બાંગ્લાદેશમાં તખ્તો પલટાયોઃ વડાપ્રધાન શેખ હસીનાનું રાજીનામું, ભારતમાં શરણ લીધો
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ફાટી નીકળેલો અગનજ્વાળા ફરી સમગ્ર દેશને ભરડામાં લઈ રહી છે. બાંગ્લાદેશમાં શહીદોના વંશજોને અનામતનો મુદ્દો બેકાબૂ બનતાં દેશભરમાં અનિશ્ચિતકાળ માટે કર્ફ્યુ લાદવા સાથે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન બાંગ્લાદેશના સત્તાવાર પી.એમ હાઉસ પર પણ દેખાવકારોએ હુમલો કરી દીધો હતો. દેખાવકારોએ અહીં ઘૂસીને બંગબંધુની પ્રતિમા પર પણ કુહાડીઓ ઝીંકી હતી. આ સ્થિતિમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતમાં શરણ લઈ લીધી છે.

બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ લોહિયાળ વિરોધમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે શેખ હસીનાએ ભારે વિરોધ વચ્ચે સેનાના દબાણને વશ થઈને વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે.
બાંગ્લાદેશની સેનાએ વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવા 45 મિનિટનો સમય આપ્યો હતો. આ દરમિયાન તેઓ બહેન શેખ રેહાના સાથે સ્પેશિયલ હેલિકૉપ્ટરમાં ભારત આવી ગયા હતા. હાલ તેમણે દિલ્હીમાં શરણ લઈ લીધી છે.
સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશન નામના પ્લેટફૉર્મે આજથી સરકારના રાજીનામાની માગ સાથે અસહકાર ચળવળની શરુઆતની જાહેરાત કરી છે. આ દરમિયાન વડાપ્રધાન હસીનાએ જણાવ્યું છે કે, દેખાવકારો વિદ્યાર્થીઓ નથી પણ આતંકવાદીઓ છે અને લોકોએ તેમને સાથ ન આપવો જોઈએ. જો કે સ્થિતિ બેકાબૂ બનતાં તેમણે ત્યાગપત્ર આપીને ભારતમાં શરણ લેવાનો નિર્ધાર કર્યો હોવાનું મીડિયા અહેવાલમાં જણાઈ રહ્યું છે.
નોબેલ વિજેતાની ભારતને અપીલ
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગે ઊભો થયેલો વિરોધ વંટોળ ભારત સુધી પહોંચ્યો છે અને ફરી ભારતની મદદ માંગવામાં આવી રહી છે. અહેવાલ પ્રમાણે શેખ હસીના ભારત આવી રહ્યા છે તો બીજી તરફ દેશની આવી સ્થિતિ જોઈને બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ચિંતા વ્યક્ત કરી છે અને ભારતને મદદ માટે ટકોર કરી છે.
‘ભારત કહે છે કે આ ઘરેલુ મામલો છે ત્યારે મને દુઃખ થાય છે. જો તમારા ભાઈના ઘરમાં આગ લાગી હોય, તો તમે તેને ઘરેલુ બાબત કેવી રીતે કહી શકો? ઘણી વસ્તુઓ કૂટનીતિમાં આવે છે અને એમ ન કહી શકાય કે આ તેમનો ઘરેલુ મુદ્દો છે. 17 કરોડની વસ્તીવાળા બાંગ્લાદેશમાં લોકો સંઘર્ષનો સામનો કરી રહ્યા છે, સરકારી દળો દ્વારા યુવાનોની હત્યા થઈ રહી છે અને કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે. બાંગ્લાદેશમાં ઉથલપાથલ માત્ર તેની સરહદો સુધી સીમિત નહીં રહે પરંતુ પાડોશી દેશોને પણ અસર કરશે.’ તેમ યુનુસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
કોણ છે નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ?
નોંધનીય છે કે, મોહમ્મદ યુનુસે 1983માં ગ્રામીણ બૅંકની સ્થાપના કરી હતી. જેમાં ગરીબોને પોતાનો નાના પાયાનો ઉદ્યોગો શરુ કરવા માટે લોન આપવામાં આવતી હતી. આ પગલાંને કારણે બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાયા હતા અને યુનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સામે પક્ષે શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ પર ગરીબોનું લોહી ચૂસવાનો આરોપ લગાવ્યો હતો. શેખ હસીનાનું કહેવું હતું કે યુનુસે શરુ કરેલી ગ્રામીણ બૅંકો ગરીબો પાસેથી વધુ પડતું વ્યાજ વસૂલે છે. હાલમાં જ યુનુસ સામે ભ્રષ્ટાચારનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
