CIA ALERT
26. April 2024
February 28, 20191min12170

બાળકની અત્યંત નિકટ પહોંચવાનો પર્વ એટલે પરીક્ષા

Share On :
Print Friendly, PDF & Email

જેમ જેમ પરીક્ષાનો સમય નજીક આવતો જાય છે. તેમ તેમ છોકરાઓના મગજ પર દબાણ વધતું જાય છે. મગજની આ માથાકૂટમાં છોકરાઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાવું જરૂરી છે. પરીક્ષામાં દેખાવ પણ ત્યારે જ સુધરે જ્યારે છોકરાઓના કોઇ પણ જાતના દબાણ વગર તૈયારી કરે. બાળકની પરીક્ષાએ માબાપને એવી તક આપે છે કે માબાપ પરીક્ષા સમયે બાળકની સૌથી નિકટતમ પહોંચી શકે છે, બાળક પરીક્ષાના સમયે લાગણીશીલ હોય છે, ભયભીત હોય છે આવા સંજોગોમાં માબાપની હૂંફ, ઉર્જા બાળકને કાયમ માટે એવી અનુભૂતિ કરાવે છે કે કપરી સ્થિતિમાં પરિવાર એક છે, માબાપ તેની સાથે છે. પરીક્ષા સમયે માબાપે ન તો વધુ પડતા કડક ના તો વધુ પડતા નરમ પણ સહાનુભૂતિપૂર્વક વર્તન કરવાની જરૂર હોય છે.

પરીક્ષા સમયે માતાપિતાએ તેમના મગજ પરનું દબાણ હળવું કરવા શું કરવું જોઇએ તેની થોડી ટિપ્સ આપી છે એ મમળાવો.

૧) બાળકો સારા નંબર લાવે એવું દબાણ ક્યારેય ન લાવો. બસ, એને એવો વિશ્ર્વાસ અપાવો કે એ તેનું સારામાં સારું પ્રદર્શન કરે. નંબર કે રેન્ક સારી ન આવે તો પણ એ તેનું મનોબળ ન તોડે એ સમજાવો. બીજી વાર બહેતર પ્રયાસ કરવાનું કહો.

૨) છોકરાઓને પ્રશ્ર્નપત્ર ઘરે સોલ્વ કરવાનું કહો. જેટલી સમય મર્યાદામાં પરીક્ષાના ખંડમાં બેસીને પેપર લખવાનું હોય છે. તેટલો જ સમય અને તેવો જ માહોલ ઘરે તૈયાર કરીને તેને આગલા વર્ષનું પેપર ઘરે સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરાવો. તેમને એવી અનુભૂતિ કરાવો કે તમે એમની સાથે છો. તેમની મુસીબતોને સમજો છો.

૩) છોકરાઓ હોશિયાર હોવા છતાં ઘણી વાર પરીક્ષા સમયે કોઇ ભૂલચૂક થવાથી માર્ક્સ કપાઇ જતા હોય છે. આ બધુ તો સામાન્ય છે, એવું તેના મનમાં ઠસાવો. એ બધું ભૂલીને બીજા દિવસની તૈયારીમાં લાગી જવાનું કહો.

૪) બાળકોને પૂરો સમય અભ્યાસ કરવાનું ન કહેતાં. તેને વચ્ચે થોડો બ્રેક આપો. તેણે જે પણ કંઇ વાંચ્યું હોય એને મગજમાં પચાવવાની તક આપો. ચા-નાસ્તો તેના રૂમમાં ન આપતાં. પરિવારની સાથે ખાવા બેસે તો તેનું દિમાગી ટેન્શન ઘણું હળવું રહે.

૫) જીવનમાં પરીક્ષાઓ આવે, પણ પરીક્ષા એ જ જીવન નથી. એવું સતત મનમાં ઠસાવો. પરીક્ષા એ એક માત્ર પડાવ છે, એ અંતિમ લક્ષ્ય નથી. આપણે માત્ર કર્મ કરવાનું છે તેના ફળથી વિચલિત થવાનું નથી એ યાદ રાખો. પરીક્ષામાં નાપાસ થયેલા તે ઓછા માર્કે પાસ થયેલા પણ કારકિર્દી અને જીવનમાં સફળ થતાં હોય છે. પરીક્ષામાં અવ્વલ નંબરે પાસ થયેલા પણ જીવનમાં ઘણી વાર નિષ્ફળ જતાં હોય છે.

૬)યાદશક્તિ વધે તેવી રીતો શીખો અને શીખવાડો. યાદશક્તિ વધે તેના ઘણા ઉપાયોની હવે તો ચોપડી પણ મળતી હોય છે. આમાંથી ઘણા કીમિયા તો ખરેખર ઓછી મહેનતે વધુ કામ આપી જતાં હોય છે. યાદ રાખવાની કળા માત્ર પરીક્ષામાં જ નહીં. સમગ્ર જીવન દરમ્યાન પણ લાભ આપતી હોય છે.

૭) પ્રશ્ર્નપત્રમાં જે સહેલા પ્રશ્ર્નો હોય, જેના જવાબ જલદીથી લખાઇ જતા હોય એ પહેલાં સોલ્વ કરવાનું સમજાવો. અઘરા પ્રશ્ર્નો માટે પછીથી પ્રયત્ન કરવો. અઘરા પ્રશ્ર્નો પહેલાં સોલ્વ કરવા જતાં સમય વધુ જાય છે અને ઘણી વાર સહેલાં પ્રશ્ર્નો સમય ન રહેવાથી છૂટી જતાં હોય છે.

૮) અન્ય વિદ્યાર્થી સાથે સરખામણી ન કરો. ઘણા માબાપ એમના છોકરાને કોઇ વિષયમાં કેટલા માર્ક આવ્યા તેની ચિંતા કરતાં બીજા છોકરાને એ વિષયમાં કેટલા આવ્યા તેમાં વધુ રસ ધરાવતા હોય છે. આ સરખામણીનો કોઇ ફાયદો જ નથી. ધારો કે પેલા છોકરાને સારા માર્ક આવ્યા હોય તો તમે તમારા છોકરા પર અપેક્ષાનું દબાણ જ વધારો છો અને ધારો કે એનાથી ઊલટું થાય પેલા છોકરાને ઓછા માર્ક આવ્યા હોય તો તમને અંદરથી ખુશી થાય છે અને તમારા છોકરાની પ્રગતિ અટકી જાય છે.

દરેક પરીક્ષાએ જો સરખામણી કરવી જ હોય તો દરેકે પોતાની જાત સાથે જ સરખામણી કરવી જોઇએ. ગયા વખતની પરીક્ષા વખતે તમારા સંતાને શું ભૂલો કરી હતી? આ વખતે શું સુધારા કર્યા? તેનું પરિણામ કેવું આવ્યું? ગમે એટલો સ્પર્ધાત્મક યુગ કેમ ન હોય? માણસ પોતાની જાત સાથે સ્પર્ધા કરતો રહે. સુધારા વધારા કરતો રહે. આત્મનીરિક્ષણ કરતો રહે તો જીવનમાં સફળતા મળે મળે અને મળે જ.

૯) આત્મહત્યા કે એના વિચારો કરવા એ પણ કાયરતા છે. ઘણા લોકોને શિક્ષણ પદ્ધતિ કે પછી પરીક્ષા પદ્ધતિ સામે વિરોધ હોય છે. ઘણા વિદ્યાર્થી કે માબાપોને એમ થતું હોય છે કે જે વિષયમાં રસ કે આવડત ન હોય એ પણ ભણવા પડે છે. આવા તો શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રશ્ર્નો આવતા રહેતા હોય છે. માત્ર શિક્ષણ જ નહીં, આખી જિંદગી અનેક પ્રશ્ર્નો અને ટ્રાયલ એન્ડ એરરથી ભરેલી હોય છે. તમને એમ થાય કે હું પરીક્ષા પદ્ધતિ બદલી નાખું, જીવન જીવવાની ઢબ બદલી નાખું. જોકે, આ બધું તમે જીવતા રહેશો તો કરી શકશો. આત્મ હત્યા કરવાથી કશું જ નહીં બદલાય. સમાજમાં દરેક સિસ્ટમ કે દરેક રિવાજ માણસ જ બનાવતો હોય છે અને તેમાં વખત જતાં માણસ જ બદલાવ લાવતો હોય છે. માટે પરીક્ષા હોય કે પરીક્ષાનું પરિણામ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નિરાશાવાદી વિચાર ક્યારેય ન કરવા.

ક્રિકેટનો શોખ તો વધતે ઓછે અંશે સહુને હોય છે. આ ક્રિકેટમાંથી એક વસ્તુ શીખવા જેવી છે. પરીક્ષાના પેપરની તો તમે તૈયારી કરી હોય છે અને એમાંથી જ પ્રશ્ર્નો પૂછાતાં હોય છે, જ્યારે ક્રિકેટમાં તો બોલર હવે કયા પ્રકારનો બોલ નાખશે એ ખબર હોતી નથી, છતાંય બેટ્સમેન પોતાની રીતે બેટ વીંઝીને એક, બે, ત્રણ રન કે ચોક્કા-છગ્ગા ફટકારતો રહે છે.

આમ શાળા-કૉલેજની પરીક્ષા હોય કે જીવનની અન્ય કસોટી. દરેક નવા દિવસે પેલા બોલની જેમ અનેક મૂંઝવણો અને મુસીબતો આવતી રહેતી હોય છે અને આપણે તો આપણા પ્રયત્નરૂપી બેટ વડે તેને દૂર બાઉન્ડ્રી પર જ મોકલવાનું ચાલુ રાખવું જોઇએ. જનમ્યા ત્યારથી જ મુસીબતો તો આવતી જ રહેતી હોય છે. એનાથી ગભરાઇને આપણી જીવનરૂપી વિકેટ ફેંકી દેવાને બદલે એ મુસીબતોને જ કેવી રીતે બાઉન્ડ્રીની બહાર મોકલી શકાય એ સતત વિચારતા રહેવું જોઇએ.

આપણા ઘર્મમાં તો જન્મ, મૃત્યુ અને પુનર્જન્મની વિચાર ધારા ફેલાયેલી છે. હાલના જીવનની મુશ્કેલીઓથી ડરી જઇને આત્મહત્યા કરશો તો આવતા જન્મમાં પણ મુશ્કેલીઓ તો સતાવવાની જ, એના કરતાં આ જન્મમાં જ જીવતા રહીને એનો સામનો કરવાનું સતત શીખતા રહેવું જોઇએ. એક દિવસ જરૂર સફળતાનો સોનેરી સૂરજ પણ ઊગશે, ઊગશે અને ઊગશે જ.

——————————

પરીક્ષા વખતે ખાવાપીવામાં  ધ્યાન રાખો. સ્વસ્થ રહો

પરીક્ષા સમયે જ છોકરાઓ બીમાર, સુસ્ત અને આળસુ ન બની જાય. શરીરને પોષણ તેમ જ મગજને સ્ફૂર્તિ મળતી રહે તે રીતે ભોજનનું સમયપત્રક ગોઠવવું જરૂરી છે.

૧) સવારના નાસ્તામાં ફ્ળો, સૂકા મેવા, ફળોના રસ, દૂધ, દહીં , ફણગાવોલા અનાજનું સેવન મગજને શક્તિ આપશે અને સક્રિય રાખશે.

૨) પાઉં, કેક, કુકીઝ, કોલ્ડ્રિંક્સ, વધુ પડતી સાકર, તેલ અને મસાલાવાળી ચીજોથી જેટલા દૂર રહી શકાય એટલું સારું . આ બધી ચીજોથી શરીરમાં આળસ ભરાય અને મગજની ક્ષમતા પર પણ ખરાબ અસર થઇ શકે છે.

૩) પ્રવાહી ચીજોનો વધુ ઉપયોગ કરો. શરીરમાં પાણી ઓછું ન થાય એનું ધ્યાન રાખવું. સમય સમય પર પાણી,જ્યૂસ,સૂપ, છાશ,લસ્સી,નાળિયેર પાણી જેવા પ્રવાહીના સેવનથી મગજમાં સ્ફૂર્તિ રહે છે.

૪) કચુંબરનો ઉપયોગ વધારો. સ્વાદ વધારવા માટે કોઇ પણ કાચા શાકભાજીના કચુંબરમાં કોથમરી, સિંધાલૂણ નમક, મરીનો પાઉડર અને લીંબુ નીચોવીને ચાવી ચાવીને નાસ્તાની માફક ખાઇ શકાય.

૫) મોડી રાત સુધી જાગવાનું થાય તો દર અડધા કલાકે પાણી પીવું જરૂરી છે જેથી જાગરણને કારણે થનારી સમસ્યાઓથી બચી શકાય. વચ્ચે વચ્ચે તળેલી કે શેકેલી ચીજો ન ખાવી જોઇએ.

૬) બે-ત્રણ વાર ધરાઇને ખાવાને બદલે ચાર પાંચ વાર હલકું ભોજન લેવાનો મહાવરો રાખવાથી પાચનની સમસ્યા ઊભી નથી થતી. પોષણ પણ બરાબર મળતું રહે છે અને શરીર તેમ જ મનમાં આળસ ક્ે સુસ્તી આવવાને બદલે સ્ફૂર્તિ અને શક્તિ રહે છે.

૭) સૂકા મેવાનું સેવન કરવું જોઇએ. સવારની ચાની જગ્યાએ બદામવાળું દૂધ વધુ ફાયદાકારક છે.

૮) ચા પીવાની આદત હોય તો પરીક્ષાના દિવસોમાં કોફી પીવાનું રાખવું જોઇએ. કોફી મગજને વધુ સક્રિય રાખે છે. ગ્રીન ટી પણ પી શકાય.

૯) અભ્યાસની વચ્ચે વચ્ચે જ સૂકામેવા કે પછી શીંગદાણા ચાવતા રહેવું જોઇએ. આનાથી મગજ સક્રિય રહેશે. જોકે, એટલું પણ ન ખાવ કે પેટ પૂરું ભરાય જાય અને આળસ પેદા થાય.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :