કરુણાનિધિ, તમિળનાડુનો એક રાજકીય યુગાંત
ચેન્નઇ: એક પટકથાલેખકની રૂએ તેઓ તમિળનાડુમાં ભગવાનનો દરજ્જો ભોગવતા ફિલ્મસ્ટારોના પડછાયામાં રહી શક્યા હોત પરંતુ વિધિએ તેમની માટે કંઇક ઓર જ વિચાર્યું હતું.
આખાબોલા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા કરુણાનિધિની યોજના જ કંઇ અલગ હતી. તમિળનાડુના દ્રવિડીયન રાજ્યના નાયક બનીને તેમણે ભલભલા ફિલ્મસ્ટારોને ઝાંખા પાડી દે તેવી રિઅલ એક્ટિંગ કરી લીધી. ટીનસેલ ટાઉનના અને રાજકીય તખ્તાના તેમના કટ્ટર હરિફ એમ. જી. રામચંદ્રન અને તેમના મિત્ર જયલલિતાને તેમણે વર્ષો સુધી હંફાવ્યા અને તમિળનાડુની રાજગાદી પર એક વાર નહીં પરંતુ પાંચ-પાંચ વાર રાજ કર્યું.
વર્તમાન સમયના રાજકીય કાવાદાવાઓની પાકી સમજ અને આવડત ધરાવતા કરુણાનિધિનું તેમના રાજ્યની બહાર પણ અને દિલ્હીના રાજકીય વર્તુળોમાં પણ સારું એવું પ્રભુત્વ હતું. નવી દિલ્હીમાં કૉંગ્રેસ અને ભાજપ બંને સાથે યુતિ કરી તેમણે ઘણી વાર તકવાદી તરીકે લોકોની ખફગી પણ વહોરી લીધી હતી.
મુથુવેલ કરુણાનિધિ પાંચ વખત તમિળનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા. ૧૯૩૮માં ૧૪ વર્ષની નાની વયે તેમના ગામ તિરુવરુરમાં હિન્દી વિરોધી આંદોલનમાં જોડાઇને તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું.
બુદ્ધિગમ્ય અને સમતાવાદી વિચારધારા ધરાવતા ડીએમકે પક્ષના સ્થાપક ઇ.વી. રામાસામી ‘પેરિયાર’ અને રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન સી. એન. અન્નાદુરાઇના વિચારોની ઘણી ઊંડી અસર તેમના પર પડી હતી અને ધીમે ધીમે તેઓ દ્રવિડીયન આંદોલનનો ચહેરો બની ગયા, જે મહિલાઓ માટે અને સમાજના પછાત વર્ગ માટે સમાન અધિકારની લડત ચલાવતા હતા અને બ્રાહ્મણ પ્રથાના વિરોધી હતી.
વિધાનસભામાં તેઓ ૧૩ વખત ચૂંટાયા હતા. ફેબ્રુઆરી, ૧૯૬૯માં અન્નાદુરાઇના મૃત્યુ બાદ પોતાના કૌશલ્ય અને હોંશિયારીથી વી.આ. નેદુચેરિયનને પાછળ ઠેલી તેઓ મુખ્ય પ્રધાન બની ગયા.
તેમના જુનિયર અને લોકલાડીલા ફિલ્મ કલાકાર એમ. રામચંદ્રને નેદુચેરિયનને તેમના રસ્તામાંથી હટાવવામાં ઘણો સાથ આપ્યો, એ સમયે નેદુચેરિયન અન્નાદુરાઇ કેબિનેટમા ંનંબર ટૂના સ્થાને ગણાતા હતા.
વર્ષો બાદ કરુણાનિધિ અને એમજીઆર (રામચંદ્રનનું લોકલાડીલું નામ) છૂટા પડ્યા. એમજીઆરે એઆઇએડીએમકે પક્ષની સ્થાપના કરી.
૧૯૫૭માં તેઓ કુલીથલાઇ મતદારક્ષેત્રમાંથી જીતીને આવ્યા ત્યારથી લઇને ૨૦૧૬માં જ્યારે તેઓ થિરુવરુર ખાતેથી ચૂંટાઇ આવ્યા ત્યાં સુધી છ દાયકા સુધી કરૂણાનિધિ ધારાસભ્ય રહ્યા હતા. (૧૯૮૬ ને ૧૯૮૯ના સમયગાળાને બાદ કરતા)
૧૯૮૪માં તેઓ વિધાન પરિષદમાં ચૂંટાયા, જેને એમજીઆર સરકારે ૧૯૬૯માં નાબૂદ કરી. શ્રીલંકાના તમિળોના પ્રશ્ર્ને તેમણે ૧૯૮૩માં તેમણે વિધાનસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું.
૧૬૬૯ના જુલાઇમાં તેઓ ડીએમકેના વડા બન્યા અને આ પોસ્ટ પર તેઓ મૃત્યુ પર્યંત રહ્યા.
૧૯૭૧, ૧૦૮૯, ૧૯૯૬, ૨૦૦૬માં તેઓ તામિળનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા. ૨૦૧૧માં તેઓ જ્યારે તેમના મિત્ર-કમ-દુશ્મન જયલલિતાના હાથે હાર્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘લોકોએ મને થોડો આરામ આપ્યો છે.’
ડીએમકેના મુખપત્ર મુરાસોલીમાં તેઓ મુ.કા.ના નામે ઓળખાતા હતા. તેમની આત્મકથા નેનજુકુ નિધિ’ તેમના સમર્થકો માટે તેમના જીવનની ઘણી રસપ્રદ માહિતી પૂરી પાડે છે.
તેમની જેમ જ ફિલ્મી બૅક ગ્રાઉન્ડ ધરાવતા અન્નાદુરાઇની સાથે સાથે તેમણે પણ ફિલ્મી માધ્યમનો તેમની રાજકીય કારકિર્દી ઉંચકવા ઉપયોગ કર્યો. એમજીઆર અને અન્ય ટીનસેલ ટાઉન આઇકોન ગણેશનની પ્રથમ ફિલ્મના ડાયલોગ કરુણાનિધિએ લખ્યા હતા.
૧૯૭૨માં ભ્રષ્ટાચારના મુદ્દે એમજીઆરે જ્યારે કરુણાનિધિ સામે જ્યારે મોરચો માંડ્યો અને પાર્ટીના ફાઇનાન્સનો હિસાબ માગ્યો ત્યારે કરૂણાનિધિની રાજકીય કારકિર્દીને ભારે ધક્કો લાગ્યો.એમજીઆરની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને એઆઇએડીએમકેનો જન્મ થયો. એમજીઆરના પક્ષનો ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૫માં વિજય થયો અને ૧૯૮૭માં મૃત્યુ સુધી એમજીઆર મુખ્ય પ્રધાનપદે રહ્યા અને કરુણાનિધિને વિરોધ પક્ષમાં બેસવાની ફરજ પડી.
૧૯૮૯માં ફરીથી સત્તા પર આવેલા કરુણાનિધિને ૧૯૯૧માં એમજીઆરની મિત્ર જયલલિતાના હાથે હાર ખમવી પડી. તેઓ ૧૯૯૬માં પાછા સત્તા પર આવ્યા, પરંતુ જયલલિતાના શાસનમાં એઆઇએડીએમકે ૨૦૦૧માં તેમનો પરાભવ થયો.
રાજકારણમાં કોઇ કાયમી મિત્ર નથી અને કોઇ કાયમી શત્રુ નથી એ ઉક્તિને સાર્થક ઠેરવતા હોય તેમ તેમણે ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો વિરોધ કર્યો અને ઘણી વાર કૉંગ્રેસ, ભાજપ સાથે ગઠબંધન પણ કર્યું.
વાજપેયીની ભાજપ સરકારે શ્રીલંકાના તમિળો સામે થયેલા અત્યાચાર અંગે કૂણું વલણ અપનાવ્યુ એના વિરોધમાં તેમણે તેમની સરકાર સાથે છેડો ફાડ્યો હતો.
૧૯૮૦માં તેમણે કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા.
તેમની પુત્રી અને સાસંદ કનિમોઝીનું નામ જ્યારે ટૂ-જી કૌંભાંડમાં આવ્યું ત્યારે તેમને ધક્કો લાગ્યો.
દરેક પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલનાર કરુણાનિધિ રાજકીય માસ્ટર તરીકે હંમેશા યાદ રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
