દિલ્હીમાંથી 5 વર્ષમાં 2,42,938 બાળકો ગુમ, ગુમ થતાં દર 10માંથી 6 બાળકો મળતા નથી
દિલ્હીમાંથી ગુમ થતાં દરેક 10 બાળકોમાંથી છની ભાળ મળતી ન હોવાની વાત બે સ્વયંસેવી સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાઇ હતી. અલાયન્સ ફોર પીપલ્સ રાઇટ (એપીઆર) અને ચાઇલ્ડ રાઇટ્સ ઍન્ડ યુ (ક્રાઇ) નામના એનજીઓએ એનસીઆરબી ડેટા અને પોલીસે આપેલા આરટીઆઇ અરજીઓના જવાબને આધારે બનાવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાંથી ગુમ થયેલાં 63 ટકા બાળકો શોધાયાં નહોતાં અને આ સામે આખા દેશની શોધાયા ન હોય એવા બાળકોની ટકાવારી 30 ટકા છે.
‘દિલ્હીમાંથી 2018માં ગુમ થયેલાં બાળકો’ના મથાળા હેઠળ તા.26મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે પાછલા પાંચ વર્ષ દરમિયાન દિલ્હીમાંથી 26,761 જેટલાં બાળકો ગુમ થયાં હતાં અને એમાંથી ફક્ત 9,727 બાળકો જ શોધી કઢાયાં હતાં. જોકે, દિલ્હી પોલીસના ડેટા પ્રમાણે 2015માં રોજ 22 બાળકો ગુમ થતાં હતાં, પણ 2017માં એ ઘટીને રોજ ગુમ થનાર બાળકોની સંખ્યા 18 થઇ છે.
આરટીઆઇ અરજીના જવાબમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ક્રિશ્ર્ના રાજે જણાવ્યું હતું કે 1લી જાન્યુઆરી, 2012થી 20 માર્ચ, 2017 વચ્ચે 2,42,938 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાઇ હતી અને એમાંથી 1,70,173 બાળકો જ શોધી શકાયાં હતાં.
રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાં ગુમ થતાં બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પણ એમને શોધવાની બાબતમાં દિલ્હી સાવ ઊણું ઊતર્યું છે અને પ્રશાસને આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઇએ.

બાળકો ગુમ થતા અટકાવવા માટે એપીઆર અને ક્રાઇએ કમ્યુનિટી વિજિલન્સની પ્રણાલી શરૂ કરી હતી. એમાં જણાવાયું હતું કે કઇ રીતે દરેક સમાજના લોકોને એમના વિસ્તારમાં બાળકો પર નજર રાખવાનું તથા બાળકો માટે શક્યત: ઊભા થનાર ખતરા પર ધ્યાન રાખવાનું કામ સોંપાવું જોઇએ.
ક્રાઇના રિજનલ ડિરેક્ટર સોહા મિત્રાએ જણાવ્યું હતું કે ગુમ થયેલાં બાળકોને શોધવાનું કામ મુખ્ય રીતે પોલીસનું જ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના એવું સૂચન કરે છે કે સામાજિક સ્તરે જ બાળકોને ગુમ થતા રોકવા માટે પ્રયત્ન થવા જોઇએ.
આ યોજના પ્રમાણે પ્રશાસન અને સમાજે સાથે મળીને બાળકો ગુમ થતા રોકવા માટે પ્રયત્ન કરવા જોઇએ. બાળકોની આસપાસ સુરક્ષાચક્ર રચવાની જવાબદારી સરકાર અને સમાજ બંનેની છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે સૌથી વધુ ગુમ થનાર બાળકો 12-18 વર્ષની વયના હોય છે અને એમાંય છોકરા કરતાં છોકરીઓની સંખ્યા વધુ હોય છે. આ પાછળ બાળમજૂરી, દેહવિક્રય, બળજબરીથી લગ્ન કરાવવા, ઘરકામ કરાવવું અને ભીખ મગાવવી જેવી બાબતો માટે એમનો ઉપયોગ થતો હોય છે.
પોલીસ વિભાગનું વલણ આ મામલે એકદમ નિરસ રહ્યું છે. દિલ્હીમાં ગુમ થઇ રહેલા બાળકોને શોધવા માટે પોલીસ વિભાગે કોઇ યોજના નથી બનાવી કે એમની પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઇ ઉત્તર પણ નથી.
પોલીસ પેટ્રોલિંગ વધારવી, જાહેર સ્થળોએ ગુમ થયેલ બાળકોની માહિતીની જાહેરાત, એમના વિશે નોટિસ ફરતી કરવી, હોર્ડિંગ અને બેનર લગાડવા, સીસીટીવી કૅમેરા લગાવવા અને એવા અનેક ઉપાયોનો ઉપયોગ હજુ અનેક સ્થળે નથી કરવામાં આવતો.
દિલ્હીમાં 11 જિલ્લા બાળ સુરક્ષા યુનિટ બનાવાઇ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના પ્રમાણે આ યુનિટોએ બાળકો માટે સુરક્ષાચક્ર બનાવવા સમાજ સાથે સંપર્ક નથી જોડયો.
આ સિવાય ગુમ થયેલાં બાળકોને શોધવા માટે પોલીસ વિભાગ પાસે માણસોની પણ અછત છે. પોલીસો પર કામનું એટલું બધું દબાણ છે અને તેઓ અન્ય ફરજમાં એવા પરોવાયેલા છે કે બાળકો ગુમ થવાને મામલે તેઓ ખાસ સંવેદનશીલતાથી ધ્યાન નથી આપી શકતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


