CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 8 of 44 - CIA Live

June 22, 2022
draupadi_murmu.jpg
1min444

રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષ પછી હવે ભાજપના નેતૃત્વમાં એનડીએએ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારની પસંદગી માટે મંગળવારે નવી દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હશે. સંસદીય બોર્ડની બેઠકમાં અંદાજે ૨૦ નામો પર ચર્ચા થઈ હતી અને દ્રૌપદી મુર્મૂના નામ પર સંમતી સધાઈ હતી.

ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ અગાઉ પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં ચર્ચાયું હતું. જેપી નડ્ડાએ કહ્યું કે, દેશને પહેલી વખત આદિવાસી સમાજમાંથી એક રાષ્ટ્રપતિ આપવાની પક્ષની તૈયારી છે. આ વખતે પૂર્વીય ભારતમાંથી કોઈને તક આપવા અંગે સંસદીય બોર્ડમાં સહમતી બની હતી. અમે એ અંગે પણ વિચાર કર્યો કે દેશને હજી સુધી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા નથી. એવામાં બેઠક પછી દ્રૌપદી મુર્મૂના નામ પર બેઠકમાં સર્વસંમતી સધાઈ હતી. 

મુર્મૂ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી જશે તો ભારતના ઈતિહાસમાં તેઓ પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. ઉપરાંત તેઓ ચૂંટણી જીતી જાય તો પ્રતિભા પાટિલ પછી દેશનાં બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પહેલા મહિલા ગવર્નર હતા. તેઓ ઓડિશાનાં પહેલા એવા મહિલા આદિવાસી નેતા છે, જેમને કોઈ રાજ્યમાં ગવર્નર બનાવાયા હોય અને તેમણે કાર્યકાળ પૂરો કર્યો હતો.

દ્રૌપદી મુર્મૂનું જીવન ઘણું જ સંઘર્ષમય રહ્યું છે. તેઓ એક અત્યંત ગરીબ આદિવાસી પરિવારમાં પેદા થયાં હતા. તેમણે રૈરંગપુરના શ્રી અરબિંદો ઈન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં પગાર વિના જ શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેમણે રાજકીય કારકિર્દી રૈરંગપુર એનએસીના વાઈસ ચેરમેન તરીકે શરૃ કરી હતી. તેમને ઓડિશા વિધાનસભામાં ૨૦૦૭માં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ભાજપ સમર્થિત એનડીએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના ઈલેક્ટોરલ કોલેજમાં ૪૮ ટકાથી વધુ વોટ શૅર ધરાવે છે અને તેના ઉમેદવારને વિપક્ષના ઉમેદવાર કરતાં સ્પષ્ટ લાભ મળશે. નવી દિલ્હીમાં મંગળવારે મોડી સાંજે વડાપ્રધાન મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ૨૦ જેટલા નામોની ચર્ચા થઈ હતી.

વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪મી જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે યશવંત સિંહાને મેદાનમાં ઉતારતા ૧૮મી જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાશે. મતગણતરી ૨૧મી જુલાઈએ થશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૨૯ જૂન છે.

June 20, 2022
rajnath.jpg
2min330

કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. એવા સમયમાં રવિવારે કેન્દ્ર સરકારે ધરાર જણાવી દીધું છે કે અગ્નિપથ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં નહીં આવે. ઉલટાનું સૈન્યની ત્રણેય પાંખે રવિવારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખોએ રવિવારે આ સંદર્ભમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયાના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી. વધુમાં સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે સૈન્યમાં હવે અગ્નિપથ યોજના હેઠળ જ ભરતી હાથ ધરવામાં આવશે.

અગ્નિપથ યોજના સામે ચાલતા વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખો સાથે બેઠક કરી હતી. ત્યાર પછી ત્રણેય પ્રમુખોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ ત્રણ બાબતો સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે એક તો કોઈપણ સંજોગોમાં આ યોજના પાછી નહીં ખેંચાય. બીજું અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસામાં સામેલ યુવાનોને ભરતીમાં તક નહીં મળે. ત્રીજું યોજનામાં યુવાનોની ચિંતાઓને ધ્યાનમાં રાખતા જે ફેરફાર કરાયા છે તે દબાણ હેઠળ નહીં, પરંતુ અગાઉથી જ નિશ્ચિત હતા.

1989થી આ યોજના રજૂ કરવાની કવાયત હાથ ધરાઈ હતી

જનરલ અનિલ પુરીએ કહ્યું કે, સૈન્યમાં આ સુધારો લાંબા સમયથી લાવવાની તૈયારી ચાલી રહી હતી. આ સ્કીમની માગ વર્ષ ૧૯૮૯માં કરાઈ હતી. સૈન્યમાં ભરતી માટે સૌથી પહેલી જરૂરિયાત શિસ્ત હોય છે, તેથી યુવાનોએ શાંત થઈને આ યોજનાને સમજવાની જરૂર છે.  અમે કારગીલ સમીક્ષા સમિતિ અને અરૂણ સિંહ સમિતિના રિપોર્ટની ભલામણો મુજબ સૈન્યમાં વય પ્રોફાઈલ ઘટાડવા માગતા હતા. હાલમાં સરેરાશ વય ૩૨ વર્ષ છે. હવે આર્મીમાં બધી જ ભરતી આ સ્કીમ હેઠળ થશે.

આર્મીમાં અગ્નિવીરોની બીજી બેચ ફેબુ્રઆરીમાં સૈન્યમાં જોડાશે

લેફ. જન. બંસી પોનપ્પાએ કહ્યું કે, આર્મી સોમવારે જાહેરનામું બહાર પાડશે. ત્યાર પછી ૧લી જુલાઈ સુધીમાં વિવિધ ભરતી યુનિટ્સના જાહેરનામા આવશે. અગ્નિપથ યોજના હેઠળ અંદાજે ૪૦,૦૦૦ અગ્નિવીરોની ભરતી માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં સમગ્ર દેશમાં ૮૩ રેલીઓ યોજવામાં આવશે. અગ્નિવીરોની બીજી બેચ આગામી વર્ષે ફેબુ્રઆરી સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે. અંદાજે ૨૫,૦૦૦ અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બર સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે.

એરફોર્સમાં ડિસે.માં અગ્નિવીરોની પહેલી બેચ

એરમાર્શલ એસ. કે. ઝાએ કહ્યું કે, એરફોર્સમાં અગ્નિપથની પહેલી બેચ માટે ૨૪મી જૂનથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે. એક મહિના પછી ૨૪ જુલાઈથી ઓનલાઈન પરિક્ષા શરૂ કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બરમાં સામેલ કરાશે, ૩૦મી ડિસેમ્બરથી અગ્નિવીરોની તાલિમ શરૂ થઈ જશે. અગ્નિવીરોની સેવા શરતો નિયમિત સૈનિકો જેવી જ હશે.

નેવીમાં અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે : યુવાનો-યુવતીઓની ભરતી થશે

વાઈસ એડરમિલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે, નેવી ૨૫મી જૂન સુધીમાં ભરતી પ્રક્રિયા માટે વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરાશે. નેવીમાં પણ ઓનલાઈન અરજી પ્રક્રિયા રહશે. અગ્નિપથ યોજના હેઠળ યુવાનો અને યુવતીઓ બંનેની ભરતી કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ૨૧મી નવેમ્બરે તાલિમ સંસ્થાનોમાં રિપોર્ટ કરવા લાગશે. 

વર્ષમાં 30 પેઈડ લીવ, અધવચ્ચે સેવા છોડવાની મંજૂરી નહીં

અગ્નિવીરોને પહેલાથી નિશ્ચિત મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. અગ્નિવીરો પણ એરફોર્સના અન્ય જવાનોને મળનારા પદક અને એવોર્ડ માટે લાયક હશે. તેમને વર્ષમાં ૩૦ પેઈડ લીવ મળશે. સીક લીવ ડોક્ટરોની ભલામણ મુજબ અપાશે. જોકે, વિશેષ પરિસ્થિતિઓને છોડીને તાલિમ વચ્ચેથી છોડવાની મંજૂરી નહીં મળે. 

અગ્નિવીરોએ હિંસક દેખાવોમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે

જનરલ પુરીએ જણાવ્યું કે, ભારતીય સૈન્યનો પાયો શિસ્ત છે. આર્મીમાં આગજની, તોડફોડ અને હિંસા માટે કોઈ જગ્યા નથી. અગ્નિપથ યોજના સામે દેશભરમાં થઈ રહેલા વિરોધ અંગે તેમણે કહ્યું કે, પ્રત્યેક અગ્નિવીરે માત્ર અગ્નિપથ જ નહીં કોઈપણ હિંસક આંદોલનમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે. કોઈની સામે એફઆઈઆર થઈ હોવાનું જણાશે તો તે આ યોજના હેઠળ સૈન્યમાં જોડાઈ શકશે નહીં.

આર્મીમાં નજીકના સમયમાં અગ્નિવીરોની સંખ્યા 1.25 લાખ થશે

જનરલ અનિલ પુરીએ કહ્યું કે અમે પાયાના સ્તરે ક્ષમતા નિર્માણ કરવા અને યોજનાનું વિશ્લેષણ કરવા માટે આ વર્ષે ૪૬,૦૦૦ અગ્નિવીરોની ભરતી સાથે શરૂઆત કરીશું. આગામી ૪-૫ વર્ષોમાં અગ્નિવીરોની સંખ્યા ૫૦ હજારથી ૬૦ હજાર થઈ જશે અને ત્યાર પછી વધીને ૧.૨૫ લાખ સુધી થઈ જશે.

રાજ્યોની પોલીસમાં અગ્નિવીરોને અગ્રતાની જાહેરાત

અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલા દેખાવો વચ્ચે અસમ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક જેવા અનેક રાજ્યોએ પોલીસમાં અગ્નિવીરોને અગ્રતા આપવાની જાહેરાત કરી છે.

અગ્નિપથ યોજના મુદ્દે કેન્દ્રના આકરા પગલાં

ફેક ન્યૂઝ ફેલાવતા 35 વોટ્સએપ ગૂ્રપ પર પ્રતિબંધ, 10ની ધરપકડ

અગ્નિપથ યોજના અંગે દેશના અનેક રાજ્યોમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે ત્યારે સરકારે આ યોજના અંગે યુવાનોની શંકાઓનું સમાધાન કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. બીજીબાજુ આ યોજના અંગે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવતા લોકો સામે પણ સરકારે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. અગ્નિપથ યોજના અંગે નકલી સમાચારો અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ સરકારે વોટ્સઅપના ૩૫ ગૂ્રપો પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં આ યોજના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરનારા અને દુર્ભાવનાપૂર્ણ ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં ૧૦ લોકોની ધરપકડ પણ કરાઈ છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે યુવાનોને ઉશ્કેરનારા પાંચ લોકોની ધરપકડ કરી હતી.

દેશના યુવાનોમાં આક્રોશ વચ્ચે ભાજપ નેતાનો બફાટ

અગ્નિવીરોને ભાજપ ઓફિસમાં ગાર્ડ માટે પ્રાથમિક્તા અપાશે : વિજયવર્ગીય

– વિજયવર્ગીયે અગ્નિવીરો અંગે પક્ષની માનસિક્તા છતી કરી, ભાજપ માફી માગે : કોંગ્રેસની માગ

કેન્દ્ર સરકારે સૈન્યમાં ભરતી માટે રજૂ કરેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં યુવાનોમાં આક્રોશ ફેલાયો છે અને ઠેરઠેર દેખાવો થઈ રહ્યા છે. આવા સમયમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના નિવેદને આ આક્રોશની આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. વિજયવર્ગીયના નિવેદનને દેશના જવાનો માટે અપમાનજનક ગણાવાઈ રહ્યું છે.

અગ્નિપથ યોજના અંગે દેશભરમાં વિરોધ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા જણાય છે કે તેમને ભાજપ ઓફિસમાં સિક્યોરિટી રાખવી હશે તો તેઓ અગ્નિવીરોને પ્રાથમિક્તા આપશે. તેઓ ઈન્દોરમાં અગ્નિપથ યોજનાની વિશેષતાઓ અંગે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું. જોકે, આ નિવેદનના પગલે તેમની સામે પક્ષમાંથી જ અને રાજકીય સ્તરે ભારે વિરોધ થઈ રહ્યો છે.

ભાજપના સાંસદ વરુણ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસે આ મુદ્દે વિજયવર્ગીયને ઘેરી લીધા છે. વિજયવર્ગીયને જવાબ આપતા કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અગ્નિપથ અંગે બધી જ શંકાઓ દૂર કરી દીધી. ભાજપના કૈલાશ વિજયવર્ગીયે. આ સત્યાગ્રહ આ માનસિક્તાના વિરોધમાં છે.’ વરુણ ગાંધીએ ટ્વિટર પર વીડિયો શૅર કરતા કહ્યું, ‘જે મહાન સેનાની વીર ગાથાઓ કહેવામાં આખો શબ્દકોશ અસમર્થ હોય, જેના પરાક્રમના ડંકા આખા વિશ્વમાં ગુંજતા હોય, તે ભારતીય સૈનિકને કોઈ રાજકીય ઓફિસની ‘ચોકીદારી’ કરવાનું આમંત્રણ. તેને આપનારને જ મુબારક. ભારતીય સૈન્ય માં ભારતીની સેવાનું માધ્યમ છે, માત્ર એક ‘નોકરી’ નહીં.’

જોકે, આ અંગે વિવાદ વધતા કૈલાશ વિજયવર્ગીયે તુરંત ખુલાસો આપતા કહ્યું, અગ્નિપથ યોજનાથી નીકળનારા અગ્નિવીરો નિશ્ચિતરૂપે તાલિમબદ્ધ અને કર્તવ્ય પ્રત્યે કટિબદ્ધ હશે, સૈન્યમાં સેવાકાળ પૂરો કર્યા પછી તેઓ જે પણ ક્ષેત્રમાં જશે ત્યાં તેમની ઉત્કૃષ્ટતાનો ઉપયોગ થશે. મારો આશય માત્ર એટલો જ હતો. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું, ટૂલકિટ સાથે સંકળાયેલા લોકો મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરીને કર્મવીરોનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

June 20, 2022
ausi-flood8.jpg
1min435

આસામમાં ભીષણ વરસાદનાં કારણે નદીઓ ઉફાણ ઉપર છે અને પૂરનાં કારણે પરિસ્થિતિ એટલી હદે વકરી છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 4296 ગામમાં 30,99,762 લોકો પૂરથી પ્રભાવિત થયા છે તેમજ 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. એપ્રિલ મહિનાથી અત્યારસુધીમાં 62 લોકો પૂર અને ભૂસ્ખલનનાં કારણે મૃત્યુ પામ્યા છે જ્યારે 66455.82 હેક્ટરથી વધારે ખેતીની જમીન પૂરના કારણે પ્રભાવિત થઈ છે.

પૂર પ્રભાવિત ક્ષેત્રમાં 514 રાહત શિબિર અને 302 રાહત વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ રાહત શિબિરમાં 1,56,365 લોકોએ શરણ લીધી છે જ્યારે પાડોશી રાજ્ય મેઘાલયમાં પણ છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમ ત્રિપુરામાં શનિવારના સતત વરસાદનાં કારણે જાનમાલને ઘણું નુકસાન પહોંચ્યું છે. ત્રિપુરામાં સરકારે બચાવ અને રાહત કાર્યોને તેજ બનાવવા એનડીઆરએફ અને રાજ્ય સુરક્ષા દળની સહાયતા માટે આસામ રાઇફલ્સના જવાનોને જવાબદારી સોંપી છે. અગરતલામાં સેંકડો લોકેએ શરણ લીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમા સાથે રાજ્યમાં પૂરની સ્થિતિને લઈને જાણકારી લીધી હતી અને કેન્દ્રની દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે, આસામના હોઝઈ જિલ્લામાં પૂર પ્રભાવિત લોકોને લઈ જઈ રહેલી એક હોડી પલટી હતી અને ત્રણ બાળક લાપતા થયાં છે જ્યારે 21ને બચાવી લેવામાં આવ્યા છે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, તેઓએ આસામના મુખ્યમંત્રી સાથે પૂરને લઈને વાતચીત કરી છે અને દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું છે. તેઓ પૂર પ્રભાવિત આસામના લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. મુખ્યમંત્રી સરમાએ કહ્યું હતું કે, સંબંધિત અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારમાંથી લોકોને બચાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સેના સહાયતા આપવા માટે તૈયાર છે. એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો પણ પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી રહ્યા છે.

June 17, 2022
india_vs_sa.jpg
1min536

રાજકોટના એસસીએ સ્ટેડિયમની બેટિંગ પેરાડાઇઝ પીચ પર 17/6/22, શુક્રવારે ભારતીય ટીમનો પ્રવાસી દક્ષિણ આફ્રિકા સામે કરો યા મરો મુકાબલો થશે. પાંચ મેચની ટી-20 શ્રેણીનો ત્રીજો મેચ જીતીને ટીમ ઇન્ડિયાએ શ્રેણી જીવંત રાખી છે. ઋષભ પંતની ટીમની નજર હવે રાજકોટમાં ચોથો મેચ જીતીને શ્રેણી 2-2ની બરાબરી પર લાવી દેવા પર છે. બીજી તરફ દ. આફ્રિકાની ટીમ પાછલી હાર ભૂલીને શ્રેણી 3-1ની અતૂટ સરસાઈથી ગજવે કરવાના ઇરાદે મેદાને પડશે. જો કે આવતીકાલ શુક્રવારે રમાનાર આ મેચમાં વરસાદનું સંકટ ઝળુંબી રહ્યંy છે. પ્રવાસી ટીમ આફ્રિકા માટે સારી વાત એ છે કે તેના અનુભવી વિકેટકીપર કિવંટન ડિ’કોકની રાજકોટના મેચમાં વાપસી થશે. તે ઇજામાંથી બહાર આવી ગયો છે.

બીજી તરફ ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ તેના કપ્તાન ઋષભ પંતનું ખરાબ ફોર્મ છે. ટીકાકારોને જવાબ આપવા પંતે ખંઢેરીનાં મેદાન પર એક આતશી ઇનિંગ રમવી પડશે. ચોથા મેચમાં તેની પાસે મોકો બની રહેશે, કારણ કે રાજકોટની પીચે હંમેશાં બેટધરોનો સાથ આપ્યો છે. આથી રાજકોટના મેચમાં પહેલો દાવ લેનાર ટીમ 200 આસપાસનો સ્કોર કરવાનું લક્ષ્ય રાખશે. જો વરસાદ ન પડે અને શુક્રવારે બપોર બાદ ઉઘાડ હશે તો રાજકોટના મેચમાં રમઝટ બોલશે તે નિશ્ચિત છે. રાજકોટની પીચ આક્રમક બેટધરો માટે વધુ અનુકુળ છે. આથી ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડયા અને દિનેશ કાર્તિક પાસેથી સ્થાનિક ચાહકોને ધૂંઆધાર ઇનિંગની આશા રહેશે જ્યારે ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન પાસેથી ઘાતક બોલિંગની આશા રહેશે. રાજકોટના મેચમાં સ્પીડસ્ટાર ઉમરાન મલિકને ટીમ ઇન્ડિયા તરફથી ડેબ્યૂની તક મળશે તેવી શકયતા છે, કારણ કે આવશે ખાન વિકેટ લઈ રહ્યો નથી.

આફ્રિકાએ ત્રીજા મેચની ખરાબ બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગ ભૂલીને હલ્લાબોલ કરવું પડશે. જેનો સામનો કરવા ટીમ ઇન્ડિયાએ પણ કમર કસી લીધી છે. શ્રેણીમાં હજુ સુધી બન્ને ટીમના સ્પિનરો સારો દેખાવ કરી શકયા નથી. જો કે રાજકોટની પીચ પ્રમાણમાં ધીમી છે. આથી અહીં સ્પિનરોને સફળતા મળવાની સંભાવાના છે.

June 17, 2022
agnipath.jpg
1min430

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ‘અગ્નિપથ’ યોજનાના વિરોધમાં ગુરુવારે બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિત દેશનાં અનેક રાજ્યમાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. પ્રદર્શનકર્તાઓએ ટ્રેનને આગ ચાંપી હોવા ઉપરાંત સરકારી વાહનો પર પણ હુમલો કર્યો હતો. પ્રદર્શનાર્થીઓએ રેલવેની મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવા ઉપરાંત ભાભુઆ અને છાપરા રેલવે સ્ટેશને ઊભેલી ટ્રેનને આગ ચાંપી હતી અને તોડફોડ કરી હતી. ઘટનાને પગલે ૩૪ કરતા પણ વધુ ટ્રેન રદ કરવામાં આવી હતી અને આઠ જેટલી ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી.

વિરોધપ્રદર્શનને કારણે રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (આરઆરબી)ની પરીક્ષા વિલંબમાં પડી હતી. વિરોધપ્રદર્શનને કારણે વધુ ૭૨ ટ્રેન પણ વિલંબમાં પડી હતી. રાજધાની દિલ્હીમાં નાન્ગ્લોઈ ખાતે પ્રદર્શનકર્તાઓએ રેલવે ટ્રેક પર અવરોધ ઊભો કરી યોજના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધપ્રદર્શનના બીજે દિવસે બિહારમાં પ્રદર્શનકર્તાઓએ ટ્રેનને આગ ચાંપી હતી, બસની બારીઓ તોડી નાખવામાં આવી હતી અને ભાજપના વિધાનસભ્ય સહિત વટેમાર્ગુઓએ પથ્થરમારો કર્યો હતો.
પ્રદર્શનાર્થીઓને વિખેરવા પોલીસને અશ્રુવાયુ છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

આ યોજના અંતર્ગત યુવાનોને સેનાની ત્રણ પાંખ (હવાઈ દળ, નૌકાદળ અને પાયદળ)માં નોકરી માટે ચાર વર્ષના ટૂંકાગાળા માટે કરારબદ્ધ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. જોકે, ચાર વર્ષ બાદ તેઓ નિવૃત્ત થાય તેમને ગ્રેચ્યુઈટી કે પેન્શન આપવાની તેમાં કોઈ જ જોગવાઈ નથી.

June 16, 2022
5g.jpg
1min397

ભારતમાં પણ ઇન્ટરનેટની સ્પીડને વધારતો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. હવેથી ભારતમાં પણ ૫-જી ઇન્ટરનેટ સ્પીડ મળશે. કેન્દ્ર સરકારે ૫-જી સ્પેક્ટ્રમની હરાજી પર મોહર મારી દીધી છે. નિષ્ણાતોના મતે ભારતમાં ૫-જી આવવાથી હવે હાલ જે ૪-જી છે તેના કરતા ૧૦ ગણી વધુ સ્પીડ મળશે. ટેલિકોમ કંપનીઓ પણ લાંબા સમયથી ૫-જી સ્પેક્ટ્રમની હરાજીની રાહ જોઇ રહી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૫-જી સર્વિસને ટૂંક સમયમાં રોલઆઉટ કરવામાં આવશે. અને ૭૨ ગીગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમની હરાજી ૨૦ વર્ષ માટે કરવામાં આવશે. હાલ ભારતમાં ૪-જી નેટવર્ક છે. જોકે તેમ છતા અન્ય દેશોની સરખામણીએ સ્પીડ ઘણી જ ઓછી છે. એવામાં હવે ૫-જી આવી જવાથી વધુ સ્પીડ વાળા ઇન્ટરનેટનો ઉપયોગ થઇ શકશે. એક્સપર્ટનું કહેવું છે કે ૫-જી મદદથી યૂઝર્સ માત્ર કેટલીક સેકંડમાં જ ફુલ એચડી મૂવી ડાઉનલોડ કરી શકશે. જ્યારે અપલોડ સ્પીડની વાત કરીએ તો ૫-જી નેટવર્ક ૧જીબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડ ઉપલબ્ધ કરાવી શકશે. હાલ ૪-જીમાં આ સ્પીડ ૫૦એમબીપીએસ સુધીની છે.  ૫-જી સ્પેક્ટ્રમની હરાજી જુલાઇના અંત સુધીમાં શરૂ થઇ જશે. આ હરાજી ૨૦ વર્ષ માટે કરવામાં આવશે. જેમાં ૬૦૦, ૭૦૦, ૮૦૦, ૯૦૦, ૧૮૦૦, ૨,૧૦૦ અને ૨૩૦૦ મેગાહર્ટ્ઝ બેંડની લો રેંજના સ્પેક્ટ્રમ, ૩૩૦૦ મેગાહર્ટ્ઝ બેંડના મધ્યમ રેંજના સ્પેક્ટ્રમ અને ૨૬ ગીગાહર્ટ્ઝ બેંડના હાઇરેંજ વાળા સ્પેક્ટ્રમ સામેલ છે. ડિજિટલ કનેક્ટિવીટી સરકારના મુખ્ય પ્રોજેક્ટ જેમ કે ડિજિટલ ઇંડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરે મહત્વપૂર્ણ યોજનાઓનો હિસ્સો છે. વર્ષ ૨૦૧૫ પછી દેશભરમાં ૪-જી ટેક્નોલોજીનો વિસ્તાર થયો. જેનાથી ડિજિટલ કનેક્ટિવિટી વધી ગઇ છે. આજે દેશમાં ૮૦ કરોડ ગ્રાહકો બ્રોડબેંડ સાથે જોડાયેલા ે. આ આંકડો વર્ષ ૨૦૧૪માં માત્ર ૧૦ કરોડ જ હતો. નોંધનીય છે કે ૫-જીની હરાજી માટે સ્પેક્ટ્રમની કિમત ૪.૩૧  લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. ઇન્ટરનેટની પાંચમી જનરેશનને ૫-જી તરીકે ઓળખવામાં આવે છે. આ એક વાયરલેસ બ્રોડબેંડ ઇન્ટરનેટ સેવા છે. જે તરંગોના માધ્યમથી હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવા આપે છે. ૧૯૮૦ના દસકામાં વિશ્વમાં પ્રથમ જનરેશન એટલે કે ૧-જી ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ થયો હતો. જેનો ઉપયોગ ૧૯૯૨-૯૩ સુધી થયો હતો. જ્યારે ૨-જીની શરૂઆત ૧૯૯૧માં થઇ હતી. બાદમાં ૨૦૦૧માં ૩-જી અને ૪-જીની શરૂઆત થઇ હતી. જ્યારે વિશ્વમાં ૨૦૧૦માં જ ૫-જીની શરૂઆત થઇ ગઇ હતી, એટલે કે ભારતમાં આ સેવાનો પ્રારંભ થવામાં ૧૧ વર્ષ લાગ્યા.   

5G નેટવર્કના ફાયદા

સ્પીડ : પ-જી ઇન્ટરનેટનો સૌથી મોટો ફાયદો તેની સ્પીડ છે, હાલ જે ૪-જીની સ્પીડ મળી રહી છે તે ૧૦૦એમબીપીએસ સુધીની હોય છે. ૫-જીમાં તે ૧૦ ગણી વધી જશે. હાલ લો બેંડ ૫-જી ઉપલબ્ધ કરાશે જેની સ્પીડ ૧થી ૨જીબીપીએસ સુધીની રહેશે. ૧૦થી ૨૦ સેકંડમાં બે જીબી સુધીની ફિલ્મ ડાઉનલોડ થઇ શકશે. 

કવરેજ : ૪-G નેટવર્ક હાલ મોટા ભાગના વિસ્તારોમાં ઉપલબ્ધ છે જોકે તેમ છતા અંતરિયાળ વિસ્તારોમાં હજુ તેનો લાભ નથી પહોંચ્યો, ૫-જીના માધ્યમથી ટેલીકોમ કંપનીઓને નેટવર્ક રેંજ વધારવામાં મદદરુપ થઇ શકે છે.

4કે વીડિયો કોલ : હાલ જેટલી સ્પીડ છે તેના કરતા ૧૦ગણો વધારો થશે જેનાથી યૂઝર્સ હાઇ ક્વોલિટી, અલ્ટ્રા હાઇ રિઝોલ્યૂશન અને ૪કે વીડિયો કોલ્સ કરી શકાશે. વધારે સારી કનેક્ટિવિટી અને કોલિંગ સુવિધા મળશે. એચડી ક્વોલિટીના ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શકાશે. ઓનલાઇન ગેમિંગમાં ફાયદો થશે.

June 13, 2022
Sensex-down_.jpg
1min378

તા.13મી જૂન, સોમવારે સવારે એશિયન શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારના ઇન્ડેક્ષ, સેન્સેક્સ 1100થી વધુ અંકોના કડાકે ખુલ્યાં બાદ 10 કલાકે ઈન્ડેકસ 1450 ઘટીને 52,800 અને નિફ્ટી 458 પોઇન્ટ ઘટી 15,742ની સપાટીએ પટકાયા છે.

આજે 13મી જૂને બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરમાંથી માત્ર એક જ HULનો શેર 0.15% જ અપ છે બાકી તમામ 29 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે. નિફટીના 50માંથી 3 શેર સામાન્ય સુધારો દર્શાવી રહ્યાં છે. બજારને આજે નીચે ધકેલવાનું કામ બેંકિંગ શેર, IT શેર અને બજાજ બંધુઓ કરી રહ્યાં છે. સેન્સેક્સના કડાકામાં 226 અંકોનો ફાળો રિલાયન્સનો તો ICICI બેંક 185 અંક અને ઈન્ફોસિસ 150 અંકનું યોગદાન આપી રહ્યાં છે.

આજના સત્રમાં સૌથી વધુ ઘટાડો બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સના શેરમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય ICICI બેંક પણ 4.25%થી વધુ ગગડ્યો છે.

આજના સત્રમાં બ્રોડર માર્કેટમાં પણ નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે. 1:4ના એડવાન્સ ડિક્લાઈન રેશિયો સાથે મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેકસ પણ 2.25% તૂટ્યાં છે. બીએસઈ ખાતે બંને ઈન્ડેક્સ અનુક્રમે 22,000 અને 25,200ના લેવલે કામકાજ કરી રહ્યાં છે. બીએસઈ ખાતે 518 વધનારા શેરની સામે 2453 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે તો 125 શેરમાં કોઈ ફેરફાર નથી.

આજના સત્રમાં 190 શેરમાં લોઅર સર્કિટ તો 139 શેરમાં અપર સર્કિટ છે પરંતુ 50 શેરમાં 52 સપ્તાહની ટોચ જોવા મળી છે તો 147 શેરમાં 52 સપ્તાહનું તળિયું જોવા મળી રહ્યું છે.

બજારમાં ફુગાવા ઉપરાંત સ્ટેગફ્લેશનની દહેશત જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ફુગાવો સતત વધતો રહે અને આર્થિક વિકાસ ઘટે જેના કારણે કંપનીઓની કમાણી ઘટે એવી ચિંતા જોવા મળી રહી છે.

June 10, 2022
rajya_sabha.jpg
1min366

15 રાજ્યની 57માંથી 41 બેઠકો ઉપર નિર્વિરોધ જીત પછી બાકીની 16 બેઠકો માટે
આજે ખરાખરીનો ખેલ: તોડજોડ અને ક્રોસવોટિંગની આશંકા વચ્ચે રિસોર્ટ પોલિટિક્સથી રોમાંચ
દેશનાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખનું આજે એલાન થયું છે પણ તે પહેલા અત્યારે સંસદનાં ઉપલા ગૃહ રાજ્યસભાની ચૂંટણીનો ગરમાવો અને ધમધમાટ ચરમસીમાએ છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી અને તેનાં પરિણામો વચ્ચે હવે ગણતરીનાં કલાકો જ બચ્યા છે. આ વખતની રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી આમ તો 1પ રાજ્યોની કુલ મળીને પ7 બેઠકો ઉપર થવાની હતી પણ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે 41 સદસ્યો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હોવાથી હવે માત્ર 16 બેઠકો ઉપર જ કાલે ચૂંટણી યોજાશે.

અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, તામિળનાડુ, તેલંગણ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ એમ કુલ મળીને 11 રાજ્યોમાં વિભિન્ન પક્ષનાં 41 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે. બાકી બચતી 16 બેઠકો માટે જ શુક્રવારે મતદાન થવાનું છે અને તેમાં કેટલીક બેઠકો ઉપર તો ભારે રોમાંચક રસાકસી જામવાની છે.
જે 16 રાજ્યસભા બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકની બેઠકોનો સમાવેશ થાય છે. પક્ષોને આમાં સોદાબાજીથી લઈને ક્રોસ વોટિંગ સુધીનો ડર સતાવી રહ્યો છે. ઉમેદવારો પણ તોડજોડનાં રાજકારણમાં વ્યસ્ત છે અને પક્ષોએ પોતાનાં આંકડા ટકાવી રાખવા માટે વિધાયકોને રિસોર્ટમાં છૂપાવવા સુધીની રણનીતિઓ અપનાવેલી છે. કોઈ ધારાસભ્ય આડાઅવળો ન થઈ જાય એટલે તેમની પહેરેદારી થઈ રહી છે.
મહારાષ્ટ્રની છ બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. જેમાં કોંગ્રેસ, એનસીપી પાસે એક-એક બેઠક જીતવા માટે પૂરતું સંખ્યાબળ છે.

તો ભાજપ પાસે બે બેઠકો માટે તાકાત છે. આવી જ રીતે શિવસેના પાસે એક બેઠક ઉપર ઉમેદવારને રાજ્યસભામાં મોકલવાની પર્યાપ્ત સંખ્યા છે. જો કે શિવસેનાએ પોતાનાં બીજા ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવાં માટે પોતાનાં સહયોગી અને અપક્ષ સહિત કુલ 30 મતની આવશ્યકતા છે.

રાજસ્થાનની વાત કરવામાં આવે તો ત્યાં 4 બેઠકો ઉપર સીધી ટક્કર છે. કોંગ્રેસનાં ત્રણ ઉમેદવાર મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાને છે. આ ત્રણેય ઉમેદવાર માટે 123 વિધાયકોનાં મતની જરૂર કોંગ્રેસને છે. બદલાતા માહોલમાં જ ફક્ત ત્રણ જ વિધાયકનાં ઉલટસુલટ થઈ જાય તો કોંગ્રેસનાં ત્રીજા ઉમેદવારની હાર પણ સંભવ છે. કારણ કે કોંગ્રેસ પાસે પોતાનાં ફક્ત 108 ધારાસભ્ય છે. એક આરએલડી, 13 અપક્ષ, બે સીપીએમ અને બે બીટીપીનાં મત કોંગ્રેસને મળે ત્યારે તેના 126 મત થઈ શકે તેમ છે. ભાજપનાં સમર્થન સાથે સુભાષ ચંદ્રા અપક્ષ ઉમેદવાર બનેલા છે. તેમને 11 મતની જરૂર છે. જેમાં તેમને ભાજપનાં 30 સરપ્લસ અને આરએલપીનાં ત્રણ વિધાયકનાં મત મળી શકે તેમ છે.
હરિયાણામાં બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી થશે. અહીં કાર્તિકેય શમાએ મુકાબલાને રસાકસી ભરેલો બનાવી દીધો છે. શર્માને ભાજપનું સમર્થન છે. તેમને જીત માટે 31 મતની જરૂર છે. જે અજય માકન માટે પડકાર સમાન બની ગયું છે. માકન તો જ જીતી શકશે જો તેને કોંગ્રેસનાં 31માંથી 30 વિધાયકનાં મત મળે. એવું કહેવાય છે કે, કોંગ્રેસનાં ત્રણ મત એવા છે જેણે પોતાનાં તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.

કર્ણાટકમાં 4 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. પહેલા અહીં આસાન ચૂંટણી દેખાતી હતી પણ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ મન્સૂર અલીને પોતાનાં ઉમેદવાર બનાવીને પેચ ફસાવી દીધો છે. ભાજપે અહીં વિધાન પરિષદનાં સભ્ય લહેરસિંહને પોતાના ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. 224 બેઠકોની કર્ણાટક વિધાનસભામાં એક રાજ્યસભા બેઠક માટે 4પ વિધાયકનાં મતની જરૂર હોય છે. કોંગ્રેસ પાસે 70 છે પણ પક્ષે જયરામ રમેશ અને મન્સૂર અલી ખાનને મેદાને ઉતારીને લડત આપવાનું મન બનાવ્યું હતું. કોંગ્રેસને હવે બીજી બેઠક માટે વધારાનાં 20 મતની જરૂર છે.

June 9, 2022
president.jpg
1min536

ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તારીખની જાહેરાત કરી દીધી છે. આગામી 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે અને ત્યાર બાદ 21 જુલાઈના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે અને તે દિવસે જ દેશને નવા રાષ્ટ્રપતિ મળી જશે. 

આગામી તારીખ 24 જુલાઈના રોજ વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. ત્યારે તે પહેલા જ દેશના 15મા રાષ્ટ્રપતિને ચૂંટી લેવામાં આવશે. 

Presidential Election on July 18, Results to be Announced on July 21: EC

અગત્યની તારીખો-

  • 15 જૂનના રોજ ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે
  • – 29 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે
  • – 2 જુલાઈ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે
  • – 18 જુલાઈના રોજ મતદાન યોજાશે
  • – 21 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામ જાહેર થશે. 
June 9, 2022
mask_in_flights.jpg
1min417

એવિયેશન રેગ્યુલેટર DCGAએ એરપોર્ટ અને હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક ન પહેરનારાઓની સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું છે કે જે મુસાફરોએ માસ્ક નહી પહેર્યુ હોય તેમને અનિયંત્રિત ગણવામાં આવશે અને વિમાનનું ટેક ઓફ થાય તે પહેલા તેમને ફ્લાઈટમાંથી બહાર નીકાળવામાં આવશે. 

તાજેતરમાં કોરોનાના કેસોમાં થયેલો વધારો જોતા આ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. DCGAએ બુધવારના રોજ એટલે કે આજે જણાવ્યું કે, CISFના જવાન માસ્કના નિયમનો અમલ કરશે. જો કોઈ પણ મુસાફર આ નિયમોને અનુસરવાની ના પાડશે તો તેને વિમાનના ટેક ઓફ પહેલા જ ઉતારી શકાશે.

ઉલ્લેખનીય છે કે DCGAની આ ગાઈડલાઈન દિલ્હી હાઈકોર્ટ તરફથી કોવિડ સુરક્ષાના ઉપાયોનું પાલન કરવાની ના પાડતા મુસાફરો સામે કડક પગલા લેવાના આદેશ બાદ આવી છે. હાઈકોર્ટે 3 જૂનના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે, કોરોના મહામારી હજું સમાપ્ત થઈ નથી અને જો મુસાફરો વારંવારના રીમાઈન્ડર છતાં પણ પ્રોટોકોલનું પાલન કરવાની ના પાડતા હોય તો તેમની સામે સ્વાસ્થ્ય મંત્રાલય અને DCGAની ગાઈડલાઈન પ્રમાણે પગલા લેવા જોઈએ. 

કોર્ટે કહ્યું હતું કે આવા મુસાફરોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકી શકાય છે અથવા આગળની કડક કાયદેસર કાર્યવાહી માટે સુરક્ષા એજન્સીઓને સોંપી શકાય છે. કોર્ટે જણાવ્યું હતું કે અમારી વિચારણા પ્રમાણે આ જ સાચું પગલું હશે કારણકે હજુ કોરોના મહામારી સમાપ્ત નથી થઈ અને ફરીથી તેનું જોર વધી રહ્યું છે.