BJPની રાજનીતિ, ગુજરાતમાં ભાજપની પકડ જ્યાં જ્યાં ઢીલી ત્યાંથી મજબૂત કોંગ્રેસીઓ ઉખડ્યા
મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાની બેઠકો પર લોકસભાની ચૂંટણીમાં ભાજપાને નુકસાનની ભીંતિ હતી પણ ચૂંટણી પહેલા જ કોંગ્રેસી નેતાઓએ કોંગ્રેસ છોડી દેતા ભાજપાને સીધો ફાયદો દેખાય રહ્યો છે

2014માં કેન્દ્રમાં સરકાર રચ્યા પછી ભાજપાની રાજનીતિમાં એક મહત્વનો ટર્ન જોવા મળ્યો. ભાજપાએ ખાસ કરીને ગુજરાતમાં એવી રાજનીતિ રમી કે જેનાથી રાજ્યમાં જ્યાં જ્યાં ભાજપાની પકડ ઢીલી હતી, એવા વિસ્તારો કે જ્યાં જ્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાથી લઇને એમ.પી. સુધીની બેઠકો પર ભાજપાનો પરાજય થઇ શકે એવા વિસ્તારોમાં મજબૂત કોંગ્રેસી નેતાઓએ કોંગ્રેસને જ રામ રામ કરી દીધા છે. એક સમયે ભાજપાને ભાંડવામાં કશું બાકી નહીં રાખનાર એક સમયના મહેસાણાના કોંગ્રેસી સાંસદ જીવાભાઇ પટેલ, રાજકોટના કુંવરજી બાવડીયા હોય કે પછી ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર હોય અને છેલ્લે સાબરકાંઠાના ડો. આશાબેન પટેલ હોય, આ તમામ કોંગ્રેસ પાર્ટીને એક સમયના સ્ટ્રોંગ ગ્રાઉન્ડ ધરાવતા નેતાઓ આજે કોંગ્રેસ છોડી ચૂક્યા છે. ખાસ કરીને ભાજપાએ મિશન નોર્થ ગુજરાત અભિયાન ચલાવ્યે રાખ્યું, પડદા પાછળ રહીને ભાજપાની રાષ્ટ્રીય નેતાગીરીએ એવો ખેલ પાડ્યો કે નોર્થ ગુજરાતની પાંચ લોકસભા બેઠકો કે જ્યાં ભાજપાને 2019માં મોટી હારનો સામનો કરવો પડે તેમ હતો, એ નુકસાન ખાળવા માટેના ભાજપે કરેલા પ્રયાસો ફળદાયી નિવડ્યા હોવાનું ફલિત થઇ રહ્યું છે.
- એક સમયના પાક્કા કોંગ્રેસીઓ આજે કોંગ્રેસ છોડી ચૂક્યા છે
- મહેસાણાના પૂર્વ એમ.પી. જીવાભાઇ પટેલ
- રાજકોટના કુંવરજી બાવડીયા
- ધારાસભ્ય ડો.આશાબેન પટેલ
ગુજરાત વિધાન-સભાની ગત ચૂંટણીમાં ભાજપને ખાસ કરીને ઉતર ગુજરાતની મોટાભાગની બેઠકો પર પાટીદાર નેતાઓ અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરની કારણે નુકસાન વેઠવું પડ્યું હતું, પરંતુ લોકસભા 2019ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની પાંચ બેઠકો પર આવા નુકસાન ખાળવા માટે મિશન નોર્થ ગુજરાત શરૂ કરવામાં આવ્યું છે. કૉંગ્રેસની પૂર્વ સાસંદ જીવાભાઇ પટેલથી શરૂ કરીને વાયા ડૉ. આશાબેન પટેલ થઇને આ મિશનમાં પાંચેય બેઠક સર કરવા માટે ઠાકોર નેતા અને કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેના બે થી ત્રણ સાથીદાર ધારાસભ્યને પણ ભાજપનો કેસરિયો પહેરાવા માટેની રણનીતિ ઘડવામાં આવી હોવાનું જાણવા મળે છે.
કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેના બે થી ત્રણ સાથીદાર ધારાસભ્યને પણ ભાજપનો કેસરિયો પહેરાવા માટેની રણનીતિ
દરમિયાન મહેસાણાનાં પટેલ સમાજનાં નેતા જીવા પટેલ પણ હાલ ભાજપમાં જોડાયા છે. તેઓ ગત ચૂંટણીમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની સામે લડ્યાં હતાં અને હારી ગયાં હતાં. હવે ઉત્તર ગુજરાતનાં બીજા પટેલ નેતા પણ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. દરમિયાન એક તરફ જ્યાં કૉંગ્રેસ ગુજરાતમાં સબ સલામતનાં દાવા કરે છે અને બીજી તરફ તેમનાં ધારાસભ્યો પક્ષથી નારાજ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ચર્ચા એવી પણ છે કે આશાબહેન ઉપરાંત પણ અનેક ધારાસભ્યો ભાજપ તરફ ઢળી રહ્યા હોવાનું કહેવાય છે.
ઉત્તર ગુજરાતમાં પાંચ લોકસભા બેઠકો આવે છે. જેમાં મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. દરમિયાન ઊંઝા મતવિસ્તાર મહેસાણા લોકસભા મતવિસ્તારમાં આવે છે, જેમાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. દરમિયાન આ સાત બેઠકોમાંથી કડી, મહેસાણા, વિસનગર અને વિજાપુર ભાજપ પાસે છે જ્યારે ત્રણ બેઠકો-ઊંઝા, માણસા અને બેચરાજી કૉંગ્રેસ પાસે છે. દરમિયાન હવે ઊંઝાનાં કૉંગ્રેસનાં ધારસભ્ય ડૉ. આશાબેન પટેલે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. દરમિયાન ઉત્તર ગુજરાતમાં કુલ 32 વિધાનસભા બેઠકો છે તેમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં 17 બેઠકો પર કૉંગ્રેસ જીત્યું છે અને 15 બેઠકો પર ભાજપ જીત્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં આ પરિબળો મિશન 26 જાળવવામાં ગાબડું પાડી શકે છે.
ભાજપાની રાજનીતિ સામે કોંગ્રેસ વિવશ
ડૉ. આશાબેન પટેલ પર વિશ્ર્વાસ મૂકી વિધાનસભાની ટિકિટ આપી હતી, પ્રજાએ તેમને કૉંગ્રેસના સિમ્બોલ પર ધારાસભ્ય બનાવ્યા હતા. કાલ સુધી તેમની કોઇ નારાજગી સામે આવી નહોતી, પરંતુ રાતોરાત શું રંધાયું તે આગામી સમય બતાવશે એવું જણાવીને કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપ દ્વારા કૉંગ્રેસના ધારાસભ્યોને ડરાવી-ધમકાવી અને લાલચ આપીને તોડવાના પ્રયાસો થઇ રહ્યા છે. ચાવડાએ વધુમાં જણાવ્યું કે, ભાજપ અમારા ધારાસભ્યોને બદનામ કરવાના પ્રયાસો કરે છે. ભાજપની આ નીતિ આવનારા સમયમાં ખુલ્લી પડશે. તા.1લી ફેબ્રુઆરી 2019ના રોજ શુકવારે કૉંગ્રેસ પ્રદેશ સમિતિની ઑફિસમાં કૉંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોની યોજાયેલી બેઠકમાં આશાબેન પટેલ પણ હાજર હતા. તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી, પરંતુ તેમની વાત કે રજૂઆત પરથી ક્યાંય કોઇ નારાજગી સામે આવી નહોતી. રાતો રાત શું રંધાયું તેની જાણ નથી. તે આવનારો સમય જ બતાવશે. તેમણે કહ્યું કે, પક્ષે તેમની પર વિશ્ર્વાસ મૂકી વિધાનસભાની ટિકિટ આપી હતી. પ્રજાએ તેમને કૉંગ્રેસના સિમ્બોલ પર ધારાસભ્ય બનાવ્યા હતા. જોકે, તેમણે આ નિર્ણય લેતાં પહેલાં ત્યાંની પ્રજા કે પક્ષ સાથે કોઇ વાતચીત કરી નહોતી. કદાચ તેમણે વ્યક્તિગત હિતો માટે આ નિર્ણય લીધો હશે. આશાબેનના આંતરિક વિખવાદ અને રાહુલ ગાંધીના નેતૃત્વ સામેના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં તમામ ધારાસભ્યોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. તેમના સ્થાનિક પ્રશ્ર્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે રાહુલ ગાંધીના નેતૃત્વની વાત છે તો તેમનું નેતૃત્વ મજબૂત અને સર્વસ્વિકૃત છે. વ્યક્તિગત લાભ માટે નિર્ણય લઇ રાષ્ટ્રીય નેતૃત્વ પર આક્ષેપ કરવો યોગ્ય નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


