CIA ALERT

Bihar Election: ભાજપ-જદયુ 101-101 જ્યારે સાથી પક્ષો 41 બેઠક પર લડશે

Share On :

બિહારમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. બધા જ પક્ષો ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે લાંબી ખેંચતાણ પછી અંતે રવિવારે ભાજપ નેતૃત્વના એનડીએમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉકલી ગયો છે. બિહારમાં ભાજપ અને નીતિશ કુમારના જદયુ ૧૦૧-૧૦૧ બેઠકો પર જ્યારે ચિરાગ પાસવાનના લોજપ સહિતના સાથી પક્ષો બાકીની ૪૧ બેઠકો પર ચૂંટણી લડશે.

બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી એનડીએમાં બેઠકોની વહેંચણી માટે ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી સહિતના પક્ષોને મનાવવા ભાજપ માટે મુશ્કેલ બન્યું હતું. જોકે, ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાન અને જદયુ નેતા સંજય ઝાએ રવિવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બેઠકોની વહેંચણીની કામગીરી સંતોષજનક રીતે પૂરી થઈ હોવાની જાહેરાત કરી હતી.

એનડીએના પક્ષોમાં બેઠકોની વહેંચણી અંગેની સમજૂતી મુજબ ભાજપ અને નીતિશ કુમારના જદયુ ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે ચિરાગ પાસવાનના પક્ષ લોકજનશક્તિ પક્ષ (લોજપ)ને ૨૯ બેઠકો આપવામાં આવી છે. આ સિવાય જિતનરામ માંઝીના પક્ષ ‘હમ’ અને ઉપેન્દ્ર કુશવાહાન અને ઉપેન્દ્ર કુશવાહાના પક્ષ રાષ્ટ્રીય લોક મોરચાને ૬-૬ બેઠકો ફાળવવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે, પાછલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવે તો બેઠકોની વહેંચણીમાં સૌથી વધુ ૧૪ બેઠકો જદયુએ છોડવી પડી છે જ્યારે ભાજપે નવ અને હમે એક બેઠક ગુમાવી છે. બેઠક વહેંચણીની ચર્ચામાં જદયુએ અગાઉની ચૂંટણીમાં તેઓ જે બેઠકો પર લડયા હતા તેમાંથી કોઈ બેઠક ચિરાગ પાસવાનના લોજપ માટે નહીં છોડવાની જીદ ચાલી નહીં.

જદયુ નેતા સંજય ઝાએ લખ્યું અમે એનડીએના સાથીઓએ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બેઠકોનું વિતરણ કર્યું છે. એનડીએના બધા જ નેતા અને કાર્યકરો આ બેઠક વહેંચણીનું સ્વાગત કરે છે અને મુખ્યમંત્રી નીતિશ કુમારને પ્રચંડ બહુમતીથી ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે સંકલ્પ કરે છે. બિહાર ફરીથી એનડીએ સરકાર બનાવવા તૈયાર છે.

એનડીએની બેઠક વહેંચણીથી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ વખતે મોટા ભાઈ- નાના ભાઈની ભૂમિકા ખતમ થઈ ગઈ છે, કારણ કે ભાજપ અને જદયુ બંને એક સમાન ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડશે. જોકે, આ બાબતના સંકેત બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે પહેલાથી જ આપી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, આ વખતે ચૂંટણીમાં કોઈ મોટા ભાઈ-નાના ભાઈની ભૂમિકામાં નહીં રહે.

બેઠકોની વહેંચણી માટે ચિરાગ પાસવાનને મનાવવા અનેક પ્રયત્નો થયા હતા. જોકે, આ ફોર્મ્યુલા નિશ્ચિત થયા પછી પાસવાને કહ્યું, એનડીએ પરિવારે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી પૂરી કરી લીધી છે. જિતનરામ માંઝીએ પણ કહ્યું કે, અમને લોકસભામાં એક જ બેઠક મળી હતી ત્યારે પણ નારાજ નહોતા અને હવે છ બેઠક મળી છે તો પણ નારાજ નથી. અમે અંતિમ શ્વાસ સુધી વડાપ્રધાન મોદી સાથે રહીશું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :