ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે (ભારતીય સમય મુજબ સવારે 9.00 વાગ્યાથી) વન-ડે સિરીઝની પ્રથમ મૅચ શરૂ થશે અને એ સાથે રોહિત શર્મા તથા વિરાટ કોહલી જેવા બે મહારથીઓના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે જ, નવા સુકાની શુભમન ગિલ ટેસ્ટ પછી હવે વન-ડેમાં સુકાન કેવી રીતે સંભાળે છે અને બૅટિંગમાં પોતે કેવું પર્ફોર્મ કરે છે એ જોવામાં પણ સૌને રસ રહેશે.
ઉલ્લેખનીય છે કે ભારતીયો છેલ્લે ડિસેમ્બર, 2020માં ઑસ્ટ્રેલિયા (Australia)માં વન-ડે શ્રેણી રમ્યા હતા જેમાં આરૉન ફિન્ચના સુકાનમાં વિરાટ કોહલી ઍન્ડ કંપનીનો 1-2થી પરાજય થયો હતો.
જોકે એ શ્રેણીની છેલ્લી વન-ડે એટલે કે બીજી ડિસેમ્બર, 2020ના રોજ રમાઈ હતી જેમાં ભારતે (India) 13 રનથી વિજય મેળવીને પોતાનો વાઇટવૉશ ટાળ્યો હતો. ખુદ વિરાટે એમાં 63 રન કર્યા હતા. જોકે એ મૅચના બીજા મૅચ-વિનર્સ આ વખતની સિરીઝમાં નથી.
પાંચ વર્ષ પહેલાંની એ મૅચમાં હાર્દિક પંડ્યાએ અણનમ 92 રન અને રવીન્દ્ર જાડેજાએ અણનમ 66 રન કરીને ભારતને 302/5નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. શાર્દુલ ઠાકુરની ત્રણ તેમ જ જસપ્રીત બુમરાહ અને નટરાજનની બે-બે વિકેટ અને જાડેજા-કુલદીપની એક-એક વિકેટને કારણે ઑસ્ટ્રેલિયાની ટીમ 289 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ભારતનો રોમાંચક વિજય થયો હતો.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 1980થી 2025 સુધીમાં કુલ 152 વન-ડે રમાઈ છે જેમાંથી 84 ઑસ્ટ્રેલિયાએ અને 58 ભારતે જીતી છે. 10 વન-ડે અનિર્ણીત રહી છે. ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીયો એની સામે 54 વન-ડે રમ્યા છે જેમાંથી માત્ર 14 જીત્યા છે અને 38 હાર્યા છે. બે મૅચ અનિર્ણીત રહી છે.
અમદાવાદને વર્ષ ૨૦૩૦ના શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળશે તે લગભગ નક્કી થઈ ગયું છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે જ ગેમ્સની જનરલ એસેમ્બલીને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે. હાલના તબક્કે અમદાવાદ એકમાત્ર એવું શહેર છે કે, જેની ભલામણ કરવામાં આવી છે. હવે જનરલ એસેમ્બલીની મિટિંગમાં ૨૬મી નવેમ્બરે અમદાવાદના નામ પર મંજૂરની મહોર મારવાની ઔપચારિકતા જ બાકી રહી ગઈ છે.
ભારતની સાથે ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવાની રેસમાં નાઈજીરિયાની રાજધાની અબુજા પણ હતુ. જોકે, કોમનવેલ્થ સ્પોર્ટ્સે આફ્રિકન દેશને ૨૦૩૪ સહિતની ભાવિ ગેમ્સનું આયોજન સોંપવા માટેના દાવેદાર તરીકે સમર્થન અને વેગ આપવાની સાથે વિકસાવવાનો વ્યુહ અપનાવ્યો હતો. આ કારણે હાલની સ્થિતિમાં ગેમ્સના આયોજન માટેનું દાવેદાર એકમાત્ર અમદાવાદ જ છે. નોંધપાત્ર છે કે, કોમનવેલ્થ ગેમ્સ ૧૯૩૦માં શરુ થયો હતો અને તેની શતાબ્દી ૨૦૩૦માં પુરી થઈ રહી છે.
કોમનવેલ્થ સ્પોર્ટ્સે એક યાદીમાં જણાવ્યું છે કે, ૨૦૩૦ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સના પ્રસ્તાવિત યજમાન શહેર તરીકે અમારું એક્ઝિક્યુટીવ બોર્ડ અમદાવાદના નામની ભલામણ કરવાનું નક્કી કર્યું છે. હવે અમદાવાદનું નામ હવે પૂર્ણ કોમનવેલ્થ સ્પોર્ટ્સ મેમ્બરશીપ માટે આગળ ધપાવવામાં આવશે. જ્યારે આ અંગેનો અંતિમ નિર્ણય તારીખ ૨૬મી નવેમ્બરે ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. નોંધપાત્ર છે કે, ભારતમાં ૨૦૧૦માં પણ કોમનવેલ્થ ગેમ્સનુ આયોજન થઈ ચૂક્યું છે. ત્યારે આ ગેમ્સ નવી દિલ્હીમાં આયોજીત થઈ હતી.
વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારતે અહીં રવિવારે દુશ્મન-દેશ પાકિસ્તાનનું એશિયા કપ (Asia cup)માં સતત ત્રીજી વાર નાક કાપ્યું. યુદ્ધના રણમેદાનમાં ત્રણ દિવસમાં હરાવ્યા બાદ ભારતે દુબઈના રનમેદાનમાં પાકિસ્તાનને ત્રણેય મૅચમાં પછડાટ આપી.
ટીમ ઇન્ડિયાએ આ ફાઇનલ મૅચ બે બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. પાકિસ્તાનને માત્ર 146 રન સુધી સીમિત રાખીને ભારતે તિલક વર્મા (69 અણનમ, 53 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સ અને શિવમ દુબે (33 રન, 22 બૉલ, બે સિક્સર, બે ફોર)ના સપોર્ટિંગ રોલની મદદથી એશિયા કપના ઇતિહાસમાં પહેલી જ વાર પાકિસ્તાન સામે રમાયેલી ફાઇનલ શાનથી જીતી લીધી હતી.
ભારતે 5/150ના સ્કોર સાથે થોડી મુશ્કેલ લાગતી જીતને છેવટે આસાન બનાવી હતી. ફહીમ અશરફનો ત્રણ વિકેટનો પર્ફોર્મન્સ એળે ગયો હતો.
છેલ્લી ઓવરમાં ભારતે જીતવા 10 રન કરવાના હતા અને તિલકે પહેલા ત્રણ બૉલમાં નવ રન કર્યા બાદ રિન્કુએ વિનિંગ ફોર ફટકારી હતી. રઉફે 18મી ઓવર કરી હતી જેના અંતિમ બૉલમાં દુબેએ સિક્સર ફટકારીને ભારતીય ટીમ પરથી અને કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓ પરથી બોજ હળવો કરી દીધો હતો.
ત્યાર બાદ ફહીમ અશરફના નાટક શરૂ થઈ ગયા હતા અને ભારતીય બૅટ્સમેનની એકાગ્રતા તોડવા બે વાર તે રન-અપ પર અટકી ગયો હતો. જોકે ટૂંકા બે્રક બાદ તેણે બોલિંગ કરી હતી જેમાં દુબેની વિકેટ પડતાં પહેલાં ભારતે જરૂરી સાત રન કરી લીધા હતા.
પાકિસ્તાનને 146 રન સુધી સીમિત રખાવવામાં કુલદીપ (ચાર વિકેટ), અક્ષર (બે વિકેટ), વરુણ (બે વિકેટ), બુમરાહ (બે વિકેટ)ના મુખ્ય યોગદાન હતા. સાહિબઝાદા (57 રન)ની હાફ સેન્ચુરી પાણીમાં ગઈ હતી.
એશિયા કપની બહુચર્ચિત મૅચમાં પાકિસ્તાને યજમાન યુએઇને હરાવીને સુપર-ફોરમાં પ્રવેશ કર્યો હતો. એ સાથે, આગામી રવિવારે 21/09/25 ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર થશે અને કોણ જાણે કેવા નવા વિવાદો સર્જાશે. યુએઇની ટીમ 147 રનના નાના છતાં પડકારરૂપ લક્ષ્યાંક સામે 17.4 ઓવરમાં 105 રનમાં આઉટ થઈ ગઈ હતી. યુએઇની 85 રનમાં ચાર વિકેટ હતી, પણ પછીથી પત્તાનાં મહેલની જેમ બૅટિંગ લાઇન-અપ તૂટી પડી હતી.
એ પહેલાં, પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ પાંચમા જ બૉલમાં ઓપનર સઇમ અયુબની વિકેટ ગુમાવી દીધી હતી. ડુ ઑર ડાય જેવા આ મુકાબલામાં પાકિસ્તાને 20 ઓવરમાં નવ વિકેટે 146 રન કર્યા હતા.
પાકિસ્તાને ખરાબ શરૂઆત કર્યા બાદ એક તબક્કે 93 રનની અંદર છ વિકેટ ગુમાવી દીધી હતી, પણ પછી પૂંછડિયાઓની ફટકાબાજીને લીધે યુએઇને 147 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શકાયો હતો.
ફખર ઝમાનના 50 રન બાદ ખાસ કરીને શાહીન શાહ આફ્રિદીએ 14 બૉલમાં બે છગ્ગા અને ત્રણ ચોક્કાની મદદથી અણનમ 29 રન કર્યા હતા. યુએઇના જુનૈદ સિદ્દીકીએ ચાર, સિમરનજિતે ત્રણ અને ધ્રુવ પરાશરે એક વિકેટ લીધી હતી.
18/9/25 (ગુરુવારે) અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મૅચ રમાશે.
એશિયા કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે આ મેચમાં શાનદાર બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન કરીને પાકિસ્તાનને માત આપી.
આ જીત ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે દેશના સશસ્ત્ર દળોને સમર્પિત કરી, જેની સાથે તેણે પહેલગામના પીડિત પરિવારો પ્રત્યે એકતા દર્શાવી. આ મેચ ખાસ હતી કારણ કે તે સૂર્યકુમારના જન્મદિવસે રમાઈ, જેના કારણે આ જીત તેમના માટે વધુ ખાસ બની.
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પાકિસ્તાનની ટીમને માત્ર 127 રનમાં સમેટી દીધી. ભારતે આ લક્ષ્યને 25 બોલ બાકી હતા તે પહેલા હાંસલ કરી લીધું હતું, જેમાં સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગનો મહત્વનો ફાળો રહ્યો.
તેણે મેચના અંત સુધી બેટિંગ કરીને પોતાનું લક્ષ્ય પૂરું કર્યું, જેની તેમણે હંમેશા ઈચ્છા રાખી હતી. પોસ્ટ-મેચ સેરેમનીમાં ચાહકોના ‘હેપ્પી બર્થડે’ના નારાઓએ માહોલને ઉત્સાહથી ભરી દીધો, અને સૂર્યાએ આ જીતને પોતાના જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ ગણાવી હતી.
મેચ પછી સૂર્યકુમારે કહ્યું કે આ મેચ તેની ટીમ માટે એક સામાન્ય મેચ હતી, અને તેઓ દરેક વિરોધી ટીમ સામે સમાન તૈયારી સાથે રમે છે. તેણે સ્પિનરોની પ્રશંસા કરી, જેણે મિડલ ઓવર્સમાં મેચ પર નિયંત્રણ રાખ્યું.
આ સાથે, તેણે પહેલગામના આતંકી હુમલાના પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને કહ્યું કે ટીમ હંમેશા તેના માટે મેદાન પર સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. સૂર્યાએ આ જીતને સશસ્ત્ર દળોની હિંમત અને બલિદાનને સમર્પિત કરી.
ઉલ્લેખનીય છે કે, મેચના ટોસ દરમિયાન સૂર્યકુમારે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો, જે ચર્ચાનો વિષય બન્યો હતો. ટોસ પહેલા તેણે ટીમ મેનેજમેન્ટને જાણ કરી હતી કે તેઓ હાથ મિલાવશે નહીં, અને આ નિર્ણય ખેલાડીઓ પર છોડી દીધો હતો.
આ નિર્ણય જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પડઘા તરીકે જોવામાં આવે છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતના સહાયક કોચ રાયન ટેન ડોશેટે પણ સ્વીકાર્યું હતું કે ટીમ જનતાની ભાવનાઓથી વાકેફ છે, અને આ મેચની તૈયારી તણાવપૂર્ણ માહોલમાં થઈ હતી.
આ મેચ પહેલા એશિયા કપના આ મુકાબલાનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી હતી, જે પહેલગામ હુમલાને કારણે વધુ તીવ્ર બની હતી. ભારતીય ટીમે મેદાન પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ચાહકોના દિલ જીતી લીધા.
સૂર્યકુમારે કહ્યું કે તેઓ આવનારી મેચોમાં પણ આવું જ પ્રદર્શન જાળવી રાખશે અને દેશવાસીઓને ગર્વની ક્ષણો આપવાનો પ્રયાસ કરશે. આ જીતે ભારતની ટીમનો આત્મવિશ્વાસ વધાર્યો છે, અને ચાહકો હવે એશિયા કપમાં વધુ શાનદાર પ્રદર્શનની આશા રાખે છે.
એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે.
એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે.
ભારત બુધવારે 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત 14 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. ફાઇનલ 28 સપ્ટેમ્બરે યોજાશે.
તમે ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર એશિયા કપ 2025 મેચનો આનંદ માણી શકો છો. જ્યારે એશિયા કપ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લીવ એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે (બીજી સપ્ટેમ્બર) આ માહિતી આપી હતી. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે સત્તાવાર રીતે તેમની નિવૃત્તિની પુષ્ટિ કરી છે. મિચેલ સ્ટાર્કે કહ્યું કે ‘મારી માટે ટેસ્ટ ક્રિકેટની પ્રાથમિકતા સૌથી વધુ રહી છે. ટી20ની મેચોની મજા માણી, ખાસ કરીને 2021 ટી20 વર્લ્ડકપમાં ખૂબ શાનદાર અનુભવ રહ્યો. હવે ભારત સામે ટેસ્ટ સીરિઝ, એશેઝ અને 2027 વનડે વર્લ્ડકપને જોતાં મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે. નવા બોલર્સને મોકો મળશે.’
અહેવાલો અનુસાર, મિચેલ સ્ટાર્કે T20 વર્લ્ડ કપ 2026ના થોડા મહિના પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે છેલ્લે ગયા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ટેસ્ટ અને ODI ક્રિકેટ ઉપરાંત, મિચેલ સ્ટાર્ક હવે સ્થાનિક T20 લીગમાં રમતા જોવા મળશે. આમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLનો સમાવેશ થાય છે. મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે આ ફોર્મેટમાં 79 વિકેટ લીધી હતી. તેમનાથી આગળ એડમ ઝામ્પા છે, જેમણે 130 વિકેટ લીધી છે.
35 વર્ષીય મિચેલ સ્ટાર્કે વર્ષ 2012માં પાકિસ્તાન સામેની મેચમાં ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ગયા વર્ષે ભારત વિરુદ્ધ ગ્રોસ આઈલેટમાં તે છેલ્લી ટી20 મેચ રમ્યો. તેણે 65 મેચોમાં કુલ 79 વિકેટ ખેરવી. તે ઑસ્ટ્રેલિયા માટે ટી20માં બીજો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. પહેલા ક્રમાંકે એડમ ઝામ્પા છે જેણે 103 મેચોમાં 103 વિકેટો ખેરવી છે.
ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધા પછી, મિચેલ સ્ટાર્ક આઈપીએલમાં રમતા જોવા મળશે. સ્ટાર્કે છેલ્લી 2 આઈપીએલ સીઝનથી ઘણી કમાણી કરી છે. સ્ટાર્ક આઈપીએલ 2024માં સૌથી મોંઘો ખેલાડી બન્યો, જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સે આ ખેલાડીને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જો કે, આ સીઝન તેના માટે ખાસ નહોતી અને કેકેઆરએ તેને આઈપીએલ 2025 પહેલા રિલીઝ કરી દીધો. ત્યારબાદ સ્ટાર્ક આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો.
મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે 65 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં સ્ટાર્કે બોલિંગ કરતી વખતે 79 વિકેટ લીધી હતી. આ ઉપરાંત જો આપણે સ્ટાર્કના IPL કારકિર્દીની વાત કરીએ, તો તેણે અત્યાર સુધી IPLમાં ફક્ત 51 મેચ રમી છે, જે દરમિયાન સ્ટાર્કે બોલિંગ કરતી વખતે 65 વિકેટ લીધી હતી.
ભારતીય ક્રિકેટના વહીવટમાં સર્વોચ્ચ સ્તરે મોટો ફેરફાર થયો છે જેમાં રોજર બિન્ની (ROGER BINNY)એ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)નું પ્રમુખપદ છોડી દીધું છે અને ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા (RAJIV SHUKLA) તેમના સ્થાને કાર્યવાહક પ્રમુખ (PRESIDENT) બની ગયા છે.
19મી જુલાઈએ રોજર બિન્ની 70 વર્ષના થયા અને બીસીસીઆઈના બંધારણ મુજબ કોઈ પણ હોદ્દેદાર 70 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેઓ બોર્ડમાં કોઈપણ પ્રકારના હોદ્દા પર રહી ન શકે એ નિયમને બિન્ની અનુસર્યા હોવાનું મનાય છે. દરમ્યાન, ટીમ ઇન્ડિયા માટે બીસીસીઆઈ નવા મુખ્ય સ્પોન્સરની શોધમાં પણ છે.
65 વર્ષના રાજીવ શુક્લા 2020ના વર્ષથી બીસીસીઆઈના ઉપ-પ્રમુખપદે છે. અગાઉ તેઓ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલમાં હતા. તેઓ આગામી વાર્ષિક સભા સુધી ક્રિકેટ બોર્ડનો રોજબરોજનો કારભાર સંભાળશે.
બીસીસીઆઈની ઍન્યુઅલ જનરલ મીટિંગ (એજીએમ) સપ્ટેમ્બરમાં યોજાવાની સંભાવના છે અને એ મીટિંગમાં તમામ રાજ્યોના ક્રિકેટ અસોસિયેશનોના મત જાણ્યા પછી નવા ફુલ-ટાઈમ પ્રમુખ નક્કી કરવામાં આવશે.
અગાઉ પીટીઆઈના એક અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે બીસીસીઆઈ હવે નવા રાષ્ટ્રીય ખેલફૂદ ખરડા હેઠળ આવી ગયું હોવાથી એના એક નિયમ મુજબ કોઈપણ સ્પોર્ટ્સ ફેડરેશનના હોદ્દેદાર 75 વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે.
જોકે બીસીસીઆઈના વર્તમાન બંધારણમાં હોદ્દા પર રહેવા 70 વર્ષની વયમર્યાદા છે અને કહેવાય છે કે રોજર બિન્નીએ આ નિયમને અનુસરીને હોદ્દો છોડી દીધો છે. બીસીસીઆઈ કેન્દ્ર સરકારના નવા ખરડાનો હજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યું છે.
રોજર બિન્નીએ 1983ના વર્લ્ડ કપમાં કુલ ૧૮ વિકેટ લીધી હતી અને એ ટૂર્નામેન્ટના તમામ બોલર્સમાં તેમની 18 વિકેટ હાઈએસ્ટ હતી.
2000ની સાલમાં બિન્નીના કોચિંગમાં ભારતની અન્ડર-19 ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ત્યારે મોહમ્મદ કૈફ ટીમનો કેપ્ટન હતો અને એ ટીમમાં યુવરાજ સિંહ પણ હતો. બિન્ની પછીથી સિલેકટર પણ બન્યા હતા.
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ યથાવત્ રહ્યો છે. જ્યારે વાઇસ કેપ્ટન તરીકે શુભમન ગિલની વરણી કરવામાં આવી છે. શ્રેયસ ઐયરની ટીમમાં સ્થાન મળ્યું નથી. વિકેટકિપર તરીકે સંજુ સેમસન અને જીતેશ શર્માની પસંદગી કરાઇ છે. જસપ્રીત બુમરાહ પણ ટીમમાં છે.
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની પસંદગી કરવા માટે અજિત અગરકરની આગેવાની હેઠળની સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઇમાં બીસીસીઆઇના મુખ્યાલયમાં બેઠક યોજાઇ હતી.
2025નો એશિયા કપ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન દુબઈ અને અબુધાબીમાં યોજાશે. ટી-20 ફોર્મેટમાં યોજાનારા એશિયા કપ 2025માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, હોંગકોંગ અને ઓમાન એમ કુલ આઠ ટીમો ભાગ લેશે.
દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના ક્રિકેટર દીકરા અર્જુન તેંડુલકરે બુધવારે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સગાઈ કરી હતી.
અર્જુન અને સાનિયાની સગાઈ એક ખાનગી પ્રસંગ હતો, જેમાં બંને પક્ષના નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા. ઘાઈ પરિવાર હૉસ્પિટાલિટી અને રેસ્ટૉરાં ઉદ્યોગમાં અગ્રણી છે. ઘાઈ પરિવાર પાસે ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને આઈસ્ક્રીમ બ્રાન્ડ બ્રુકલિન ક્રીમરીની માલિકી છે.
અર્જુન તેંડુલકરે જન્મ 24 સપ્ટેમ્બર 1999ના રોજ થયો હતો. પિતા સચિન તેંડુલકર અને સવિતા તેંડુલકરનું તે બીજું સંતાન છે. બહેન સારા તેંડુલકરનો તે નાનો ભાઈ છે.
પચીસ વર્ષીય અર્જુન ડાબોડી ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે, જે ઘરેલુ ક્રિકેટમાં ગોવાનું પ્રતિનિધિત્વ કરે છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ રમી ચૂક્યો છે. તેણે 2020/21 સીઝનમાં મુંબઈ સાથે પોતાની ઘરેલુ કારકિર્દીની શરૂઆત કરી હતી, હરિયાણા સામેની ટી20 મેચમાં તેણે ડેબ્યુ કર્યું હતું.
અર્જુન તેંડુલકરે જુનિયર સ્તરે મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારત અન્ડર19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. અર્જુને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાં તેના નામે 3 વિકેટ અને 13 રન છે. ટી20 ક્રિકેટમાં અર્જુન તેંડુલકરે 25.07 ની સરેરાશથી 27 વિકેટ લીધી છે. સાથોસાથ તેણે 13.22 ની સરેરાશથી 119 રન બનાવ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.