મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દિકીની હત્યા: Y કેટેગરીની સુરક્ષા ફેલ, સરકાર ઘેરાઈ

Share On :

મહારાષ્ટ્રના મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP – અજીત પવાર)ના નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ છે. સિદ્દિકી તેમના દીકરા જીશાન સિદ્દિકીની ઓફિસની બહાર ઊભા હતા ત્યારે ત્રણ લોકોએ તેમના પર અચાનક ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમને બે છાતી-પેટના ભાગમાં અને એક પગમાં ગોળી વાગી હતી. જ્યારબાદ ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેેમનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ, પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અને એક આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. શંકાસ્પદ આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો હરિયાણાનો છે. આ ઘટના બાંદ્રા ખેરવાડી સિગ્નલ નજીક બની છે. ક્રાઈમ બ્રાંચે કેસની તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે, બાબા સિદ્દિકી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટું નામ હતું. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા.

આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લીધી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. બાંદ્રા ઈસ્ટમાં બાબા સિદ્દિકી પર ફાયરિંગની ઘટના બની છે, જે નિર્મલ નગર પોલીસ સ્ટેશન હેઠળની ઘટના ગણાવાય રહી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સ્પોટ પર પહોંચી ગઈ છે. મુંબઈ પોલીસે હાલ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી છે, તેની સાથે સાથે CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે.

બાબા સિદ્દિકીની હત્યા પર મુંબઈ પોલીસનું નિવેદન આપ્યું છે કે, ‘સોપારી કિલિંગનો મામલો હોય શકે છે, તેથી તે એન્ગલથી પણ કેસની તપાસ ચાલી રહી છે.’ મળતી માહિતી અનુસાર, બાબા સિદ્દિકીની સાથે હાજર એક વ્યક્તિને પણ પગમાં ગોળી વાગી છે. જેની સારવાર પણ લિલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે.

બાબા સિદ્દિકી પર શૂટર્સે 9.9 MM પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ પિસ્તોલ જપ્ત કરી લીધી છે. આરોપીઓએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી ત્રણ ગોળી બાબા સિદ્દિકીને વાગી, જેનાથી તેમનું મોત થઈ ગયું.

ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે : એકનાથ શિંદે

ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ‘પોલીસને આકરી કાર્યવાહીના આદેશ અપાયા છે. ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. બે આરોપીની ધરપકડ કરાઈ ચૂકી છે. એક આરોપી હજુ ફરાર છે.’

નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આવતીકાલના તમામ કાર્યક્રમ રદ્દ કર્યા છે. તેઓ આજે જ મુંબઈ પરત ફરશે. બાબા સિદ્દિકીની હત્યા બાદ અજિત પવારે કહ્યું કે, NCP નેતા, પૂર્વ રાજ્ય મંત્રી, મારા સહયોગી બાબા સિદ્દિકી જે લાંબા સમય સુધી ધારાસભ્ય રહ્યા છે તેના પર ફાયરિંગની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, નિંદનીય અને દર્દનાક છે. મને આ જાણીને આઘાત લાગ્યો કે આ ઘટનામાં તેમનું મૃત્યુ થઈ ગયું. મેં પોતાના સારા સહકર્મી, મિત્ર ગુમાવી દીધા છે. હું આ કાયરતાપૂર્ણ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરું છું. ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવશે અને હુમલાખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે.

જ્યારે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ પોલિસ અધિકારીઓ લિલાવતી હોસ્પિટલ પહોંચ્યા છે. તો બાબા સિદ્દિકીના મોતના સમાચાર બાદ બોલિવૂડ એક્ટર સલમાન ખાન પણ લિલાવતી હોસ્પિટલ પહોંચી રહ્યા છે. જણાવી દઈએ કે, સલમાન ખાન અને બાબા સિદ્દિકી નજીકના મિત્ર હતા.

બાબા સિદ્દિકીને ગોળી મારવાના સમાચાર બાદ એક્ટર સંજય દત્ત પણ લિલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને હોસ્પિટલથી નીકળીને પોતાની કારમાં બેસીને જતા જોઈ શકાય છે. સલમાન ખાનની જેમ સંજયદત્ત પણ બાબા સિદ્દિકીના નજીકના મિત્ર રહ્યા છે.

અસદુદ્દીન ઓવૈસીએ એનસીપી નેતાના મોત પર કહ્યું કે, બાબા સિદ્દિકીની હત્યા ખુબ જ નિંદનીય છે. આ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિને દર્શાવે છે. અલ્લાહ તેમને માફ કરે. તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે મારી સંવેદનાઓ.

બાબા સિદ્દિકીની હત્યા પર શરદ પવારે કહ્યું કે, રાજ્યની ધ્વસ્ત થયેલી કાયદો વ્યવસ્થા ચિંતાનો વિષય છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા કરવી દુઃખદ છે. જો ગૃહમંત્રી અને શાસક રાજ્યને આટલી બેદરકારીથી આગળ વધારશે તો આ સામાન્ય લોકો માટે ખતરાની ઘંટી હોય શકે છે. તેમની ન માત્ર તપાસ કરવાની જરૂર છે પરંતુ જવાબદારી સ્વીકર કરીને સત્તામાં બેઠેલા લોકોને પદ છોડવાની પણ જરૂર છે. બાબા સિદ્દિકીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ.

બાબા સિદ્દિકીના મોત પર ભાજપ નેતા શાહનવાઝ હુસૈને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના X હેન્ડલ પર લખ્યું કે, NCP નેતા બાબા સિદ્દિકીની દુઃખદ હત્યા અંગે સાંભળીને ખુબ દુઃખ થયું. ભગવાન તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :