CIA ALERT

વધુ 80 ફ્લાઈટને બોમ્બની ધમકી મળતાં 600 કરોડનું નુકસાન

Share On :
  • સરકારની આકરી ચેતવણી છતાં વિમાનોમાં બોમ્બની અફવાનો સિલસિલો યથાવત્
  • નવ દિવસમાં 170થી વધુ ફ્લાઈટ્સને ધમકીઓ મળી, ડોમેસ્ટિક-આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પાછળ સરેરાશ રૂ. 3.5 કરોડનો ખર્ચ
  • ઈન્ડિગોની મુંબઈ ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઈ-એલર્ટ

દેશમાં એક સપ્તાહ કરતાં વધુ સમયથી વીમાનોમાં બોમ્બની અફવાનો સિલસિલો મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 80થી વધારે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી, જેને પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી તેમજ ફ્લાઈટ્સના ટાઈમિંગ અને રૂટમાં ફેરફાર કરવામાં આવતા હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. મંગળવારે એર ઈન્ડિયા, ઈન્ડિગો, આકાસા એર, વિસ્તારા જેવી એરલાઈન્સને ટાર્ગેટ કરાઈ હતી. આ સાથે બોમ્બની ધમકીઓના કારણે એરલાઈન્સને રૂ. 600 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ડીજીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવાર રાતથી મંગળવાર દરમ્યાન સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત લગભગ 80થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા વિક્ષેપ સર્જાયા હતા અને અનેક ઉડાણોના રૂટમાં ફેરફાર કરાયો હતો. મંગળવારે એર ઈન્ડિયા, ઈન્ડિગો, આકાસા એર અને વિસ્તારા જેવી એરલાઈન્સને ટાર્ગેટ કરાઈ હતી જેમાંથી કેટલીક ફ્લાઈટને સાઉદી અરબ અને કતાર તરફ વાળવામાં આવી હતી. દેશમાં નવ દિવસમાં 170થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જેમાં મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત અપાઈ હતી.

એક ડોમેસ્ટિક ફ્લાઈટ્સનો કાર્યક્રમ ખોરવાતા અંદાજે રૂ. 1.5 કરોડનું નુકસાન થાય છે જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પાછળનો આ ખર્ચ અંદાજે રૂ. 5-5.5 કરોડ થાય છે. આમ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ખોરવાતા સરેરાશ રૂ. 3.5 કરોડનો ખર્ચ થાય છે અને 170થી વધુ ફ્લાઈટ્સનો કાર્યક્રમ ખોરવાતા એરલાઈન્સ ઉદ્યોગને અંદાજે રૂ. 600 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.

એર ઈન્ડિયા અને ઈન્ડિગોની 13-13 સહિત 50થી વધુ ફ્લાઈટ્સને મંગળવારે બોમ્બની ધમકી મળી હતી જ્યારે અકાસા એરને ૧૨થી વધુ ફ્લાઈટ્સ અને વિસ્તારાને પણ 11 જેટલી ફ્લાઈટ્સ માટે ધમકીઓ મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સોમવારે રાતે ઈન્ડિગો, એર ઈન્ડિયા અને વિસ્તારાની 30 જેટલી ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી.

આકાસા એરએ અનેક સુરક્ષા ચેતવણીની પુષ્ટી કરી હતી જ્યારે ઈન્ડિગોએ 23 થી વધુ ફ્લાઈટ પ્રભાવિત થયાનું જણાવ્યું હતું. તેમાંથી બેંગલુરુ, કોઝીકોડે અને દિલ્હીના રુટ સહિત જેદ્દાહ જતી ત્રણ ફ્લાઈટને વાળવામાં આવી હતી. અન્ય પ્રભાવિત રુટમાં દિલ્હીથી દમામ અને ઈસ્તાનબુલથી મુંબઈ અને દિલ્હી જેવા આંતરરાષ્ટ્રીય રુટ સામેલ હતા. સૌથી વધુ જેદ્દાહ, ઈસ્તનબુલ અને રિયાધ જતી ફ્લાઈટને ટાર્ગેટ કરવામાં આવી હતી.

ઈન્ડિગોને મળેલી ધમકીમાં લખનઉથી પુણે, હૈદરાબાદથી જેદ્દાહ, ઈસ્તનબુલથી મુંબઈ, દિલ્હીથી દમામ, બેંગલુરુથી જેદ્દાહ, ઈસ્તનબુલથી દિલ્હી, કોઝીકોડેથી જેદ્દાહ અને દિલ્હીથી જેદ્દાહ જતી ફ્લાઈટ સામેલ હતી. ધમકીઓના પ્રતિસાદમાં એરપોર્ટ પ્રશાસને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સ્થાપિત સલામતી ધોરણોનું પાલન કર્યું હતું. વધુમાં ઈન્ડિગોની મુંબઈ ફ્લાઈટ શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવાના સમયે જ બોમ્બની ધમકી મળવાથી એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરાઈ હતી.

ધમકીઓ બનાવટી હોવા છતાં ભારતીય સિવિલ એવિયેશન મંત્રીએ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને આવી બાબતોને ગંભીરતાથી લેવાની સૂચના આપી હતી. દરમ્યાન ભારત સરકાર નાગરિક ઉડ્ડયન અધિનિયમની સલામતી સામે ગેરકાયદેસર કાયદાઓના દમનમાં સૂચિત સુધારા સાથે, બોમ્બની ધમકીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની યોજના બનાવી રહી છે. આ ફેરફારોને કારણે કોર્ટના આદેશ વિના આરોપીની ધરપકડ અને પૂછપરછ કરી શકાશે અને ફ્લાઈટને ધમકી આપનારા સામે સખત પગલા લઈ શકાશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :