ભારતમાં વેચાતા દરેક સ્માર્ટ ફોનમાં સંચાર સાથી એપ ડિલીટ નહીં થઇ શકે એ રીતે ફરજિયાત પ્રી-લોડેડ

સરકારનો મોટો આદેશઃ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ થશે સરકારી એપ્લિકેશન, ડિલીટ નહીં
ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના જોખમો અને મોબાઇલ ચોરીને રોકવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે. સરકારે તમામ મોબાઇલ કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ ભારતમાં વેચતા પોતાના નવા ફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ને પ્રી-લોડ કરીને વેચે. આ એપ્લિકેશન ચોરાયેલા ફોન શોધવા, બનાવટી IMEI નંબર ઓળખવા અને છેતરપિંડીવાળા કોલ્સની માહિતી મેળવવામાં મદદરૂપ થાય છે. જોકે, આ આદેશથી એપલ જેવી કંપનીઓની ચિંતા વધી છે, જેઓ ફોનમાં પહેલાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરીને વેચવાની પોલિસી ધરાવતી નથી.
સરકારે એક આદેશ જારી કર્યો છે કે ભારતમાં બનતા અને વેચાતા તમામ સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ એપ પહેલેથી હાજર હોવી જોઈએ અને યુઝર તેને અનઇન્સ્ટોલ પણ નહીં કરી શકે. મીડિયાના અહેવાલ મુજબ આ ફેરફાર લાગુ કરવા માટે કંપનીને 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી ગઈ છે અને તેમણે દાવો કર્યો છે કે આ અંગે તેમની સાથે કોઈ સલાહ-મસલત કરવામાં આવી નથી. સરકારનો હેતુ સ્પષ્ટ છે કે મોબાઇલ ચોરી, નકલી IMEI નંબર, છેતરપિંડીવાળા કોલ અને સાયબર ફ્રોડ જેવી સમસ્યાઓ પર નિયંત્રણ મેળવે.
સરકારે દાવો કર્યો છે કે આ એપ રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ સુરક્ષાને મજબૂત બનાવે છે અને ગુનેગારો માટે ચોરીના ફોન વેચવાનું મુશ્કેલ બનાવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થયેલી ‘સંચાર સાથી’ એપ અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.
સરકારી આંકડા દર્શાવે છે કે આ એપની મદદથી 3.7 મિલિયનથી વધુ ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન બ્લોક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગયા ઓક્ટોબરમાં આ એપ દ્વારા 50 હજાર સ્માર્ટફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને 30 મિલિયનથી વધુ નકલી મોબાઇલ કનેક્શન પણ બંધ કરવામાં આવ્યા છે.
ભલે આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી હોય, પરંતુ યુઝરના દૃષ્ટિકોણથી આ નિર્ણય ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્માર્ટફોન કંપનીઓ પહેલેથી જ તેમના ફોનમાં અન્ય પ્રી-લોડેડ એપ્સ આપતી હોય છે, તેથી એક વધારાની સુરક્ષા એપ ઉમેરાવાથી યુઝરને ખાસ ફરક નહીં પડે.
ઉલટાનું, આ એપ દ્વારા યુઝર્સને સાયબર જોખમોથી સુરક્ષિત રહેવા, ચોરાયેલા ફોન પાછા મેળવવા અથવા બ્લોક કરાવવા, નકલી નંબર/IMEI નંબરની ફરિયાદ કરવા અને શંકાસ્પદ નંબરોને ચેક કરવા જેવી મહત્વની સુવિધાઓ સરળતાથી મળી રહેશે. તેથી, સરકારનો આ નિર્ણય યુઝર્સની સુરક્ષા માટે એક સકારાત્મક પગલું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


