વડા પ્રધાન નરેન્દ્ર મોદી Dt.27/4/22, બુધવારે બપોરે બાર વાગ્યે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે કોરોના રોગચાળાની સ્થિતિ વિશે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરશે. કૉન્ફરન્સમાં કેન્દ્રના આરોગ્ય ખાતાના સચિવ રાજેશ ભૂષણ પ્રેઝન્ટેશન પણ કરશે.
આગામી દિવસોમાં કેટલાક તહેવારો પણ આવતા હોવાથી વડા પ્રધાને ગયા રવિવારે કોરોનાના ચેપ સામે સાવધ રહેવાનો અનુરોધ દેશની જનતાને કર્યો હતો.
માસિક રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’માં વડા પ્રધાને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઇદ, અક્ષય તૃતીયા, ભગવાન પરશુરામની જન્મજયંતી, વૈશાખ બુધ પૂર્ણિમા ઉજવાશે.
એ માહોલમાં સૌએ કોરોના સામે સાવધ રહીને માસ્ક પહેરવાનું ચાલુ રાખવાનું રહેશે. તે ઉપરાંત સમયાંતરે હાથ ધોવાનો નિયમ જાળવવા અને ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાની કાળજી રાખવાની રહેશે.
દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૪૮૩ કેસ નોંધાયા હતા, આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક વધીને ૪,૩૦,૬૨,૫૬૯ થઈ ગયો હતો. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો આંક વધીને ૫,૨૩,૬૨૨ થઈ ગયો હતો. દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૫ રહ્યો હતો. સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને ૪,૨૫,૨૩,૩૧૧ થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની વૅક્સિનના ૧૮૭.૯૫ કરોડ કરતા પણ વધુ ડૉઝ આપી દેવામાં આવ્યા હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું.
ટ્વિટરે શેરધારકોને ટ્રાન્ઝેક્શનની ભલામણ કરવા બોર્ડ મીટિંગ બાદ સોમવારે Dated 25th April 2022, મોડી રાત્રે $44 બિલિયનના સોદાની જાહેરાત કરી હતી. ઈલોન મસ્કે ગયા અઠવાડિયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી. મસ્કએ કહ્યું કે તે ટ્વિટર ખરીદવા માંગે છે કારણ કે તેને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા અનુસાર આગળ વધી રહ્યું છે. ટ્વીટર ખરીદવાની ઓફર કરી ત્યારથી જ મસ્ક કંપની પર આ ડીલ માટે દબાણ કરી રહ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, ડીલને લઈને મસ્ક અને ટ્વિટર વચ્ચે બેઠક થઈ હતી. ત્યારથી નક્કી કરવામાં આવ્યું હતું કે ટ્વિટરે મસ્કની ઓફર સ્વીકારવાનું મન બનાવી લીધું છે.
ઈલોન મસ્કે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘લોકશાહી સુદ્રઢ રીતે ચાલે તે માટે ફ્રી સ્પીચ એટલે કે વાણી સ્વાતંત્ર્યનું મહત્વ ખૂબ જ છે, અને ટ્વિટર તે ડિજિટલ ટાઉન સ્ક્વેર છે.’
ટ્વિટરને ખરીદવાની ડીલ ફાઈનલ થઈ રહી હોવાની અટકળો વચ્ચે ટેસ્લાના ચીફ ઈલોન મસ્કનું ટ્વિટ વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ બાદ વિદેશી મીડિયામાં અહેવાલ આવ્યા છે કે ટ્વિટર ખરીદવા પર અંતિમ મહોર લાગી ગઈ છે. તો ટ્વિટરે પણ પોતાના નિવેદનમાં આ દાવાની પુષ્ટી કરી છે.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ટેસ્લાના માલિક ઈલોન મસ્કે આખરે ટ્વિટર ખરીદી લીધું છે. આ ડીલ અંગેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે આ ડીલ 44 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 3368 બિલિયન રુપિયામાં કરવામાં આવી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ખરીદવા માટે ઈલોન મસ્ક સાથેના સોદા વચ્ચે ટ્વિટરે કહ્યું કે એકવાર એક્વિઝિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. આ દરમિયાન ટેસ્લા ચીફનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ પછી નિષ્ણાતો માની રહ્યા છે કે બંને કંપનીઓ વચ્ચે ડીલ પૂર્ણ પણે થઈ ગઈ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ઈલોન મસ્ક ટ્વિટર પર હવે કબ્જો ધરાવે છે.
પાછલા સપ્તાહે વાદળછાયા વાતાવરણ અને વરસાદની આગાહીની વચ્ચે થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી હતી હવે ફરીથી હવામાન વિભાગે આગામી 8 દિવસ કાળઝાળ ગરમી માટે ગુજરાતીઓ તૈયાર રહે તેવી આગાહી કરી છે. મંગળવારથી ગરમીનો પારો ઉંચકાવા જઈ રહ્યો છે. 26 એપ્રિલ, મંગળવારથી 8 દિવસ રાજ્યભરમાં 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધાશે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, 25 એપ્રિલથી 2 મે સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ, પાકિસ્તાનમાં સર્જાનારા એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનથી ગરમી વધશે. 29, 30 એપ્રિલે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે. તો રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
દરમિયાનમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી છે ત્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમરેલી, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શનિવારે અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી અને 5 શહેરોમાં 41 ડિગ્રી પાર કરી ગયો હતો. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.1 ડિગ્રી વધીને 41.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 26.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં અમદાવાદમાં ક્રમશ ગરમીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન ખાતાના આંકડાઓ પરથી જણાય છે કે છેલ્લાં 10 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં ગરમીનો પારો 15 માર્ચ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. અગાઉ સૌથી વધુ 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન 28 માર્ચ-2017ના રોજ નોંધાયું હતું. ગત વર્ષે 29 માર્ચના 41.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જૂનાગઢમાં હિટવેવ તાપમાન 42.7 ડિગ્રી જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઉનાળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગગનમાંથી અગનવર્ષા શરૂ થઇ છે. પરિણામે બપોરના સમયે સ્વૈચ્છિક કફર્યુ જેવી સ્થિતિ સર્જાય છે. જૂનાગઢમાં આજે મહતમ તાપમાન 42.7 ડિગ્રી ન્યુનતમ 26.9 ડિગ્રી, ભેજ 30 અને 14 ટકા, પવન 6 કિ.મી. નોંધાયો છે.
દેશના કેટલાય રાજ્યોમાં કોલસાની અછત સર્જાતા આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાયો છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ જેવા રાજ્યોમાં ત્રણથી લઈને આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાઈ રહ્યો છે. થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે.
ભારતના કેટલાય મોટા રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ ગઈ છે. કોલસાની અછતના કારણે વીજળીનું ઉત્પાદન ઘટયું છે. વીજળીનું ઉત્પાદન ઘટતા આઠ-આઠ કલાકનો પાવરકટ લાગુ થયો છે. ઉનાળાની શરૃઆત સાથે જ ભારતના કેટલાય રાજ્યોમાં વીજળીની ગંભીર કટોકટીનું નિર્માણ થયું છે. ખાસ તો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગામડાંઓમાં ૧૦-૧૦ કલાક સુધી વીજળીનો કાપ મૂકાય છે. માર્ચ મહિનામાં યોગ્ય રીતે વીજળી મળતી હતી, પરંતુ એપ્રિલમાં ભર ઉનાળે અચાનક વીજળીનો કાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં વીજ બિલ સમયસર ન ચૂકવનારા મોટા ૩.૬૪ લાખ ગ્રાહકોના વીજ-જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૧૮૨ કરોડ રૃપિયા વસૂલાયા હતા. વીજળી ચોરીના કેસ પણ વધ્યા હતા. વીજ ચોરીના ૨૬૩૯૬ મામલા નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં વીજળીની ગંભીર અછત છેલ્લાં એક સપ્તાહથી સર્જાઈ ગઈ છે.તે ઉપરાંત ઉત્તરાખંડમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠથી ૧૦ કલાક વીજળી ગૂલ રહે છે. પંજાબ-હરિયાણામાં વીજળીની ખપત ૩૦ ટકા સુધી વધી હતી, તેના પરિણામે એપ્રિલ માસમાં અછત સર્જાઈ ગઈ છે. સામાન્ય રીતે મે-માસમાં વીજ કાપની સ્થિતિ સર્જાતી હોય છે તેના બદલે આ રાજ્યોમાં એપ્રિલમાં જ ત્રણથી આઠ કલાકનો વીજકાપ લાગુ કરાયો છે. હરિયાણામાં વીજળીનો કાપ મૂકાતા ઔદ્યોગિક ઉત્પાદન પણ ઘટી ગયું છે. પંજાબ, હરિયાણા ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા જેવા રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ મૂકી દેવામાં આવ્યો છે.
ભારતમાં કોલસા અને ક્રૂડ ઉપર વીજળીની સપ્લાયનો આધાર છે. આ વર્ષે કોલસાની ભારે અછત સર્જાતા આ સ્થિતિ આવી પડી છે. માર્ચ મહિનામાં ખૂબ તાપ પડયો હતો, તેના કારણે માર્ચ માસમાં જ ધારણાં કરતાં વધુ વીજળીનો જથ્થો વપરાયો હતો. માર્ચમાં વધુ વીજળીની જરૃર પડતાં એપ્રિલમાં અછત સર્જાઈ છે. મોટાભાગના થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ ગઈ છે.
દેશના મોટા ૧૬૪માંથી ૨૭ થર્મલ પ્લાન્ટમાં માત્ર ૦થી પાંચ ટકા કોલસાનો જથ્થો છે. ૩૦ ટકા થર્મલ પ્લાન્ટમાં ૧૦ ટકા કે એનાથી પણ ઓછો કોલસો બચ્યો છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિયાના આંકડાં પ્રમાણે ડેઈલી સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૨૧ થર્મલ પ્લાન્ટમાં ૬થી ૧૦ ટકા જેટલો કોલસો ઉપલબ્ધ છે. ૧૬૪ મોટા થર્મલ પ્લાન્ટ પૈકી ૪૮ એટલે કે ૨૯ ટકા પાસે ૧૦ ટકા જેટલો કોલસો માંડ બચ્યો છે.
કોલસા મંત્રાલયના સૂત્રોના કહેવા પ્રમાણે દેશના કુલ કોલસાની જરૃરિયાતમાંથી ૨૦ ટકા જેટલો જથ્થો ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી આયાત થાય છે. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસો મોંઘો થયો હોવાથી ભારતીય કંપનીઓએ કોલસાની આયાત ઘટાડી દીધી છે. પરિણામે કોલસાનો જથ્થો ઘટી ગયો છે.
અહેવાલો પ્રમાણે દેશમાં કોલસાનો જથ્થો નવ વર્ષમાં સૌથી ઓછો થઈ ચૂક્યો છે. તેના કારણે આગામી દિવસોમાં વીજળીની કટોકટી વધારે ઘેરી બને તેવી શક્યતા છે.
સરકારી આંકડાં પ્રમાણે દેશમાં એપ્રિલ માસના પહેલા સપ્તાહમાં જ વીજળીની માગમાં ૧.૪ ટકાનો વધારો થયો હતો. માર્ચ મહિનો ખૂબ જ ગરમ રહ્યો હતો અને એપ્રિલ માસના પહેલા સપ્તાહમાં જ અસહ્ય ગરમી પડવાનું શરૃ થયું હતું. એના કારણે દેશમાં સરેરાશ ૧.૪ ટકા વીજળીની જરૃરિયાત વધી હતી. માર્ચની શરૃઆતમાં વીજળીની માગમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ માર્ચના અંતમાં અચાનક ગરમી વધી પડતાં વીજળીની જરૃરિયાત પણ વધી ગઈ હતી.
Film Star અક્ષય કુમારે હાલમાં બોલીવૂડ સ્ટાર અજય દેવગણ અને શાહરૂખ ખાનની સાથે Tulsi પાન મસાલાની બ્રાન્ડની જાહેરાત કરી હતી, જેને કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો. ફેન્સે કાન આમળીને અક્કીને તેની ભૂલનું ભાન કરાવ્યું અને અક્કીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સની માફી માગી છે.
આ પોસ્ટમાં અક્કીએ કહ્યું છે કે હું મારા ફેન્સ અને શુભેચ્છકોની માફી માંગું છું. છેલ્લા કેટલાક દિવસથી તમારા તરફથી મળી રહેલી પ્રતિક્રિયાઓએ મને હચમચાવી મૂક્યો છે. રિયલ લાઈફમાં હું તમાકુનું સેવન કરતો નથી. તમે લોકોએ ટ્રોલ કરીને મને મારી ભૂલનું ભાન કરાવ્યું છે અને હું તમારી લાગણીનું સન્માન કરું છું. હું પૂરી વિનમ્રતાથી આમાંથી પાછળ હટું છું. મેં જાહેરાતમાંથી મળનારી તમામ રકમને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. કાયદાને કારણે આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રેક્ટ છે. જોકે ભવિષ્યમાં હું સાવચેત રહેવાનું વચન આપું છું.’ ઉલ્લેખનીય છે કે અક્કી આગળ ઘણી વખત એવું કહી ચૂક્યો છે કે ગુટકા કંપની દ્વારા મને જાહેરાત કરવા માટે કરોડો રૂપિયાની ઑફર આવે છે, પણ હું એ સ્વીકારતો નથી, કારણ કે તે મારી સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જોકે અક્કી એકલો નથી કે જેણે ગુટકા, તમાકુ કે પાનમસાલાની જાહેરાત નહીં કરવાનો નિર્ણય લીધો હોય.
પુષ્પા રાજ ઉર્ફે અલ્લુ અર્જુને પણ તમાકુ કંપનીની કરોડો રૂપિયાની ઓફર્સ ઠુકરાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્ર્વાસ કરીએ તો એક કંપનીએ અલ્લુને તમાકુની જાહેરાત માટે કરોડો રૂપિયાની ફી ઓફર કરી હતી પણ અલ્લુએ એવું કહીને એ ઓફર ઠુકરાવી દીધી હતી કે હું મારા ચાહકો સામે કોઈ પણ ખોટી વસ્તુને પ્રમોટ નથી કરવા માગતો. હું પોતે તમાકુ ખાતો નથી તો પછી હું શા માટે તમારૂ કંપનીની બ્રાન્ડને એન્ડોર્સ કરું?
ડિરેક્ટર એસ એસ રાજમૌલિની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ની સફળતા બાદ એક્ટર રામ ચરણે ભગવાન અયપ્પા સ્વામીનું 45 દિવસનું કઠોર મહાવ્રત કર્યું હતું. હવે જૂનિયર NTRએ પણ હનુમાન દિક્ષા લીધી છે.
જુનિયર NTR 21 દિવસ સુધી ઉધાડા પગે રહેશે. એમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, જેમાં તે ભગવા રંગના કપડાં, ગળામાં માળા અને માથામાં તિલક સાથે દેખાઇ રહ્યો છે.
જૂનિયર NTRએ હનુમાન જયંતિ પર પૂજા કરી હતી. હવે તે 21 દિવસ સુધી દીક્ષાનું સંપૂર્ણ રીતે પાલન કરશે. આ દરમિયાન તે ઉઘાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે.
Date 18/04/2022, સોમવારથી ફરી એકવાર વડા પ્રધાન PM Modi ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદી તા. ૧૮, ૧૯ અને ૨૦મી એપ્રિલે ગુજરાત પ્રવાસે છે. સોમવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને સાંજે ૬ વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ ક્ટ્રોલ સેન્ટરની મુલાકાત સાથે તેમના ત્રણ દિવસના કાર્યક્રમનો પ્રારંભ થશે.
નરેન્દ્ર મોદી ગુજરાતમાં અલગ અલગ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનેલા બનાસ ડેરીના પ્લાન્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે જેમને વડા પ્રધાન સંબોધન કરશે. આ સિવાય દાહોદમાં એક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૭૫૦ પથારીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સાથે મોદી નવી મેડિકલ કોલેજના સંકુલ તથા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા રહેણાંક આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય હોસ્પિટલમાં બનેલા નવા ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકશે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુદ્રઢ બનાવી શકાય તે હેતુથી આ કંટ્રોલ સેન્ટર તૈયાર કરાયું છે.
મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાજ્ય સરકારે ખાસ તૈયારીઓ કરી છે. વડા પ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૧૯મીએ દિયોદરમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને વડા પ્રધાન સીધા જામનગર જશે જ્યાં ડબલ્યુએચઓના સહયોગથી બનનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પણ હાજર રહેશે. જામનગરથી ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ૨૦મી એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે. બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદ અને પંચમહાલના વિવિધ પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સીઝનમાં કોરોનાનું જોખમ મંડાઈ રહ્યું છે. દિલ્હી ટીમનો ફિઝિયો બાદ એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ બાદ દિલ્હીની ટીમને પુણે જતા રોકી દેવાઈ છે. દિલ્હીની સમગ્ર ટીમને મુંબઈમાં જ ક્વોરન્ટીન કરી દાવાઈ છે.
