ધો.12 ફિઝિક્સના પેપરમાં 24 માર્કસના સવાલો દ્રષ્ટીહીન વિદ્યાર્થી માટે છે કે સામાન્ય માટે? એ મુદ્દે ભારે ગૂંચવાડો સર્જાયો
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આજે ગુરુવાર તા.27મી ફેબ્રુઆરી 2025થી શરૂ થયેલી ગુજરાત બોર્ડની રાજ્યવ્યાપી પરીક્ષાઓ પૈકી બપોરેના સેશનમાં ધો.12 સાયન્સમાં લેવાયેલી ફિઝિક્સન પરીક્ષાના પ્રશ્નપત્રમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં સ્પષ્ટીકરણના અભાવે અનેક વિદ્યાર્થીઓ ગૂંચવાયા હતા. મળતી માહિતી મુજબ ધો.12 સાયન્સના ફિઝિક્સના પ્રશ્નપત્રની પેટર્ન જ બદલી કાઢવામાં આવી છે અને તેની કોઇ જાણકારી વિદ્યાર્થીઓ કે સ્કુલોના શિક્ષકોને આપવામાં આવી ન હતી. જેમકે અત્યાર સુધી દ્રષ્ટીહીન વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નો પૂછવામાં આવતા હતા પરંતુ, આ વખતે પ્રશ્નપત્રમાં દ્રષ્ટીહીન વિદ્યાર્થી માટેના સવાલો એવી રીતે પૂછવામાં આવ્યા કે પ્રાથમિક દ્રષ્ટીએ સામાન્ય વિદ્યાર્થી શું કોઇ પણ વિદ્યાર્થી મૂઝાય જાય કે સવાલ કયો એટેન્ડ કરવો. બે સવાલોની વચ્ચે એવી સૂચના લખવામાં આવી છે કે બ્લાઇન્ડ (દ્રષ્ટીહીન) વિદ્યાર્થી માટેના સવાલ. આવી સૂચના સાથે જ્યાં જ્યાં સવાલો પૂછવામાં આવ્યા ત્યાં ત્યાં વિદ્યાર્થીઓ મૂઝાયા કે સૂચનાની ઉપરનો સવાલ સામાન્ય વિદ્યાર્થીને માટે છે કે સૂચનાની નીચેનો સવાલ સામાન્ય વિદ્યાર્થી માટે છે.
આ પ્રકારનો ગૂંચવાડો થાય તેવા ફિઝિક્સના પેપરમાં કૂલ 24 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.જેને કારણે આગામી દિવસોમાં મુદ્દા પર ભારે હોબાળો મચી જાય તેમ છે. જાણકારોનું કહેવું છે કે દ્રષ્ટીહીન વિદ્યાર્થી માટે અત્યાર સુધી સવાલો અલગથી જ પૂછવામાં આવતા હતા પરંતુ, આ વખતે બોર્ડે પેપર સ્ટાઇલ બદલી કાઢી છે અને તે અંગે આગોતરી જાણ વિદ્યાર્થીઓને કરવામાં આવી નથી, જેથી સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય જાય.
સુરતના રાંદેર ખાતે આવેલી પીપરડીવાલા સ્કુલમાં આ પ્રકારના ગૂંચવાડામાં વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરને પૂછતાં સુપરવાઇઝરે પહેલા એવું કહી દીધું કે બેમાંથી જે આવડે તે લખવાનો છે. આથી વિદ્યાર્થીઓએ જે સવાલ આવડ્યો એ લખી દીધો, પાછળથી ખબર પડી કે ચોક્કસ સવાલ જ સામાન્ય વિદ્યાર્થી માટે છે જ્યારે અન્ય સવાલ દ્રષ્ટીહીન વિદ્યાર્થી માટે છે. ત્યારે અનેક સામાન્ય વિદ્યાર્થીઓને પરસેવો વળી ગયો કેમકે ત્યાં સુધીમાં સામાન્ય વિદ્યાર્થીઓ દ્રષ્ટીહીન વિદ્યાર્થી માટે પૂછાયેલા સવાલનો જવાબ લખી ચૂક્યા હતા.
આ પ્રકારનો ગૂંચવાડો સુરતની અન્ય સ્કુલોમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પણ જરૂર થયો હશે અને રાજ્યમાં પણ આવું થયું હશે. જાણકારો તો ત્યાં સુધી જણાવે છે કે પરીક્ષણ કાર્ય કરનારા પરીક્ષકો પણ આ મુદ્દે ગૂંચવાશે તે અલગ. ગુજરાત બોર્ડ દ્વારા આ સંવેદનશીલ મુદ્દા પર આગામી દિવસોમાં સ્પષ્ટીકરણ જાહેર કરે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
જાણકારોએ એમ પણ જણાવ્યું કે દ્રષ્ટીહીન વિદ્યાર્થીઓ આકૃતિ દોરી શકે તેમ ન હોઇ, તેમના માટે થિયરી બેઝ સવાલો હતા અને સામાન્ય વિદ્યાર્થીઓ આકૃતિ દોરી શકે એટલે તેમના માટે આકૃતિ બેઝ સવાલો હતા. પરંતુ, આ પ્રકારની સમજણ વિદ્યાર્થીઓને આગોતરી આપવી જરૂરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
