Break the Chain : સુરતની જનતાને WeekEndમાં સ્વયંભૂ બંધ માટે ચેમ્બરની આગેવાની હેઠળ અનેક સંગઠનોની સંયુક્ત અપીલ

સમગ્ર સુરતમાં શનિ અને રવિ બે દિવસ જનતા શિસ્ત કાર્યક્રમની ચેમ્બર દ્વારા જાહેરાત
સભામાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોનાનો કહેર જોતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વેપારીઓમાં પણ સ્વૈચ્છિક રીતે વેપાર–ધંધા બંધ રાખવાનો ગણગણાટ શરૂ થયો છે. કેટલાક વેપારીઓ અવઢવમાં છે અને તેથી અસમંજસભરી પરિસ્થિતિ ઉભી થઇ છે. આમ, આ ચિંતાનું વાતાવરણ દૂર થાય અને સૌ સાથે મળીને જો એક જ નિર્ણય લે તો તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થઇ શકે.
આ મિટીંગમાં નક્કી થયા મુજબ શહેરના વિવિધ સામાજિક અને ઔદ્યોગિક એકમોના સહયોગથી સમગ્ર સુરતમાં કોરોનાની ચેઈનને બ્રેક કરવા માટે શનિ–રવિ એમ બે દિવસના સ્વયંભૂ બંધ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ કરાઈ છે.
આ મિટીંગમાં ઉપસ્થિત વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓએ કોરોના સંક્રમણ ઘટાડવા બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ તમામ મંતવ્યોનો નિષ્કર્ષ એક જ હતો કે હાલમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે તા. ૩૦ એપ્રિલ ર૦ર૧ સુધી શનિ–રવિ એમ બે દિવસ વેપાર–ધંધા બંધ રાખી સ્વૈચ્છિક સ્વયં શિસ્ત જાળવવી જોઈએ. આ જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમને આગળ વધારવો જોઈએ કે નહીં તે તા. ૩૦ એપ્રિલ ર૦ર૧ પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવો. સાથે સાથે જનતા સ્વયં શિસ્તનો આ કાર્યક્રમ સંપૂર્ણ સફળ થાય તે માટે વહીવટી તંત્રનો પણ સહયોગ લેવો જોઈએ. ઉપસ્થિત તમામ એસોસીએશનો દ્વારા આ સ્વયંભૂ બંધ – જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમ અંગે ચેમ્બર આગેવાની લે અને તે અંગે અપીલ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ તકે ઉપસ્થિત ચેમ્બરના ઉપપ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કારીગરોની અને માલિકોની સલામતીને ધ્યાનમાં રાખીને અને સામાજિક જવાબદારીના ભાગ રૂપે બે દિવસ સ્વૈચ્છિક રીતે બંધ રાખવું જોઈએ તથા આ બે દિવસ દરમ્યાન કામદારો કારણ વગર બહાર નહીં નીકળે તે ઇચ્છનીય છે અને તેનું પાલન કરાવવાની જવાબદારી જે તે કારખાનેદારની અને સ્થાનિક એસોસીએશનોની છે.
સભા સંચાલન કરતા સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી કાનજી ભાલાળાએ આ સ્વૈચ્છિક એલાનને સફળ બનાવવા માટે તમામ ઓફિસ ધારકોને પણ ખાસ વિનંતી કરી હતી. પોતાની ઓફિસના સ્ટાફને ઓફિસમાં નહીં બોલાવીને આ એલાનને સફળ બનાવવું એ સૌની નૈતિક ફરજ છે એવો સંદેશો ત્વરિત ગતિએ ફેલાવવો એ સમયની માંગ છે. મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ધરાવતા સંચાલકોએ સ્વયંભૂ રીતે જ આ અપીલને ધ્યાનમાં રાખીને આ બે દિવસ અમારા કોમ્પ્લેક્ષની તમામ ઓફિસો સ્વૈચ્છિક બંધ પાળશે તેવું એલાન કરવું જરૂરી બનશે.
ચર્ચાનું સમાપન કરતા ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ચેઈન તૂટે તે માટે આપણે સૌએ સજાગ પણ રહેવું પડશે. માત્ર બે દિવસ ધંધા–રોજગાર બંધ રાખવા તે પૂરતું નથી પરંતુ આ બે દિવસ દરમ્યાન અત્યંત જરૂરી હોય તો જ લોકોએ ઘરની બહાર નીકળવું જોઈએ અન્યથા ઘરમાં જ રહેવું જોઈએ.
ચેમ્બરના માનદ્દ મંત્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે ૬:૦૦ કલાકથી સોમવારે સવારના ૬:૦૦ કલાકનો સમય ગણીએ તો ફક્ત ૪૮ કલાક પોતાના ઘરમાં રહેવાનું છે. આ રીતે સ્વયં શિસ્તનું પાલન કરવામાં આવશે તો જ કોરોના સંક્રમણની ચેઈન તૂટશે.
આ સભામાં, ચેમ્બરના માનદ્દ ખજાનચી મનિષ કાપડિયા, ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રતિનિધિ ડૉ. નિર્મલ ચોરારિયા, સમગ્ર પાટીદાર સમાજના પ્રતિનિધિ કાનજી ભાલાળા, સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુ વેકરીયા, સુરત બિલ્ડર્સ એસોસીએશન – ક્રેડાઈના પ્રતિનિધિ જસમત વિડીયા, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, ફિયાસ્વી અને સાસ્કમાના પ્રમુખ ભરત ગાંધી, એસ.આર.ટી.ઇ.પી.સી.ના નેશનલ ચેરમેન ધીરુ શાહ, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિ કથીરીયા, સચિન ઇન્ડસ્ટ્રીના અગ્રણી મહેન્દ્ર રામોલીયા, વોર્પ નીટર્સ એસોસીએશનના બ્રિજેશ ગોંડલીયા, સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુ, ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના ગુજરાત એકમના પ્રમુખ પ્રમોદ ભગત અને મિતેશ શાહ, ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેકચરર્સ એસોસીએશનના મંત્રી હિમાંશુ બોડાવાલા, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વિનેશ શાહ, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ચિરાગ શાહ, પાંડેસરા વીવર્સ કો–ઓપ. લિ.ના વિમલ બેકાવાલા, મેહુલ વિઠ્ઠલાણી, બરકત પંજવાણી, સુરત ક્ષત્રિય સમાજના અગ્રણી રાજેન્દ્ર લાલવાલા, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના વિજય માંગુકીયા, વરાછા કો–ઓપ. બેંકના ચેરમેન ભવાન નવાપરા ઉપસ્થિત રહ્યા હતા અને લેવાયેલા નિર્ણયને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન (એસજીટીપીએ), ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલ્ફેર એસોસીએશન (ફોગવા), ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ્સ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા), સુરત મર્કન્ટાઇલ એસોસીએશન, સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડિંગ મટિરિયલ મર્ચન્ટ્સ એસોસીએશન, સધર્ન ગુજરાત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, પાંડેસરા વીવર્સ કો–ઓપ. સોસાયટી, સાસ્કમા, સુરત ઇલેકટ્રીકલ મર્ચન્ટ્સ એસોસીએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ્સ એસોસીએશન, સુરત હોલસેલ ગ્રેઇન મર્ચન્ટ્સ, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન લિમિટેડ (વાસ્કોફ), સાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોસાયટી, હેન્ડીક્રાફટ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, સુરત ખાખરા એસોસીએશન, સુરત ડ્રાય ફ્રુટ એસોસીએશન, સુરત નમકીન એસોસીએશન, સુરત મિઠાઇ એસોસીએશન અને સુરત સિરામિકસ એસોસીએશન દ્વારા પણ બે દિવસ સ્વયંભૂ બંધ માટે સમર્થન જાહેર કર્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
