Gujarat: ૧.૩૦ કરોડ વીજગ્રાહકોને માથે વરસે રૂ.૩૨૪૦ કરોડનો બોજ

Share On :

જર્કે FPPPAમાં વધુ ૨૦ પૈસાનો વધારો કરવાની છૂટ આપી

ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ રૂ. ૨.૩૦થી વધારીને રૂ. ૨.૫૦ કરી આપ્યા

ગુજરાત વીજ નિયમન પંચના નવા નિયુક્ત થયેલા ચેરમેને ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ચાર વીજ વિતરણ કંપનીઓને વીજદરમાં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ વધારે ૨૦ પૈસા લેવાની છૂટ આપી દીધી છે. પહેલી મે ૨૦૨૨થી વીસ પૈસાનો યુનિટદીઠ વધારો લેવાની છૂટ આપી દેવામાં આવી છે. પહેલા ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ રૂ. ૨.૩૦ લેવાતા હતા તે વધારીને રૂ. ૨.૫૦ લેવાની વ્યવસ્થા કરી આપી છે. એફપીપીપીએમાં યુનિટદીઠ ૨૦ પૈસાનો વધારો કરી આપવાને પરિણામે ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ જોડાણધારકો પરના વીજબિલમાં વરસે રૂ. ૩૨૪૦ કરોડનો વધારાનો બોજ આવશે.

જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ના ત્રિમાસિક ગાળા માટે એફપીપીપીએમાં યુનિટદીઠ ૧૦ પૈસાનો વધારો કરી આપ્યા બાદ હવે બીજો ૨૦ પૈસાનો વધારો કરી આપવામાં આવ્યો છે. આમ છેલ્લા ચાર જ મહિનામાં એફપીપીપીએમાં યુનિટદીઠ વીજદરમાં ૫૦ પૈસાનો વધારો કરી આપવામાં આવ્યો છે. આમ તો ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓએ એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ યુનિટદીઠ રૃ. ૨.૬૨ લેવાના થાય છે. તેમાંથી યુનિટદીઠ રૃ. ૨.૩૦ વસૂલવામાં આવતા હતા. મે ૨૦૨૨થી તેઓ હવે યુનિટદીઠ રૃ. ૨.૫૦ વસૂલી શકશે. તેથી મે અને જૂન મહિનાના વીજ બિલમાં યુનિટદીઠ ૨૦ પૈસાનો અને ૨૦૦ યુનિટના વીજ વપરાશકારોને માથે વીજ બિલમાં રૃ. ૪૦ અને ઇલેક્ટ્રિસિટી ડયૂટી સાથે રૃ. ૪૫થી ૪૮નો વધારો આવશે.

વીજદરના યુનિટદીઠ રૃ. ૩.૦૫ના સૌથી નીચા સ્લેબમાં એફપીપીપીએમાં ૪૪ ટકાનો વધારો આવ્યો છે. આ વધારો ૪૪ ટકાનો છે. વીજદર ન વધારવાનો દેખાવ કરીને લોકોને માથે ૪૪ ટકાના વધારાનો બોજ નાખી દેવા માટે માત્ર જર્ક જ જવાબદાર છે. ગુજરાતની મોંઘી વીજળી માટે જર્ક જ જવાબદાર છે.

જર્કે એવો દાવો કર્યો છે કે છેલ્લા છ વરસથી વીજદરમાં કોઈ જ વધારો આપવામાં આવ્યો નથી. પરંતુ બીજીતરફ તેણે એફપીપીપીએને નામે આડકતરી રીતે વીજદરમાં ૪૪ પૈસાનો વધારો આવી દીધો હોવાનું વીજ સેક્ટરના નિષ્ણાત કે.કે. બજાજનું કહેવું છે. છેલ્લા વીસ દિવસમાં યુનિટદીઠ ભાવમાં કરી આપવામાં આવેલા ૩૦ પૈસાના વધારાને કારણે વીજ ગ્રાહકોને માથે મહિને રૃ. ૨૭૦ કરોડનો વધારાનો બોજ આવશે. ગેસ અને કોલસાના ભાવ વધી ગયા છે. તેને કારણે પાવર પરચેજ કોસ્ટ ઊંચી જ જવાની છે. તેથી એફપીપીપીએ વધીને રૃ. ૨.૯૮ સુધી પહોંચી જશે.

ધોળા હાથીને બંધ કરીને ગ્રાહકોનો વીજદર વધારાનો બોજ હળવો કરો

ગુજરાતના ૧.૩૦ કરોડ વીજગ્રાહકોને માથેના અબજો રૃપિયાનો બોજ ઓછો કરવા માટે ગુજરાત સરકારની ધોળા હાથીઓ જેવી વીજ કંપનીઓ બંધ કરી દેવી જોઈએ. આ કંપનીઓ વીજળી પેદા ન કરતી હોવા છતાંય તેને માટે કરવામાં આવેલા મૂડીરોકાણના વ્યાજ, પ્લાન્ટની જાળવણી અને કર્મચારીઓના પગાર ખર્ચનો બોજ તેમને માથે આવે જ છે. તેથી તે બંધ કરી દેવામાં આવે તે વીજગ્રાહકોના હિતમાં છે.

ગુજરાતના પાવર સેક્ટરમાં કેએલટીપીએસના ૪ પાવર પ્લાન્ટ ધોળા હાથી જેવા છે. ૭૫ મેગાવોટના આ પ્લાન્ટમાં એક વરસમાં માત્ર ૪.૮૦ કરોડ વીજળી જ પેદા કરવામાં આવી છે. જે તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાના માત્ર ૭.૨ ટકા જ છે. જૂન ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ના નવ મહિના સુધી આ પાવર પ્લાન્ટ સાવ જ બંધ રહ્યો હતો. તેને જંગી બોજો એફપીપીપીએના સ્વરૃપમાં ગુજરાતના ૧.૩૦ કરોડ વીજગ્રાહકોને માથે આવ્યો છે. પાનધ્રોના ૬૫૦ મેગાવોટના પાવર પ્લાન્ટના નબળા ઉત્પાદનને કારણએ જ ગુજરાતના વીજ વપરાશકારોને માથે ભાવ વધારાનો બોજ આવી રહ્યો છે. બીએલટીપીએસનો પ્લાન્ટ પણ તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા સામે માત્ર ૩૭.૮ ટકા વીજળી જ પેદા કરે છે. લિગ્નાઈટથી ચાલતા પાવર પ્લાન્ટમાં યુનિટદીઠ રૂ. ૩થી ઓછા ભાવે વીજળી પેદા થાય છે. પરંતુ આ વીજળી પેદા ન કરીને વીજગ્રાહકોને માથે ખર્ચબોજ વધારવામાં આવી રહ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :