હીરા વેપાર માટે વિશ્વમાં સુરતનો કોઇ બીજો વિકલ્પ નહીં હોય : વિજય રૂપાણી : સુરતના આંગણે યોજાયો GJEPCનો ભવ્ય INDIA એવોર્ડ સમારોહ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
જે રીતે સુરતમાં હીરા ઉદ્યોગના વિકાસ માટે સુરત ડાયમંડ બુર્સ, ડ્રીમ સિટી પ્રોજેક્ટ અને સૂચિત જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનો ઉલ્લેખ કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એવું બોલી ઉઠ્યા કે હીરાનો વેપાર કરવા માટે સમગ્ર વિશ્વમાં સુરતનો કોઇ વિકલ્પ ભવિષ્યમાં નહીં હોય. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતમાં આયોજિત 46માં ઇન્ડીયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સેરેમનીને સંબોધી રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રુપાણીએ સુરતમાં રહેલી હીરા ઉદ્યોગની અપાર ક્ષમતાઓની ભારોભાર પ્રશંસા કરી હતી.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના 46માં ઇન્ડીયા એવોર્ડસને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતી દેશ અને દુનિયાને બતાવી આપ્યું છે કે આપણે ફક્ત હીરા ઘસવાનું કામ નથી કરતા પરંતુ ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરવાનું કામ કરી શકીએ છીએ.
ઝવેરાતની બનાવટથી લઇને સજાવટમાં સુરત અને ગુજરાતના ઝવેરીઓની કામગીરીનો ઉલ્લેખ કરતા વિજય રુપાણીએ કહ્યું કે મુસિબતને અવસરમાં પલટવાની તાકાત છે આપણામાં, કોવીડ-19ની પરિસ્થિતિમાં જ્યારે વિશ્વ આખું સ્તબ્ધ અને સ્થગિત હતું ત્યારે હીરા ઉદ્યોગે 59 ટકાનો ગ્રોથરેટ હાંસલ કર્યો એ દર્શાવે છે કે કેટલી અપાર શક્તિ અને ક્ષમતા આપણામાં છે.

વડાપ્રધાન શ્રી મોદીએ આપેલા નિકાસ લક્ષ્યાંકમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગનો સિંહફાળો હશે અને આપણે તેમાં મહત્વની ભૂમિકા ભજવીશું એવો આશાવાદ વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.સુરતમાં ડાયમંડ બુર્સના પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ભવિષ્યને પારખનારા ખુબ ઓછા લોકો હોય છે અને તેવા જ સુરતના લોકોએ સુરતમાં ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ સાકાર કર્યો છે જે ભવિષ્યની જરૂરીયાતો પૂરી કરશે.
મુખ્યમંત્રીએ ખાસ સિન્થેટિક ડાયમંડનો વેપાર વધી રહ્યો હોવાની નોંધ સાથે જણાવ્યું કે સુરત શહેરને અમે સૌ ડિઝાયર્ડ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસતું જોવા માંગીએ છીએ.
સુરતના આંગણે આજરોજ કેન્દ્ર સરકારના એકમ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી)નો 46મો ઇન્ડીયાવાઇડ જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષ સ્થાને દેશભરમાંથી સુરત આવેલી હીરાઉદ્યોગકારોની ઉપસ્થિતિ વચ્ચે દબદબાભેર યોજાયો હતો.

આજે સુરત સમેત દેશભરમાં કાર્યરત જુદા જુદા હીરા ઉદ્યોગકારો, હીરા પેઢીઓને જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ પહેલી વખત જીજેઇપીસીએ કોઇ હીરા ઉદ્યોગપતિને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો છે. આજે પહેલો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ સુરતને કર્મભૂમિ બનાવનાર શ્રીરામ કૃષ્ણ એક્સપોર્ટ હીરા પેઢીના સ્થાપક ગોવિંદ ધોળકિયાને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આપવામાં આવ્યો છે.
સુરતના દિનેશ નાવડીયા એવોર્ડને પાત્ર : સી.આર. પાટીલ
સુરત ખાતે આજે જીજેઇપીસી આયોજિત ઇન્ડીયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ ફંકશનને સંબોધતા સી.આર. પાટીલે કહ્યું કે હીરા ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપી રહ્યો છે, હીરા ઉદ્યોગ દેશને વિદેશી હૂંડીયામણ કમાઇ આપે છે. આ રીતે હીરા ઉદ્યોગપતિઓ સરકારની જવાબદારી ઓછી કરી રહ્યા છે. તેમણે હીરા ઉદ્યોગપતિઓને બિરદાવ્યા હતા. આશ્ચર્યજનક રીતે જ સી.આર. પાટીલે દિનેશ નાવડીયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે એક એવોર્ડ દિનેશ નાવડીયાને પણ આપવો જોઇએ. તેમણે કહ્યું કે દિનેશ નાવડીયા જુદા જુદા ક્ષેત્રોમાં ઉડીને આંખે વળગે તેવી કામગીરી કરી રહ્યા છે. એટલે તેમને પણ એક એવોર્ડ આપવો જોઇએ.
નિકાસ લક્ષ્યાંકનો પહોંચી વળવા અમે તૈયાર : કોલીન શાહ
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સેન્ટ્રલ કાઉન્સિલ ચેરમેન કોલિન શાહે એવોર્ડ સમારોહમાં સ્વાગત પ્રવચન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને ઉદેશીને કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની નિકાસ 400 મિલિયન ડોલર સુધી લઇ જવા માટેની કરેલી હાકલને પહોંચી વળવા માટે અમે ઉદ્યોગકારો તૈયાર છીએ, રાજ્ય સરકાર અમને માર્ગદર્શિત કરે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
