સુરત આવતા વિમાનોને નડી રહેલા 80 બિલ્ડિંગ્સના 190 ફ્લેટ્સ હથોડા ઝીંકાશે?
સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ્સના મુદ્દે પખવાડિયામાં તપાસ રિપોર્ટ આવશે
એરપોર્ટના રનવેને નડતરરૂપ 80 બિલ્ડિંગ્સના 190 ફ્લેટ્સ પર હથોડા ઝીંકવા કે કેમ મુદ્દે હવે પખવાડિયામાં કોઈ સ્પષ્ટ સંકેત મળે તેમ છે. એરપોર્ટ ઓથોરિટીએ નાસિકની એજન્સીને સરવે કરીને તપાસ રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યુ છે. આ એજન્સી સોમવારથી સરવેનું કામ પણ હાથ ધરી દેશે. 80 જેટલી બિલ્ડિંગ્સના તમામ નહીં પણ 190 ફ્લેટ્સ પૈકી કેટલાક સમૂળગા તોડી નાંખવા પડે તો કેટલાકના આંશિક હિસ્સાને દૂર કરીને બિલ્ડિંગની ઉંચાઇ નિર્ધારિત પ્રમાણ સુધી લાવવી પડે તેમ છે.
(પ્રતિકાત્મક તસ્વીર)
સૌથી પહેલા આ તપાસ એજન્સીએ આજે પાલિકા, કલેક્ટરાલય અને એરપોર્ટ ઓથોરિટી સાથે એક બેઠક પણ યોજી દીધી છે. ગયા સોમવારે ડીજીસીએના સ્ટાફે સુરતની મુલાકાત પણ લીધી હતી. છેલ્લાં ઘણા સમયથી 18 પ્રોજેક્ટ્સની 80 બિલ્ડિંગ્સ અને 190 ફ્લેટ્સ સુરત એરપોર્ટને નડી રહ્યાં છે. આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં મુકાયો છે. આ મુદ્દે ગત 26મી મેના રોજ એક બેઠક સુરત પાલિકા, કલેક્ટરાલય, પીડબલ્યુડી વિભાગ, સુડા અને એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાઈ હતી.
પાલિકાના અધિકારીઓએ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા
બેઠકમાં પાલિકા તરફથી એવી રજૂઆત થઈ હતી કે, આ જે વિવાદી બિલ્ડિંગ્સ છે, તે પ્રોજેક્ટ્સની મંજૂરી માટે સુરત મહાનગર પાલિકા પાસે જે સમયે અરજીઓ સામે આવી હતી. તે સમયે રાજ્ય સરકારના પીડબલ્યુડી વિભાગના એનઓસીના આધારે ફાઇનલ પ્લોટ બનાવાયા હોઈ તેના ઉપર ડેવલપમેન્ટ માટેની મંજૂરીની પ્રક્રિયા આગળ વધારાઈ હતી. તેમાં એરપોર્ટ ઓથોરિટીએ પણ એનઓસી આપ્યું હોવાથી પાલિકાએ આ તમામ 80 બિલ્ડિંગ્સને સાંકળતા 18 પ્રોજેક્ટસને મંજૂરી આપી હતી. એટલે પાલિકાની તરફે કોઈ મુદ્દો રહેતો નથી. એમ કહીને સિફતપૂર્વક હાથ ખંખેરી લીધાં હતાં.
મ્યુનિ.ને ગેરમાર્ગે દોરીને પ્લાન મંજૂર કરાવાયા હતા
તપાસના ધમધમાટને પગલે ઓર્ગેનાઈઝર્સમાં ફફડાટ ફેલાવા માંડ્યો છે કેમકે વિવાદી પ્રોજેક્ટ્સના પ્લાન મંજૂર કરાવવા માટે પાલિકાને ખોટી વિગતો અપાઈ હતી. આને આધારે પાલિકા ઇચ્છે તો પ્લાન રદ્દ કરી શકે તેમ હોવા છતાં વિવાદમાંથી પાલિકાએ હોંશિયારીપૂર્વક હાથ બહાર કાઢી લીધાં છે. ઉપરથી કલેક્ટરાલય એટલે કે રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે કોઈ સહયોગ જોઈતો હોય તો અમે આપવા માટે તૈયાર છીએ, તેવું જણાવીને હાથ ઉપર રાખ્યો હતો. એટલે દડો ફરી એરપોર્ટ ઓથોરિટીના પલ્લામાં પડ્યો હતો. એટલે, એરપોર્ટ ઓથોરિટીએ આવી બિલ્ડિંગ્સની તપાસ કરીને રિપોર્ટ કરાવવા માટેની ગતિવિધિ શરૂ કરી દીધી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


