CIA ALERT

વાનખેડે પર હૈદરાબાદને લાગ્યો વૉટ્સનનો 117 વોટ્સનો કરન્ટ, ચૈન્નઇ 3જી વાર આઇપીએલ ચેમ્પીયન

Share On :

વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સે અને ખાસ કરીને એના કાંગારું ઓપનર શેન વૉટ્સને (૧૧૭ અણનમ, ૫૭ બૉલ, ૮ સિક્સર, ૧૧ ફોર) સુપર-સન્ડે મનાવ્યો હતો. મૅન ઑફ ધ મૅચ બનેલા વૉટ્સને આ હાઇ-પ્રેશર મૅચમાં એકલા હાથે ચેન્નઈની ટીમને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની રોમાંચક ફાઇનલ જિતાડી આપી હતી. એ સાથે, તે આઇપીએલની ફાઇનલમાં વિનિંગ-સેન્ચુરી ફટકારનારો પહેલો જ ખેલાડી બન્યો છે.

બે વર્ષના સસ્પેન્શન બાદ આ વખતે આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં પાછી ફરેલી ચેન્નઈની ટીમે એ સાથે મુંબઈ ઇન્ડિયન્સની માફક ત્રીજી વખત આ સ્પર્ધાની ટ્રોફી જીતી લીધી હતી. વધુ ખૂબીની વાત એ છે કે ચેન્નઈએ આ વખતની આઇપીએલમાં હૈદરાબાદને ચારેય મુકાબલામાં હરાવ્યું હતું.

લીગ રાઉન્ડના અંત સુધી પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે રહેલી હૈદરાબાદની ટીમ બોલિંગના જોર પર ચૅમ્પિયન બનશે એવી અસંખ્ય ક્રિકેટપ્રેમીઓમાં દૃઢ માન્યતા હતી, પરંતુ વૉટ્સને એ જ બોલિંગને ચીંથરેહાલ કરી નાખી હતી. તેણે ઓપનિંગમાં આવ્યા બાદ મૅચના અંત સુધી વાનખેડે ગજાવ્યું હતું.

ટુર્નામેન્ટની શરૂઆતમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈની ટીમને ‘ઘરડાઓની ટીમ’ તરીકે ઓળખાવવામાં આવી હતી, પરંતુ એ જ ટીમે વિજેતાપદ મેળવીને ક્રિકેટજગતને આશ્ર્ચર્યમાં મૂકી દીધું છે. ચેન્નઈને જીતવા ૧૭૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે ૧૮.૩ ઓવરમાં બે વિકેટના ભોગે બનેલા ૧૮૧ રનના ટોટલ સાથે હાંસલ કરી લીધો હતો. વૉટ્સનની સાથે અંબાતી રાયુડુ (૧૬ અણનમ, ૧૯ બૉલ, એક સિક્સર, એક ફોર) છેક સુધી ક્રીઝ પર રહ્યો હતો. એ પહેલાં, વૉટ્સનને સુરેશ રૈના (૩૨ રન, ૨૪ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) સારો સાથ મળ્યો હતો અને બન્ને વચ્ચે બીજી વિકેટ માટે ૧૧૭ રનની ભાગીદારી થઈ હતી જે મૅચ-વિનિંગ નીવડી હતી.

સ્પર્ધાના સર્વશ્રેષ્ઠ બોલર ગણાતા અફઘાનિસ્તાની સ્પિનર રશીદ ખાનને ૨૪ રનમાં એકેય વિકેટ નહોતી મળી.

એ પહેલાં, બૅટિંગ મળ્યા પછી હૈદરાબાદની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૮ રન બનાવ્યા હતા. આ મૅચ પહેલાં સ્પર્ધામાં સૌથી વધુ ૬૮૮ રન બનાવનાર કૅપ્ટન કેન વિલિયમસને રવિવારે બે સિક્સર અને પાંચ ફોરની મદદથી ૩૬ બૉલમાં પોતાની ટીમમાં સૌથી વધુ ૪૭ રન બનાવ્યા હતા, જ્યારે યુસુફ પઠાણ પચીસ બૉલમાં બે છગ્ગા અને ચાર ચોક્કાની મદદથી બનેલા ૪૫ રને અણનમ રહ્યો હતો. દાવના અંતભાગમાં કાર્લોસ બ્રેથવેઇટે ૧૧ બૉલમાં ત્રણ સિક્સરની મદદથી ૨૧ રન ખડકી દીધા હતા.

હૈદરાબાદની ટીમ ચેન્નઈ સામેની આગલી મૅચમાં (૨૨મી મેએ) ૭ વિકેટે ફક્ત ૧૩૯ રન બનાવી શકી હતી.

રવિવારે ચેન્નઈએ હૈદરાબાદના બૅટ્સમેનોને બૅટિંગ આપ્યા પછી શરૂઆતમાં બાંધીને રાખ્યા હતા. પહેલી ચાર ઓવરમાં ફક્ત એક બાઉન્ડરી ગઈ હતી તેમ જ શ્રીવત્સ ગોસ્વામીએ રનઆઉટમાં પોતાની વિકેટ પણ ગુમાવી હતી. જોકે, ૧૩ રન પર એ વિકેટ પડ્યા પછી વિલિયમસન અને પચીસ બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી ૨૬ રન બનાવનાર શિખર ધવન વચ્ચેની ભાગીદારી મજબૂત બનતી ગઈ હતી. નવમી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ ધવનને ક્લીન બોલ્ડ કર્યો ત્યાં સુધીમાં કૅપ્ટન સાથે તેણે બીજી વિકેટ માટે ૫૧ રનની ભાગીદારી નોંધાવી દીધી હતી.

કૅપ્ટન વિલિયમસને શાકીબ-અલ-હસન (૨૩ રન)ને ચોથા નંબર પર પ્રમોટ કર્યો હતો અને પાંચમા ક્રમે યુસુફ પઠાણને મોકલ્યા બાદ છઠ્ઠે દીપક હૂડા (૩ રન)ને તેમ જ સાતમે કાર્લોસ બ્રેથવેઇટ (૨૧ રન)ને રમવા મોકલ્યો હતો, પરંતુ નવાઈની વાત એ છે કે કોલકતા સામેની આગલી મૅચમાં ચાર સિક્સર, બે ફોરની મદદથી ૧૦ બૉલમાં ૩૪ રન ઝૂડી કાઢનાર રશીદ ખાનને બૅટિંગ કરવાની તક જ નહોતી આપી.

ટૂંકો સ્કોર

સનરાઇઝર્સ હૈદરાબાદ: ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૮ રન (વિલિયમસન ૪૭, યુસુફ ૪૫ અણનમ, ધવન ૨૬, શાકીબ ૨૩, બ્રેથવેઇટ ૨૧, ગોસ્વામી ૫, હૂડા ૩, ઍન્ગિડી ૨૬ રનમાં તેમ જ ઠાકુર ૩૧ રનમાં, કર્ણ શર્મા પચીસ રનમાં, બ્રાવો ૪૬ રનમાં અને જાડેજા ૨૪ રનમાં એક વિકેટ)

ચેન્નઈ સુપર કિંગ્સ: ૧૮.૩ ઓવરમાં બે વિકેટે ૧૮૧ રન (વૉટ્સન ૧૧૭ અણનમ, રૈના ૩૨, રાયુડુ ૧૬ અણનમ, ડુ પ્લેસી ૧૦, બ્રેથવેઇટ ૨૭ રનમાં એક, સંદીપ બાવન રનમાં એક વિકેટ, ભુવી ૧૭ રનમાં તેમ જ કૌલ ૪૩ રનમાં, રશીદ ૨૪ રનમાં અને શાકીબ ૧૫ રનમાં એકેય વિકેટ નહીં)

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :