અમેરિકાના ન્યાય વિભાગે ગૂગલ સામે ઑનલાઇન સર્ચ અને જાહેરાત મામલે વિશ્ર્વાસભંગનો કેસ દાખલ કર્યો હતો.
આ તો ફક્ત શરૂઆત છે અને ન્યાય વિભાગ તથા ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા ઍપલ, ઍમેઝોન અને ફેસબુક જેવી મોટી ટૅક કંપનીઓની તપાસ પણ ચાલી રહી છે. યુએસના નાયબ ઍટર્ની જનરલ જેફ રોસેને પત્રકારોને જણાવ્યું હતું કે ગૂગલ ઇન્ટરનેટનું અને જાહેરાત શોધવા માટેનું પ્રવેશદ્વાર છે. એણે પોતાની ઇજારાશાહી જાળવી રાખવા માટે અયોગ્ય માર્ગ અપનાવ્યો જે સ્પર્ધાત્મકતા માટે હાનિકારક છે.
ગૂગલની ઑનલાઇન સર્ચ અને જાહેરાત વિશેની ઇજારાશાહી બદલ સાંસદો અને ગ્રાહકોના વકીલો લાંબા સમયથી આક્ષેપ કરી રહ્યા છે.
વોશિંગ્ટન ડી. સી.ની ફેડરલ અદાલતમાં દાખલ કરવામાં આવેલા કેસમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે જાહેરાત કરનારા પાસેથી મેળવેલા અબજો ડૉલરની રકમ ગૂગલ ફોન ઉત્પાદકોને આપીને એમનાં ફોનમાં બ્રાઉઝર પર ગૂગલ જ ડિફોલ્ટ સર્ચ એન્જિન હોય એવી વ્યવસ્થા કરાવે છે.
આ બાબત નાને પાયે શરૂ કરનારા અને નવી શોધ કરનારા પ્રતિસ્પર્ધીઓ માટે મુશ્કેલી ઊભી કરે છે તથા સર્ચની ગુણવત્તા ઘટાડે છે, પ્રાઇવેસીની સુરક્ષાને અને વૈકલ્પિક સર્ચના પર્યાયને સીમિત બનાવે છે જે ગ્રાહકોને નુકસાન પહોંચાડે છે.
તાજેતરના કાળમાં યુરોપના નિયામકોએ ગૂગલ પર લાદેલા અબજો ડૉલરના દંડ અને ગૂગલની કામ કરવાની પદ્ધતિમાં કરાવેલા ફેરફાર પર્યાપ્ત નથી અને ગૂગલે પોતાની કાર્યપ્રણાલીમાં સ્ટ્રક્ચરલ ફેરફાર કરવાની જરૂર છે.














