ગુજરાતમાં ચૂંટણી લડતા કરોડપતિ ઉમેદવારો
લોકસભાની ચૂંટણી માટે અમદાવાદ પશ્ર્ચિમ, નવસારી, કચ્છ, છોટાઉદેપુર, પંચમહાલ અને ભાવનગર બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઉમેદવારોએ રજૂ કરેલી એફિડેવિટ પ્રમાણે સૌથી વધુ ધનવાન નવસારી બેઠકના ભાજપના સાંસદ સી.આર. પાટીલ છે. તેમની સંપત્તિ ૪૫ કરોડ જાહેર થઈ છે. નોટબંધીના વર્ષમાં પણ પાટિલ ૧૯ કરોડ કમાયા હતા. બીજા નંબરે અમદાવાદ પશ્ર્ચિમના ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી છે. જેમણે પાંચ વર્ષમાં બમણી સંપત્તિ રૂ. ૬.૭૬ કરોડ જાહેર કરી છે.

સૌથી વધુ ધનવાન નવસારી બેઠકના ભાજપના સાંસદ સી.આર. પાટીલ
બીજા નંબરે અમદાવાદ પશ્ર્ચિમના ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી
નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે નોટબંધીના વર્ષમાં રૂ.૧૯,૦૩,૪૪,૮૨૦ કરોડની તોતીગ આવક બતાવી હતી. આશ્ર્ચર્યજનક બાબત એ છે કે નોટબંધીની આગળ અને પાછળના તમામ વર્ષમાં તેમની આવક એક કરોડ કરતા ઓછી છે. નોટબંધીના વર્ષમાં આવકમાં આવેલો મોટો ઉછાળો તેમણે એફિડેવિટના સ્વરૂપમાં ઉમેદવારીપત્રક ભરતી વખતે દર્શાવ્યો હતો. સી.આર.પાટીલ પાસે રૂ.૧૨.૬૧ કરોડની મૂલ્યની જંગમ મિલકત, જયારે તેમના પત્ની પાસે રૂ. ૯૨.૦૮ લાખની જંગમ મિલકત દર્શાવી હતી. જ્યારે તેમના એચયુએફ પાસે રૂ. ૬૯.૩૮ લાખની જંગમ મિલકત, તેમની સ્વઉપાર્જિત મિલકતનું મુલ્ય રૂ.૫.૨૭ કરોડ જ્યારે તેમના પત્ની પાસે સ્વ ઉપાર્જિત મિલકતનું મુલ્ય રૂ.૨૪.૮૦ કરોડ દર્શાવ્યું હતું. સી.આર.પાટીલની વારસાગત મિલકતનું મુલ્ય રૂ.૨૮.૬૯ લાખ છે. એફિડેવિટમાં તેમણે કોઇ સરકારી કે બેંકના લેણા બાકી નહિ હોવાનું બતાવ્યું હતું.
અમદાવાદ શહેરની પશ્ર્ચિમ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકીએ સત્તાવાર રીતે ભાજપના મેન્ડેટ ઉપર ઉમેદવારી નોંધાવી હતી.
ડો. કિરીટ સોલંકીએ ઉમેદવારી નોંધાવવા માથે પાઘડી બાંધી પહોંચ્યા હતા. તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલા સત્તાવાર એફિડેવિટમાં તેઓની પાસે રૂ.૬.૭૬ કરોડની સ્થાવર અને જંગમ મિલકત હોવાનું જાહેર કર્યું હતું. ડો. કિરીટ સોલંકીએ વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પશ્ર્ચિમ બેઠકથી જ ઉમેદવારી નોંધાવી હતી તે વેળાએ તેમણે સ્થાવર અને જંગમ મિલકત રૂ.૨.૫૧ કરોડની હોવાની જાહેરાત કરી હતી પણ છેલ્લાં પાંચ વર્ષમાં તેમની સંપત્તિ બમણી થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વેળાએ ડો. કિરીટ સોલંકીએ તેમની સ્થાવર અને જંગમ મિલકત રૂ.૨.૫૧ કરોડ દર્શાવી હતી જેમાં કૃષિ જમીન, પ્લોટ અને મકાન જેવી સંપત્તિ રૂ.૨.૦૫ કરોડની હતી જ્યારે ૪૬.૫૮ લાખનું રોકાણ બેંક, શેર કે સોના-ચાંદીમાં હતું જ્યારે તેમની પત્નીએ વર્ષ ૨૦૧૪માં તેમની કુલ સંપત્તિ રૂ.૮૯.૨૬ લાખની દર્શાવી હતી.
કચ્છની અનામત બેઠક પર ભાજપના ઉમેદવાર એવા વર્તમાન સાંસદ વિનોદ ચાવડાએ તેમનું ઉમેદવારીપત્ર રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભર્યું હતું. ભુજમાં મુખ્યપ્રધાનની જાહેરસભા બાદ એક કિલોમીટરનો રોડ-શો યોજાયો હતો અને ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીને ફોર્મ રજૂ કરાયું હતું.
છોટાઉદેપુરની લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રણજિતસિંહ મોહનસિંહ રાઠવાએ ફોર્મ ભર્યું હતું. ગુજરાત યુનિ.માંથી બીકોમ થયેલા રણજિતસિંહ રાઠવાએ તેમની સામે કોઈ જ ક્રિમિનલ કેસ નોંધાયો ન હોવાનું જાહેર કર્યું હતું. બીએડ કોલેજ આર્ટસ એન્ડ નર્સિંગ કોલેજ વાર્ષિક ભાડું રૂ.૭.૯૫ લાખ આવે છે. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં જમીનો ધરાવે છે. રણજીતસિંહ રાઠવાની સંપત્તિ રૂ.૨.૯૩ કરોડ, સ્થાવર મિલકત ૨.૨૫ કરોડ, જંગમ ૫૨.૨૭ લાખ, હાથ પરની રોકડ રકમ રૂ. ૨ લાખ, ઝવેરાત રૂ.૧૩.૯૦ લાખ હોવાનું દર્શાવ્યું હતું.
પંચમહાલ બેઠક પરના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડનું સરવૈયું જોઈએ તેમણે રૂ.૧.૦૩ કરોડની સંપત્તિ દર્શાવી હતી જેમાં જંગમ મિલકતો ૨૦૧૯માં રૂ.૬૫,૩૨,૬૬૩ અને ૨૦૧૭માં રૂ.૩૫.૩૩ લાખ હતી. સ્થાવર મિલકતો ૨૦૧૯માં રૂ.૩૭,૨૮,૦૦૦ અને ૨૦૧૭માં રૂ.૧૬.૬૫ લાખ હતી. સોનું ૨૦૧૯માં ૨૦ તોલા, એક કિલો ચાંદી અને ૨૦૧૭માં સોનું ૨૦ તોલા, એક કિલો ચાંદી હતી. વાહન ૨૦૧૯માં રૂ.૨૯ લાખના અને ૨૦૧૭માં રૂ.૨૧ લાખના હતા. અભ્યાસ એબીએડ સુધીનો છે. અને એક પણ ક્રિમિનલ કેસ નથી.
ભાવનગર બેઠક પરના ભાજપના ઉમેદવાર ડો.ભારતીબેન ધીરૂભાઈ શિયાળનું સરવૈયું જોઈએ તો જંગમ મિલકત ૨૦૧૪માં રૂ.૨૭,૧૪,૭૭૪ હતી તે ૨૦૧૯માં રૂ.૪૧,૪૭,૫૦૫ થઈ. સ્થાવર મિલકત ૨૦૧૪માં રૂ.૨૮,૫૦,૦૦૦ હતી તે ૨૦૧૯માં રૂ. ૩૫,૮૫,૧૪૦ થઈ. -સ્વપાર્જિત મિલકત ૨૦૧૪માં રૂ. ૩૪,૦૦,૦૦૦ હતી તે ૨૦૧૯માં રૂ.૪૧,૭૫,૦૦૦ થઈ. જવાબદારીઓ રૂ.૧૧,૯૨,૩૯૫ની છે. લોન ૨૦૧૪માં રૂ.૧૧,૩૨,૩૨૫ હતી તે ૨૦૧૯માં રૂ.૧૬,૨૯,૫૯૭ દર્શાવી હતી. તેમની પર એક પણ ક્રિમીનલ કેસ નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


