વિશ્ર્વભરમાંથી લૉકડાઉન ઉઠાવવાની હિલચાલ શરૂ
કોરોના વાઇરસે સમગ્ર જગતમાં હાહાકાર મચાવ્યો છે અને ૨૦૦ જેટલા રાષ્ટ્રોમાં આ જીવલેણ વિષાણુએ માઝા મૂકી છે, પરંતુ વિશ્ર્વના અનેક દેશોની સરકારો પોતાને ત્યાંના લૉકડાઉનને ક્યારે અને કેવી રીતે હળવો કરી શકાય એના પર વિચાર કરવા લાગી છે.
કોવિડ-૧૯ મહામારીએ જાગતિક અર્થતંત્રને પાંગળુ કરી નાખ્યું છે અને આ અભૂતપૂર્વ પરિસ્થિતિમાં ઘણા દેશોમાં પ્રજાજનો દ્વારા નિયંત્રણોનો અંત લાવવાની હાકલ કરાઈ રહી છે.

વૈશ્ર્વિક સ્તરે એવા પુરાવા આપવામાં આવી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે આ મહામારીને મંદ પાડવામાં સફળતા મળી રહી છે. આશરે ૪.૫ અબજ લોકો (પૃથ્વી પર વસતા લોકોમાંથી લગભગ અડધા ભાગની માનવજાત)એ ઘણા દિવસોથી પોતાના ઘરમાં ભરાઈ રહેવું પડ્યું છે. જોકે, લૉકડાઉનને ધીમે-ધીમે ઉઠાવવા તરફી જે અભિગમ વિશ્ર્વભરમાં જોવા મળી રહ્યા છે એના પરથી કહી શકાય કે આવનારા દિવસોમાં કોવિડ-૧૯ સામેની લડતમાં નવો વળાંક જોવા મળશે. વિશ્ર્વભરમાં બેરોજગારી વધી રહી છે અને ઘણા લોકો નોકરી-ધંધા ગુમાવ્યા પછીના પહેલા ભાડાના પેમેન્ટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે અનેક દેશોની સરકારો લૉકડાઉનમાં રાહત મૂકવા વિચારી રહી છે. ૧૩ દેશો કોવિડ-૧૯ની મહામારીની આર્થિક અસર ઘટે એ સંબંધમાં જાગતિક-સ્તરિય સહકાર માટેનો અનુરોધ કરી રહ્યા છે. આ ૧૩ દેશોમાં કૅનેડા, બ્રાઝિલ, ઇટલી, જર્મની, બ્રિટન, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, મેક્સિકો, મોરોક્કો, પેરુ, સાઉથ કોરિયા, સિંગાપોર અને તુર્કીનો સમાવેશ છે.
આ રાષ્ટ્રો જાહેર આરોગ્ય, પ્રવાસ, વેપાર, આર્થિક અને નાણાકીય પગલાના મુદ્દે એકમેક સાથે સંકલન જાળવવા કટિબદ્ધ છે.
અમેરિકાના ત્રણ સ્ટેટમાં આ અઠવાડિયે દેખાવકારો જાહેરમાં ભેગા થયા હતા અને લૉકડાઉન સંબંધિત નિયંત્રણો પાછા ખેંચી લેવાનો અનુરોધ સરકારને કર્યો હતો. સૌથી મોટા દેખાવો મિશિગન સ્ટેટમાં થયા હતા જેમાં ૩,૦૦૦ લોકો એકત્રિત થયા હતા. એમાંથી અમુક લોકો શસ્ત્ર સાથે આવ્યા હતા. અમેરિકામાં કોરોનાનો ચેપ લાગ્યો હોય એવા ૭,૦૦,૦૦૦ કરતાં પણ વધુ કેસ નોંધાયા છે અને ૩૭,૦૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે.
યુરોપમાં અમુક ભાગોમાં કોવિડ-૧૯ની મહામારીની તીવ્રતા ઘટી રહી હોવાના સંકેતો મળતાં સ્વિટ્ઝરલૅન્ડ, ડેન્માર્ક અને ફિનલૅન્ડમાં આ અઠવાડિયે દુકાનો અને સ્કૂલો ફરી ખોલવામાં આવી હતી. જર્મનીના આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે ‘દેશમાં કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે.’ જર્મનીમાં કોરોનાને કારણે ૩,૪૦૦ લોકોના મૃત્યુ થયા છે, પરંતુ કોરોના બીજા રાઉન્ડમાં ન ત્રાટકે એની તકેદારી રાખીને અમુક નિયંત્રણો કેવી રીતે પાછા ખેંચી લેવા એનું ખૂબ નાજુક કામ જર્મન સરકાર હાથમાં લેવા જઈ રહી છે. જર્મનીમાં અમેરિકામાં કોરોનાનો ચેપ લાગ્યો હોય એવા ૧,૪૧,૦૦૦ કરતાં પણ વધુ કેસ નોંધાયા છે અને ૪,૩૫૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે.
સોમવારે જર્મનીમાં અમુક પ્રકારની નાની દુકાનોને ફરી ખોલવામાં આવશે અને અમુક સ્તરના બાળકો ફરી સ્કૂલે જતા થઈ જશે.
ઇટલીમાં કોરોનાનો ચેપ લાગ્યો હોય એવા ૧,૭૨,૦૦૦ કરતાં પણ વધુ કેસ નોંધાયા છે અને ૨૨,૭૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ઇટલીમાં અમુક ભાગો પણ લૉકડાઉનમાંથી બહાર આવી રહ્યા છે.
બીજી તરફ, જાપાન તેમ જ બ્રિટન અને મેક્સિકોમાં લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. ઘણા દેશોમાં કોરોનાની મહામારીથી અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. ચીનમાં ઘણા દાયકાઓમાં પહેલી વાર જીડીપી (કુલ રાષ્ટ્રીય ઉત્પાદન)નો દર ઘટ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


