CIA ALERT

14/10/25: આજે પુષ્યનક્ષત્રએ ભડકે બળતા સોનું-ચાંદીના ભાવ, સોનું રૂ.1.29 લાખ રૂ.ચાંદી 1.80 લાખ

Share On :

દુનિયાના અનેક દેશો પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જંગી ટેરિફના કારણે દરેક દેશોના અર્થતંત્ર ડામાડોળ થઈ ગયા છે. વધુમાં ટ્રમ્પે ગયા સપ્તાહે ચીન પર વધારે ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે, જેના પગલે સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયેલો છે. આ સિવાય અમેરિકામાં ચાલુ રહેલા શટ ડાઉન, ફ્રાન્સમાં રાજકીય કટોકટી તથા ડોલરમાં નબળાઈને કારણે વૈશ્વિક સોના અને ચાંદીના ભાવમાં

સપ્તાહના પ્રારંભમાં જ સોમવારે જંગી ઉછાળો જોવા મળ્યો હતો. દિલ્હી બુલિયન બજારમાં સોમવારે ચાંદી રૂ. ૧,૭૯,૦૦૦ની ટોચે પહોંચી હતી. જ્યારે અમદાવાદ સોના- ચાંદી બજારમાં ચાંદી રૂ. ૧,૭૫,૦૦૦ પહોંચી હતી મુંબઈ બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. ૧,૭૫,૩૨૫ રહી હતી. જે ૩ ટકા જીએસટી સાથે રૂ. ૧,૮૦,૫૮૪ની સપાટીએ પહોંચી હતી. વિશ્વબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં પ્રતિ ઔંસ ૬૫ ડોલર વધુ ઉછળીને ૪૦૮૦ ડોલર બોલાતુ હતું. આ અહેવાલોના પગલે ઘરઆંગણે પણ ધનતેરસ પહેલા જ બન્ને કિંમતી ધાતુના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. બીજીબાજુ, ચાંદી ઔંસ દીઠ ૫૧.૬૭ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમમાં ૪૫ ડોલર વધી ૧૬૪૨ ડોલર જ્યારે પેલેડિયમ ૪૨ ડોલર વધી ઔંસ દીઠ ૧૪૪૮ ડોલર મુકાતુ હતું. દિવાળી પૂર્વે વિશ્વ બજારમાં ભાવ ઊંચા ટકી રહ્યાનું સ્થાનિક બજારના સુત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં ભાવને ટેકો મળી રહે છે.

અમદાવાદ સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૦૦ વધી ૧,૨૯,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૮,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૫૦૦૦ વધી ૧,૭૫,૦૦૦ મુકાતા હતા. કામકાજના છેલ્લા ત્રણ દિવસમાં ચાદીમાં રૂ. ૧૫,૦૦૦નો ઉછાળો નોંધાયો છે.

મુંબઈ ઝવેરી બજારમાં કિંમતી ધાતુ વધી રહી છે. ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના સત્તાવાર ભાવ જે શુક્રવારે રૂપિયા ૧,૨૧,૫૨૫ રહ્યા હતા તે સપ્તાહના પ્રથમ દિવસે રૂપિયા ૨૬૩૦ વધી રૂપિયા ૧,૨૪,૧૫૫ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૭,૮૭૮ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૩,૬૫૮ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. મુંબઈ ચાંદી જે શુક્રવારે જીએસટી વગર .૯૯૯ના પ્રતિ કિલો રૂપિયા ૧,૬૪,૫૦૦ હતા તે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે રૂપિયા ૧૦૮૨૫ વધી રૂપિયા ૧,૭૫,૩૨૫ મુકાતા હતા. સોમવારે જીએસટી સાથે ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૮૦,૫૮૪ કવોટ થતા હતા.

દિલ્હી સોના-ચાંદી બજાર ખાતે આજે ચાંદી રૂ. ૭૫૦૦ ઉછળીને રૂ. ૧,૭૯,૦૦૦ મુકાતી હતી. જ્યારે સોનું રૂ. ૧૯૫૦ વધીને રૂ. ૧,૨૭,૩૫૦ મૂકાતું હતું.

હમાસ-ઈઝરાયલ યુદ્ધવિરામમાં આગળ વધતા ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૫૯.૫૧ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૪ડોલરની અંદર ઊતરી પ્રતિ બેરલ ૬૩.૩૩ડોલર મુકાતું હતું. ગાઝા- ઈઝરાયલ યુદ્ધ વિરામથી મધ્ય પૂર્વના વિસ્તારો ખાતેથી ક્રુડ તેલનો પૂરવઠો વધશે તેવી ધારણાંએ ભાવમાં સ્થિરતા જળવાઈ રહી હતી.

અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર લાદેલા ટેરિફ મુદ્દે હળવું વલણ અપનાવતા અમેરિકન શેરબજારમાં આજે કામકાજના પ્રારંભે તેજી જોવા મળી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું હતું કે ચીન વિશે ચિંતા કરશો નહીં, બધું સારું થઈ જશે. યુએસએ ચીનને મદદ કરવા માંગે છે, તેને નુકસાન પહોંચાડવા નહીં. આ અહેવાલો પાછળ આજે અમેરિકન શેરબજારમાં કામકાજના પ્રારંભે ડાઉ જોન્સ ૫૯૨ પોઈન્ટ ઉછળીને ૪૬,૦૭૨ પહોંચ્યો હતો. જયારે નાસ્ડેક કમ્પોઝિટ ૪૭૩ પોઈન્ટ ઉછળીને ૨૨,૬૭૮ કાર્યરત હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :