ટેલિકોમ ઉદ્યોગ મોનોપોલીની દિશામાં: અનિલ અંબાણી
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ના ચેરમેન અનિલ અંબાણીએ મંગળવારે જણાવ્યું હતું કે, ટેલિકોમ સેક્ટરમાં ઇજારાશાહી સ્થપાય તેવી શક્યતા છે. તેમણે પડકારજનક સમયમાં મદદરૂપ થવા બદલ અને માર્ગદર્શન આપવા બદલ મોટા ભાઈ મુકેશનો આભાર માન્યો હતો.

કંપનીની 14મી વાર્ષિક સાધારણ બેઠકમાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે, અતિતીવ્ર સ્પર્ધા ચાલુ રહી હોવાથી ટેલિકોમ ઉદ્યોગે 20 લાખ જેટલી નોકરીઓ ગુમાવી છે. ઊંચા ખર્ચ અને અમુક કંપનીઓ દ્વારા અતિનીચા ભાવની ઓફરને કારણે ઉદ્યોગનો ‘સર્જનાત્મક વિનાશ’ થયો છે. હવે ઉદ્યોગ ડ્યુઓપોલી તરફ અને કદાચ અંતે મોનોપોલી તરફ આગળ વધી શકે છે.
અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (ADAG)ની કંપની આરકોમ હવે ટેલિકોમ બિઝનેસમાંથી સંપૂર્ણપણે એક્ઝિટ કરશે અને ભવિષ્યમાં રિયલ એસ્ટેટ બિઝનેસ પર ફોકસ કરશે. ADAGના વડા અનિલ અંબાણીએ મંગળવારે આ જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે, આરકોમની ટોચની પ્રાથમિકતા ₹40,000 કરોડનું દેવું ચૂકવવાની છે. કંપનીએ નિર્ણય લીધો છે કે આરકોમ હવે ટેલિકોમ બિઝનેસમાંથી એક્ઝિટ કરશે. બીજી પણ ઘણી કંપનીઓએ આ નિર્ણય લીધો છે. આ દીવાલ પર લખેલું સત્ય છે.
તેમણે કહ્યું કે, “મોબાઇલ સેક્ટરમાંથી અમે ખસી ગયા છીએ, એન્ટરપ્રાઇઝ બિઝનેસમાંથી યોગ્ય સમયે નાણાં મેળવીશું. રિલાયન્સ રિયલ્ટી આ કંપનીના ભવિષ્યની વૃદ્ધિનું એન્જિન રહેશે.”
મુંબઈ નજીક 133 એકર જમીન પર વિસ્તરાયેલા ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી (DAKC)નો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, “રિયલ્ટી ક્ષેત્રે વ્યાપક સંભાવના છે. આ એક જ સાઇટ ખાતેથી ₹25,000 કરોડનું વેલ્યૂ ક્રિયેશન થઈ શકે તેમ છે.”
ઉલ્લેખનીય છે કે આરકોમ પર 38 બેન્કો અને નાણાકીય ઇન્સ્ટિટ્યૂશન્સના ₹40,000 કરોડ લેણાં નીકળે છે. તેમાં ચાઇનીઝ બેન્કનો પણ સમાવેશ છે. હાલમાં તે સ્ટ્રેટજિક ડેટ રિસ્ટ્રક્ચરિંગ (SDR) પ્રક્રિયા હેઠળ આ દેવું ચૂકતે કરવા સક્રિય છે. અનિલ અંબાણીએ કહ્યું કે આગામી કેટલાક મહિનાઓમાં આ દેવું ચૂકતે થઈ જશે તેવી તેમને આશા છે. ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઇબર બિઝનેસ રિલાયન્સ જીઓને વેચી દેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. સ્પેક્ટ્રમ શેરિંગ અને ટ્રેડિંગ અંગે ટેલિકોમ વિભાગ પાસેથી અંતિમ મંજૂરીની તે રાહ જોઈ રહી છે.
અનિલ અંબાણીએ તેમના મોટાભાઈ મુકેશ અંબાણીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “મોટાભાઈ મુકેશભાઈ અંબાણીએ આરકોમને અને વ્યક્તિગત રીતે મને જે ટેકો પૂરો પાડ્યો છે અને માર્ગદર્શન કર્યું છે તેના માટે હું તેમનો આભારી છું.”
ઉલ્લેખનીય છે કે ટેલિકોમ બિઝનેસ મૂળભૂત રીતે મુકેશ અંબાણીના દિમાગની ઊપજ છે. બન્ને ભાઈઓ વચ્ચે બિઝનેસની વહેંચણી થઈ ત્યારે તેના ભાગરૂપે ટેલિકોમ બિઝનેસ અનિલ અંબાણીને સોંપાયો હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓએ બજારમાં પ્રવેશીને ટેલિકોમ ક્ષેત્રનું ગણિત ઊંધું વાળી દીધું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