દિલ્હીની આગામી મેચ 20 એપ્રિલના રોજ પંજાબ સામે પુણેમાં રમાવાની છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ ખેલાડીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
પેટ્રિક ફરહાર્ટ દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓના સંપર્કમાં રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જો ટેસ્ટમાં અન્ય કોઈ સંક્રમિત જણાય તો તેને પણ આઈસોલેટ કરવામાં આવશે. તે જ સમયે, વધુ ખેલાડીઓ સંક્રમિત થવાની સ્થિતિમાં મેચ સ્થગિત કરવામાં આવી શકે છે. ગયા વર્ષે પણ બાયો-બબલમાં કોરોનાની એન્ટ્રી બાદ ઘણા કેસ નોંધાયા હતા. ત્યારપછી BCCIએ IPL અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. પછી ફેઝ-2નું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું હતું.
માધવપુરના મેળામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમના પ્રવચનમાં કૃષ્ણ -સુભદ્રા વિષે શરતચૂકથી વારંવાર ભાઇ-બહેનને બદલે પતિ-પત્ની ગણાવી ભાંગરો વાટયો હતો. આ પ્રવચનના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા તેથી અંતે સી.આર.પાટીલે માફી માગી છે અને દ્વારકા આવીને દ્વારકાધીશના દર્શન કરીને પણ રૂબરૂ પણ માફી માગશે તેમ કબૂલ્યું છે.’
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે માધવપુરના મેળામાં પ્રવચન દરમિયાન વારંવાર એવો ઉલ્લેખ કર્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ અહીં માધવપુર આવીને લગ્ન કર્યા હતા. તેમના પ્રવચનમાં વારંવાર આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવતા કોઇએ તેનું ધ્યાન દોરીને કૃષ્ણના લગ્ન સુભદ્રા સાથે નહીં પરંતુ રૂક્ષ્મણી સાથે થયાં હતાં તેમ જણાવતા તે સમયે પાટીલે પ્રવચનમાં પોતાની ભૂલ સુધારી હતી પણ કોઇ માફી માંગી ન હતી પરતું ત્યારબાદ પાટીલના આ નિવેદન બદલ ચારે બાજુથી રોષ ભભૂકી ઉઠયો હતો. રાજકીય રીતે પણ તેના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા અને પોરબંદરમાં યુવક કોંગ્રેસે પાટીલના પોસ્ટરને સુદામા ચોકમાં પીપળાના વૃક્ષમાં ઉંધુ લટકાવ્યું હતું અને તે રીતે પણ વિરોધ થયો હતો.
જિલ્લા કોંગ્રેસના પ્રમુખે તો તેમની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું જણાવીને સારવાર કરાવવાની શીખામણ પણ આપી હતી. તે ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ પણ ટ્વીટ કરીને પાટીલને માફી માગવા જણાવ્યું હતું. ગુજરાતના અલગ-અલગ શહેરોના આહિર સમાજના યુવાનો, આગેવાનો વગેરેએ સી.આર.પાટીલને ફોન કરીને માફી માગવા માટે કહ્યું હતું.
દરમિયાનમાં સી.આર.પાટીલે એક વીડિયો શેર કર્યો છે જેમાં પોતે માફી માંગતા હોય તેવું જણાવ્યું છે જેમાં તેઓ બોલે છે કે ‘હું એક કાર્યક્રમમાં શરતચૂકથી ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી વિષે બોલ્યો હતો. તેથી યુવાનોએ અને આગેવાનોએ મને ફોન કરીને આ બાબતમાં માફી માગવાનું કહ્યું હતું એટલું જ નહીં પરંતુ કોઇએ દ્વારકા આવીને પણ માફી માંગવા જણાવ્યું હતું. વક્તવ્ય દરમિયાન મેં કોઇ ધર્મની ટીકા ટીપ્પણી કરી નથી. જે યુવાનોએ મને ફોન કર્યો તેને પણ હકારાત્મક જવાબ આપ્યો હતો. ફક્ત નામ લેવામાં મારાથી શરતચૂક થઇ હતી. ભૂલ એ ભૂલ છે તેથી કોઇપણ જાતની દલીલ વગર એ ભૂલને સ્વીકારીને હું માફી માંગુ છું. મારા વક્તવ્યને કારણે કોઇની લાગણી દુભાઇ હોય તો તેમની માફી માગુ છું અને જરૂર પડયે હું દ્વારકા પણ આવીશ અને માફી માંગીશ’ એમ ઉમેર્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.