બૅંકોએ ૬૨,૦૦૦ કરોડ રૂપિયાની લોન માંડી વાળી
બૅન્કોએ ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં (વાર્ષિક ધોરણે) ટોચના ૧૦૦ ડિફોલ્ટરોની કુલ લગભગ ૬૨,૦૦૦ કરોડ રૂપિયાની લોન માંડી વાળી હોવાનું જાણવા મળ્યું હતું. ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ માંડી વાળવામાં આવેલી ડિફોલ્ટરોની લોનનો આંકડો કુલ ૫૮,૩૭૫ કરોડ રૂપિયા હતો.આ તમામ વિલફુલ ડિફોલ્ટરો છે જેઓ જાણીબૂઝીને લોન ન ભરી શક્તા તેમની લોનની માંડવાળ કરવામાં આવી છે.
ટોચના ૧૦૦ વિલફુલ ડિફોલ્ટરોની યાદીમાં જતીન મહેતાની વિન્સમ ડાયમંડ્સ ઍન્ડ જ્વેલરીનું નામ મોખરે છે, આ કંપનીની ૩,૦૯૮ કરોડ રૂપિયાની લોનની માંડવાળ કરી નાખવામાં આવી છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ) ધારા સાથે સંકળાયેલા બિશ્ર્વનાથ ગોસ્વામી નામના કાર્યકર સાથે શૅર કરેલા ડૅટામાં વિવિધ કંપનીઓની માહિતી મળી હતી જે એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થઈ છે.
મેહુલ ચોક્સીની માલિકીની કંપની ગીતાંજલી જેમ્સ ટોચની વિલફુલ ડિફોલ્ટર હતી અને એના ખાતે ૫,૦૭૧ કરોડ રૂપિયાની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ) છે. બૅન્કોએ એ કંપનીની ૬૨૨ કરોડ રૂપિયાની લોન માંડી વાળી છે.
બૅન્કોએ બાસમતી ચોખા બનાવતી કંપની આરઇઆઇ (રેઇ) એગ્રોની ૨,૭૮૯ કરોડ રૂપિયાની લોન, રસાયણો બનાવતી કંપની કુડોસ કેમીની ૧,૯૭૯ કરોડ રૂપિયાની લોન, ક્ધસ્ટ્રક્શન કંપની ઝૂમ ડેવલપર્સની ૧,૯૨૭ કરોડ રૂપિયાની તેમ જ શીપબિલ્ડિંગ કંપની એબીજી શિપયાર્ડની ૧,૮૭૫ કરોડ રૂપિયાની લોન ‘રાઇટ ઑફ’ કરી છે.
વિજય માલ્યાની કિંગફીશર ઍરલાઇન્સની માંડી વાળવામાં આવેલી લોનનો આંકડો ૧,૩૧૪ કરોડ રૂપિયા હોવાનું ડૅટામાં જણાવાયું હતું.
રિઝર્વ બૅન્કે ૨૦૧૫ની સાલના સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કરીને લોન લેનારા વિદેશીઓ વિશેની માહિતી આપી ન હતી.
જોકે, જેમની પણ લોન માંડવાળ કરવામાં આવી છે (રાઇટ ઑફ કરાઈ છે) એવા લોકો અને કંપનીઓ હજી પણ એ લોન ભરપાઈ કરવાને જવાબદાર છે.
નવાઈની વાત એ છે કે રિઝર્વ બૅન્કે ગયા વર્ષે ઑગસ્ટમાં ગોસ્વામી દ્વારા નોંધાવવામાં આવેલી આરટીઆઇ પિટિશનના જવાબમાં ટોચના ૧૦૦ વિલફુલ ડિફોલ્ટરોની વિગતો પોતાની પાસે હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ગોસ્વામીએ આરબીઆઇની ઍપેલેટ ઑથોરિટી સમક્ષ આરબીઆઇની એ પ્રતિક્રિયાને પડકારી હતી.
આરબીઆઇએ સામાજિક-કાનૂની સંશોધક તરીકે જાણીતા આરટીઆઇ ઍક્ટિવિસ્ટ ગોસ્વામીને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે પ્રથમ ઍપેલેટ ઑથોરિટીના આદેશના સંદર્ભમાં અમારી આ પ્રતિક્રિયા છે.
અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ગોસ્વામીએ પ્રત્યાઘાતમાં એવું કહ્યું હતું કે આરટીઆઇને લગતા જવાબોમાં જે રીતે વિલંબ કરાય છે અને માહિતીને દબાવી દેવામાં આવે છે એના પરથી આવી બાબતોના સંચાલનમાં સંપૂર્ણતા (નીતિમત્તા) અને પારદર્શકતાનો અભાવ ફલિત થાય છે.
૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ આંકડા મુજબ ટોચના ૧૦૦ વિલફુલ ડિફોલ્ટરોની કુલ ૬૧,૯૪૯ કરોડ રૂપિયાની લોન બૅન્કોએ ‘રાઇટ ઑફ’ કરી નાખી હતી. અંગ્રેજી દૈનિકના અહેવાલ અનુસાર ટોચના આ ૧૦૦ ડિફોલ્ટરોની ભૂંસી નાખવામાં આવેલી લોનનું કુલ પ્રમાણ ૮૪,૦૦૦ કરોડ રૂપિયા છે.
ચાર વર્ષથી જૂના એનપીએ સામે પૂર્ણ જોગવાઈ કરવાની અને એ રીતે એ લોન ભૂંસી નાખવાની બૅન્કોને આરબીઆઇ તરફથી સૂચના અપાઈ છે. આનાથી બૅન્કોને બૅલેન્સ-શીટ્સને ક્લીન કરવામાં મદદ મળે છે તથા ટેક્સના લાભો પણ મેળવી શકાય છે.
૨૦૨૦ના નાણાકીય વર્ષમાં બૅન્કોએ કુલ ૨.૩૮ લાખ કરોડ રૂપિયાની લોન ‘રાઇટ ઑફ’ કરી હતી. એનાથી બૅન્કોની કુલ ગ્રોસ એનપીએ (આગલા વર્ષની તુલનામાં) ૯.૧ ટકાથી ઘટીને ૮.૨ ટકા રહી હતી. રિઝર્વ બૅન્કે છેલ્લામાં છેલ્લા ‘ટ્રેન્ડ ઍન્ડ પ્રોગ્રેસ ઑફ બૅન્કિંગ ઇન ઇન્ડિયા’માં જણાવ્યું છે કે વર્ષ દરમિયાન એનપીએમાંનો ઘટાડો મોટા ભાગે રાઇટ ઑફ્સને કારણે હતો.
જોકે, કેન્દ્ર સરકાર આવા ડિફોલ્ટરો પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ રાખતી હોય છે.
દરમિયાન, તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગીતાંજલી ગ્રુપ તથા એના પ્રમોટર અને જ્વેલર મેહુલ ચોક્સીની ૧૪ કરોડ રૂપિયાથી પણ વધુ મૂલ્યની ઍસેટ્સને ટાંચ મારી હતી. આ પ્રોપર્ટીમાં ગોરેગામના ઓટૂ ટાવરમાંના ૧,૪૬૦ સ્ક્વેર ફૂટના ફ્લૅટનો, ગોલ્ડ અને પ્લેટિનમ જ્વેલરીનો, હીરાનો, કેટલાક નેકલેસનો તથા ઘડિયાળોનો અને મર્સિડીઝ બેન્ઝ કારનો સમાવેશ હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
