CIA ALERT

ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં સહકાર પેનલનો પ્રચંડ વિજય, નવસર્જન પેનલની કારમી હાર, નવસર્જનનો એકેય ઉમેદવાર ડિપોઝીટ પણ બચાવી શક્યો નહીં

Share On :

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીની 46 બેઠકો માટે આજે યોજાયેલી ચૂંટણીમાં હઠાગ્રહ સેવીને પેનલ ટુ પેનલ ચૂંટણી લડીને જીતવાના બણગાં ફૂંકનારા નવા નિશાળીયાઓને ધોબી પછાડ મળી હતી. ચેમ્બર ઓફ કોમર્સની સહકાર પેનલના તમામ 46 ઉમેદવારોનો પ્રચંડ વિજય થયો હતો.

રવિવારે મોડીરાત્રે 11.30 કલાકે ચૂંટણીનું અંતિમ પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સહકાર પેનલના તમામ 46 ઉમેદવારોનો જંગી વિજય થયો હતો. નવસર્જન પેનલના એક પણ ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શકે તેટલા પણ મતો મેળવી શક્યા ન હતા. ડિપોઝીટ બચાવવા માટે ઉમેદવારે કુલ વેલિડ વોટના 30 ટકા મત જરૂરી હોય છે, નવસર્જન પેનલના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ હતી.

ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીના લેખાં જોખાં જોઇએ તો સૌરાષ્ટ્રવાસીઓ સૌથી વધુ મતોથી જીત્યા હતા જ્યારે અપરિપક્વ અને ચેમ્બરમાં કશું યોગદાન આપ્યા વગર સત્તા પર કબજો જમાવવાના ઇરાદે ચૂંટણી લડવા નીકળેલા નવા નિશાળીયાઓની મનની મનમાં રહી ગઇ હતી.

– સુરતીઓએ પરીપક્વ સૌરાષ્ટ્રવાસીઓને ખભે બેસાડીને સૌથી વધુ મતોથી વિજય બનાવ્યા જેમાં ઘનશ્યામ નાવડીયાને 3231 મત, હરીભાઇ કથિરીયાને 3219 મત, કાનજી ભાલાળાને 3217 મત, કમલેશ ગજેરાને 3204 મત, મહેશ રામાણીને 3204 મત, જગદીશ વઘાસીયાને 3191 મત, વિજય રાદડીયાને 3173 મત, જયંતિ ઠુમ્મરને 3171 મત, વિજય માંગુકીયાને 3166 મત,સુનિલ કાકડીયાને 3156 મત, પ્રવીણ દોંગાને 3144 મત આપીને ટોપ-15માં જીતાડ્યા હતા.

નવસર્જન પેનલમાં મનિષ કાપડીયા અને ગણપત ધામેલિયાની એન્ટ્રી થયા પછી સ્થિતિ બગડી હતી. ચૂંટણીના બે દિવસ અગાઉ સુધી નવસર્જન પેનલના ઉમેદવારો પોતાની રીતે સારું ગ્રાઉન્ડ કવર કરી શક્યા હતા પરંતુ, બે દિવસ અગાઉ મનિષ કાપડીયાએ નવસર્જન પેનલના કાર્યાલયમાં એન્ટ્રી લીધા પછી નવસર્જન પેનલની દશા બેઠી હતી. વાતાવરણ એવું ફેરવાયું કે કુલ મતદાનના 30 ટકા મતો પણ નવસર્જન પેનલના ઉમેવદવારો મેળવી શક્યા ન હતા.

વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીના પ્રબળ દાવેદાર અને ગયા વર્ષે વીપીનું ઇલેક્શન ખરાબ રીતે હારી ચૂકેલા મનિષ કાપડીયાએ સહકાર પેનલ સાથે મુખ મે રામ બગલ મે છુરી જેવો વ્યવહાર કર્યો હતો. મનિષ કાપડીયા એવું જાહેરમાં કહેતા ફરતા હતા કે નવસર્જન પેનલ પાછળ તેમનો કોઇ હાથ નથી પરંતુ જ્યારે બીજી તરફ મતદાનના દિવસે ક્રોસ વોટીંગ કરાવવા માટે મનિષ કાપડીયા નવસર્જન પેનલ અને સહકાર પેનલના ઉમેદવારોની મિક્સ ચિઠ્ઠી મતદારોને આપતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. નવસર્જન પેનલના ઉમેદવારો અને સમર્થકો તોફાન મચાવે તેવા અનેક પ્રયાસો મનિષ કાપડીયાએ કરી જોયા હતા પરંતુ, એવું થઇ શક્યું ન હતું.

નવસર્જનના કેટલાક ઉમેદવારો એટલા છાકટા થઇ ગયા હતા કે ચૂંટણી અધિકારીઓને પણ થાય તે કરી લેજો એવા શબ્દ પ્રયોગ કરીને આચારસંહિતાનો છડેચોક ભંગ કરતા જોવા મળ્યા હતા.

સૌરાષ્ટ્રવાસી મતદારોનું પરીપક્વ મતદાન

આજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રવાસી મતદારોએ પરીપક્વ મતદાન કર્યું હતું. પીઢ, સિનિયર અને પરીપક્વ સૌરાષ્ટ્રવાસી ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપ્યા હતા. બાકીના મતો સુરતીઓ ઉમેદવારોને આપ્યા હતા. ચેમ્બરના વહીવટમાં એન્ટ્રી કરવા પહેલા ઉપદ્રવ કરતા જોવા મળેલા ઉમેદવારોને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. ચેેમ્બરમાં સૌરાષ્ટ્રવાસીઓનું પ્રતિનિધિત્વ પણ અકબંધ રહ્યું હતું અને ઉપદ્રવી ઉમેદવારો પોતાની ડિપોઝીટ જાળવી શકે તેટલા પણ મત મેળવી શક્યા ન હતા.

સુરતી મતદારોએ પણ જોરદાર અને આક્રમક મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં સુરતી અને સૌરાષ્ટ્રવાસીનો માહોલ ઉભો કરીને વર્ગવિગ્રહ સુધી મામલો પહોંચાડી દેનારા કેટલાક તત્વોને આ વખતે સૌરાષ્ટ્રવાસી પરીપક્વ ઉદ્યોગપતિઓ અને આગેવાનોએ ઓળખી લીધા છે, હવે ચેમ્બરની ચૂંટણીમાં ક્યારેય સૌરાષ્ટ્રવાસી અને સુરતીઓનો જંગ જોવા નહીં મળે. સુરતના મતદારોએ આજે જોરદાર મતદાન કરીને સૌરાષ્ટ્રવાસીઓને તો ટોપ પોઝિશન પર જીતાડ્યા પરંતુ, સુરતી મતદારને જીત એટલી શાનદાર અપાવી કે નવસર્જનના ઉપદ્રવી ઉમેદવારો બીજી વખત સુરતી વર્સિસ સૌરાષ્ટ્રવાસી વચ્ચે ભેદ પાડીને ચૂંટણી જીતવાનું નામ નહીં લે.

નાના મોટા અનેક છમકલાં અને વિવાદો સર્જાય હતા. ચૂંટણીના મતદાનના આરંભે જ બબાલ થતાં મતદાન અડધો કલાક વિલંબથી શરૂ થયું હતું. મતદાન દરમિયાન નવસર્જન પેનલના ઉમેદવારો અને તેમના સમર્થકોએ બિનજરૂરી મુદ્દાઓ ઉભા કરીને ભારે દેકારો મચાવ્યો હતો, જોકે મતદાન ખોરવવાની તેમની હરકતો પરીણામ વિહીન નિવડી હતી.

સાંજે 5.30ના ટકોરે જ્યારે મતદાન સંપન્ન કરવામાં આવ્યું ત્યારે લાઇફ કેટેગરીમાં કૂલ 12,158 પૈકી 3590 મતદારોએ મતદાન કરતા કૂલ મતદાન 29.52 ટકા નોંધાયું હતું. મતદાન બાદ શરૂ થયેલી મતગણતરીના પ્રથમ તબક્કામાં જ સહકાર પેનલના ઢગલાબંધ મતો નીકળવા માંડ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સહકાર પેનલના ઉમેદવારોએ અડધોઅડધ સીટો હાંસલ કરી લીધી હતી.

સધર્ન ગુજરાત ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં આ વખતે પહેલીવાર પેનલ ટુ પેનલ ચૂંટણી યોજાઇ હતી. સહકાર પેનલ કે જે સત્તાધારી પક્ષની પેનલ હોઇ, તેમાં પૂરેપૂરા 46 મતદારો હતા જ્યારે તેની સામે સૌરાષ્ટ્રવાસી યુવા મેમ્બરોએ 26 ઉમેદવારોની પેનલ ઉતારી હતી. તેમની પાસે પૂરા 46 ઉમેદવારો ન હોઇ, સહકાર પેનલના કેટલાક ઉમેદવારો માટે પણ નવસર્જન પેનલના ઉમેદવારોએ મત માગવા પડ્યા હતા. વહેલી સવારે જ્યારે મતદાન શરૂ થયું ત્યારે આ મુદ્દે વિવાદ સર્જાયો હતો અને પાંચ પૂર્વ પ્રમુખોના બનેલા ચૂંટણી પંચે નવસર્જન પેનલના 7 ઉમેદવારોને ચૂંટણી આચારસંહિતાના ભંગના કસૂરવાર ગણાવીને ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવાના આદેશ કર્યા હતા. એ પછી પણ નવસર્જન પેનલના ઉમેદવારો અને તેમના સમર્થકોએ ચૂંટણીનું મતદાન ખોરવવાના આશયથી ચેમ્બર પરીસરમાં ભારો હોહા અને સૂત્રોચ્ચાર કરીને માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો જોકે, પોલિસે લાલ આંખ કરતા બાદમાં ચૂપચાપ બેસી રહેવું પડ્યું હતું.

નવની જગ્યાએ સાડા નવ વાગ્યે શરૂ થયેલા મતદાનના પહેલા બે કલાકમાં જોરદાર વોટીંગ શરૂ થયું હતું અને પ્રથમ બે કલાકમાં જ 1600થી વધુ મતદારો મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં એક તરફ મતદાન યોજાઇ રહ્યું હતું અને બીજી તરફ પ્લેટીનમ હોલની બહાર બે છાવણીઓમાં સહકાર પેનલ અને નવસર્જન પેનલના સમર્થકો વચ્ચે ગરમાગરમીના દ્રશ્યો જોવા મળ્યા હતા.પહેલા બે કલાક દરમિયાન તો મતદાન કરવા માટે કતારો લાગી ગઇ હતી. બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી મતદાન સાવ મંદ પડી ગયું હતું.

એકલ દોકલ મતદારો મતદાન કરવા આવતા હતા. મતદાન મથકમાં મતદારોની સંખ્યા કરતા ઉમેદવારોની સખ્યા વધુ જણાતી હતી. આજે રાજસ્થાન સ્થાપના દિવસ, ચેટીચંડ, રમજાન ઇદ પૂર્વેનો અંતિમ દિવસ તેમજ સેન્ટ્રલ બોર્ડની સ્કુલનું નવું સત્ર શરૂ થવા પૂર્વેનો અંતિમ દિવસ હોઇ, તેની અસર ચેમ્બરની ચૂંટણીના મતદાન પર જોવા મળી હતી. ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવાની સમગ્ર પ્રક્રિયા સુરત પીપલ્સ બેંકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :