલિમ્પિક રમતોત્સવમાં 206 દેશના 11238 ખેલાડીઓ તા. 8 ઓગસ્ટ સુધી ચંદ્રક માટે એડી ચોટીનું જોર લગાવશે.
ટોકયોના ખેલ મહાકુંભમાં ભારતના 124 એથ્લેટ પડકાર આપશે. જેમાં અનેક ખેલાડી ઇતિહાસ રચીને ચંદ્રક જીતવાના પ્રબળ દાવેદાર છે. ખાસ કરીને રિયો ઓલિમ્પિકની સિલ્વર ગર્લ પીવી સિંધુ, કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટ, નિશાનબાજ સૌરભ ચૌધરી, મનુ ભાકર, કુસ્તી ખેલાડી બજરંગ પૂનિયા, બોકિસંગના ખેલાડીઓ, આર્ચરીમાં દીપિકાકુમારી, ભાલા ફેંકમાં નિરજ ચોપરા, હોકીની પુરુષ ટીમ ટોકયો ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચી શકે છે. આ સિવાયના અન્ય ભારતીય ખેલાડીઓ પણ સુખદ પરિણામ આપવા ઉત્સાહિત છે. રિયો ઓલિમ્પિકમાં માત્ર બે ચંદ્રક જીતનાર ભારતને આ વખતે ટોકયોમાં ડબલ ફીગરમાં પહોંચવાનો ભરોસો છે. એક અબજ અને 30 કરોડની જનસંખ્યા ધરાવતા ભારત દેશ પાસે ઓલિમ્પિક ઇતિહાસમાં ફકત 28 ચંદ્રક છે. જેમાં 8 ગોલ્ડ તો ફકત હોકીના છે. એકમાત્ર વ્યકિતગત ગોલ્ડ મેડલ નિશાનેબાજ અભિનવ બિન્દ્રાના નામે છે. જે તેણે 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં જીત્યો હતો. હવે દેશના ખેલાડીઓ પાસે નવો ઇતિહાસ રચવાનો મોકો છે. પૂરા દેશની આશા આ ખેલાડીઓ પર ટકી છે. મેદાન પરની તેમની સફળતા કોરોના મહામારીને લીધે પેદા થયેલા હતાશા, દુ:ખ, દર્દ, ડર અને આશંકાઓને ભુલાવવામાં નિમિત બની શકે છે. દુનિયાના સૌથી વધુ વસતિવાળા શહેર પૈકીના એક ટોક્યો પરથી હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. આમ છતાં આયોજકોને વિશ્વાસ છે કે ઓલિમ્પિકનું આયોજન સફળતાથી પાર પડશે. આ વખતે ભારતના 124 એથ્લેટ ટોકયો ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. જેમાં 69 પુરુષ અને પપ મહિલા ખેલાડી છે. બાકીનો સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓ છે. ભારતીય ખેલાડીઓ 8પ મેડલની દાવેદારી રજૂ કરશે. ટોકયો ઓલિમ્પિકમાં કુલ 33 રમતની જુદી જુદી 339 સ્પર્ધા યોજાશે.
સતત ત્રણ જીત બાદ વેસ્ટ ઇન્ડિઝની આ વિજય યાત્રા પર આખરે ઓસ્ટ્રેલિયાએ બ્રેક લગાવીને ચોથા ટી-20 મેચમાં 4 રને રોમાંચક જીત મેળવી છે અને શ્રેણી હારનું અંતર ઘટાડીને 1-3 કર્યું છે. આ મેચમાં આખરી ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 11 રન કરવાના હતા પણ કાંગારુ ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે ટી-20 ક્રિકેટની તેની અત્યાર સુધીની શ્રેષ્ઠ બોલિંગ કરીને કેરેબિયન ફટકાબાદ આંદ્રે રસેલને છેલ્લે સુધી બાંધી રાખ્યો હતો.
સ્ટાર્કે આખરી ઓવરના પ્રથમ ચાર દડામાં રસેલને એક પણ રન કરવા દીધો ન હતો. પાંચમા દડે બે અને આખરી દડે ચાર રન આપ્યા હતા. આથી ઓસ્ટ્રેલિયાનો 4 રને વિજય થયો હતો. એક સમયે વિન્ડિઝને આખરી ત્રણ ઓવરમાં 47 રનની જરૂર હતી ત્યારે રસેલ અને ફેબિયન એલેને જોરદાર ફટકાબાજી કરીને વિન્ડિઝને જીતની નજીક લાવી દીધું હતું પણ સ્ટાર્કે આખરી ઓવરમાં 11 રનના બદલે ફકત 6 રન જ થવા દેતા જીત ઓસિ.ની થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 189 રનનો મજબૂત સ્કોર કર્યો હતો.
જવાબમાં વેસ્ટ ઇન્ડિઝના 6 વિકેટે 18પ રન થયા હતા. ઓલરાઉન્ડ દેખાવ કરનાર મિચેલ માર્શ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.
ઓસ્ટ્રેલિયાએ મિચેલ માર્શના 44 દડામાં 4 ચોક્કા-6 છક્કાથી 7પ રન અને સુકાની એરોન ફિંચના પ3 રનથી 6 વિકેટે 189 રન કર્યા હતા. વિન્ડિઝ સ્પિનર હેડન વોલ્શે 27 રનમાં 3 વિકેટ લીધી હતી. જવાબમાં વિન્ડિઝની શરૂઆત સારી રહી હતી. ઓપનર લેન્ડલ સિમન્સે 48 દડામાં 10 ચોક્કા-2 છક્કાથી 72 અને લૂઇસે 31 રન કર્યા હતા. આ પછી ગેલ (1) સહિતના મીડલઓર્ડર બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. આખરમાં ફેબિયન એલન 14 દડામાં 2 ચોક્કા અને 3 છક્કાથી 29 રને આઉટ થયો હતો જ્યારે રસેલ 13 દડામાં 3 છક્કાથી 23 રને નોટઆઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે 24 રનમાં 3 વિકેટ લીધી હતી. ઝમ્પાને બે વિકેટ મળી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.